Wednesday, March 18, 2015

મોઢાં સંતાડવાના દિવસો

હળવે હૈયે
ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

ડરી ગયેલા સપૂતો માસ્ક પહેરીને ડોશીમાનું વૈદુંથી માંડીને ગૂગલબાપાની વિશ્વવાડી સુધી સ્વાઇન ફ્લૂ વિશે માહિતી ફેંદવા માંડ્યા છે. દેશકાળમાં માર્ક્સવાદીઓ કરતાં માસ્કવાદીઓની સંખ્યા કૂદકે અને ભૂસકે વધી રહી છે. માસ્કથી હર્યા-ભર્યા ચહેરાઓની તસવીરો સમૂહ માધ્યમો એટલે કે ‘માસ મીડિયા’માં જોવા મળી રહી છે. આથી, તેને ‘માસ્ક મીડિયા’ પણ કહી શકાય. સ્વાઇન ફ્લૂથી ગભરાઈ ગયેલાં નરો અને નારીઓ ફેસબૂકના પ્રોફાઇલ પિક્ચરમાં પોતાની માસ્કબદ્ધ તસવીર મૂકે છે. કારણ કે, તેમને ફેસબૂક ઉપર દહાડે-મહિને હજારો ચહેરા જોતાં હોય ત્યારે કોનો ચેપ લાગી જાય એ કહેવાય નહીં. આમ પણ, આરોગ્ય અને પરિવાર-કલ્યાણ વિભાગની અખબારી યાદી અનુસાર સ્વાઇન ફ્લૂના વાવડ હોય ત્યારે ફેસબૂક અને વ્હોટ્સએપ જેવાં માધ્યમો ઉપર વાત-ચેટ કરતી વખતે ખાસ સાવધાની રાખવી જરૂરી છે. અહીં ચાર મિત્રો વચ્ચે એકનો એક માસ્ક હોવાથી, સેલ્ફીમાં તસવીરો પણ એક સરખી આવે છે. માસ્કના કારણે ભરાવદાર મૂછના માલિક કે સફાચટ ચહેરાના દાસ એકસરખા લાગે છે. માસ્ક કદરૂપા ચહેરાવાળા માટે મજારૂપ છે, સુંદર ચહેરાવાળા માટે સજારૂપ છે. માસ્કનાં ઓઠાં નીચે ઓમ પુરીના ચહેરા ઉપરનાં ચાઠાં કે દીપિકા પાદુકોણેના ગાલે પડતાં ખંજન દેખાતાં નથી. માસ્ક પહેરવાથી ‘નાક કપાઈ જવું’, ‘મૂછમાં હસવું’ જેવા રૂઢિપ્રયોગોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થઈ રહ્યું છે.

અંગ્રેજી ભાષાના ‘સ્વાઇન ફ્લૂ’ સામે ગુજરાતી ભાષાનું રક્ષણ કરવું હોય તો ‘માસ્ક’ માટે ‘મુખ-પટલ’ કે ‘મુખાવરણ’ જેવા શબ્દો વાપરી શકાય. કુદરતે પણ કેટલું દૂરનું જોયું-વિચાર્યું હશે કે, ‘ભવિષ્યમાં ડુક્કર અને માણસને જોડતો સેતુરૂપ સ્વાઇન ફ્લૂ આવશે. આ રોગથી બચવા માટે માણસોએ માસ્ક પહેરવો પડશે. માસ્ક નીકળી ન જાય એટલા માટે તેનાં નાકાંને ચુસ્ત પકડમાં રાખવા પડશે. આ માટે શરીરમાં કાયમી વ્યવસ્થા ગોઠવવી પડશે. જેના ભાગરૂપે માનવીને એક જોડી કાનની જરૂર પડશે.’ આમ, કુદરતે મોઢા અને નાકને બચાવવા માટે કાનદાની બતાવી છે. જોકે, દસમા અને બારમા ધોરણની પરીક્ષામાં વિદ્યાર્થીઓ માસ્ક પહેરીને આવે તો એમના ચહેરા ઉપર પરીક્ષા અંગેનો આત્મવિશ્વાસ કે ડર જોઈ શકાતો નથી. સરકારશ્રીની છેલ્લેથી બીજી સૂચના અનુસાર જાહેર કાર્યક્રમોમાં માસ્ક પહેરવા આવશ્યક છે. સ્વાઇન ફ્લૂ જાણે શ્રોતાગણને જ થવાનો હોય તેમ આ નિયમ તેમના માટે ખાસ લાગુ પાડવામાં આવે છે. એ તો સારું છે કે, વક્તા કે પ્રસ્તુતકર્તા, સંચાલક કે કલાકાર માટે મુખ-પટલ ધારણ કરવો અનિવાર્ય નથી. નહીંતર સુગમ સંગીતના કાર્યક્રમમાં પહેરેલા માસ્ક સાથે હરિપ્રસાદ ચૌરસિયા વાંસળીમાં ફૂંક કેવી રીતે મારી શકે?!

‘દિવાર’ ફિલ્મની નવી આવૃત્તિમાં અમિતાભ બચ્ચન પોતાના ભાઈ શશી કપૂરને એવું પણ સંભળાવે કે, ‘તેરે પાસ મા હૈ, તો મેરે પાસ માસ્ક હૈ.’ રેલમાં કે બસમાં, રિક્ષામાં કે છકડામાં, ટ્રાફિકમાં કે પાર્કિંગમાં, સસ્તા અનાજની દુકાનની કતારમાં કે મોંઘાં મલ્ટિપ્લેક્ષની ભીડમાં, ક્યાંય જગ્યા ન મળે તો સહેજ પણ નિરાશ થયા વિના માણસે માસ્ક પહેરી લેવો જોઈએ. વળી, ડૉક્ટર ઇન્જેક્ષન માર્યા પછી દર્દીના હાથ ઉપર લગાવે છે તેવી સફેદ પટ્ટી પણ પોતાના હાથ ઉપર ચોંટાડવી. અહીં, પટ્ટી-પ્રદર્શન થઈ શકે એટલા માટે અડધી બાંયનો ઝભ્ભો પહેરવો અનિવાર્ય છે. જેથી પ્રજાને ખંડ સમય માટે પણ પૂર્ણ મૂર્ખ બનાવી શકાય. દેવું થઈ ગયેલા નોકરિયાતો કે દેવાળું કાઢી ચૂકેલા વેપારીઓ માટે સ્વાઇન ફ્લૂ રાહતના દિવસો લઈને આવે છે. આવા દુઃખી આત્માઓએ લેણિયાતોથી બચવું હોય તો મોટા કદનો માસ્ક ઊંઘમાં પણ પહેરી રાખવો. સોગિયાં મોઢાં કે દિવેલિયાં ડાચાં ધરાવતાં સ્ત્રી-પુરુષ માસ્ક પહેરી રાખે એ પણ સમાજસેવા જ કહેવાય. જે લોકનેતાના ચહેરાએ હાસ્ય સાથે છૂટાછેડા લીધા હોય એમણે ઇસ્ત્રી કર્યા વગરનો માસ્ક પહેર્યો હશે તોપણ ચાલશે.

ગુજરાતમાં વિકાસ-વિરોધીઓ તો માસ્ક ઉપર ‘સૌનો સાથ, સૌનો સોથો’, ‘સૌનો શ્વાસ, શેનો વિકાસ’, ‘અચ્છે દીન આનેવાલે હૈ’ જેવાં સૂત્રો છપાવવાનાં. તેઓ વિરોધ કરવા માટે અમદાવાદના આશ્રમ-માર્ગ ઉપર આયકર ભવનની કચેરી સામે, ચાર રસ્તાની વચ્ચે આવેલા ગોળ રાઉન્ડ સર્કલ ઉપર, ગાંધીપૂતળા આગળ ઊભા રહેવાના. પરંતુ માધ્યમકર્મીઓ દ્વારા લેવાતી તેમની તસવીરોમાં કોને-કોને, કેવી રીતે ઓળખવા એ સવાલ રસ્તા વચ્ચે પણ ઊભો રહેવાનો. જોકે, એક ગુજરાતી તરીકે આપણને એવો વિચાર કેમ નથી આવતો કે, વિવિધ કંપનીઓનાં નામ અને ચિહ્ન ધરાવતા માસ્ક પહેરીએ તો વધારાની કેટલી આવક થાય? માસ્કના બહાને હરતી-ફરતી જાહેરખબર બની જઈને, કુલ સાડા છ કરોડ ગુજરાતીઓ પૈકીના સવા છ લાખ શહેરી ગુજરાતીઓ પૈકીના સાડા પાંચ હજાર યુવા ગુજરાતીઓ પૈકીના સવા પાંચસો બેરોજગાર ગુજરાતીઓને મોબાઇલ ફોનનું બિલ ભરવા જેટલી આવક તો થઈ જ શકે એમ છે. સવાલ આફતને અવસરમાં અને અવસરને આવકમાં પલટવાનો છે.

જૈન ધર્મ-પરંપરામાં સૂક્ષ્મ જીવની પણ હિંસા ન થાય એ સારુ મોંપટ્ટી બાંધવાનું મહત્વ છે. આજકાલ તો ગુજરાતની સઘળી જ્ઞાતિઓ સ્વાઇન ફ્લૂ પૂરતી એક થઈને મોઢાં ઉપર પડદો પાડી રહી છે. સ્વાઇન ફ્લૂના કોપના કારણે માલધારી હવે રૂમાલધારી બની રહ્યા છે. સ્વાઇન ફ્લૂથી બચવા માટે ઘણાં લોકો કપૂર સૂંઘે છે. પણ આ વેળાએ તો ખુદ કપૂરને જ સ્વાઇન ફ્લૂ સૂંઘી ગયો છે. મહારાષ્ટ્રમાં રહેતી સોનમ કપૂરને સૌરાષ્ટ્રમાં ‘પ્રેમ રતન ધન પાયો’ ફિલ્મના શૂટિંગ વખતે સ્વાઇન ફ્લૂ હોવાનું નિદાન થયું. સોનમ કપૂરના કિસ્સામાં ફિલ્મનું નામ ‘તન સ્વાઇન ફ્લૂ પાયો’ બની ગયું. અભિનેત્રીના અંગ-પ્રદર્શનની વાત તડકે મૂકો, અહીં તો બિચારી સોનમ માસ્ક પહેરવાના કારણે દંત-પ્રદર્શન પણ ન કરી શકી. આ ઘટનાના પગલે સાવચેતીરૂપે મલ્લિકા શેરાવત અને સની લિયોન જેવી અભિનેત્રીઓએ છેવટે બીજું કાંઈ નહીં પણ માસ્ક પહેરવાના શરૂ કરી દીધા છે. ત્રણ સભ્યોનું કુલ સંખ્યાબળ ધરાવતા ‘અખિલ ભારતીય સંસ્કૃતિ બચાવો મંડળ’ને પડેલા અદ્યતન વાંધા મુજબ, મલ્લિકા અને સનીના માસ્ક એટલા બધા પારદર્શક છે કે એમાંથી એમના આખેઆખા હોઠ દેખાય છે!

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય :

મોઢાં સંતાડવાના દિવસો
'હળવે હૈયે'
'દિવ્ય ભાસ્કર', ૧૮-૦૩-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬


No comments:

Post a Comment