// હળવે હૈયે //
ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................
આપણી જિંદગીમાં ધાર્યા ઇનકમિંગ કૉલની જગ્યાએ અણધાર્યા સ્વાઇનકમિંગ કોલ આવી રહ્યા છે. રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવાથી માંડીને રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી શંકર ચૌધરી સ્વાઇન ફ્લૂના સપાટામાં આવી ગયા છે. ગણપત અને શંકર જેવાં દેવનામી મોટાં માથાંની આ હાલત હોય તો કચરાભાઈ અને ધૂળીબહેન જેવાં છેવટજનોની તો શી વાત જ કરવી? બારેમાસ શરદીના કોઠાવાળા રીઢા દર્દીઓ પણ સ્વાઇન ફ્લૂથી આત્મવિશ્વાસ ખોઈ રહ્યા છે. સ્વાઇન ફ્લૂમાં સામાન્ય છીંકની પણ ભવ્ય બીક લાગે છે. એટલું જ નહીં, એક માણસને બીજા માણસની ઉધરસમાં વાઇરસની શંકા જાય છે. મેડિકો ટૂરિઝમ માટે પ્રખ્યાત ગુજરાતમાં છેવટે ‘આયુર્વેદ તરફ પાછા વળો’ના સૂત્રને ધ્યાનમાં રાખી તુલસી-મરી-સૂંઠ-ગોળના ઉકાળા પીવાના દિવસો આવી ગયા છે. અંબાજીમાતાના મંદિરનાં સાકરિયાં ગ્રહણ કરતાં હોય તેવી શ્રદ્ધાથી નગરજનો હોમિયોપથીની ધોળી બાળગોળી ચગળી રહ્યા છે. જોકે, સ્વાઇન ફ્લૂથી લાચાર પ્રજાજનોનો છૂપો આક્રોશ વધી રહ્યો છે. એટલે સુધી કે, શુદ્ધ શાકાહારી માણસો પણ ખાનગીમાં સરકાર ઉપર માછલાં ધોઈ રહ્યાં છે.
ડુક્કરની જાણ બહાર, ડુક્કર થકી સ્વાઇન ફ્લૂ ફેલાય છે. ‘સ્વાઇન' એટલે 'વરાહ, ડુક્કર, સૂવર'. રોગની ગંભીરતા જોતાં ‘સ્વાઇન ફ્લૂ’ માટે 'વરાહવ્યાધિ' જેવો શબ્દ-પ્રયોગ ચલણી કરી શકાય. એક પૌરાણિક કથા મુજબ, હવામાતા અને વંટોળપિતાથી પેદા થયેલા વરાહસુર નામના રાક્ષસનું નાક ખતરનાક હતું. સઘળા સજીવો વરાહસુરની ઠઠ્ઠા-મશ્કરી કે ઘૃણા-નિંદા કરતા હતા. આથી તેણે દરેક દેવ-ગાંધર્વ-યક્ષ-કિન્નર-વાનર-માનવ સામે બદલો લેવા માટે, ત્રણે લોકમાં લાગુ પડે એવી રીતે, ચોવીસ ગુણ્યા સાત છીંકો ખાઈને આ મહામારી ઉત્પન્ન કરી હતી. માંસાહારી કે શાકાહારી, બિન ગુજરાતી કે ખિન્ન ગુજરાતી, ગુજરાતી માધ્યમમાં ભણેલાં કે અંગ્રેજી માધ્યમમાં ભૂલા પડેલાં, ગુજરાતીમાં ‘સ્વાઇન ફ્લૂ’ની સાચી જોડણી કે અંગ્રેજીમાં ‘સ્વાઇન ફ્લૂ’નો સાચો સ્પેલિંગ લખનાર કે ભૂંસનાર, કોઈ પણ જ્ઞાતિ-ધર્મ-સંપ્રદાયની વ્યક્તિને સ્વાઇન ફ્લૂ થઈ શકે છે. આમ, સ્વાઇન ફ્લૂ સર્વજનસમભાવથી વર્તે છે. માણસો ભેદભાવથી વર્તી શકે, વાઇરસ નહીં. કારણ કે, માણસમાં વાઇરસ હોય છે, પણ વાઇરસમાં માણસ નથી હોતો! ઈશ્વરનો ઇન્કાર કરતો નાસ્તિક માણસ પણ સ્વાઇન ફ્લૂના કોપથી 'સ્વાઇનારાયણ, સ્વાઇનારાયણ' કરવા માંડે તો એને માફ કરી દેવો જોઈએ.
કેટલાક નસીબદારોને નવમા ધોરણમાં જીવવિજ્ઞાનના વિષયમાં પા ડઝન કૃપાગુણનો લાભ મળ્યો હોય છે, જ્યારે કેટલાક સજ્જનોએ જગતને સમાન ભાવે જોવાની સંતદૃષ્ટિ ખીલવી હોય છે. આ બન્ને પ્રકારના નિર્દોષ લોકોને ‘બેક્ટેરિયા’ અને ‘વાઇરસ’ વચ્ચે કોઈ જ ભેદ જણાતો નથી. ખરેખર તો એચવનએનવન નામનો અંગ્રેજી વાઇરસ ગુજરાતી પ્રજાને રંજાડી રહ્યો છે. ગુજરાતમાં ઉચ્ચ-મધ્યમ-નિમ્ન અધિકારીઓને સ્વાઇન ફ્લૂ થાય એટલે માધ્યમોમાં તેમનાં નામ-સરનામાં આવે છે. આપણને ત્યારે જ ખબર પડે કે, ભવ્ય ભારત ભૂમિમાં ભડના ભાંડુ કાર્યરત હતા. ઠંડીનાં મોજાંમાં અધિકારીશ્રી 'સ્વાઇન ફ્લૂઇશ' જાહેર થઈ જાય એટલે કચેરીમાં રાહતનું મોજું ફરી વળે એવું બનવાજોગ છે. જોકે, ભાષાના વ્યાકરણમાં પદક્રમનો નિયમ ન જળવાય તો ‘અધિકારીને સ્વાઇન ફ્લૂનાં શંકાસ્પદ લક્ષણો’ની જગ્યાએ ‘શંકાસ્પદ અધિકારીને સ્વાઇન ફ્લૂનાં લક્ષણો’ એવું પણ છપાય. ભાષા-નિયામકની કચેરીના એકત્રીસ ફેબ્રુઆરીના પરિપત્ર અનુસાર આવાં સમાચાર-શીર્ષકોને માન્ય ગણવા પડશે.
સરકારી સૂચના મુજબ, 'સ્વાઇન ફ્લૂના વાવડ વખતે વારે ઘડીએ હાથ ધોવા.' નહીતર પછી જીવનથી હાથ ધોવાની તૈયારી રાખવી પડે એવો કળિયુગ આવ્યો છે. સ્વાઇન ફ્લૂથી જથ્થાબંધ સાબુના છૂટક વેપારીઓ અને છૂટક સાબુના જથ્થાબંધ વેપારીઓ ગેલમાં આવી ગયા છે. કારણ કે, પેટ ભરતાં પહેલાં અને પેટ ખાલી કર્યા પછી સાબુથી હાથ ધોવાની સીમિત શક્યતાનો વ્યાપ સ્વાઇન ફ્લૂના તેજપ્રતાપે વધ્યો છે. વધારામાં, પાણીની અછતવાળા વિસ્તારમાં રહેતા લોકોએ પણ વધારે પાણી પીવું પડશે. કારણ કે, સરકારી સૂચના અનુસાર સ્વાઇન ફ્લૂ સામે સાવચેતીનાં પગલાંરૂપે પુષ્કળ પાણી પીવું જરૂરી છે. જોકે, સ્વાઇન ફ્લૂના એક દર્દીએ ડૉક્ટરને સાફસાફ સંભળાવી દીધું કે, 'હું વારે ઘડીએ પાણી નહીં પી શકું. કારણ કે, પછી મારે વારંવાર લઘુશંકા કરવા જવું પડે. જે મારા માટે મુશ્કેલ છે.' ડૉક્ટરે પૂછ્યું કે, 'ભાઈ, પહેલાં એ કહો કે તમે કંઈ કામ-ધંધો કરો છો?' દર્દીએ સ્પષ્ટતા કરી કે, 'હું મહાવત છું. અમદાવાદના જાહેર રસ્તા ઉપર જમાલપુરથી સરસપુર સુધી વાહનો અને વસ્તી વચ્ચે રોજ આઠેક કલાક, હાથી ઉપર સવારી કરીને ઉઘરાણું કરું છું.'
રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલના નિવેદન અનુસાર, ‘ગુજરાત કર્કવૃત્ત ઉપર આવેલું હોવાથી રાજ્યમાં ઉનાળામાં પણ સ્વાઇન ફ્લૂની મહામારી જોવા મળે છે.’ ગુજરાતમાં ઘણી જગ્યાએ ‘કર્કવૃત્ત અહીંથી પસાર થાય છે.’ એવાં પાટિયાં છે. છતાં મુખ્યમંત્રીએ જે તે જિલ્લાના કલેક્ટરને તાત્કાલિક અસરથી આ પાટિયાં હટાવી લેવાનો આદેશ આપ્યો નથી. ઉત્તર ગુજરાતમાં બજરંગદળ કે કચ્છમાં શિવસેના દ્વારા આ પાટિયાં ઉપર ડામર ચોપડવાની જાહેરાત થઈ નથી. આ સંજોગોમાં કોંગ્રેસ જેવા વિરોધ પક્ષે પહેલાં માંહે-માંહે એક થઈને પછી, ‘કર્કવૃત્ત હટાવો આંદોલન’ની જાહેરાત કરવાની તક ખોવા જેવી નથી. સ્થાનિક યુવાનો સોશ્યલ મીડિયા ઉપર ‘શિયાળામાં ફ્લૂ, ઉનાળામાં લૂ, ચોમાસામાં બૂ’, ‘વાઇન ઉપર પ્રતિબંધ, ને સ્વાઇન છે અકબંધ’, ‘કેન્દ્રસરકાર કે કર્કવૃત્ત, ગુજરાતને અન્યાય અવિરત’, ‘કર્કવૃત્ત હટાવો, ગુજરાત બચાવો’ જેવા સૂત્રોચ્ચાર કરવાનું વિચારી રહ્યા છે. જોકે, બેચરાજીના બેચરકાકાએ ઘરસભામાં, છૂટક-છૂટક ખાંસીની વચ્ચે ખખડધજ ખોંખારો ખાઈને કહ્યું છે કે, ‘ભારત સરકારે ગુજરાતમાંથી પસાર થતી કર્કવૃત્તની રેખાને તાબડતોબ ભૂંસી નાખવી જોઈએ.’ લોકમિજાજ જોતાં સરકારે આંતરરાષ્ટ્રીય સંસ્થા 'નાસા'ને વિનંતિ કરવી જોઈએ કે, તેઓ જય જય ગરવી ગુજરાત ઉપરથી કર્કવૃત્તને હટાવી લે. જો આ વાત 'નાસા' કાને ન ધરે તો પછી શાસકોએ રાષ્ટ્રીય સંસ્થાન 'ઇસરો' મારફતે ગુજરાત ઉપરથી કર્કવૃત્તનું અસ્તિત્વ કાયમ માટે ભૂંસી નાખીને જગતજમાદાર અમેરિકાને પાઠ ભણાવવો જોઈએ.
.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com
.................................................................................................................................
સૌજન્ય :
સ્વાઇનકમિંગ કોલ
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૧૧-૦૩-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
સ્વાઇનકમિંગ કોલ
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૧૧-૦૩-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
No comments:
Post a Comment