હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................
.................................................................................................................................
લમણાંફાડ ગરમીના કારણે મગજનો પારો ઊંચો ચડે એવું 'પરસેવા-પર્વ' ચાલી રહ્યું છે. માણસથી પગરખાનું મોજું ખોવાઈ જાય કે દરિયાનું મોજું માણસને ખોઈ નાખે એ સમજી શકાય, પણ ગરમીનું મોજું આવે ત્યારે માનવજાતિએ શું કરવું એની ચિંતા સત્તાવાળાઓએ જાહેરાત થકી કરવી પડે છે. ૧૯-૦૫-૨૦૧૫ના રોજ ગુજરાતી દૈનિકોમાં પ્રસિદ્ધ થયેલી સરકારી જાહેરાતનું શીર્ષક છે : 'ગરમીમાં લૂ લાગવાથી બચો.' ભાષાના ચીપિયાથી આ શીર્ષકને પકડીને તપાસીએ તો, 'ઠંડીમાં લૂ લાગે ખરી?!' ગુજરાત સરકારે ગરમીના મોજા સામે જનહિતાર્થે જારી કરેલાં સ્વાસ્થ્યલક્ષી સૂચનો અને એના પ્રતિભાવરૂપે પ્રજાના સવાલો આ મુજબ છે :
સરકારનું સૂચન (૧) : 'ગરમીના મોજા દરમ્યાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ ખુલતાં કપડાં પહેરવાં. ટોપી, ચશ્માં, છત્રીનો ઉપયોગ કરવો.' પ્રજાનો સવાલ (૧) : ખેતકામ-મજૂરોથી માંડીને બાંધકામ-મજૂરો, હાથલારીથી માંડીને પગરિક્ષા ચલાવનાર જો ઘરની બહાર નીકળવાનું ટાળે તો એમનું ઘર ન ચાલે. વળી, ગમે એવું ગરમીનું મોજું આંટા મારતું હોય તોય સલમાન ખાન જેવા નટ અને સની લીઓન જેવી નટીઓ શરીર ઢંકાય એવાં અને એ પણ ખુલતાં કપડાં ન પહેરે. ગરમીમાં ટોપી અને ચશ્માંનો ઉપયોગ કરવાનું સમજાય તેમ છે, પણ છત્રી ન વાપરતાં હોય તો એના વિકલ્પરૂપે રેઇન-કોટ પહેરી શકાય કે કેમ?!
સૂચન (૨) : 'નાનાં બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો તથા અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી.' સવાલ (૨) : બાળકો, સગર્ભા, વૃદ્ધો, અશક્ત, બીમાર માણસોની કેવળ ઉનાળામાં જ નહીં, શિયાળા અને ચોમાસામાં પણ વિશેષ કાળજી લેવી જોઈએ. નાજુક અને નબળાં તન-મન-ધન ધરાવતા માનવો ઉપર ગરમીના મોજાની સરખામણીમાં ઠંડીના મોજા અને વરસાદના મોજાની અસર ઓછી થાય છે?
સૂચન (૩) : 'સીધા સૂર્યપ્રકાશથી બચો.' સવાલ (૩) : માણસ સીધો અને સૂર્યપ્રકાશ વાંકો હોય એ આદર્શ સ્થિતિ છે. બાકી, વાંકા માણસથી સીધો સૂર્યપ્રકાશ કેવી રીતે બચી શકે?
સૂચન (૪) : 'ભીનાં કપડાંથી માથું ઢાંકી રાખો. અવારનવાર ભીનાં કપડાંથી શરીર લૂછો. વારંવાર ઠંડું પાણી પીવું.' સવાલ (૪) : જેને બારમાસી શરદીનો કોઠો રહેતો હોય તેમણે ભીનાં કપડાંથી માથું ઢાંકી રાખવું કે કેમ એ 'ગૂગલેશ્વર મહાવેબ'નાં દર્શન કરીને નક્કી કરવું. અવારનવાર ભીનાં કપડાંથી શરીર લૂછવાથી ગરમીથી દૂર રહી શકાય. પરંતુ, 'સંપૂર્ણ સ્નાન'ના વિકલ્પે રોજેરોજ ભીનું પોતું ફેરવવાની ક્રિયા કરવાથી સાથીઓ-સહકર્મીઓ દૂર થતાં જશે. વળી, બરફદેવતા ઉપર હાથ મૂકીને કહો કે, વારંવાર ઠંડું પાણી પીવાથી તરસ છીપે છે?
સૂચન (૫) : 'લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી અને નારિયેળનું પાણી, ખાંડ-મીઠાંનું દ્રાવણ, ઓ.આર.એસ. વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવાં.' સવાલ (૫) : લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી અને નારિયેળનું પાણી જો સરકારના ખર્ચે પુષ્કળ પ્રમાણમાં પીવાનાં હોય તો આ સૂચનને ચારે દિશાના નાગરિકોનો ચારે બાજુથી ટેકો છે. જોકે, મધુપ્રમેહ અને રક્તચાપની બીમારીથી પીડાતી વ્યક્તિઓએ ખાંડ-મીઠાંનું દ્રાવણ લેવું કે નહીં એની અવઢવ છે. વળી, વી.આર.એસ. લીધી હોય તેણે ઓ.આર.એસ. લેવાની જરૂર પડે કે કેમ એ અંગે સરકારે કોઈ પરિપત્ર બહાર પાડ્યો છે ખરો?
સૂચન (૬) : 'બાળકો માટે કેસૂડાંનાં ફૂલ તથા લીમડાનાં પાનનો નાહવાનાં પાણીમાં ઉપયોગ કરવો.' સવાલ (૬) : સમગ્ર ગુજરાતમાં નવજાતથી માંડીને જાતજાતનાં બાળકોને, આ રીતે દર ઉનાળામાં કેસૂડાંનાં ફૂલ અને લીમડાનાં પાંદડાં પાણીમાં નાખીને નવડાવવાં હોય તો કેટલા હજાર ખાખરાનાં-લીમડાનાં ઝાડ ઉછેરવાં પડે?
સૂચન (૭) : 'ગરમીમાં બહારથી ઘરે આવ્યા બાદ, શરીરનું તાપમાન નીચું આવે ત્યારબાદ જ નાહવું. શક્ય હોય તો ઘરનાં બારી અને બારણા સાથે ખસની ટટ્ટી પાણી છાંટી બાંધી રાખવી.' સવાલ (૭) : ગરમીમાં બહારથી ઘરે આવ્યા પછી, ઘટના અને ચર્ચા એવી પણ આકાર લે કે શરીરનું તાપમાન નીચું આવવાની જગ્યાએ ઊંચું આવે! આ માપદંડના આધારે આયોજન કરીએ તો, નાહવાનો કાર્યક્રમ ઠેલાતો જ રહે. વળી, ઘરનાં બારી અને બારણા સાથે ખસની ટટ્ટી પાણી છાંટીને બાંધી રાખીએ, અને જો એ પાણી નીચેના માળની કોઈ બારી ઉપર ટપકે તો 'ઝઘડાની બારી' નહીં ખૂલે એની શી ખાતરી?
સૂચન (૮) : 'દિવસ દરમિયાન ઝાડ નીચે, ઠંડક અને છાંયામાં રહેવું.' સવાલ (૮) : રાજ્યના ધોરી માર્ગો કે શહેરની સડકો ઉપર પરિવહન-સગવડ ઊભી કરવા માટે પારાવાર વૃક્ષોને ફરજિયાત 'શહીદ' કરવામાં આવ્યાં છે. ઘણાં નાણાં ખર્ચતાં પણ, ગુજરાતમાં ઝાડના છાંયડા ક્યાંય ભાડે મળે છે?
સૂચન (૯) : 'બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહીં. બજારમાં મળતા બરફનો ઉપયોગ ટાળવો. લગ્નપ્રસંગે દૂધ, માવાની આઇટમ ખાવી નહીં.' સવાલ (૯) : સરકાર એટલી નિખાલસ કબૂલાત તો કરે છે કે, બજારમાં ખુલ્લો અને વાસી ખોરાક મળે છે. જો આપણે દરરોજ ખુલ્લો અને વાસી ખોરાક ન ખાઈએ તો એનો રોજેરોજ નિકાલ ન થાય. અને એ ખોરાક વધુ ને વધુ વાસી થતો રહે! વળી, લગ્ન-જમણવારમાં દરેક 'આઇટમ' બધી જ આઈટમ ખાતી હોય છે. વધારામાં, બજારમાં મળતો 'મિનરલ વોટર'માં બનાવેલો બરફ તો ખાઈ શકાય ને?
સૂચન (૧૦) : 'ઉપવાસ કરવાનું ટાળવું. સવારનું ભોજન બાર વાગ્યા સુધીમાં લઈ લેવું.' સવાલ (૧૦) : ઉપવાસનો વિરોધ કરવો એ ભારતીય સંસ્કૃતિનો વિરોધ કરવા બરાબર છે. ઉપવાસ એ 'વૈવિધ્યપૂર્ણ વ્યંજનોનો વૈભવ' છે એ કેમ કરીને સમજાવવું? વળી, ભિક્ષુકજન માટેનો રામરોટીનો બપોરે બારથી બેનો નિર્ધારિત સમય ફેરવાય તો ભિક્ષુકનારાયણનું સમગ્ર ચયાપચયતંત્ર ખોરવાઈ જાય એમ છે!
સરકારનું સૂચન (૧૧) : 'ચા-કૉફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું.' પ્રજાનો સવાલ (૧૧) : ચા-કૉફી અને દારૂનું સેવન કરવાથી લૂ લાગવાની શક્યતા ભલે વધતી, પણ એનું સેવન ટાળવાથી મગજ 'ચક્કર-ભમ્મર' થવા માંડે એની જવાબદારી રાજ્ય-સરકાર લેશે? એવો સવાલ પ્રદેશના ઘણા સેવનિયાઓએ પૂછ્યો છે.
આટલાં સૂચનો ઓછાં હોય તેમ, સરકારશ્રી તરફથી વધારાનું સૂચન છે : 'વરિયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ, અને કાળી દ્રાક્ષનું શરબત લઈ શકાય. રાત્રે દશ નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી. તડબૂચનો ઉપયોગ સવારે અને બપોરે કરવો.' પ્રજાશ્રીનો વધારાનો સવાલ આ છે : જેના નસીબમાં બારમાસી સૂકા મેવા અને મોસમી લીલાં ફળ ન હોય તેવા લોકોને ગરમીના મોજાથી પણ ખતરનાક એવું મોંઘવારીનું મોજું નડે છે એનું શું?
.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com
.................................................................................................................................
સૌજન્ય :
ગરમીનું મોજું : શાસનાકીય સૂચનો અને પ્રજાકીય સવાલો
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૨૭-૦૫-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬