Wednesday, May 13, 2015

કંકોતરીમાં ખતરા અને અખતરા

હળવે હૈયે
ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

માનવજીવનની અનિવાર્ય ઘટના એટલે જન્મ અને મરણ. સરકારી ખાતું જન્મ-નોંધણી પ્રમાણપત્ર આપે ત્યારે વ્યક્તિ તેને તરત જ વાંચી શકે એવી સાક્ષરતા તેનામાં હોતી નથી. આ જ રીતે, મરણ-નોંધણીનું પ્રમાણપત્ર મળે ત્યારે સદેહે હાજર ન હોવાના કારણે માણસ તેને વાંચી શકતો નથી. જનમ અને મરણના મામલે તાત્કાલિક અસરથી પોતાનું નામ જોવામાં નિષ્ફળ જનાર માનવી કંકોતરીમાં પોતાનું નામ જોઈને ભલે હરખાતો! આમ, હજાર હાથવાળી કુળદેવીની 'અસીમ' કૃપાથી હાજર હાથવાળી કન્યાની 'આજીવન' કૃપા પામવાની શ્રદ્ધા સાથે દુલ્હો 'પરણિયો' અને 'મરણિયો' બને છે.

દીકરો ઓછામાં ઓછી એક વેળાએ સામાજિક દસ્તાવેજમાં 'સુપુત્ર' તરીકે જાહેર થાય છે. તેને મળતું આ 'રાષ્ટ્રીય સન્માન' કેવળ કંકોતરીના માધ્યમને કારણે શક્ય બને છે. આવા જ કોઈ વર્તમાન 'સુપુત્ર' માટે તેનાં માતા-પિતા ભવિષ્યમાં એવી અખબારી જાહેરાત કરે છે : "અમારો પુત્ર અમારાં કહ્યાંમાં રહ્યો નથી. આથી, કોઈપણ વ્યક્તિ એની સાથે નાણાકીય સહિતનો કોઈપણ વ્યવહાર કરશે તો એની કોઈપણ જવાબદારી અમારી રહેશે નહીં." આવી જાહેરાત વાંચીને ભૂતપૂર્વ 'સુપુત્ર'ના હૃદયમાં કેવાં વ્યથા-શૂળ ભોંકાતાં હશે એનો અંદાજ માવતરને ક્યાંથી હોય?

એક કંકોતરીમાં આ મુજબ લખેલું હતું : 'દીકરી વ્યોમની વાદળી રે, દેવલોકની દેવી; જોઈ ન જોઈ વહી જતી રે, વનપંખિણી જેવી; દીકરી છે ઘરનો સિતારો, દીકરી છે તુલસીનો ક્યારો; દીકરી છે બાપનું ઉર, દીકરી છે આંખનું નૂર; દીકરી છે માની પહેચાન, દીકરી છે સપનાંની ઉડાન.' આમ, લગ્નપત્રિકાઓમાં દીકરાઓની સરખામણીમાં દીકરીઓની જ વધારે પ્રશંસા કરવામાં આવે છે. કંકોત્રીઓનાં લખાણોમાં દીકરાઓ પ્રત્યે જે ભેદભાવ દાખવવામાં આવે છે, એ જોતાં એવું લાગે કે, 'દીકરી એટલે વહાલનો દરિયો, દીકરો એટલે નાહકનો દેકારો!'

'સ્નેહાધીન' અને 'દર્શનાભિલાષી'ની નામયાદીમાં 'અ.સૌ.' એટલે કે 'અખંડ સૌભાગ્યવતી' હોય છે, પણ 'પા. સૌ.' અર્થાત્ 'પાખંડી સૌભાગ્યવતો' હાજર જથ્થામાં હોતો નથી. વળી, વિધવા માટે માનાર્થે 'ગં.સ્વ.' અર્થાત્ 'ગંગાસ્વરૂપ' વિશેષણ વપરાય છે. જેને કારણે ક્યારેક તો 'ગંગાસ્વરૂપ જમનાબહેન સરસ્વતીચંદ્ર' જેવું નામ જોવા મળે છે. આમ, એક જ નામમાં નદીઓનો 'દુર્લભ' ત્રિવેણી સંગમ રચાય છે. કંકોતરીઓનાં લખાણમાં પ્રદેશઓળખને ધ્યાનમાં રાખીને, 'નર્મદાસ્વરૂપ', 'વિશ્વામિત્રીસ્વરૂપ', 'તાપીસ્વરૂપ', 'આજીસ્વરૂપ' જેવા શબ્દપ્રયોગો કરી શકાય. ખાધે-પીધે સુખી ઘરની કંકોતરીઓમાં 'સાબરમતીસ્વરૂપ'ની જગ્યાએ 'સાબરમતી-રિવરફ્રન્ટ-સ્વરૂપ' પણ લખી શકાય. પુરુષપ્રધાન સમાજે વિધવાઓને 'ગંગાસ્વરૂપ' જાહેર કરી દીધી, પણ વિધુરડો 'હિમાલયસ્વરૂપ' તરીકે કેમ નથી ઓળખાતો? આથી, સામાજિક સુધારણાની પહેલ કરવા માટે કોઈ વિધુરે પોતાના નામ આગળ 'હિ.સ્વ.' લખવું જ રહ્યું. અહીં પણ, પ્રાદેશિકતાને નજર સમક્ષ રાખીને 'ગિરનારસ્વરૂપ', 'શત્રુંજયસ્વરૂપ', 'ચોટીલાસ્વરૂપ' જેવા પ્રયોગો આવકારલાયક છે. છાંટોપાણી લેવા માટે ગુજરાતની સરહદને વીંધીને રાજસ્થાન ઉપર ચઢાઈ કરતાં વીરવિધુર પોતાને શોખથી 'આબુસ્વરૂપ' તરીકે પણ ઓળખાવી શકે!

ઝાડની ઉપલી ડાળ પછી કંકોતરીની નીચલી લીટીમાં સૌથી વધુ ‘ટહુકા’ સંભળાય છે. જે ઘર-પરિવારમાં અડધો ડઝન બાળકો તોતડાં હોય ત્યાં આનુવંશિક લક્ષણો વિશે વિચારવું પડે. આટલાં બધાં નંગ 'તોતલા' હોય તો કોઈ સ્પીચ-થેરપિસ્ટ કન્યાને જ પુત્રવધૂ તરીકે પસંદ કરવી જોઈએ. આ ઉપરાંત, કંકોતરીના 'સ્નેહાધીન', 'દર્શનાભિલાષી', અને 'ટહુકો' વિભાગમાં વ્યાપક જનસંખ્યાની હાજરી જોઈને 'લીલી વાડી' જેવો શબ્દપ્રયોગ ઝટ દઈને સમજાઈ જાય. એ વાત તો સ્વીકારવી રહી કે, આવાં કરોડો કુટુંબો મોટું કદ અને વિશાળ મન રાખે છે ત્યારે એક આખો દેશ બને છે!

લગ્નપત્રિકાનાં પ્રતીકચિત્રો અલાયદા અભ્યાસનો વિષય બની રહે છે. કોઈપણ માણસ ગણપતિનું ચિત્ર દોરી નાંખે એવા એ સહજદેવ છે. વળી, વરને દસમા ધોરણમાં સંસ્કૃત વિષયમાં કૃપાગુણની યોજનાનો લાભ મળ્યો હોય, તોપણ તેની વિવાહપત્રીમાં સંસ્કૃતનો એકાદ શ્લોક ટાંકવો પડે. નોકરી માટે દરરોજ ઘોડાસરથી હાથીજણ સુધી શટલિયા રિક્ષામાં જતાં-આવતાં બિચારાબહાદુરની કંકોતરીમાં ઘોડા ઉપર સવાર વરરાજાનું રેખાચિત્ર છાપેલું હોય. તેનો મસ્તકપ્રદેશ ખુલ્લો ન પડી જાય એટલે સાફો ઠઠાડવો પડે. બકાને ટાંકણી પકડતાં ન આવડતું હોય પણ ચિત્રમાં તો વરના હાથમાં તલવારથી ઓછું કશું ખપતું ન હોય. વૈશાખી વાયરા વાતા હોય, પણ અગ્નિવેદી આગળ જાણે તાપણું કરવા બેઠાં હોય એમ વર-વહુનું રેખાંકન હોય. વળી, નબળા ચિત્રછાપકામને કારણે એ અનુમાન કરવું મુશ્કેલ બને કે, વર-વધૂ એકબીજાના ગળે હાર પહેરાવે છે કે ગળું દાબે છે?!

આપણે બધાંએ કંકોતરીઓમાં અચૂકપણે જોવા મળતી આ વિનંતિ વાંચી છે : 'આ પત્રિકાને રૂબરૂ મળ્યાં તુલ્ય સમજી સહકુટુંબ પધારી શોભામાં અભિવૃદ્ધિ કરશોજી.' કંકોતરીમાં કોઈ વિગત લખવાની રહી જાય, પણ આ વાક્ય પ્રસિદ્ધ થયા વિના ન રહે. એટલે જ, આ વિનંતિવાક્યને 'કંકોતરીનું રાષ્ટ્રીય વાક્ય' જાહેર કરવું જોઈએ. સપ્તપદી વખતે કોઈ ગોરમહારાજ ફેરા વેળા ફોન પણ ચાલુ રાખે છે. આથી, 'ચાંદલાની પ્રથા બંધ છે' જેવી સૂચનાની માફક 'મોબાઇલ ફોન બંધ રાખવો' એવું કંકોતરીમાં લખવાનો સમય આવી ગયો છે. દુલ્હા-દુલ્હિનને એકમેક પ્રત્યે આકર્ષણ હોય, પણ પ્રત્યેકને ભોજનનું આકર્ષણ હોય છે. આથી, કંકોતરીમાં 'ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે' જેવી પંક્તિથી ઊઘાડ કરીને તેની નીચે લાં...બી વાનગી-સૂચિ આપવાથી વટ પડે જશે!

જેણે ભાષાશુદ્ધિ કરવી હોય તેના માટે કંકોતરી ઉપયોગી માધ્યમ પુરવાર થાય છે. 'માતૃભાષા પ્રમાણપત્ર અભ્યાસક્રમ' શીખવતી સંસ્થાઓએ ઘરેઘરેથી એકઠી કરેલી કંકોતરીઓનો 'સાહિત્ય-સામગ્રી' તરીકે સ્વીકાર કરીને તેનો તલસ્પર્શી, અજમાસ્પર્શી, કે જીરુંસ્પર્શી અભ્યાસ કરાવવો જોઈએ. જેના કારણે 'પાણીગ્રહણ' અને 'પાણિગ્રહણ', 'ગ્રહશાંતિ' અને 'ગૃહશાંતિ', 'ભુવન' અને 'ભવન' જેવા અર્થભેદ સમજાવી શકાય.

ગુજરાત સરકારે કંકોતરીઓમાં છોકરા અને છોકરીની સાચી જન્મ-તારીખનો ઉલ્લેખ ફરજિયાત કરવો જોઈએ. જેના કારણે કેટલાં વર્ષે એમનો હાથ પીળો થયો એની સાથે લગ્નવયના મુદ્દે શાસકો લાલ આંખ કરશે એવો સંદેશો વહેતો થશે. ગુજરાતી નિત્યપ્રવાસી પ્રજા છે. આપણી પાસે દેશ-દુનિયામાં સરનામાં શોધવાના નરસા-સારા અનુભવો છે. આથી, વિવાહપત્રિકામાં 'શુભ' સરનામાનો ઉત્તરદિશાસૂચક તીર સાથેનો નકશો છાપવાનો પ્રયોગ કરવા જેવો ખરો. આને લઈને આપણે ગુજરાતીઓ ધાર્મિક, સાંસ્કૃતિક, અને ઐતિહાસિક જ નહીં, ભૌગોલિક પ્રજા પણ છીએ એવી છાપ ઊભી થશે.

આજનો જમાનો 'છબી દ્વારા પ્રસિદ્ધિ'નો છે. છતાં, લગ્નપત્રિકાઓમાં વર-વધૂની તસવીરો ભાગ્યે જ છપાય છે. જોકે, વ્યક્તિ ભલે ગમે તે વ્યક્તિત્વ, વિચારધારા, જૂથ, પક્ષમાં માનતી હોય, તોપણ લગ્ન એ સરકારી યોજના નથી. આથી, તાલુકા પંચાયતના સભ્યથી માંડીને યુવાપાંખના પ્રતિનિધિએ પોતાની કંકોતરીમાં વડાપ્રધાન કે મુખ્યમંત્રીની છબીઓ ન છાપવી. આપણે ત્યાં લગ્નસંબંધિત વિવિધ ચીજવસ્તુ કે સેવા પૂરી પાડતી ઘણી કંપનીઓ છે. ગુજરાતી તરીકે આપણને એ વિચાર આવવો જોઈએ કે, લગ્ન-પ્રાયોજક તરીકે આવી કંપનીઓનાં નામ અને ચિહ્ન કંકોતરીમાં છાપીએ તો લગ્ન-ખર્ચમાં આશ્વાસનરૂપ રાહત થઈ શકે છે!

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય : 

કંકોતરીમાં ખતરા અને અખતરા
'હળવે હૈયે'
'દિવ્ય ભાસ્કર',
 ૧૩-૦૫-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

4 comments:

  1. મજા આવી ગઈ સર,વર-વધુના હોદ્દા વિશે થોડુક

    ReplyDelete
  2. સાચી વાત છે સર

    ReplyDelete