Wednesday, May 6, 2015

વરરાજાને દીધા વીજગોળીએ

હળવે હૈયે
ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

ઉનાળામાં આંબાની ડાળે કોયલના મીઠા ટહુકા કરતાં કંકોતરીમાં ભત્રીજી-ભત્રીજા-ભાણી-ભાણાના તોતડા ટહુકા વધુ સંભળાય છે. લગ્નપત્રિકામાં વરરાજાનું નામ વાંચતાંની સાથે ચિત્તડું ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ પૂર્વેના જમાનામાં ભટકવા માંડે છે. અમને એ સમયની આસપાસના વરરાજા, એ વરરાજાના મસ્તક ઉપર ગોઠવાયેલો સાફો, તે સાફા ઉપર ચોંટાડેલી સફેદ-ગુલાબી કલગી, અને કલગી મધ્યે પ્રકાશતી ધોળી-પીળી વીજગોળી દેખાય છે! આજની શહેરી-મધ્યમવર્ગીય-શિક્ષિત-યુવા પેઢી માટે આ ભૌગોલિક દૃશ્ય ખરેખર ઐતિહાસિક બની ગયું હોવાથી છાંડીને નહીં, પણ માંડીને વાત કરીએ.

એક જમાનામાં ઘણી જ્ઞાતિઓમાં જાન કન્યાપક્ષના ખર્ચે અને જોખમે રાતવાસો કરતી. હસ્તમેળાપની વિધિ મોડી રાત્રે કે વહેલી સવારે પાર પાડવામાં આવતી. એ વેળાએ વીજળી ચોવીસે કલાક સરળતાથી ઉપલબ્ધ નહોતી. લગ્નગીતની આ કડી વરરાજા સાથે વીજળીનું પણ મહત્વ સમજાવે છે : લાલ-પીળી લાઇટો કરો, લાડો મારે જોવો છે; કાળો છે કે ધોળો છે, લાડો મારે જોવો છે.’ એ વખતે રાજ્યમાં ‘જ્યોતિગ્રામ’ યોજના નહોતી, એટલે વરરાજાએ ‘સ્વસહાય પ્રકાશયોજના’ જાતે જ લાગુ કરવી પડતી હતી. વરના બાપનું નામ જ્યોતિરાજ કે પ્રકાશજી હોય, માતાનું નામ અજવાળીબા કે દીવાબહેન હોય તોપણ વરરાજાએ બાહ્ય દુનિયાને આંજવાની રહેતી. વરરાજાને સામાન્ય ‘બત્તી’ ન થતી હોય તોય તેણે અંધારામાં પણ અન્ય જાનૈયાઓથી જુદા દેખાવા માટે સાફા ઉપર નાનકડી વીજબત્તીને ચાલુ હાલતમાં રાખવી પડતી.

ગ્રામીણ ગુજરેજી ભાષા-પદ્ધતિશાસ્ત્ર અનુસાર ‘બલ્બ’નો પૂર્ણ ઉચ્ચાર 'બલબ' થાય છે. આ વીજગોળી કદમાં નાની હોવાથી 'બલબ' ઉપરથી ‘બલબડી’ તરીકે ઓળખાતી હતી. ગ્રામપ્રદેશમાં રાત્રિના સમયે એક અભાગિયાના શિર ઉપર ઝબૂકતી બલબડીથી આગિયા પણ લઘુતાગ્રંથિનો ભોગ બન્યાના દાખલા બન્યા હશે! વરરાજા સવા પાંચ ફૂટથી માંડીને પોણા છ ફૂટ લાંબો અને એકધારો પાતળો હોય. તેને સોળે સાન આવી હોય પણ શાન આવવામાં ઘણી વાર હોય, વીસે વાન આવ્યો હોય પણ ભીનેવાન હોય. વરને પીઠીના થર ચઢાવ્યા પછી તેની શામળી-પીળી ચામડી ચળકતી હોય. અને આટલું ઓછું હોય એમ તેણે સાફા ઉપર પ્રકાશમાન ગોળી મુકાવી હોય. જાણે માથા ઉપર મણિ સાથે નાગ ફેણ માંડતો હોય એવું લાગતું! આ દિલધડક દૃશ્ય જોઈને ગમે તેવો નાસ્તિક માણસ હંગામી ધોરણે પણ ઈશ્વરમાં માનવા માંડતો હતો.

વરરાજા ગરીબીની રેખાથી ગમે એટલો ઉપર વસતો હોય, પરંતુ ધરતી ઉપર પગ જાળવી રાખતો હતો. આથી, તે સાફા ઉપર ત્રણ કે છ વૉટની પોટીની જગ્યાએ સાઠ કે સો વૉટનો વીજળી-ગોળો લટકાવીને દેખાડો કરતો નહીં. જોકે, પોતે એ વાતે પણ ડરતો કે, જી..બી. આનું તોતિંગ બિલ તો નહીં ફટકારી દે ને? તેર વર્ષની તરુણ વયે, છઠ્ઠા ધોરણમાં વિજ્ઞાનના વિષયમાં એટુકેટુ આવ્યું હોય, પણ બલ્બ અને બેટરીને જોડતા ધન અને ઋણ ધ્રુવ વિશે તે ચોક્કસ અને સજાગ રહેતો. લગ્નની છેડાછેડી ભલે છૂટી જાય, પરંતુ બલ્બ-બેટરીના છેડા છૂટી જાય તો વરરાજાને એવું લાગતું કે પોતાનું મોં બતાવવા જેવું નહીં રહે. કારણ કે, એ જમાનામાં આવી વાતોને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ વગર પણ આખાં ગોળ-પરગણામાં ફેલાઈ જતાં અલ્પ વાર અને એ જ તારીખ લાગતી હતી.

વરરાજાના ‘ભાવિ’ સસરા જે થોડી જ વારમાં ‘ચાલુ વર્તમાન’ સસરા થવાના હોય, તેઓ ટ્રાફિક પોલીસમાં નોકરી કરતા હોય કે ન હોય, પણ જેને પરણ‘વા’ ઊપડ્યો હોય તે વરરાજો શું કામ હેલ્મેટ પહેરે? આથી, જ્ઞાતિ અને મતિ અનુસાર વરરાજા માથે ગાંધીટોપી, ફાળિયું, પાઘડી, કે સાફો ધારણ કરતો. તેના મસ્તક ઉપર બિરાજમાન વટવસ્ત્રમાં, ઉજ્જડ ભાલપ્રદેશથી ચારેક ઇંચ ઉપર સજ્જડ 'બલબડી' ટિંગાડી હોય. જોકે, તેના લાલ-કાળા વાયર બહાર લબડતા હોય તો કાળો વર લાલબમ થઈ જતો, અને દોરડાં સંતાડવાની વેતરણમાં પીઠીપીળા પરસેવે રેબઝેબ થઈ જતો.

વરરાજાની સમજ અને ક્ષમતા અનુસાર, સાફા કે પાઘડીની અંદરની બાજુએ અથવા કોટી કે ઝભ્ભાના નીચેના ખિસ્સામાં ગોઠવાયેલા પેન્સિલ બેટરી-સેલ સુધી પહોંચવા માટે દોરડાં લાંબાં કરવામાં આવતાં. કેટલાક કિસ્સામાં તો પેન્સિલિયા બેટરી-સેલનું આયુષ્ય લગ્નજીવનકાળ કરતાં વધારે લાંબું સાબિત થતું હતું. આ સમગ્ર પ્રકાશ-આયોજનમાં સ્વિચ અર્થાત્ કળનો રિવાજ નહોતો. વરરાજા પહેલાં મનમાં ગાંઠ બાંધતો, પછી વાયરના બે છેડાને ગાંઠ મારતો. જેના કારણે પ્રકાશને પ્રસરવાની ફરજ પડતી હતી. અહીં, વર કળથી નહીં, પણ બળથી કામ લેતો હતો!

હવે તો પીળાશ પડતી 'બલ્બી'ની જગ્યાએ રંગીન મિજાજની એલઈડી ગોઠવાઈ ગઈ છે. આ ટચૂકડી ચાઇનીઝ બત્તીઓ લગ્નવિધિ પૂર્ણ થયા પછી પણ સાંકેતિક રીતે બૂકઝબૂક થયા કરે છે. આ જ પ્રમાણે પેન્સિલ આકારની છ વૉટની બેટરીનું સ્થાન લંબચોરસ આકારની નવ વૉટની રૂપકડી બેટરીએ પચાવી પાડ્યું છે. વળી, લાંબાલચક વાયરની જગ્યાએ નાનકડી સર્કીટથી મોટો પ્રસંગ પાર પડી જાય છે.

આજકાલ રજપૂતાની પાઘડી કે રજવાડી સાફામાં હીરાજડિત કલગીથી શોભતા દુલ્હારાજા જાહેર ખબરોમાં ભરપૂર જોવા મળે છે. જોકે, કલગીની મધ્યમાં ગોઠવેલી ઝીણી પીળી બલ્બડીથી પ્રકાશ અને પ્રભાવ પાથરતાં વરરાજા જાહેર જીવનમાં ભાગ્યે જ જોવા મળે છે. લગ્નચર્યાના અભિન્ન અંગ સમાન આ ઘટના-વિશેષ હવે 'વિસરાતી વિધિ' બની રહી છે. થોડા વખત પછી એવું બને કે, ગરીબીની રેખા નીચે જીવતા પરિવારના સૌથી નાના દીકરાના પહેલી વારના લગ્ન માટે, 'ગુજરાત ઊર્જા વિકાસ સંસ્થા' સૂર્યશક્તિથી ચાલતી વીજગોળી ખરીદવા માટે પચાસ ટકા સહાયકી(સબસિડી) પણ આપે. જોકે, વરમસ્તક ઉપર ચઢીને પ્રકાશ અને પોકાર પાડતી આ દુર્લભ લઘુગોળી ઉપર, 'નેશનલ જીઓગ્રાફી' દસ્તાવેજી ચલચિત્ર પ્રસારિત કરશે ત્યારે જ આપણને ગૌરવ લેવાનું યાદ આવશે ને!

શાળામાં અમુક કલાક ભરી આવતો વિદ્યાર્થી પરીક્ષામાં એક ગુણની ખાલી જગ્યા ભરી શકે તેટલા માટે, વીજળીના ગુણવત્તાયુક્ત અને વેચાણસક્ષમ ગોળાની શોધ થોમસ આલ્વા એડિસન (૧૮૪૭-૧૯૩૧) નામના વિજ્ઞાનીએ કરી હતી. ગૂગલથેલામાંથી મળેલી છૂટક માહિતી મુજબ, અમેરિકામાં વીજગોળાઓને એક મિનિટ માટે 'ડિમ' કરીને એડિસનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એડિસન દેવ થઈ ગયા એ વાતને આજે તો વર્ષો વીતી ગયાં. છતાં, ગુજરાત જેવા વિજ્ઞાન-કદરદાન રાજ્યમાં લગ્નપ્રસંગે વરરાજા પોતાના માથે વીજળીની ગોળી ચાલુ રાખીને થોમસ આલ્વા એડિસનને પ્રકાશાંજલિ આપે છે! ટ્વીટર, ફેસબૂક, અને વોટ્સ-એપ્પના જમાનામાં આપણે આવી ગપ્પુંડી લગાવીએ તો એ જાણીને 'ધોળા મકાનના ધણી' ()બરાક ઓબામા અંગ્રેજીમાં ગળગળા થઈ જાય એવી ગળા સુધી ખાતરી છે.

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com
.................................................................................................................................
સૌજન્ય :

વરરાજાને દીધા વીજગોળીએ
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૦૬-૦૫-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
http://epaper.divyabhaskar.co.in/magazine/kalash/58/06052015/0/1/

No comments:

Post a Comment