Wednesday, June 24, 2015

વી.આર.મહેતાનું 'વહીવટમાં હાસ્ય'

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

ડૉ. વસંત આર. મહેતા (જન્મ : ૨૨-૦૬-૧૯૧૪, રાજકોટ) સનદી સેવા, રાજ્ય વહીવટ, અને કૃષિશિક્ષણના ક્ષેત્રે સન્માનનીય નામ છે. તેમના દાદા ઘેલાભાઈ સુરતમાં રેવરન્ડ ટી.એલ. વેલ્સના વિદ્યાર્થી હતા. વસંતભાઈના પિતા રતિલાલ ઘેલાભાઈ મહેતા રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મોહનદાસ કરમચંદ ગાંધીના સહાધ્યાયી અને સખા હતા. વસંતભાઈએ આ જ શાળામાં માધ્યમિક શિક્ષણ તેમજ જૂનાગઢ-અમદાવાદમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેઓ વિજ્ઞાન અને કાયદાના વિષયમાં સ્નાતક થયા. વી.આર.મહેતાએ સૌરાષ્ટ્ર રાજ્ય સનદી સેવા (૧૯૪૮-૧૯૫૨) અને ભારતીય વહીવટી સેવા (૧૯૫૨-૧૯૭૨) દ્વારા સૌરાષ્ટ્ર, બૃહદ મુંબઈ, અને ગુજરાત રાજ્યમાં પડકારરૂપ કામગીરી કરી હતી.

વી.આર.મહેતા તત્કાલીન ગુજરાત કૃષિ વિશ્વવિદ્યાલયના પ્રથમ કુલપતિ (બે સત્ર, ૧૯૭૨-૧૯૭૮) અને ગુજરાત આયુર્વેદ વિશ્વવિદ્યાલયના કુલપતિ (બે સત્ર, ૧૯૮૫-૧૯૯૧) તરીકે સેવારત હતા. મહેતાસાહેબને કૃષિક્ષેત્રે શિક્ષણ અને સંશોધનમાં પહેલરૂપ કાર્ય માટે આણંદ કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા ડૉક્ટર ઓફ લિટરેચર (ઈ.સ. ૨૦૦૫) અને કૃષિના સર્વાંગી વિકાસ માટે જીવનપર્યંત નોંધપાત્ર પ્રદાન બદલ સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા ડૉક્ટર ઓફ સાયન્સ (ઈ.સ. ૨૦૦૮) જેવી માનદ્ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


ડૉ. વસંત રતિલાલ મહેતા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

વ.ર.મહેતાએ 'હાસ્ય વેરાયું હાઈકુમાં' જેવા પુસ્તકથી માંડીને ઉછરંગરાય નવલશંકર ઢેબરના વિચાર-સંચયો પણ કર્યા છે. વી.આર.મહેતાનાં પ્રકાશિત અંગ્રેજી પુસ્તકોમાં ‘શાઇનિંગ શેડોઝ’, ‘ડૉન ટુ ડસ્ક’, ‘ડસ્ક ટુ ડૉન’, ‘ટેલ ઓફ ટુ યુનિવર્સિટીઝ’, ‘અ બ્લડલેસ લેન્ડ રીવોલ્યુશન’, ‘ફ્રોમ ધી ફાઈલ્સ ઓફ અ સ્ટેટ્સમેન’, ‘સાયન્સ ઇન વેદિક લિટરેચર ઓફ એન્સિએન્ટ ઇંડિયા’, ‘ગ્લિમ્પ્સીસ ઓફ ગૂડ ગવર્નન્સ’નો સમાવેશ થાય છે. આવાં ગંભીર પુસ્તકોની સાથે વી.આર.મહેતાએ ‘હ્યુમર ઇન એડમિનિસ્ટ્રેશન’ (વર્ષ : ૨૦૧૨; પૃષ્ઠ : ૧૨ વત્તા ૨૮, કિંમત : ૬૦ રૂપિયા) નામનું 'હળવું' પુસ્તક પણ આપ્યું છે. અમદાવાદના સદ્દવિચાર પરિવાર દ્વારા અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયેલા આ પાતળા પુસ્તકનાં બે પાકાં પૂંઠાં વચ્ચે પંદર પ્રસંગો સચવાયેલા છે. આટલી ગંભીર વિગતો પછી હવે, વસંતભાઈએ 'વહીવટમાં હાસ્ય' કેવી રીતે શોધ્યું તેને સરકારની જાણીતી ૮૦:૨૦ની યોજના અનુસાર પુસ્તકના પંદર પૈકીના ત્રણ પ્રસંગો વાટે માણીએ!

‘હ્યુમર ઇન એડમિનિસ્ટ્રેશન’ પુસ્તકનું આવરણ-પૃષ્ઠ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

આ પુસ્તકના પ્રથમ પ્રકરણનું શીર્ષક છે : 'ઇન ડીપ સ્લમ્બર.' સૌરાષ્ટ્ર રાજ્યે 'ઓલ ઇંડિયા સ્પીકર્સ કોન્ફરન્સ'નું આયોજન કર્યું હતું. પરિષદના અંતે, સોમનાથની મુલાકાત નિર્ધારિત કરવામાં આવી હતી. જૂનાગઢથી વેરાવળ સુધી આવન-જાવન કરવા માટે ખાસ રેલગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી. વેરાવળથી જૂનાગઢ પરત આવ્યા બાદ, એક ખાસ બેઠકમાં સંસદીય નાયબ અધ્યક્ષ અનંતશયનમ્ આયંગાર સંબોધન કરવાના હતા. બન્યું એવું કે, સોમનાથ મંદિરથી બહુ દૂર નહીં એવા ત્રિવેણી સંગમમાં શ્રી આયંગારે શ્રાદ્ધ-વિધિ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. વેરાવળના નાયબ કલેક્ટરે તાબડતોબ વ્યવસ્થા કરી આપી. વિધિ પૂરી કર્યા સિવાય ઊઠી શકાય નહીં, એટલે શ્રી અનંતશયનમ્ રેલવે-સ્ટેશને સમયસર પહોંચી શક્યા નહીં! ઉતાવળમાં કોઈએ રેલગાડીમાં તેમની ગેરહાજરીની નોંધ પણ ન લીધી.

રેલગાડી સમયસર ઊપડીને નિર્ધારિત વખતે જૂનાગઢ પહોંચી ગઈ. ઘટનાની ગંભીરતાને પારખી ગયેલા વેરાવળના નાયબ કલેક્ટરે, શ્રી અનંતશયનમ્ જૂનાગઢ મુકામે સમયસર પહોંચી શકે એ માટે, પોતાનો પદાધિકાર વાપરીને મોટરકારની વ્યવસ્થા કરી આપી. સભાખંડમાં થોડા મોડા પડવા બદલ આયંગારજીએ દોષભાવ અનુભવ્યો હશે, પણ તેઓ મૂળે તો વિનોદવૃત્તિના માણસ હતા. પોતાની ભૂલચૂક ઉપર ઢાંકપિછોડો ન કર્યો, પણ વિલંબનું કારણ આપતાં, તેમણે આ વાક્યથી શરૂઆત કરી : 'હું અનંતશયનમ્ છું. કોઈકે તો મને ગાઢ નિદ્રામાંથી ઉઠાડવો જ રહ્યો!' આટલું સાંભળતાં જ સમગ્ર સભાખંડમાં બુલંદ હાસ્યનું મોજું ફરી વળ્યું.

બીજા પ્રકરણમાં 'થ્રી રોઝીઝ' શીર્ષક હેઠળ, લેખકે નવાનગરના જામસાહેબનું હાજરજવાબીપણું અને શબ્દ-ચાતુર્ય આલેખ્યું છે. જામસાહેબના મહેમાન બનેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો ઉતારો પ્રતાપ વિલાસ પેલેસમાં હતો. જામસાહેબ નહેરુજીને રાત્રિભોજનના ટેબલ તરફ દોરી ગયા. નહેરુના અચકન-ગાજમાં ગુલાબનું ફૂલ ખોસેલું હતું. દરમિયાનમાં, વડાપ્રધાન કદાચ પોતાની હાજરીની નોંધ લે એટલા માટે નહેરુજીના ગુલાબ તરફ અંગુલીનિર્દેશ કરતાં કલેક્ટર બોલ્યા : 'સાહેબ, ગુલાબના ફૂલની સુગંધ સર્વત્ર છવાઈ ગઈ છે.' આટલું સાંભળતાં જ, પંડિતજીએ પોતાના ગુલાબ સામે નજર કરીને સ્મિત કર્યું.

જવાહરલાલ કશું કહે એ પહેલાં જામસાહેબ બોલ્યા : 'અહીં ત્રણ 'ગુલાબ' છે. એક ગુલાબ કે જે વડાપ્રધાન હંમેશાં પોતાની સમીપ રાખે છે. બીજું ગુલાબ એટલે ગુલાબજાંબુ. અને ત્રીજું ગુલાબ એટલે મારાં પત્ની ગુલાબકુંવરબા!' આટલું સાંભળતાં જ નેહરુ સહિત સૌ કોઈ હસી પડ્યા. જોકે, ગુલાબજાંબુ વિશેના નહેરુના અજ્ઞાનને પારખી ગયેલાં જામસાહેબે કહ્યું કે, 'ગુલાબજાંબુ એ જામનગરની પ્રખ્યાત મીઠાઈ છે.' જામસાહેબને એવું લાગ્યું કે, હજુ પણ 'ગુલાબજાંબુ'નો અર્થ સંપૂર્ણપણે સમજાવી શકાયો નથી. એટલે તેમણે કહ્યું કે, 'તે ટેબલ ઉપર મૂકેલી ડિશમાં છે.' પોતાની વિનોદવૃત્તિને આગળ વધારતાં જામસાહેબે ઉમેર્યું કે, 'તે બ્રાઉન એગ્ગ્સ (તપખીરિયા રંગનાં ઈંડાં) નથી!' આ સાંભળીને સૌ કોઈ હસી પડ્યાં.

આ પુસ્તકના અંતિમ પ્રકરણનું શીર્ષક છે : 'અ મોલ ઓન ધી રાઈટ ચીક.' નવનિર્મિત 'સૌરાષ્ટ્ર રાજ્ય'માં જિલ્લાકક્ષાના વહીવટી માળખાને ધ્યાનમાં રાખીને અધિકારીઓની ભરતી માટેના નિયમો ઘડવાના હતા. એક વિભાગીય વડાને તેના 'જિલ્લા કક્ષાના અધિકારીઓ'ની જગ્યા માટેના ભરતી-નિયમો સૂચવવાનું કહેવામાં આવ્યું. એ અધિકારીએ બોમ્બે રાજ્યના આનુષંગિક નિયમોને અનુસરવાને બદલે, પોતાને અનુફૂળ હોય તેવા નિયમો ઘડવા માટે બુદ્ધિ દોડાવી! તેમણે પસંદગીથી સીધી ભરતી માટેના નિયમના પહેલા ભાગની નકલ કરીને, બઢતીથી નિમણૂક માટેનો નિયમ આ રીતે સૂચવ્યો : 'ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતી કોઈ વ્યક્તિએ ૦૧-૦૧-૧૯૪૮ના રોજ ૪૪ વર્ષ પૂરાં કર્યાં હોય અને જેમણે અગાઉના પ્રથમ વર્ગના રાજ્યમાં અધિકારી તરીકે ચાર વર્ષ સેવા આપી હોય તેઓ પણ આ જગ્યા માટે લાયક ગણાશે.'

આ દરખાસ્ત કુશાગ્ર બુદ્ધિપ્રતિભા ધરાવતા મુખ્ય સચિવ પાસે ગઈ. તેમણે તત્ક્ષણ પકડી પડ્યું કે, દરખાસ્ત કોઈ ચોક્કસ વ્યક્તિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તેઓ આ દરખાસ્તને એવી પણ કડક ચેતવણી સાથે પરત મોકલી શક્યા હોત કે, 'બોમ્બે રાજ્યમાં અમલી એવા આનુષંગિક સેવા-નિયમોનો અભ્યાસ કરીને જ સુધારેલી દરખાસ્ત મોકલવી.' તેના બદલે તેમણે આવી ટૂંકી નોંધ મૂકી : 'અધિકારીશ્રી એ જણાવવાનું ભૂલી ગયા લાગે છે કે, અરજદારના 'જમણા ગાલ ઉપર તલ' હોવો જોઈએ.' લાગતા-વળગતા અધિકારીને પાઠ ભણાવવા માટે આટલા શબ્દો પૂરતા હતા!

૧૦૧ વર્ષના ડૉ. વી.આર. મહેતા અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા નિવાસસ્થાને સ્વસ્થ અને સ્થિર જીવન ગાળી રહ્યા છે. આ કતારલેખકે ૧૯-૦૬-૨૦૧૫ના રોજ મહેતાસાહેબની રૂબરૂ મુલાકાત લીધી ત્યારે તેમની વાતચીતમાં 'હાસ્ય' પ્રગટતું હતું. દુનિયાની સૌથી મોટી અને જાડી લોકશાહીમાં પ્રજા પણ 'વહીવટ'નું મહત્વ સુપેરે સમજે છે. સમગ્ર વહીવટ કાયમ માટે હાસ્યાસ્પદ બને એ પહેલાં, જે તે કામકાજમાં ગળાડૂબ વહીવટકર્તા હાસ્યના પ્રસંગો શોધી કાઢે અને તેને વિનાવિલંબે પ્રગટ કરે એ વખતની અને વાચકની માંગ છે.

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય :

વી.આર.મહેતાનું 'વહીવટમાં હાસ્ય'
'હળવે હૈયે'
'દિવ્ય ભાસ્કર', ૨૪-૦૬-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

No comments:

Post a Comment