હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................
એક નહીં જાહેર થયેલી વિગત પ્રમાણે, છેક મહાભારત-કાળમાં પણ મેગીના પુરાવા મળી આવ્યા હતા. સવારે નિશાળે જતાં સોએ સો કૌરવોને, ગાંધારી નાસ્તાના ડબ્બામાં મેગી-નૂડલ્સ આપતી હતી. આ માટે ગાંધારીએ 'મેગીજટા' નામની દાસીને વિશેષ ફરજ સોંપી હતી. જીવનનાં ઘડતર-ચણતરનાં વર્ષો દરમિયાન જથ્થાબંધ મેગી ખાઈ ચૂકેલા કૌરવિયા જીવનભર સીસા સમાન ઝેર ન ઓકે તો જ નવાઈ! હાલના દિવસોમાં, મેગીમાં મોનોસોડિયમ ગ્લુટામેન્ટ (એમએસજી) અને સીસું(લેડ) નિર્ધારિત માત્રાથી વધુ પ્રમાણમાં હોવાનું પ્રયોગશાળા-પરીક્ષણમાં સાબિત થયું. નૂડલ્સ ઉપરાંત નેસ્લે કંપની સૂપ, સોસ, ક્યુબ, અને વિશેષ તો લોકોને બનાવે છે. 'વિદેશી અળસિયાં' તરીકે ઓળખાતી મેગી કોઈ પણ બનાવી શકે. મેગી કોઈને પણ બનાવી શકે! હિંદમાં સરદાર વલ્લભભાઈ પટેલ એક માત્ર 'લોખંડી પુરુષ' હતા. આજે મેગીબાઈ થકી અનેક માણસો 'સીસું પુરુષ' બની ગયા છે.

આપણા દેશમાં મેગીના દીવાના કાંઈ ઓછા નહોતા. બચ્ચાંથી માંડીને બુઢ્ઢાં એમ સૌ કોઈ મેગીને ઝાપટતાં હતા. સાવ નાનું બાળક અને ઘણા મોટા વૃદ્ધને મોઢાંમાં દાંત ન હોય એટલે મેગીને પતાવી દેવાનું સહેલું પડે. શિયાળામાં દાદાને નાહવા માટે ગરમ પાણીનું તપેલું મૂક્યું હોય તો પૌત્રીને એવો વિચાર આવે કે, આમાં મેગીનું એક ગૂંચળું નાખીએ તો દાદાને અને ખુદને ખાવાની મજા આવી જાય. વહેતી થયેલી રમૂજ અનુસાર, એક ભાભાને કોઈકે પૂછ્યું કે, 'તમને બે મિનિટ માટે દેશના વડાપ્રધાન બનાવવામાં આવે તો તમે શું કરો?' જવાબ મળ્યો : 'હું મેગી બનાવું.' ભાભાની વાત સાચી છે. બજારવાદે અને આહારવાદે આપણને એવું ઠસાવી દીધું છે કે, બે મિનિટમાં મેગી સિવાય કશું ન બને! ભાભાને એક વધુ સવાલ પૂછવામાં આવ્યો કે, 'જો તમને પાંચ વર્ષ માટે દેશના વડાપ્રધાન આવે તો તમે શું કરો? ઉત્તર મળ્યો : 'હું વડાપ્રધાન ન બનું.' ભાભાને ટૂંકો પ્રશ્ન પુછાયો : 'કેમ?' ભાભાએ જવાબ વાળ્યો : 'એટલી બધી મેગી પછી કોણ ખાય?' ટૂંકામાં, જમાનાના ખાધેલ ભાભા મેગી સિવાય બીજું કશું ખાઈ કે ગાઈ જ ન શકે એવી મનોસ્થિતિ સર્જાઈ હતી.
મેગી નૂડલ્સની સૌથી મોટી ઉપલબ્ધિ એ રહી કે, એણે લાખો લોકોના એ વહેમને 'બે મિનિટ' માટે પણ પોષ્યો કે, તેમને રસોઈ બનાવતાં આવડે છે. લગ્નઇચ્છુક યુવતીઓ અને લગ્નવિમુખ યુવકો પોતાને રસોઈ એટલે કે કૌંસમાં મેગી બનાવતાં આવડે છે એવું ગૌરવ લેતાં હતાં. મેગીની જાહેરખબરોએ જાણે કે કાળદેવતાની વ્યાપકતાને 'બે મિનિટ'માં સીમિત કરી દીધી હતી. સ્વર્ગસ્થ વ્યક્તિઓ કે વીર શહીદોના માનમાં મૌન પાળવા માટેની 'બે મિનિટ' કરતાં મેગી બનાવવા માટેની 'બે મિનિટ' વધુ યાદ રહી ગઈ હતી. બે મિનિટ માટે વિચારો કે આ 'બે મિનિટ'ના બહાને આપણા દેશના કરોડો લોકોની અબજો મિનિટ અને અમૂલ્ય આરોગ્ય બગડ્યાં કે નહીં? આથી જ, ગરીબીની રેખાની પડોશમાં રહેતા એક ભિખારીએ મધ્યમ-વર્ગીય ઘર આગળ પોકાર કરીને ખાવાનું માંગ્યું, ત્યારે ઘર-ધણિયાણીએ અંદરથી જવાબ આપ્યો : 'બે મિનિટ.' ભિખારીએ 'બે મિનિટ' સાંભળ્યું એટલે એણે ચાલતી નહીં, પણ દોડતી પકડી!
એક સમીસાંજે રસ્તાની પગદંડી ઉપર ઊભેલી લારી ઉપર ટીંગાડવામાં આવેલા પાટિયા ઉપર અમે વાંચ્યું : 'મેગીનાં ભજિયાં મળશે.' અમને એમ થયું કે, આ લખાણમાં ભાષાકીય ભૂલ છે. 'મેથીનાં ભજિયાં'ની જગ્યાએ ભૂલથી 'મેગીનાં ભજિયાં' લખાઈ ગયું હશે. આ અમારો ખંડકાલીન ભ્રમ હતો. ત્યાં પ્રજા ખરેખર મેગીનાં ભજિયાં માણી રહી હતી. દેશી ભજિયાંએ વિદેશી મેગીને પોતાના વેસણમાં સમાવી લીધી હતી. જે 'ભજિયાં-સંસ્કૃતિ'એ મેગીકુમારીને આવો ભાવમય આવકારો આપ્યો તેણે આપણી સાથે દગો કર્યો. જેના કારણે પ્રજાની દેહધાર્મિક લાગણી દુભાઈ છે. ફરી વાર, એક રવિવારે થોડા મિત્રો ઘણી મેગી ખાવા ગયા. પહેલા જ કોળિયામાં મેગી સાથે સ્ટેપ્લરની પિન આવી. તેઓએ ફરિયાદ કરી એટલે હોટેલ-માલિકે દિલગીરી પણ વ્યક્ત કરી. તેમણે ભવિષ્યમાં આવી ખતરનાક વસ્તુ ખોરાકમાં નહીં આવે એવું આશ્વાસન પણ આપ્યું. આજે એવું લાગે છે કે, સ્ટેપ્લરની પિન તો આપણને દેખાઈ. પરંતુ એવું જ ખતરનાક સીસું તો આપણને દેખાયું જ નહીં. આ કારણોસર મેગીના માલિકને 'સીસુંપાલ' જાહેર કરીને, તેમને ભગવાન કૃષ્ણ જેવી ઉદારતા દાખવીને સો વખત સુધી માફ કરવાની જરૂર નથી!
'જવાબદાર જગતજન' તરીકે આપણે મેગીનો બહિષ્કાર કરવાની અહિંસક પદ્ધતિઓ શોધવી જ રહી. આઝાદીની ચળવળમાં ગાંધીજી વિદેશી વસ્ત્રોની હોળી કરાવતા હતા. આથી, મેગીની હોળી કરાવીને આપણે દેશદાઝનો પરિચય કરાવવો રહ્યો. જોકે, આમાં કંઈ પણ બની શકે. મેગીની હોળી કરવા માટે લોકો અને લાકડાં ગોઠવાઈ ગયાં હોય, હોળીમાં સ્વાહા કરવા માટેનાં મેગીપડીકાં હાથવગાં હોય, હોળીમાં અગ્નિદેવતા પ્રગટી રહ્યા હોય, ત્યાં અચાનક જ એક 'બજારિયો' માણસ દોડતો આવે. તેના હાથમાં હવા ભરેલી તપેલી અને પાણી ભરેલી બાલદી હોય. આ 'શંકાસ્પદ' માણસ હોળીના જ્વાળામુખ ઉપર તપેલીને ગોઠવીને તેમાં પાણી ભરી દે. હોળી આસપાસ એકઠાં થયેલાં નર-નારી કશું પૂછે એ પહેલાં જ તે બોલે : 'બસ, દો મિનટ'. 'સમજુને ઇશારો પૂરતો' એમ સમજીને ત્યાં એકત્ર થયેલી ભીડ પોતાના હાથમાં પકડી રાખેલાં મેગી-ગૂંચળાંને ઊકળતા પાણીવાળી તપેલીમાં ઠાલવી દે. કોઈ શ્રદ્ધાળુ નમૂનો 'મેગીમાતા કી જય'નો બુલંદ નારો બોલાવે. આ સાંભળીને બાળકોની ટોળકી દોડી આવે. સહુ સાથે મળીને, 'બે મિનિટમાં' બનેલી મેગીને બારથી માંડીને બાવીસ મિનિટ સુધી ગળચ્યાં કરે. આ સમગ્ર વિરોધ-પ્રદર્શન અહિંસક હોવા ઉપરાંત રચનાત્મક પણ છે એવું કહેનારો કોઈ 'માઈનો લાલ' પણ મળી આવશે!
છેલ્લા કેટલાક દાયકાથી 'અળવીતરાં અળસિયાં' ખાઈ-ખાઈને 'મેગીસ્વી' પ્રજા તૈયાર થઈ છે. નાનપણથી જ આપણે ત્યાં શિશુ સીસું ખાય છે! વૈશ્વિકીકરણના યુગ અગાઉ, મેગીને લઘુતાગ્રંથિનો અનુભવ કરાવી શકે તેવી ઘઉંના લોટની સેવને ઘરે તૈયાર કરવામાં આવતી હતી. તેને પાણીમાં બાફીને, તેમાં ઘી-ગોળ ઉમેરીને ખાવાથી બાળકોને પોષણ અને સંતોષ મળતાં હતાં. દરમિયાનમાં, ગુજરાત સરકારે મેગીનાં વેચાણ અને વપરાશ ઉપર એક મહિના માટે પ્રતિબંધ જાહેર કરી દીધો છે. જોકે, અમદાવાદ જેવા શહેરમાં કેટલાંક કુટુંબોએ આ જાહેરાત અગાઉ મેગીનાં પડીકાં ખરીદ્યાં હતાં. આથી, તેમણે માંહે-માંહે એવું નક્કી કર્યું છે કે, તેઓ એક મહિના પછી જ એ મેગીનો ઉપયોગ કરશે. આખરે, સરકાર પ્રત્યેની વફાદારી જેવી પણ કોઈ ચીજ પ્રજામાં હોય છે!
.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com
.................................................................................................................................
સૌજન્ય :
http://epaper.divyabhaskar.co.in/magazine/kalash/58/17062015/0/1/
મેગી આપણને બનાવી ગઈ!
'હળવે હૈયે'
'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૬-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

very nice article
ReplyDelete