હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................
એક જમાનામાં 'શરતો લાગુ'ની ફૂદડી વગર છાશ મફતમાં મળતી હતી. 'સ્થાનિક ધારાસભ્યને મળેલા અનુદાનમાંથી' જેવાં પ્રસિદ્ધિ-પાટિયાં વિના પણ છાશની પરબો ચાલતી હતી. આપણી ભાષામાં 'છાશવાર' જેવો શબ્દ પ્રચલિત હતો. જોકે, આજકાલ દૂધના ભાવ છાશવારે વધતા જોવા મળે છે. વીસમી સદીની શરૂઆત થઈ એ અગાઉ, અમેરિકામાં ડુક્કરને છાશ પિવડાવી દેવામાં આવતી હતી. દરમ્યાનમાં ડુક્કરના નહીં, પણ છાશના ગુણધર્મો ધ્યાનમાં આવ્યા. ત્યારબાદ, ત્યાં માણસો માટે છાશનો વપરાશ શરૂ થવા લાગ્યો. આપણે ત્યાં આખું વર્ષ માણસો ભલે એક પગ દૂધમાં અને એક પગ દહીંમાં રાખે, પરંતુ ઉનાળામાં તો માણસોએ બન્ને પગ છાશમાં રાખવા જોઈએ! 'દૂધિયા દાંત' પડી ગયા પછી આખી જિંદગી આપણે જે દાંતથી ચલાવીએ છીએ તેને 'છાશિયા દાંત' કહેવા જોઈએ.
રાષ્ટ્રમાં એકકાળે દૂધ-દહીંની નદીઓ વહેતી હતી. જયારે સૌરાષ્ટ્રમાં આજે પણ 'છાશનો દરિયો' તોફાને ચડેલો જોવા મળે છે. 'સૌરાષ્ટ્રની સંસ્કૃતિમાં છાશની વ્યાપ્તિ અને ખ્યાતિ : એક પાણીદાર અધ્યયન' એ સંશોધનનો વણવલોવ્યો વિષય છે. છાશને ભારતભૂમિ 'રાષ્ટ્રીય પીણું' જાહેર ન કરે તો કાંઈ નહીં, સૌરાષ્ટ્રે તો છાશને પોતાનું એટલે કે 'સૌરાષ્ટ્રીય પીણું' જાહેર કરી જ દીધું છે. જોકે, આપણે ત્યાં 'સૌરાષ્ટ્રની રસધાર' જેવી બળૂકી કૃતિ છે, પણ ‘સૌરાષ્ટ્રની છાસધાર’ જેવું સર્જન ક્યારે થશે? ગુજરાતી સાહિત્ય-સૃષ્ટિમાં ગની દહીંવાલા હતા, પરંતુ ધની છાશવાલા કેમ નથી?
સૌરાષ્ટ્રનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દશ મિલીલિટર છાશનાં ઇન્જેક્ષન રાખવામાં આવતાં નથી. કારણ કે, અહીં છાશનો એક બાટલો ચઢાવો એટલે ગમે તેવો કાઠિયાવાડી પથારીમાંથી ઊભો થઈ જાય. થોડા વખત પહેલાં કાઠિયાવાડથી જાન નીકળી. તેઓ વરરાજાની સાથે છાશનું કેન લઈ જવાનું નહોતા ભૂલ્યા. કોઈકે પૂછ્યું એટલે 'વી કેન'ની વિજયી મુદ્રા સાથે કાઠિયાવાડી અંગ્રેજીમાં જવાબ મળ્યો : ‘ઈવન ધિસ કેન ઇઝ ઓલ્સો પોસિબલ!’ સમગ્ર ગુજરાતમાં દૂધ-કોલ્ડડ્રિંક મળે, સૌરાષ્ટ્રમાં છાશ-સોડા પણ મળશે. 'શૂરવીરોની ભૂમિ'માં દૂધના પેંડાની જેમ કોઈ છાશના પેંડા માંગે તો નવાઈ ન લાગે. જો કોઈ કંપની છાશનો આઇસક્રીમ બનાવવાનું વિચારતી હોય તો અવઢવમાં ન રહે. આ કંપની ધોરાજીના ધનુભા તરફથી આજે જ બે કપ ‘છાઇસક્રીમ’નો આગોતરો ઓર્ડર નોંધી લે.
દહીંનો અહમ ઓગળે એટલે છાશ બને છે. છાશના સૌંદર્ય-પ્રસાધન ઉર્ફે મેઈક-અપમાં જીરું-મીઠું-કોથમીર જરૂરી છે. પુખ્ત ઉંમરે પહોંચેલી છાશના હાથ પીળા કરી દેવામાં આવે એટલે એ કઢી બને છે. આમ, કઢી એટલે અખંડ સૌભાગ્યવતી છાશ. છાશની ખીર ન બને, પણ ઘેંશ જરૂર બને. છાશ નાખીને બનાવેલા ખાટિયા મગ ખાધાં હોય તો ખબર પડે કે ભોજનનો અસલી સ્વાદ કોને કહેવાય. આખેઆખી ગુજરાતી થાળીને કે ભારેખમ પંજાબી વાનગીને હળવેથી 'ધક્કો' મારવા માટે છાશનો પ્યાલો મદદે આવે છે. એક લિટર પાણીની બાટલી ખરીદવી એના કરતાં અડધો લિટર છાશની કોથળી ખરીદવી વધારે હિતાવહ છે. ગામડાંમાં વોશિંગ મશીનની એટલા માટે જરૂર પડે કે, તેમાં જથ્થાબંધ છાશ વલોવી શકાય.
છાશ કેવી રીતે પીવી જોઈએ એનું વિજ્ઞાન ન હોય, અને કળા પણ ન હોય. છાશ ચમચીએ-ચમચીએ ન પીવાની હોય, છાશનાં છાલિયાં મોઢે માંડવાનાં હોય. ગમે એટલી ઠંડી છાશ હોય તોપણ, તેને રકાબીમાં કાઢીને ન પીવાય. છાશની ચૂસકી લેવાની ન હોય, છાશને ઢીંચવાની હોય. છાશનું બંધાણ હોય, પણ છાશનો નશો ન ચઢે. કેટલાકને છાસનો ચસકો એટલે છાસકો લાગતો હોય છે. ઘણાં એમ કહે કે, 'મને તો સાવ નાનપણથી જ છાશનો ચસકો લાગેલો છે.' જાણે એણે જન્મતાંની સાથે જ માનું દૂધ નહીં, પણ બાપની છાશ પીધી હશે! એક જમાનામાં, સમાજમાં દીકરીઓને દૂધપીતી કરવાનો કુરિવાજ હતો. જોકે, કેટલાક ઘરોમાં દીકરીને છાશ વગર ચાલતું નથી. આવાં ઘરોમાં આજે પણ દીકરીને રોજેરોજ છાશપીતી રાખવાનો નિયમ અચૂક પાળવામાં આવે છે.
'છાશ લેવા જવું ને દોણી સંતાડવી' અને 'ખાટી છાશ ઉકરડે ઢોળવી' જેવી ગુજરાતી કહેવતોએ છાશમાતાના હૃદયને વલોવી નાખ્યું છે. ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર અન્યાય કરે છે, એવી ફરિયાદ વર્ષોથી ચાલતી રહે છે. પણ છાશના ગૌરવને યોગ્ય રીતે ન સાચવીને આપણે જ છાશસુંદરીને ઘોર અન્યાય કર્યો છે. પ્રાદેશિક ચિત્રપટ-સર્જકો પણ છાશમહિમા દર્શાવવામાં ઊણા ઊતર્યા છે. ગુજરાતી ચલચિત્રોમાં ગામ, ગૌધણ, ગાડું, ગીતો, ગરબા, ગોકીરો આવે, પણ છાશનો છાંટોય ન આવે. માતૃભાષાનાં ચલચિત્રોમાં, એક જ તાંસળીમાંથી છાશ પીતાં સ્નેહલત્તા-ઉપેન્દ્ર ત્રિવેદી, રીટા ભાદુરી-નરેશ કનોડિયા, રજની બાલા-રમેશ મહેતા, અરુણા ઈરાની-કિરણકુમાર, રોમા માણેક-હિતેનકુમાર, મોના થીબા-હિતુ કનોડિયા, મમતા સોની-વિક્રમ ઠાકોર જોવા ન મળતાં હોય ત્યારે કોની પાસે જઈને આ છાશ પીવી?
મુંબઈના દહીંસર વિસ્તારમાં વરસાદનું પાણી ભરાતું હોય તો ચોમાસા પૂરતું તેનું નામ બદલીને છાશસર કરી દેવું જોઈએ! છાશમાં નેવું ટકા પાણી હોય છે. આ ટકાવારી છાશમાં પાણી ધબધબાવ્યા પહેલાની છે. છાશમાં પાણી એટલે 'એચટુઓ' નાખો એટલે જે બને તેને 'છાશટુઓ' કહેવાય. ઘર બહાર જમવા જઈએ અને જથ્થાબંધ પાણીને વરી ચૂકેલી છાશ હોય તો અમે તેના માટે 'બી.એમ.ડબલ્યુ.' જેવો મોભાદાર સાંકેતિક શબ્દ વાપરીએ છીએ. 'બી.એમ.ડબલ્યુ.' અર્થાત 'બટર મિલ્ક વોટર' એટલે કે 'છાશનું પાણી'. આથી જ, ઘર જેવી છાશ ન મળે એટલે મોઢામાંથી 'પારકી છાશ, સદા નિરાશ' જેવી કહેવત અને ખરેખર તો નિસાસો નીકળી જાય છે. ક્યાંક ક્યાંક ભોજનાલયોમાં માઠી ખબર જાણવા મળે કે, ‘છાશ એક જ વખત મળશે.’ આપણે એના માલિકને કહેવું પડે કે, ‘છાશ ભલે એક જ વાર આપજો, પણ બોઘરણું ભરીને આપજો. કારણ કે, વારેઘડીએ માંગીએ એટલે આપણા બંનેનું ખરાબ દેખાય.' આમ છતાં, પૂરતી છાશ ન મળે ત્યારે ભોજનાલય-ભરથારનાં છાજિયાં ન લેવાય, પણ છાશિયાં તો જરૂર લેવા પડે.
દિવસમાં દોઢ દેગડી છાશ પેટમાં ઠાલવી દેતો હોય તોય છાશતરસ્યો જણ કહે, ‘માણસે આહાર-વિહારના નિયમ મુજબ ભોજન-આયોજન એવી રીતે કરવું જોઈએ કે, પ્રવાહી માટે પેટમાં ચોથા ભાગ જેટલી ખાલી જગ્યા રહે.’ છાશ માટે ‘તક્ર’ અને પાગલ માટે 'ચક્રમ' જેવો શબ્દ છે. આ ઉપરથી છાશ પાછળ પાગલ વીરલા માટે ગુજરાતીમાં ‘તક્રમ’ જેવો શબ્દ ચલણી બનાવવા જેવો છે! અમે ટંકે સરેરાશ નવસો બાણુ મિલિલિટર છાશ ટટકારી જઈએ છીએ. આથી, તમે અમને તાત્કાલિક અસરથી અમલી બને એ રીતે ‘તક્રમ’ જાહેર કહી શકો છો.

ashwinkumar.phd@gmail.com

સૌજન્ય :
પારકી છાશ, સદા નિરાશ
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૧૦-૦૬-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮

ઉનાડે તો માત્ર એક જ આશ,
ReplyDeleteબસ કટોરો ભરેલી ઠંડી છાશ.
Humongously humorous title
ReplyDelete