Friday, July 31, 2015

Wednesday, July 29, 2015

કપડાં સૂકવવાનો દોરીમાર્ગ

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર

.................................................................................................................................

પર્યટને નીકળ્યા હોઈએ ત્યારે ધર્મશાળામાં જતાંની સાથે જ દોરીઓ બાંધવાની ટેવ પડી હોય, તો પછી પંચતારક હોટેલમાં પણ દોરીને છૂટો દોર કેમ ન આપવો? ઘણા પ્રવાસીઓ રેલગાડીના ડબ્બામાં બન્ને બાજુની બારીઓના લોખંડી સળિયા સાથે બિચારી દોરીને કચકચાવીને બાંધે છે. જેના કારણે, એ સળિયા ઉપર દોરીના કાપા ઊપસી આવે છે. આગગાડી સાથે થતો આ પ્રયોગ ભવિષ્યમાં આટકોટથી એન્ટવર્પ જતાં શટલિયા વિમાનમાં જોવા મળે તો નવાઈ ન લાગવી જોઈએ.

છાત્રાલયની ઓરડીની અંદર વિદ્યાર્થીઓ ભરચોમાસે કપડાં સૂકવવાની દોરી બાંધી શકાય તેટલી જગ્યા હવામાં રાખતા હોય છે. પરંતુ, એવેરેસ્ટ અપાર્ટમેન્ટ કે કાંચનજંઘા ફ્લેટ્સના રહેવાસીઓની ફરિયાદ છે કે, 'મોસમ બદલાવ'ના કારણે એમની અગાશીમાં કપડાં જોઈએ એવાં વાવઠતાં નથી. વળી, કપડાં સૂકવવાની દોરી સમુદ્રની સપાટીથી કેટલા ફૂટ ઊંચે બાંધવી જોઈએ એના વિશે પણ પ્રત્યેક પરિવારમાં પારાવાર મતભેદ પ્રવર્તે છે.

એક અર્થમાં દોરી એ 'સૂર્યશક્તિથી ચાલતું કપડાં સૂકવવાનું ઉપકરણ' છે. હાલમાં આપણે જેની ફીરકી ઉતારી રહ્યા છીએ એ કપડાંની દોરી નથી, પણ કપડાં સૂકવવાની દોરી છે. કપડાં સૂકવવાની દોરી કયા રંગની હોવી જોઈએ એ મામલે કોઈ વખતનો વધારે વ્યય કરતું નથી. કારણ કે, દરેક કપડાના રંગને મળતી આવે એવા રંગની દોરીની શોધ થઈ નથી. જોકે, ચોક્કસ ધરમધારા કે વિચારધારા સાથે સંકળાયેલા માણસો લાલ, લીલા, કે કેસરી રંગની દોરીનો ખાસ આગ્રહ રાખે તો એ રંગનાં નસીબ, બીજું શું?! આપણે જૂજ કિસ્સામાં પણ દોરીનો રંગ કપડાંને લાગી ન જાય એની ચીવટ રાખીએ છીએ. પરંતુ ક્યારેક કપડાંનો રંગ દોરીને લાગી ન જાય એની ચિંતા કરતાં નથી.

કપડાં સૂકવવા માટે ધાતુનો તાર વાપરવો નહીં. આ માટે 'ગુજરાત રાજ્ય આપત્તિનિવારણ સત્તામંડળ'ની અખબારી યાદીની રાહ ન જોવી. ચોમાસામાં વાવાઝોડાં અને વરસાદ જેવા કારણોસર ધાતુનો તાર વીજળીના તારના ઘનિષ્ઠ સંપર્કમાં આવી જાય એવું બને. તમે એ તાર ઉપર ભીનાં કપડાં સૂકવવાં જાવ એવું પણ બને. જેના કારણે વસ્ત્રને અને વ્યક્તિને આંચકો લાગી શકે. આમ, 'જીવંત' તારથી વ્યક્તિનો જીવનતાર કાયમ માટે તૂટી જાય. પરિણામે દેહ છોડતાં પહેલાં સ્પષ્ટતા ન કરી હોવાથી, વ્યક્તિની કાયમી ગેરહાજરીમાં કપડાં કોણ સૂકવશે એ પ્રશ્ન મહત્વનો બને છે.

ચોમાસામાં લોખંડના તાર ઉપર કાટ લાગવાની શક્યતા રહે છે. લોખંડનો તાર એટલો ઉદાત્ત હોય છે કે, પોતે પરિશ્રમથી પેદા કરેલો કાટ કપડાંને ખબર ન પડે તેમ એના ખાતામાં જમા કરી દે છે. આથી, લોખંડના તારની અવેજીમાં વિવિધ જાતની દોરીઓ ઉપર જગતની નજર પડે છે. દા.ત. કાથીની દોરી, સૂતળીની દોરી, નાયલોનની દોરી. જેમાં, કાથીની દોરી બાંધવાથી પહેલાં હાથ અને પછી કપડાં છોલાઈ જાય છે. સૂતળીની દોરી બાંધીએ એની જાણ ખિસકોલીને 'વોટ્સએપ્પ' વગર પણ થઈ જતી હોય છે. કેટલાક કિસ્સામાં તો ખિસકોલી કપડાં સૂકવવાં નહીં, પણ પોતાનો માળો બાંધવા માટેના 'કાચા માલ' તરીકે સૂતળીની દોરીનું અપહરણ કરી જતી હોય છે. છેવટે નાયલોનની દોરી સર્વાનુમતે પસંદગી પામે છે. આપણે ગુજરાતીઓ વિશાળ હૃદયથી નાયલોનનો સ્વીકાર કરી લઈએ છીએ, પછી એ નાયલોન ખમણ હોય કે નાયલોન દોરી!

દોરી બાંધતી વખતે તેને બહુ ન ખેંચવી. નહીંતર એની જીવાદોરી ટૂંકી થઈ જશે. દોરીને બહુ ઢીલી પણ ન રાખવી. નહીંતર આવતાં-જતાં, ભોડાં ઉપર કપડાં ભટકાશે. આમ, અહીં પણ ભગવાન બુદ્ધે ચીંધી આપેલો મધ્યમમાર્ગ ખપમાં લેવો. ઉપરાંત, દોરી કઈ દિશામાં બાંધવી એ વાસ્તુશાસ્ત્રના આધારે નહીં, પણ વાયુશાસ્ત્રના આધારે નક્કી કરવું. દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી પવન આવતો હોવાથી, દોરી પણ નૈઋત્ય દિશામાં બાંધવી રાષ્ટ્રના હિતમાં છે.

બંગલો કે ટેનામેન્ટમાં કપડાં સૂકવવાની દોરી તો શું ગાભણી ગીર ગાય પણ બાંધી શકાય. સવાલ ફ્લેટ કે અપાર્ટમેન્ટમાં રહેતા મધ્યમવર્ગીય કુટુંબોનો છે. માથે અને ધાબે ચોમાસું હોય, બે વર્ષના બાળકને સૂકવવાની જગ્યા પણ માંડ રહેતી હોય, ત્યાં કપડાં સૂકવવાની દોરી ક્યાં અને કેવી રીતે બાંધવી? આપણે આવી સમસ્યા 'મધ્યમવર્ગની મુશ્કેલીઓ'ના નિબંધમાં હૃદયસ્પર્શી રીતે વર્ણવીએ તો સંવેદનશીલ પરીક્ષકની આંખમાં ચોમાસું ઊમટી આવે. વળી, ઝરૂખામાં મૂકેલો કપડાં સૂકવવાનો ઘોડો પણ સાંબેલાધાર વરસાદ અને સુસવાટાભેર પવનમાં પગ અધ્ધર કરી દે છે! આ સંજોગોમાં નિત્યપ્રયત્નશીલ મનુષ્ય નવા વિકલ્પોની શોધમાં ઝંપલાવે છે. ઋતુઓની રાણી એવી વર્ષાઋતુમાં ઘરની રાણી એવી 'વર્ષા' કપડાં સૂકવવાની દોરી કેવી રીતે બાંધે? બસ, ઘરના 'વિઠ્ઠલ'ની અહીં જરૂર પડે છે. વર્ષાના દોરીસંચારને જગતનો અંતિમ આદેશ માનીને વિઠ્ઠલ દોરીચાળો કરવા મરણિયો બને છે.

બજારમાં તૈયાર મળતી નાયલોનની દોરીની લંબાઈ પ્રમાણે મકાનની બે દીવાલો વચ્ચેનું અંતર હોતું નથી. આ જ રીતે મકાનની બે દીવાલો વચ્ચેના અંતર જેટલી લંબાઈની દોરી ખરીદવા માટે પાંચફૂવા દરવાજાથી માંડીને ઢાલગરવાડ સુધી રખડશો તોપણ નહીં મળે. આપણે તો બન્ને દીવાલોમાં ખાધે-પીધે સુખી ઘરની ખીલીઓ ઠોકીને તેના ઉપર દોરીને ખેંચીને થાળે પાડવી પડે. ગમે તેટલા ઉદાર થઈને દોરી બાંધીએ તોય દોરી થોડી વધે તો તેને કાપી નાખવી એ આપણા વ્યક્તિત્વની મૂળ ખામી નહીં, પણ મૂર્ખામી છે. આવી 'ઘરેલું કટોકટી'માં દોરીના વધેલા કટકાને પકડીને કાયમ માટે ઊભાં ન રહેવાય, પણ સહેજ ખેંચીને સલામત જગ્યાએ બાંધી દેવાય! જેથી તેની ઉપર નરનો નહીં તો છેવટે નારીનો હાથરૂમાલ પણ સૂકવી શકાય. ખીલીઓ ઠોકતી વખતે પહેલાં ટેબલનું અને પછી દોરીબંધુનું સંતુલન જળવાવું જોઈએ, એ કહેવાની જરૂર નથી એટલે અહીં નથી કહેવું. કપડાં સૂકવવાની દોરી બાંધવા માટે ખીલીઓ કરતાં પ્રશ્નચિહ્ન આકારના હૂક લગાવવા હિતાવહ છે, એવી સલાહ આપનારા 'કર્મઢીલ' લીમડાની છત્રી કરીને બેઠાં હોય છે. આ સારુ તેઓ 'આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાન' દ્વારા નિર્ધારિત માપદંડનો હવાલો આપે તો મગજને 'સાઇલન્ટ મોડ' ઉપર રાખીને સાંભળી લેવું.

દહાડા-સપ્તાહ-મહિના જતાં ભીનાં કપડાંના ભારથી દોરી ઢીલી પડે છે. છેવટે એની ઝોલ નીચેની દિશા તરફ પડે છે. એનાથી સાબિત થાય છે કે, દોરી ઉપર ગુરુત્વાકર્ષણ બળની અસર થાય છે. આપણી આસપાસ બનતી આવી ઘટનાઓથી ન્યૂટનનો નિયમ આજે પણ સાચો પડે છે, એ જાણીને ચિત્ત પ્રસન્ન થઈ જાય છે. પરંતુ, ચાર અઠવાડિયાં અગાઉ કપડાં સૂકવવાની દોરી બંધાઈ ચૂકી હોય અને વરસાદને મહિનાથી કોઈએ બાંધી રાખ્યો હોય એ ઉપાધિ નહીં તો બીજું શું?                                                                              ashwinkumar.phd@gmail.com
.................................................................................................................................
સૌજન્ય :

કપડાં સૂકવવાનો દોરીમાર્ગ
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩-૦૬

પુનર્મુદ્રણ :
http://opinionmagazine.co.uk/details/2989/kapadaan-sookavavaano-doreemaarg

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર



.................................................................................................................................
સૌજન્ય : 

કપડાં સૂકવવાનો દોરીમાર્ગ
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩ અને પૃષ્ઠ : ૦૬

Tuesday, July 28, 2015

લોકરાષ્ટ્રપતિને સલામ ...

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની જીવનકથા ઉપર આધારિત દસ્તાવેજી ચલચિત્ર જોવા માટે આ વીજાણુ કડી ઉપર પહોંચી જાવ : 
      

પ્રસ્તુતિ અને સૌજન્ય : મલ્લિકા સારાભાઈ

Wednesday, July 22, 2015

સદી નહીં, બસ ચૂક્યો સચિન

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

આપણા સૌનો એકનો એક સચિન તેંડુલકર ઇંગ્લેંડના ઓક્સફર્ડશિયરના ગ્રેટ હેસલેમાં છેલ્લી બસ ચૂકી ગયો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદીની સદી ફટકારનાર સચિન લોન ટેનિસની મેચ જોવા ગયો એમાં આ મોકાણ થઈ. ખુદ સચિને આ ઘટનાની કેટલીક તસવીરો વહેતી મૂકી. જેમાંની એક તસવીરમાં, સચિનને બસ સ્ટેન્ડ ઉપર લમણે હાથ દઈને બેઠેલો જોઈને અમે ભારતીય સમય અને ટેવ મુજબ દુઃખી થઈ ગયા. સચિન ગુજરાતી પરિવારની દીકરી અંજલિ મહેતાને પરણ્યો છે. એટલે એક ગુજરાતી તરીકે આપણને શ્રીમાન સચિનકુમારની ચિંતા થાય એ વાજબી છે.

રમતવીર સચિન ઘણી વાર 'એલ.બી.ડબલ્યૂ.' એટલે 'લેગ બીફોર વિકેટ' જાહેર થયો છે, પરંતુ વિલાયતના અખબારી અહેવાલ મુજબ તે અહીં 'એલ.બી.ડબલ્યૂ.' એટલે કે 'લાસ્ટ બસ વેન્ટ' જાહેર થયો! આપણા પ્રાદેશિક પત્રકારો છાપાંની જગ્યા અને વાચકોનો સમય બચાવવા 'સચિન તેંડુલકર'ને ટૂંકમાં 'એસ.ટી.' તરીકે જાહેર કરીને સર્જનાત્મક શીર્ષક લખી શકે કે, 'એસ.ટી. બસ ચૂકી ગયો.'

સચિન તેંડુલકરે વામ-હસ્ત-ઉર્ધ્વ-અંગુષ્ઠ-કમાન-મુદ્રા દ્વારા એટલે કે, ડાબા હાથનો અંગુઠો ઊંચો કરીને તેને કમાનાકારે વાળીને લિફ્ટ માંગવાનો પ્રયાસ પણ કર્યો. આ જ સચિન આપણા દેશમાં અંગુઠાને આ રીતે વાળીને જો 'થમ્બ્સ અપ' ગટગટાવવાનું કહે તો લોકો એનું આંધળું નહીં પણ દેખતું અનુકરણ કરે. જોકે, નાણાંના નળ નીચે નિરાંતે નાહી શકે એવા સચિનની આવી દયામણી હાલત જોઈને એવું લાગ્યું કે, જીવનમાં પૈસો એ જ સર્વસ્વ નથી!

સચિન મોટા ભાગે સપરિવાર દર્શન આપે છે. જોકે, આ વખતે તે સાવ એકલો હતો. આ બાબતનો સાર એટલો જ કે, 'આ દુનિયામાં આપણે એકલા આવ્યા છીએ, ને એક દિવસ આપણે આ દુનિયા છોડીને એકલા જવાનું છે.' એમાં પણ આપણે છેલ્લી બસ ચૂકી જવાના હોઈએ તો એમાં આખા પરિવારને શું કામ હેરાન કરવો એવો વીરોચિત બલિદાનભાવ સચિને દાખવ્યો હોવો જોઈએ.

આખા ઘટનાક્રમની એક તસવીરમાં, સચિનના ચહેરા ઉપર છેલ્લી બસ ચૂક્યાની ચિંતા પ્રમાણમાં ઓછી દેખાય છે. છેલ્લી બસ ચૂક્યાનો તેનો પહેલો અનુભવ હોવાથી, સચિન પોતાની વેદના વ્યક્ત કરવામાં જોઈએ એવો સફળ થયો નથી. વધારામાં, તે લિફ્ટ લેવા માટે ચહેરો હસતો અને અંગુઠો ઊંચો રાખીને 'વિદેશી સહાય' મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આવી ઘટના ભારતમાં બની હોય તો સચિનના હસ્તાક્ષર લેવા પડાપડી થાત. જ્યારે અહીં સચિનના હાથમાં ન તો કલમ હતી, સચિનની પાસે ન તો ચાહકોની ભીડ હતી. વળી, સચિનના હાથમાં ક્રિકેટ રમવાનું બેટ કે છેવટે કપડાં ધોવાનો ધોકો હોત તોપણ કોઈકે તેની નોંધ લીધી હોત.

હંમેશાં તરોતાજા લાગતો સચિન મુંબઈવાસી છે. કિશોરાવસ્થાના દિવસોમાં સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરીને ક્રિકેટ રમવા જતા હશે. કાળક્રમે સાર્વજનિક વાહન-ગાડી પકડવાની સચિનની ટેવ છૂટી ગઈ. ગુજરાતમાં નહોતો રહેતો છતાં સચિનનો 'વિકાસ' થવા લાગ્યો. તે ફેરારી જેવી મોંઘીદાટ ગાડીઓ હંકારવા માંડ્યો. સચિન જાહેરખબરોમાં દેખાવા લાગ્યો. તે જીવનની વાસ્તવિકતાઓથી દૂર થવા લાગ્યો. એક ગુણની ખાલી જગ્યા ભરવા માટે પણ આપણે યાદ રાખવું જોઈએ કે, સચિન તેંડુલકર 'ભારતરત્ન' છે. તે ઇંગ્લેંડ જેવા દેશના એક ગ્રામપ્રદેશમાં આવી રીતે છેલ્લી બસ ચૂકી જાય એ જાણીને ઘણા સચિનપ્રેમી ભક્તો ગળગળા થઈ જાય તો આપણે એમને આશ્વાસન સિવાય બીજું શું આપી શકીએ?

આપણા દેશમાં સચિનની લોકપ્રિયતા બન્ને કાંઠે વહેતી રહી છે. ક્રિકેટવિશ્વમાંથી નિવૃત્ત થયા પછી આજે પણ તેંડુલકર લીલીયા-લાઠી માર્ગ ઉપર બસ ચૂકી ગયો હોત તો, કોઈ ગ્રામજન તેને અઢીસો ગ્રામ ગાંઠિયા ખવડાવત અને ઉપર ગોળીવાળી સોડા પીવડાવત. સચિન ખાન-પાન પતાવ્યા પછી, જશવંત છાપ બીડી ન પીતો હોત તો તેને મીઠો માવો ખવડાવત. જો તે વાગરા બાજુની બસ ચૂકી ગયો હોત તો તેના માટે કોઈ જુવાન ભરૂચની સીંગનું પડીકું અને બરફ નાખ્યા વગરનો શેરડીનો તાજો રસ લઈ આવત.

આ દેશમાં એવા લાખો લોકો હશે, જેઓ પહેલીથી માંડીને છેલ્લી સુધીની અનેક બસ ચૂકી ગયા હશે. ઘણી વાર તો આપણે જોઈએ તેમ નજર સામેથી બસ પસાર થઈ જાય છે. આપણને વિલાપ કરતાં મૂકીને બસ જતી રહે ત્યારે સંસાર અસાર લાગે છે. ચહેરા ઉપર ટૂંક સમય માટે વૈરાગભાવ પણ આવી જાય છે. ધરતી મારગ આપે તો સમાઈ જવાનું મન થાય છે. અહીં એ વાત અસ્થાને છે કે, આપણને રસ્તા ઉપર પડતા ભૂવામાં પડવાની બીક લાગે છે! વળી, આપણે જે છેલ્લી બસ ચૂકીએ તેની પાછળ સુભાષિત લખેલું હોય કે, 'લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે.' અહીં 'એક અમર આશા'ના સ્વપ્નને સાકાર કરવું હોય તો વહેલી સવારની સૌથી પહેલી બસ પકડવા માટે બસ સ્ટેન્ડમાં આખી રાત જાગવું પડે! આથી, જ્યારે છેલ્લી બસ પણ આપણને છોડીને જતી રહે ત્યારે 'એકલો જાને રે'ની રવીન્દ્રપંક્તિને યાદ કરીને મંજિલ ભણી ચાલવાનું શરૂ કરી દેવું એ શાણપણનું કામ છે. આ વખતે આપણે એકલા નથી હોતા. કારણ કે, શેરીનાં કૂતરાંને પણ પોતાની ઊંઘ ત્યજીને સજાગ થવાની ફરજ પડે છે. 

છેલ્લી બસ ચૂકી ગયા પછી બસ સ્ટેન્ડ ઉપર રોકાવું જોઈએ કે નહીં? જો રોકાવું પડે તો ત્યાં બેસીને શું કરવું જોઈએ? આવી અનેક મૂંઝવણ વિશે માર્ગદર્શન આપતો અલાયદો સરકારી વિભાગ કે સ્વૈચ્છિક સંગઠન કામ કરતું હોય એવું જાણમાં નથી. આ સંજોગોમાં સરકારી પરિવહન તંત્રને એટલી જ અરજ કરવાની કે, તેમણે છેલ્લી બસ ચૂકી ગયેલાઓને અલગ અલગ બસ સ્ટેન્ડ ઉપરથી ઉઘરાવી લાવીને તેમને ઘરભેગાં કરવા માટે વિશેષ અને ખરેખર છેલ્લી બસની વ્યવસ્થા કરવી જોઈએ. જો આવું થાય તો પ્રજાનો સત્તાધીશો ઉપર ભરોસો બેસશે. પરિણામ સ્વરૂપે નાગરિકો કોઈ પણ જાતની અસલામતી અનુભવ્યા વગર છેલ્લી બસ ચૂકવાનો અધિકાર ભોગવી શકશે. 

છેલ્લી બસ ચૂકી ગયેલાં નગરજનોએ સામાજિક માધ્યમો પર ઝપાટાભેર અને જોશભેર સક્રિય રહી શકાય તેટલી મોબાઇલ ફોનની બેટરી ચાર્જ કરેલી હોવી જોઈએ. તેઓ તસવીરો સાથે એમના અનુભવોની અભિવ્યક્તિ કરે. વિશેષ કરીને છેલ્લી બસ ચૂક્યા પછી તેઓ કેવી રીતે ઘરે પહોંચ્યા, ઘરે થયેલી ઊલટતપાસનો તેમણે કેવી આબાદ રીતે સામનો કર્યો તેનું રસિક વર્ણન પ્રગટ થવું જોઈએ. જેમાંથી 'બસ, છેલ્લી બસ ચૂક્યાનું યાદ' જેવા શીર્ષક તળે પુસ્તક પ્રસિદ્ધ કરી શકાય. આ પુસ્તકનો લોકાર્પણ-કાર્યક્રમ બસ સ્ટેન્ડ ઉપર અને એ પણ મોડી રાતે જ યોજવો જોઈએ. પુસ્તકનું વિમોચન પણ છેલ્લી બસ ચૂકી ગયેલા માઠાનુભાવના હસ્તે જ કરાવવું એ ચૂકી ગયેલા સમયની માંગ છે!

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય : 
સદી નહીં, બસ ચૂક્યો સચિન
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩

'હળવે હૈયે' // ડૉ. અશ્વિનકુમાર


.................................................................................................................................
સૌજન્ય : 

http://epaper.divyabhaskar.co.in/magazine/kalash/58/22072015/0/1/

સદી નહીં, બસ ચૂક્યો સચિન
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩

ભાષાની મજા, મજાની ભાષા - 874

'જે સજ્જ ન હોય તેમણે લડાઈ લડવી ન જોઈએ.'

'જે સજ્જન હોય તેમણે લડાઈ લડવી ન જોઈએ.'

'ચલચિત્રિય' આમંત્રણ



જાહેર જીવનના કવિનું સ્મરણ : ૦૧ / ૨૦૧૫

ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી
ઉપસ્થિત : દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ વિભાગના, પત્રકારત્વ વિભાગના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ
કાર્યક્રમ-સામગ્રી : ઉમાશંકર જોશીનાં ગીતોનું શ્રવણ અને ઉમાશંકર જોશીનું શબ્દ-વિશ્વ
તારીખ : ૨૧-૦૭-૨૦૧૫
સમય : ૧૨:૦૦થી ૦૧:૦૦
સ્થળ : કાર્યક્રમ-સર્જન ખંડ, દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

જાહેર જીવનના કવિનું સ્મરણ : ૦૨ / ૨૦૧૫

ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી
ઉપસ્થિત : પત્રકારત્વ વિભાગના બીજા વર્ષના વિદ્યાર્થીઓ
કાર્યક્રમ-સામગ્રી : ઉમાશંકર જોશી વિષયક વેબસાઇટની સામગ્રીનું દર્શન અને શ્રવણ, ઉમાશંકર જોશીનું '૩૧માં ડોકિયું પુસ્તક અને 'સંસ્કૃતિ' સામયિક
તારીખ : ૨૧-૦૭-૨૦૧૫
સમય : ૦૩:૪૫થી ૦૫:૧૫
સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Wednesday, July 15, 2015

'અફવાદેવી, ભલું કરો!'

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર

.................................................................................................................................

કેટલાક વખતથી, અમદાવાદ શહેર અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ચોર, લુટારુ, અને આતંકવાદીઓ ઘૂસી આવ્યા હોવાની અફવાઓ ચાલી કે દોડી નહીં, પણ ઊડી રહી છે. આમાં એ અફવા પણ ભળી છે કે, ગુંડા'ભાઈ'ઓ ઘરફોડ ચોરી કરવા, લૂંટફાટ કરવા, બાળકોનાં અપહરણ કરવા, સ્ત્રીઓની લાજ લૂંટવા, અને પુરુષોને રહેંસી નાખવા આવવાના છે. આ અફવાની ખરાઈ કર્યા વિના તેને મોબાઈલ ફોનથી લ.સં.સે.(લઘુ સંદેશ સેવા ઉરફે એસએમએસ) અને વોટ્સએપ્પ જેવાં સામાજિક માધ્યમોથી આગળ ધપાવવાની સ્વૈચ્છિક પ્રવૃત્તિ વેગીલી બની. પરિણામ સ્વરૂપે, દહેગામ તાલુકાના હરસોલી ગામમાં, માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિને, 'પાગલ' ટોળાંએ મંદિરસ્થંભ સાથે બાંધીને 'ચોરમાર' માર્યો. આ ઘટનાની તસવીરો તરતી થઈ ત્યારે ખબર પડી કે, કેન્દ્ર સરકારના 'ડિજિટલ ઇંડિયા' અભિયાનનો લોકઅમલ શરૂ થઈ ચૂક્યો છે!

નિંદા, કૂથલી, ચકચાર, ગપાટાની ફોઈની વચલી દીકરી એટલે અફવા. અફવા શબ્દ 'સ્ત્રીલિંગ' છે, પણ તે ભલભલા ભાયડાના બરડા ખોખરા કરાવી શકે છે. અફવા જીભથી ફેલાય છે. જેના કારણે કોઈકના દાંત દૂધિયા ન હોય તોપણ પડી જાય છે. અફવાને હાથ-પગ નથી હોતા, પણ તે કોઈના પણ હાથ-પગને ભાંગી શકવાની ક્ષમતા ધરાવે છે. અફવા એ ચોખાનો દાણો છે. એ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ બફાતો રહે છે. છેવટે એ ચોખાના દાણામાંથી ભાત, પુલાવ, બિરંજ, કે બિરયાની જ બને એવું જરૂરી નથી. અફવા એવી ઘટના છે કે જેમાં પહેલાં આપણી સમજ અને પછી આપણો સમાજ પાછો પડે છે. "રાષ્ટ્રને આગળ લાવવું હોય તો પ્રજાએ અફવારૂપી સંદેશાને આગળ મોકલવો નહીં." એવું સ્વામી વિવેકાનંદ કહે તો જ આપણે સ્વીકારવાનું?!

પૂર વિશેની અફવા પણ આગની જેમ જ ફેલાતી હોય છે. અફવા વિશે 'આગ'વી ચિંતા કરતાં બગોદરાના ચિંતક-સહાયક નામ ન આપવાની શરતે કહે છે કે, "અફવા એ હરતો-ફરતો ખતરનાક વા છે. સચ્ચાઈ લાવવામાં આવે છે, જ્યારે અફવા ફેલાવવામાં આવે છે. આપણા દેશમાં હકીકત અફવા બને છે, એટલે અફવા હકીકત બને છે. સાચું પૂછો તો બિચારી પ્રજા અફવા સિવાય બીજું કશું ફેલાવી શકતી નથી. લોકશાહીમાં નેતાઓ નાગરિકોને 'અફવા' ગણીને હસી ન નાખે એ જરૂરી છે." અખબારી ભાષા મુજબ, 'અફવાથી લોકોના જીવ તાળવે ચોંટી જાય છે.' અને 'અફવાથી નાગરિકોના જીવ પડીકે બંધાય છે.' 'અફવા : એક સમીક્ષાત્મક અભ્યાસ', 'શહેરી અફવા અને ગ્રામીણ અફવા : એક તુલનાત્મક અધ્યયન', 'વીજાણુ અફવાઓની નિરક્ષર ગ્રામજનો ઉપર થતી અસરો (દસક્રોઈ તાલુકાના વિશેષ સંદર્ભે)' જેવા સંશોધન-નિબંધો વિદ્યાર્થીઓને પારંગત કક્ષાએ કરાવી શકાય.

કાનથી ફેલાતી અફવા હવે આંખથી પણ ફેલાય છે. એક જમાનામાં અફવા ચકરડું ઘુમાવવાથી એટલે કે ડાયલ કરવાથી ફેલાતી, હવે સ્પર્શપટલથી એટલે કે ટચ સ્ક્રીનથી ફેલાય છે. એ જમાનામાં લોકો આંગળી ચીંધ્યાનું પુણ્ય કરતાં હતાં. આજે આંગળી દબાવ્યાનું પાપ કરે છે. જૂના જમાનામાં, લેન્ડ લાઇન ફોનથી અફવા ફેલાવવામાં જે મજા આવતી તે મોબાઇલ ફોનમાં નથી આવતી. કોમી તોફાનો વખતે 'ભોટફોન'માં રોંગ નંબર લાગે તોપણ મૌખિક માહિતીની આપલે નિમિત્તે અફવાનું આદાન-પ્રદાન થતું. જ્યારે 'સ્માર્ટફોન'માં આવી પૂગેલા લેખિત સંદેશામાં વ્યક્તિ પોતે કશું ખાસ નવું ઉમેરી શકતી નથી. જેનાથી પ્રજાની 'સર્જનાત્મક' શક્તિ કુંઠિત થઈ જાય છે. 

પહેલાં અફવા મૌખિક હતી હવે લેખિત થઈ ગઈ છે. આજકાલ તો અફવાએ 'વીજાણુ દેહ' ધારણ કર્યો છે. આધુનિક યુગમાં અફવા એસએમએસ બની છે. એક સમયે તો અફવાનું 'પડીકું' આવતું હતું. આજની 'પાઉચ પેઢી'ને આ વાત ક્યાંથી સમજાય? તમને જો બોલતાં આવડતું હોય, સાંભળતાં આવડતું હોય; તમને જો લખતાં આવડતું હોય, નૂતન માધ્યમો વાપરતાં આવડતું હોય; તો તમે અફવાને સારી રીતે ફેલાવી શકવા સજ્જ છો! 'ફેસબૂક' કે 'વોટ્સએપ્પ' જેવાં નૂતન સામાજિક માધ્યમોથી અફવા ફેલાતી હોય તો પોલીસતંત્રે 'સાયબર ક્રાઇમ સેલ'માં અફવા માટે અલાયદો 'રુમર રૂમ' ખોલવો અનિવાર્ય છે.

પ્રજા ક્યારેક અફવામાં અતિરેક કરે એના કરતાં સમયાંતરે અફવા ફેલાવતી રહે એ માટે સરકારે 'નૂતન અફવા પ્રોત્સાહક નીતિ' ઘડવાની આવશ્યકતા છે. જેથી કરીને આવાં ભયાનક દહાડા અને રાત જોવાનાં ન આવે. દરેક વર્ષના ચોથા મહિનાનો પહેલો દિવસ 'એપ્રિલ ફૂલ દિવસ' તરીકે ઓળખાય છે. આ રીતે ત્રીસ ફેબ્રુઆરીને 'અફવા દિન' તરીકે ઊજવવો જોઈએ! અફવા જેવી જ ફેંકાફેંક કરતાં કોઈ મહાનેતાનો જન્મદિવસ પણ આ રીતે ઊજવી શકાય. એટલું જ ધ્યાન રાખવાનું છે કે, દેશમાં આ દિવસ સ્થાનિક સ્તરે ઊજવાવો જોઈએ. આ રીતે 'અફવા દિવસ'ની ઉજવણી ગામ, તાલુકા, અને જિલ્લા સ્તરે પણ કરી શકાય. શ્રેષ્ઠ અફવા ફેલાવનાર ત્રણ વિજેતાઓને અનુક્રમે પાંચસો એક, બસો એક, એકસો એક રૂપિયાની રિચાર્જ કૂપન આપવી જોઈએ. જેથી તેમના મોબાઇલ ફોનમાં 'બેલેન્સ' જળવાઈ રહે. આ ત્રણે વિજેતાઓને 'ફેસબૂક' કે 'વોટ્સએપ્પ'થી જ સંક્ષિપ્ત પ્રમાણપત્ર મોકલી દેવા જોઈએ.

પ્રજાને એકવાર અફવા કોઠે પડી જાય તો લોકો અફવાને ગંભીરતાથી લેશે નહીં. જેના પરિણામે જાણહાનિ અને જાનહાનિ અટકી જશે. વળી, અફવા-સ્પર્ધાથી પ્રજાની સર્જનશક્તિ ખીલશે, માનવજીવનને અફવાનાં નવાં નવાં સ્વરૂપોની જાણકારી મળશે. 'રહસ્ય'ની જગ્યાએ 'હાસ્ય'નું સામ્રાજ્ય સર્વત્ર ફેલાશે. સમગ્ર સમાજ 'રુમર'માંથી 'હ્યુમર' તરફ જશે. વહીવટી તંત્ર અને સલામતી તંત્રને પણ ભવિષ્યમાં અફવાઓનો અંદાજ બાંધવામાં અનુફૂળતા રહેશે. વધારામાં, 'શહેરી વિકાસ સત્તામંડળ'ના ઉપક્રમે નવોદિત કવિઓ દ્વારા 'અદ્વિતીય અફવા કાવ્ય સંમેલન'નું પણ આયોજન થવું જોઈએ. આ કાર્યક્રમ 'સાબરમતી રિવરફ્રન્ટ'માં યોજવો જોઈએ. જોકે, કેટલાક લોકો 'સાબરમતી'ને 'સાબરમટી' કહે છે, જે અફવા નથી પણ વાસ્તવિકતા છે. વળી, વિકાસવિવેચકોના મતે 'સાબરમતી રિવરફ્રન્ટ'માં નદી પાતળી અને કિનારા પહોળા હોય એના કરતાં મોટી અફવા બીજી કઈ હોઈ શકે?!

અફવાના મામલે વ્યક્તિ કરતાં વેતાળ વધારે પુખ્ત સમજ ધરાવે છે. પૂર્વજન્મમાં સાંભળવાની રહી ગયેલી વાર્તા મુજબ, એક ભૂતે બીજા ભૂતને કહ્યું કે, "આજ સવારથી મને એવો ભાસ થાય છે કે, મેં કોઈ માણસને જોયો હોય." આટલું સાંભળતાં જ ભૂત ક્રમાંક બેએ ભૂત ક્રમાંક એકને કહ્યું કે, "આ તારા મનનો વહેમ છે. બાકી, દુનિયામાં માણસ જેવું કશું હોતું નથી." એ તો માનવજાતનાં નસીબ પાંસરાં કે, એ જમાનામાં વાતચીત કરવા માટેનાં વીજાણુ માધ્યમો નહોતાં. નહિતર આ આખી અ'ભૂત'પૂર્વ વાત'ચેટ' અક્ષરાંકિત થઈને લ.સં.સે. કે અન્ય સ્વરૂપે મોબાઇલ નેટવર્ક કે સોશિયલ મીડિયા વાટે ફેલાઈ જાત. જો આ 'સંદેશો' સ્વયં 'અંદેશો' બનીને, એક ભૂતથી અન્ય ભૂત અને એ રીતે અસંખ્ય ભૂત સુધી સમગ્ર મૃત્યુલોકમાં પહોંચી ગયો હોત તો, માનવજાતિ વિશે કેવી ગેરસમજ થઈ હોત? જેના કારણે વર્તમાનકાળનું કોઈ ભૂત ભવિષ્યમાં માણસ તરીકે જન્મવાનું જ પસંદ ન કરત!

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય : 
'અફવાદેવી, ભલું કરો!'
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

'હળવે હૈયે' // ડૉ. અશ્વિનકુમાર



.................................................................................................................................
સૌજન્ય : 

'અફવાદેવી, ભલું કરો!'
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

Wednesday, July 8, 2015

ટૂંકાં નામમાં શું છે?

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

નામમાં કશું હોય કે ન હોય, ટૂંકાં નામમાં ઘણું હોય છે. એમાં પણ ઘણી સરકારી કચેરીઓમાં કર્મચારીઓ એકબીજાને ટૂંકાં નામે બોલાવે છે. કેટલાંક સરકારી ખાતાંમાં તો ટૂંકાક્ષરી સંબોધનનો છૂટથી ઉપયોગ કરવામાં આવે છે. આ ટૂંકાક્ષરી માટે કર્મચારીઓ જે તે વ્યક્તિના અને એમના પિતાના નામનો પહેલો અંગ્રેજી મૂળાક્ષર ઉપયોગમાં લે છે. જેને કારણે જાતભાતના 'સર્જનાત્મક' અકસ્માતો સર્જાય છે.

સરકારી કાર્યાલયમાં પૃચ્છા કરવા માટે તમે, 'ઘનશ્યામદાસ કુંજવિહારીદાસ મથુરાવાલા' જેવી, કોઈ કર્મચારીના નામની પૂર્ણ ઓળખાણ આપો તો કોઈ તેમને ઓળખી શકે નહીં. પણ એમ પૂછો કે, " 'જી.કે.' ક્યાં છે?" તો ત્યાં હાજર તમામ કર્મચારીઓ એમની સામાન્ય બુદ્ધિને ખીલવતાં એકસાથે એ ટૂંકાક્ષરને વધાવી લેશે. જેના કારણે, ઘણી આંગળીઓ એ દિશા તરફ ચીંધવામાં આવશે જ્યાં 'જી.કે.' સ્વદેહે બિરાજતા હોય. આમ, જો એ વ્યક્તિ હાજર સ્ટોકમાં હશે તો તમે એ વ્યક્તિ સુધી તરત પહોંચી શકશો.

કર્મચારીઓ ટૂંકાક્ષરી પ્રયોગ થકી સમયની બચત કરે છે. ધારો કે, 'ભાઈલાલભાઈ ભોગીદાસભાઈ'ને દરેક વખતે એમના પ્રથમ નામે એટલે કે 'ભાઈલાલભાઈ' કહીને બોલાવીએ તોપણ કેટલી બધી ક્ષણોનો વ્યય થાય? એની જગ્યાએ 'બી.બી.'થી જ વાત શરૂ થાય છે અને પૂરી થાય છે! આમ, સરકારી કર્મચારીઓ તેમના ધ્યાન બહાર પણ સમયનું મૂલ્ય સમજે છે. સવાલ એટલો જ છે કે, તેઓ આ રીતે બચાવેલા સમયનો સદુપયોગ કરે છે કે પછી એ બચાવેલા સમયમાં અન્ય કર્મચારીઓને આ જ રીતે ટૂંકાં નામે બોલાવ્યે રાખે છે?!

સરકારી તંત્રમાં વ્યક્તિની લિંગઓળખ અને ટૂંકાક્ષરી વચ્ચેનો સંબંધ સ્થાપવો ક્યારેક મુશ્કેલ બની જાય છે. દાખલા તરીકે, 'બી.વી.નાં પત્નીને દાખલ કર્યાં છે.', 'એમ.આર.ના પતિની બદલી થઈ ગઈ છે.' હદ તો ત્યારે થાય કે, બી.જી.ના એક સફળ છૂટાછેડા પછી બીજાં લગ્ન થાય કે તરત, કચેરીનો ખણખોદિયો ખબરખોર કોઈને ન કહેવાની શરતે બધાંને બાતમી આપે કે, 'બી.જી.ની બીજી પત્નીનો પહેલો પતિ વેસ્ટ બેંક ઓફ ઇંડિયાની ગોલમાલ શાખામાં નોકરી કરે છે.'

સરકારી કચેરીઓમાં દરેક બીજો કર્મચારી દરેક પહેલા કર્મચારીની તબિયત પૂછે છે. જે તે કર્મચારીનો નામોલ્લેખ ટૂંકમાં પતાવવાનો હોવાથી, 'એ.સી.ને શરદી થઈ ગઈ છે.' અને 'એ.ડી.ને વાઢિયાની તકલીફ છે.' જેવા વાક્ય-પ્રયોગો થતા રહે છે. વધારામાં વિગતો બહાર આવે કે, 'ટી.બી.નું શરીર ભારે થઈ ગયું છે.' અને 'બી.પી.ને કેન્સરની બીમારીની શંકા છે.' આટલું ઓછું હોય તેમ, જાણવા મળે કે, 'કાલે રાત્રે સી.ડી. પગથિયાં ઉપરથી પડી ગયા.' અને 'આજે સાંજે પી.ટી. કસરત કરવા માટે ફીઝિયોથેરપિસ્ટ પાસે જવાના છે.' ઓમપ્રકાશ કમલાપ્રસાદને સહેજ તાવ જેવું લાગે અને તેઓ ઘરભેગા થઈ જાય ત્યારે ખબર પડે કે, 'ઓ.કે.ની તબિયત ઠીક નથી.' દરમ્યાનમાં, કામનો ભાર પોતાના ઉપર આવશે એટલે ચંદ્રકાંત લવજીભાઈ ઉર્ફે સી.એલ. 'મેડિકલ લીવ' લઈને આવતી કાલથી ઘેરહાજર રહેવાના છે!

કર્મચારીઓની વિશેષતાને તેમની ટૂંકાક્ષરી ઓળખાણ સાથે કોઈ જ લેવા-દેવા ન હોય તો એ સમસ્યા આપણી છે, તેમની નહીં. ઉદાહરણ તરીકે, બી.ડી. દિવસમાં દસ સિગારેટ ફૂંકે અને કે.ડી. રસ્તો વારેઘડીએ ભૂલી જતાં હોય. ટી.વી. રિસેસમાં પણ રેડિયો સાંભળ્યા કરે અને ડી.ડી.ની ગમતી ચેનલ 'કલર્સ' હોય. ડી.જે.ને સંગીતનો ભારે કંટાળો આવતો હોય અને આર.જે. કશું બોલે જ નહીં. આર.કે.ને જૂનાં ચલચિત્રોની નવી ચર્ચામાં રસ ન પડે અને જે.જે. ભગવાનમાં માનતા ન હોય. પી.આર. ભલે અંતર્મુખી હોય, પણ વી.આર. એકલા ન પડી જવા જોઈએ. વાય.ડી. ખરેખર વાયડી હોય અને ટી.પી.નાં લખ્ખણ એવાં હોય કે, એને કોઈ સફાઈસુંદરી પણ ટીપી નાખે!

સરકારી કચેરીમાં પ્રદેશથી માંડીને જ્ઞાતિ સામે ટૂંકાક્ષરી ઓળખનો મેળ પડતો નથી. દાખલા તરીકે, એસ.કે. કચ્છના હોય અને બી.કે. દક્ષિણ ગુજરાતના હોય. આ જ રીતે, શિવશંકર ચંદ્રશંકર બ્રાહ્મણ હોય એમાં શી નવાઈ? પણ આ જ 'શિવશંકર ચંદ્રશંકર'ને ટૂંકાવીને કહેવાય કે, 'એસ.સી. બ્રાહ્મણ છે.' વધુમાં, સાંકળચંદ ત્રિલોકચંદ વિશે એવું કહેવાય કે, 'એસ.ટી. તો વાણિયા છે.' એવું પણ જાણવા મળે કે, યુ.કે.નું મૂળ વતન ડેડિયાપાડા છે. આ યુ.કે. એટલે સમસ્ત કાર્યાલય કર્મચારીગણના એકના એક એવા ઉમરાભાઈ કેવળભાઈ!

સરકારી કાર્યાલયમાં ટૂંકાક્ષર અને હોદ્દા વચ્ચે ભવ્ય વિરોધાભાસ જોવા મળે છે. એમ.ડી. કારકુન હોય અને બી.ઈ. હિસાબ વિભાગમાં હોય. સી.એ. 'સ્વાગત કક્ષ'માં બેઠાંબેઠાં મક્ષિકા-મારણ કરતાં હોય અને જી.કે. સામાન્ય જ્ઞાનની ખાતાકીય પરીક્ષામાં ત્રીજી વખત સફળતાથી દોઢ વેંત દૂર રહ્યા હોય. એમ.એ. દશમું નાપાસ હોય અને પી.જી. ક્યારેય કૉલેજનાં પગથિયાં ચઢ્યાં જ ન હોય. પી.સી.ને ટાઇપ કરતાં ન આવડતું હોય અને સી.વી.ને બાયો-ડેટા બનાવતાં ન આવડતું હોય. વી.સી.ને પહેલા વર્ષમાં એ.ટી.કે.ટી. આવી હોય, પરંતુ પી.એ. બઢતી મેળવીને નિયામક થઈ ગયા હોય!

કોઈ કચેરીમાં ચાર એ.કે. હોય પણ એકેય એમની જગ્યા ઉપર હાજર હોય જ નહીં! બી.જે. હંમેશાં બીજે જ જોવા મળે. ઓ.સી. અડધો કલાકથી ફોટો-કોપી કરાવવા ગયા હોય અને પી.પી. પોણો કલાકથી વોશરૂમમાં ગયા હોય. સી.ટી. વર્ષોથી પોતાના ગામથી મોડાં જ આવતાં હોય અને એસ.ટી. ખાનગી જીપ પકડવા રોજ વહેલા નીકળી જતાં હોય. કેન્દ્ર સરકારની એક કચેરીમાંથી ફોન ઉપર પ્રત્યુત્તર મળ્યો કે, 'કાર્યાલય સે શામ કો પાંચ બજે હી પી.કે. નિકલ ગયે હૈ.' ગુજરાત જેવું નશાબંધીમાં માનતું રાજ્ય હોય અને કર્મચારી સરકારી સેવામાં હોય, છતાં આવો જવાબ મળે એટલે આશ્ચર્ય અને આઘાતની મિશ્ર લાગણી ચકરાવો લેવા માંડે. પણ ગેરસમજનો 'નશો' ઊતરી ગયા પછી ખબર પડે કે, 'પી.કે. નિકલ ગયે હૈ' મતલબ 'પદ્મનાથ કેદારનાથ નિકલ ગયે હૈ!'

પિતા અને પુત્ર વચ્ચેના મતભેદોથી આપણાં ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર ભર્યાંભર્યાં છે. સંબંધોના સંઘર્ષભર્યા સુસવાટા વચ્ચે એ આશાદીવડો પ્રગટે છે કે, સરકારી કર્મચારીઓ વ્યક્તિના નામની સાથે એમના પિતાના નામનો ઉલ્લેખ કરીને ઉદાર અભિગમ દાખવે છે. પિતા સાથે ગંભીર મતભેદો હોય તોપણ 'સરકારી' પુત્ર મોટું મન રાખીને તેમને માફ કરે છે. જેના કારણે 'માવતર કમાવતર થાય પણ છોરું કછોરું ન થાય' જેવી નવી કહેવત 'સિઝેરિયન સેક્શન'થી જન્મ ધારણ કરે છે.

સરકારી કર્મચારીઓ અસરકારી રીતે, એકબીજાને તુચ્છકારે નહીં પણ ટૂંકારે બોલાવે છે. મજાની વાત તો એ છે કે તેઓ આ પ્રકારનાં ટૂંકાક્ષરી સંબોધનમાં 'અટકચાળો' કરતાં નથી. મતલબ કે, તેઓ અટકને દૂર રાખે છે. ભારતીય સમાજમાં 'અટકબારી' ખુલ્લી રાખવાથી અનેક સમસ્યા, ગેરસમજ, પૂર્વગ્રહો, પક્ષપાતો સર્જાય છે. સામાન્ય બોલચાલમાંથી આ મૂઈ અટક-કુલટાને દૂર રાખીને સરકારી કર્મચારીઓ માનવીય સમાનતા અને સામાજિક સમરસતાનું ઉત્તમ કામ એમની જાણ બહાર પણ કરે છે ખરા!

.............................................................................................................................
ashwinkumar.phd@gmail.com

..............................................................................................................................
સૌજન્ય :

ટૂંકાં નામમાં શું છે?

'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૦૮-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

'હળવે હૈયે' // ડૉ. અશ્વિનકુમાર



..............................................................................................................................
સૌજન્ય :


ટૂંકાં નામમાં શું છે?
'હળવે હૈયે'
'દિવ્ય ભાસ્કર', ૦૮-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

Wednesday, July 1, 2015

જોડણી માતાનો જય હો!

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

ઈસવીસન ૨૦૧૫માં ગુજરાત રાજ્યમાં દશમા ધોરણમાં ગુજરાતી ભાષાનું ધોરણ વધારે કથળી ગયું. ગુજરાતી માધ્યમમાં પ્રથમ ભાષા ગુજરાતી વિષયમાં કુલ ૮,૫૧,૨૮૫ પરીક્ષાર્થીઓમાંથી ૬,૨૪,૬૨૨ સફળ થયા અને ૨,૨૬,૬૬૩ નિષ્ફળ ગયા. આમ, માતૃભાષા ગુજરાતીમાં ૨૭ ટકા વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થાય એ શરમજનક છે. નરસિંહ-નર્મદ, ગોવર્ધનરામ-રણજિતરામ, ગાંધી-સરદાર, મેઘાણી-મુનશી, ગૌરીશંકર-ઉમાશંકર, પન્નાલાલ-મનુભાઈની દૂધભાષા તેમ જ કાકા(આચાર્ય કાલેલકર) અને બાપા(ફાધર વાલેસ)ની નવનીતભાષા એવી ગુજરાતી નીચી ભયજનક સપાટીએ વહી રહી છે. જે રાજ્યનાં મુખ્યમંત્રી આચાર્ય રહી ચૂક્યાં હોય, જે દેશના વડા પ્રધાનને ગુજરાતીમાં સપનાં આવતાં હોય, ત્યારે પણ માતૃભાષાના આવા હાલહવાલ થાય તો એની ફરિયાદ 'સંયુક્ત રાષ્ટ્ર'(યુ.એન.)માં ન કરાય!

ગુજરાતી વિષયમાં નિરાશાજનક પરિણામ માટે એ કારણ સૌથી આગળ ધરવામાં આવે છે કે, 'વિદ્યાર્થીઓનાં જોડણી અને વ્યાકરણ નબળાં છે.' વ્યાકરણની વાત થોડી દૂરની છે, પણ શિશુશાળામાં બાળક જે શબ્દ શીખે એની સાથે જ જોડણીનું 'ભૂત' ધૂણવા માંડે છે. અનુસ્નાતક કક્ષાએ ભણતાં વિદ્યાર્થીઓ પણ ‘િ’ ન ઓળખાય એટલે 'આગળથી લખો' એવું કહે, ‘ી’ ન ઓળખાય એટલે 'પાછળથી લખો' એવું કહે. ‘ુ’ ન સમજાય એટલે 'સાતડો' કરો એવું કહે, ‘ૂ’ ન સમજાય એટલે 'પૂંછડી' કરો એવું કહે! આ સમસ્યાના ઉકેલ માટે સરકારે દરેક જિલ્લામાં જોડણી ભવન બનાવવું જોઈએ. પણ એ ઇમારત ઉપર 'જીલ્લા જોડણિ ભુવન' એવું ન લખાય તે ખાસ જોવું પડે! આપણે પણ 'વિધ્યાર્થિઓની ગૂઝરાટિ ભાસા નબરી સે.' એવું કહેવાં કરતાં જોડણીની ગુણવત્તા સુધારવા નક્કરાત્મક પગલાં ભરવાની જરૂર છે. 

'જય શ્રી કૃષ્ણ'ની જગ્યાએ 'જે સી ક્રસ્ણ'નો પ્રયોગ કરતાં નવયુવાનોને મળ્યા પછી અમને મંદિર બનાવવાનાં સ્વપ્નાં આવે છે. મંદિર-મસ્જિદ-ગુરુદ્વારા-દેવળ-દેરાસર-અગિયારી સહિતનાં તમામ ધર્મસ્થળોને બજારનાં જોખમી પરિબળો નડતાં નથી. અમે ધાર્મિક છીએ, તાર્કિક છીએ, માણસ છીએ, ગુજરાતી છીએ. ઓછા રોકાણ અને ઓછી મોકાણના વ્યવસાયને શોધતાં રહીએ છીએ. અમે સલામતી અને સન્માન ઝંખીએ છીએ. હિંદુ ધર્મમાં તેત્રીસ કરોડ દેવતા છે. સ્વર્ગમાં દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ નહીં જ હોય, અને દેવતાલોકમાં બાળકીઓની ભ્રૂણહત્યા નહીં જ થતી હોય. એટલે, તેત્રીસ કરોડ દેવતાઓમાંથી સાડા સોળ કરોડ દેવો અને સાડા સોળ કરોડ દેવીઓ હશે એવું માની લઈએ. રાષ્ટ્ર-મહારાષ્ટ્ર-સૌરાષ્ટ્રમાં માતાજીનાં ઘણાં મંદિરો છે, ઘણાં માતાજીનાં મંદિરો છે. જેમાં વૈભવ લક્ષ્મીથી માંડીને અંબાજી માતા, મહાકાળી માતાથી માંડીને સિકોતેર માતા, દશા માતાથી માંડીને સુનામી વહાણવટી માતા, મેલડી માતાથી માંડીને જોગણી માતાનું મંદિર છે, પણ ક્યાંય જોડણી માતાનું મંદિર નથી. શરમાતાં-શરમાતાં પણ કહેવું છે કે, અમને જોડણી માતાનું મંદિર બનાવવાનો નૂતન વિચાર આવ્યો છે! 

માતાજીને ઓછામાં ઓછા ચાર હાથ હોય તો જ આપણા ઉપર એમની કૃપા વરસે. એવી ઉદાત્ત કલ્પના કરો કે, જોડણી માતાને પણ ચાર હાથ છે. એમણે ચાર હાથમાં શસ્ત્રો તરીકે શું ધારણ કર્યું હશે, એવી જિજ્ઞાસા થવી જોઈએ. જોડણી માતાએ ડાબી બાજુના એક હાથમાં ‘ઇ’ અને બીજા હાથમાં ‘ઈ’, જમણી બાજુના એક હાથમાં ‘ઉ’ અને બીજા હાથમાં ‘ઊ’ ધારણ કરેલાં હશે. એમના લલાટ ઉપર અનુસ્વારરૂપી નાનકડો શ્યામ ચાંદલો શોભતો હશે. જોડણી માતાના ગળામાં ઉદ્ગારચિહ્નની માળા શોભતી હશે. તેમણે પ્રશ્નચિહ્નનાં ઝાંઝર પહેર્યાં હશે.

જોડણી માતાનું વાહન પુસ્તક જ હોય. ‘સાર્થ જોડણીકોશ’ નામનું પુસ્તકપક્ષી પોતાની પાંખો ફફડાવતું હોય અને તે દિવ્ય વાહન ઉપર સવાર થઈને જોડણી દેવી વિહાર કરતાં હોય ત્યારે તેઓ કેવાં ભવ્ય લાગતાં હશે! જોકે, મૂર્તિ ઘડનારે એ ખાસ ધ્યાન રાખવાનું કે, જોડણી માતાનો ચહેરો પ્રસન્ન નહીં, પણ ખિન્ન રાખવાનો છે. કારણ કે, ગુજરાતી જોડણીનો મામલો કાયમ ગંભીર રહેવા માટે સર્જાયેલો છે! ખોટી ગુજરાતી લખનારને ખોટું પણ લાગતું નથી. એક દંતકથા નહીં તો ચોકઠાકથા મુજબ, અન્ય ભાષાઓની જેમ ગુજરાતી ભાષાની પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી, સત્તરમી સદીના આખ્યાનકાર પ્રેમાનંદે પાઘડી નહીં પહેરવાનો સંકલ્પ કર્યો હતો. આ પ્રશ્ન કેવળ પ્રેમાનંદને જ નહીં, આપણને પણ સતાવતો હોવો જોઈએ. 

વગર વરસાદે પણ સૌનાં મનમાં એ સવાલ ઊગે કે, જોડણી માતાનું મંદિર ક્યાં બનાવવું? પ્રદેશમાં પ્રત્યેક શાળા-મહાશાળા, વિશ્વવિદ્યાલય-શિક્ષણસંકુલ, સાહિત્યસંસ્થા-ભાષાઅકાદમીના દાખલ-દરવાજા પાસેના જમણા ખૂણામાં જોડણી માતાનું મંદિર બનાવી શકાય. જે તે સંસ્થાના વડાના હસ્તે આ મંદિરનું ઉદ્ઘાટન કરાવવું જોઈએ. સામાન્ય સંજોગોમાં મુખ્ય દેવમંદિરની ડાબી અને જમણી બાજુએ હનુમાનદાદા અને ગણપતિદાદાના ગોખલાની રચના કરવામાં આવે છે. આ જ ધોરણે જોડણી માતાના મંદિરની ડાબી બાજુએ પવિત્ર સધી માતા જેવાં સંધિ માતાનું અને જમણી બાજુએ સમર્થ કાલિકા માતા જેવાં કહેવત માતાનો ગોખલો હોવો જોઈએ. મંદિરનાં પગથિયાં પાસે આ સૂચના ખાસ લખાવવી : 'તમે ભાષાના ખેરખાં હો તોપણ પગરખાં અને અભિમાન બહાર ઉતારીને આવો.' 

જોડણી માતાના મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર આગળ ગાંધીજીનું આ વાક્ય મુકાવવું : "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી." આમ કરવાથી, ગાંધીજીની સાથેસાથે આપણી પણ પ્રસ્તુતતા વધી જશે. મંદિરના ગર્ભગૃહમાં આરસની તકતી ઉપર 'જોડણીની જોડ સખી નહીં જડે રે લોલ' જેવી પંક્તિ ટંકાવવાથી સમગ્ર વાતાવરણ કાવ્યાત્મક અને ભાવનાત્મક બની જશે. 

ગુજરાતી વિષયમાં વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.)ની પદવી ધરાવતા હોય અને નેટ-સ્લેટની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હોય તેવા જ ઉમેદવારો જોડણી માતાના મંદિરમાં પૂજારી તરીકે લાયક ગણાશે. તેમને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ એટલે કે યુ.જી.સી.ના માન્ય ધારા-ધોરણ પ્રમાણે પગાર અને અન્ય લાભ મળવા જોઈએ. જોકે, રાજ્ય સરકાર આ માટે નિર્ધારિત અને નિમ્ન પગાર ધરાવતા જોડણી-સહાયકની નિમણૂક કરી શકશે નહીં.

આ મંદિરમાં પ્રસાદ તરીકે િ, ી, ુ, ૂ આકારનાં સાકરિયાં વહેંચવાં. આવાં 'રમકડાં'ના કારણે બાળ-શ્રદ્ધાળુઓને ગમ્મત સાથે જ્ઞાન પણ મળશે. વળી, કેટલાક વાલીઓ પોતાનાં 'નબળાં' બાળકો માટે શૈક્ષણિક વર્ષની શરૂઆતથી જોડણી માતાની બાધા-આખડી રાખી શકે. જો તેમના પાલ્ય દશમા ધોરણમાં ગુજરાતી વિષયમાં હેમખેમ પાર ઊતરી જાય તો તેમણે મંદિરના પરિસરમાં 'સાર્થ જોડણીકોશ'ની અમુક-તમુક નકલો વહેંચવી જોઈએ. જેમની આર્થિક સ્થિતિ નબળી હોય તેઓ ઓછી કિંમત ધરાવતો 'ખિસ્સાકોશ' પણ વહેંચી શકે છે.

જોડણી માતાના મંદિરમાં આખો દિવસ ગુજરાતી ભાષાની વ્યાકરણ-સામગ્રી અને સાહિત્યની સર્વોત્તમ કૃતિઓ સંભળાતી-જોવાતી રહે તેવી ઉત્તમ વીજાણુ-વ્યવસ્થા કરવી જ રહી. જેથી કરીને, નવી પેઢી 'વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે' પૂરેપૂરું સાંભળ્યા પછી 'પરસ્ત્રી'ની જગ્યાએ 'બાવન સ્ત્રી' જેવો શબ્દપ્રયોગ નહીં કરે. જોકે નરસિંહ મહેતાનું આ પ્રભાતિયું સાંભળ્યા પછી, ગુજરાતીમાં વિચારતો અને અંગ્રેજીમાં બોલતો ભડનો દીકરો એમ પણ કહે કે, 'મિસ્ટર મહેતાએ બનિયા મેન વિશે કેવું ઓસમ મોર્નિંગિયું ગાયું છે!'

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com
.................................................................................................................................
સૌજન્ય :
 
જોડણી માતાનો જય હો!
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
પુનર્મુદ્રણ : 'સાહિત્ય' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૦૭-૦૭-૨૦૧૫
http://opinionmagazine.co.uk/details/1506/જોડણી-માતાનો-જય-હો--

'હળવે હૈયે' // ડૉ. અશ્વિનકુમાર



.................................................................................................................................
સૌજન્ય :
http://epaper.divyabhaskar.co.in/magazine/kalash/58/01072015/0/1/
 
જોડણી માતાનો જય હો!
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬