Wednesday, July 22, 2015

સદી નહીં, બસ ચૂક્યો સચિન

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

આપણા સૌનો એકનો એક સચિન તેંડુલકર ઇંગ્લેંડના ઓક્સફર્ડશિયરના ગ્રેટ હેસલેમાં છેલ્લી બસ ચૂકી ગયો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદીની સદી ફટકારનાર સચિન લોન ટેનિસની મેચ જોવા ગયો એમાં આ મોકાણ થઈ. ખુદ સચિને આ ઘટનાની કેટલીક તસવીરો વહેતી મૂકી. જેમાંની એક તસવીરમાં, સચિનને બસ સ્ટેન્ડ ઉપર લમણે હાથ દઈને બેઠેલો જોઈને અમે ભારતીય સમય અને ટેવ મુજબ દુઃખી થઈ ગયા. સચિન ગુજરાતી પરિવારની દીકરી અંજલિ મહેતાને પરણ્યો છે. એટલે એક ગુજરાતી તરીકે આપણને શ્રીમાન સચિનકુમારની ચિંતા થાય એ વાજબી છે.

રમતવીર સચિન ઘણી વાર 'એલ.બી.ડબલ્યૂ.' એટલે 'લેગ બીફોર વિકેટ' જાહેર થયો છે, પરંતુ વિલાયતના અખબારી અહેવાલ મુજબ તે અહીં 'એલ.બી.ડબલ્યૂ.' એટલે કે 'લાસ્ટ બસ વેન્ટ' જાહેર થયો! આપણા પ્રાદેશિક પત્રકારો છાપાંની જગ્યા અને વાચકોનો સમય બચાવવા 'સચિન તેંડુલકર'ને ટૂંકમાં 'એસ.ટી.' તરીકે જાહેર કરીને સર્જનાત્મક શીર્ષક લખી શકે કે, 'એસ.ટી. બસ ચૂકી ગયો.'

સચિન તેંડુલકરે વામ-હસ્ત-ઉર્ધ્વ-અંગુષ્ઠ-કમાન-મુદ્રા દ્વારા એટલે કે, ડાબા હાથનો અંગુઠો ઊંચો કરીને તેને કમાનાકારે વાળીને લિફ્ટ માંગવાનો પ્રયાસ પણ કર્યો. આ જ સચિન આપણા દેશમાં અંગુઠાને આ રીતે વાળીને જો 'થમ્બ્સ અપ' ગટગટાવવાનું કહે તો લોકો એનું આંધળું નહીં પણ દેખતું અનુકરણ કરે. જોકે, નાણાંના નળ નીચે નિરાંતે નાહી શકે એવા સચિનની આવી દયામણી હાલત જોઈને એવું લાગ્યું કે, જીવનમાં પૈસો એ જ સર્વસ્વ નથી!

સચિન મોટા ભાગે સપરિવાર દર્શન આપે છે. જોકે, આ વખતે તે સાવ એકલો હતો. આ બાબતનો સાર એટલો જ કે, 'આ દુનિયામાં આપણે એકલા આવ્યા છીએ, ને એક દિવસ આપણે આ દુનિયા છોડીને એકલા જવાનું છે.' એમાં પણ આપણે છેલ્લી બસ ચૂકી જવાના હોઈએ તો એમાં આખા પરિવારને શું કામ હેરાન કરવો એવો વીરોચિત બલિદાનભાવ સચિને દાખવ્યો હોવો જોઈએ.

આખા ઘટનાક્રમની એક તસવીરમાં, સચિનના ચહેરા ઉપર છેલ્લી બસ ચૂક્યાની ચિંતા પ્રમાણમાં ઓછી દેખાય છે. છેલ્લી બસ ચૂક્યાનો તેનો પહેલો અનુભવ હોવાથી, સચિન પોતાની વેદના વ્યક્ત કરવામાં જોઈએ એવો સફળ થયો નથી. વધારામાં, તે લિફ્ટ લેવા માટે ચહેરો હસતો અને અંગુઠો ઊંચો રાખીને 'વિદેશી સહાય' મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આવી ઘટના ભારતમાં બની હોય તો સચિનના હસ્તાક્ષર લેવા પડાપડી થાત. જ્યારે અહીં સચિનના હાથમાં ન તો કલમ હતી, સચિનની પાસે ન તો ચાહકોની ભીડ હતી. વળી, સચિનના હાથમાં ક્રિકેટ રમવાનું બેટ કે છેવટે કપડાં ધોવાનો ધોકો હોત તોપણ કોઈકે તેની નોંધ લીધી હોત.

હંમેશાં તરોતાજા લાગતો સચિન મુંબઈવાસી છે. કિશોરાવસ્થાના દિવસોમાં સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરીને ક્રિકેટ રમવા જતા હશે. કાળક્રમે સાર્વજનિક વાહન-ગાડી પકડવાની સચિનની ટેવ છૂટી ગઈ. ગુજરાતમાં નહોતો રહેતો છતાં સચિનનો 'વિકાસ' થવા લાગ્યો. તે ફેરારી જેવી મોંઘીદાટ ગાડીઓ હંકારવા માંડ્યો. સચિન જાહેરખબરોમાં દેખાવા લાગ્યો. તે જીવનની વાસ્તવિકતાઓથી દૂર થવા લાગ્યો. એક ગુણની ખાલી જગ્યા ભરવા માટે પણ આપણે યાદ રાખવું જોઈએ કે, સચિન તેંડુલકર 'ભારતરત્ન' છે. તે ઇંગ્લેંડ જેવા દેશના એક ગ્રામપ્રદેશમાં આવી રીતે છેલ્લી બસ ચૂકી જાય એ જાણીને ઘણા સચિનપ્રેમી ભક્તો ગળગળા થઈ જાય તો આપણે એમને આશ્વાસન સિવાય બીજું શું આપી શકીએ?

આપણા દેશમાં સચિનની લોકપ્રિયતા બન્ને કાંઠે વહેતી રહી છે. ક્રિકેટવિશ્વમાંથી નિવૃત્ત થયા પછી આજે પણ તેંડુલકર લીલીયા-લાઠી માર્ગ ઉપર બસ ચૂકી ગયો હોત તો, કોઈ ગ્રામજન તેને અઢીસો ગ્રામ ગાંઠિયા ખવડાવત અને ઉપર ગોળીવાળી સોડા પીવડાવત. સચિન ખાન-પાન પતાવ્યા પછી, જશવંત છાપ બીડી ન પીતો હોત તો તેને મીઠો માવો ખવડાવત. જો તે વાગરા બાજુની બસ ચૂકી ગયો હોત તો તેના માટે કોઈ જુવાન ભરૂચની સીંગનું પડીકું અને બરફ નાખ્યા વગરનો શેરડીનો તાજો રસ લઈ આવત.

આ દેશમાં એવા લાખો લોકો હશે, જેઓ પહેલીથી માંડીને છેલ્લી સુધીની અનેક બસ ચૂકી ગયા હશે. ઘણી વાર તો આપણે જોઈએ તેમ નજર સામેથી બસ પસાર થઈ જાય છે. આપણને વિલાપ કરતાં મૂકીને બસ જતી રહે ત્યારે સંસાર અસાર લાગે છે. ચહેરા ઉપર ટૂંક સમય માટે વૈરાગભાવ પણ આવી જાય છે. ધરતી મારગ આપે તો સમાઈ જવાનું મન થાય છે. અહીં એ વાત અસ્થાને છે કે, આપણને રસ્તા ઉપર પડતા ભૂવામાં પડવાની બીક લાગે છે! વળી, આપણે જે છેલ્લી બસ ચૂકીએ તેની પાછળ સુભાષિત લખેલું હોય કે, 'લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે.' અહીં 'એક અમર આશા'ના સ્વપ્નને સાકાર કરવું હોય તો વહેલી સવારની સૌથી પહેલી બસ પકડવા માટે બસ સ્ટેન્ડમાં આખી રાત જાગવું પડે! આથી, જ્યારે છેલ્લી બસ પણ આપણને છોડીને જતી રહે ત્યારે 'એકલો જાને રે'ની રવીન્દ્રપંક્તિને યાદ કરીને મંજિલ ભણી ચાલવાનું શરૂ કરી દેવું એ શાણપણનું કામ છે. આ વખતે આપણે એકલા નથી હોતા. કારણ કે, શેરીનાં કૂતરાંને પણ પોતાની ઊંઘ ત્યજીને સજાગ થવાની ફરજ પડે છે. 

છેલ્લી બસ ચૂકી ગયા પછી બસ સ્ટેન્ડ ઉપર રોકાવું જોઈએ કે નહીં? જો રોકાવું પડે તો ત્યાં બેસીને શું કરવું જોઈએ? આવી અનેક મૂંઝવણ વિશે માર્ગદર્શન આપતો અલાયદો સરકારી વિભાગ કે સ્વૈચ્છિક સંગઠન કામ કરતું હોય એવું જાણમાં નથી. આ સંજોગોમાં સરકારી પરિવહન તંત્રને એટલી જ અરજ કરવાની કે, તેમણે છેલ્લી બસ ચૂકી ગયેલાઓને અલગ અલગ બસ સ્ટેન્ડ ઉપરથી ઉઘરાવી લાવીને તેમને ઘરભેગાં કરવા માટે વિશેષ અને ખરેખર છેલ્લી બસની વ્યવસ્થા કરવી જોઈએ. જો આવું થાય તો પ્રજાનો સત્તાધીશો ઉપર ભરોસો બેસશે. પરિણામ સ્વરૂપે નાગરિકો કોઈ પણ જાતની અસલામતી અનુભવ્યા વગર છેલ્લી બસ ચૂકવાનો અધિકાર ભોગવી શકશે. 

છેલ્લી બસ ચૂકી ગયેલાં નગરજનોએ સામાજિક માધ્યમો પર ઝપાટાભેર અને જોશભેર સક્રિય રહી શકાય તેટલી મોબાઇલ ફોનની બેટરી ચાર્જ કરેલી હોવી જોઈએ. તેઓ તસવીરો સાથે એમના અનુભવોની અભિવ્યક્તિ કરે. વિશેષ કરીને છેલ્લી બસ ચૂક્યા પછી તેઓ કેવી રીતે ઘરે પહોંચ્યા, ઘરે થયેલી ઊલટતપાસનો તેમણે કેવી આબાદ રીતે સામનો કર્યો તેનું રસિક વર્ણન પ્રગટ થવું જોઈએ. જેમાંથી 'બસ, છેલ્લી બસ ચૂક્યાનું યાદ' જેવા શીર્ષક તળે પુસ્તક પ્રસિદ્ધ કરી શકાય. આ પુસ્તકનો લોકાર્પણ-કાર્યક્રમ બસ સ્ટેન્ડ ઉપર અને એ પણ મોડી રાતે જ યોજવો જોઈએ. પુસ્તકનું વિમોચન પણ છેલ્લી બસ ચૂકી ગયેલા માઠાનુભાવના હસ્તે જ કરાવવું એ ચૂકી ગયેલા સમયની માંગ છે!

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય : 
સદી નહીં, બસ ચૂક્યો સચિન
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩

No comments:

Post a Comment