Wednesday, July 8, 2015

ટૂંકાં નામમાં શું છે?

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

નામમાં કશું હોય કે ન હોય, ટૂંકાં નામમાં ઘણું હોય છે. એમાં પણ ઘણી સરકારી કચેરીઓમાં કર્મચારીઓ એકબીજાને ટૂંકાં નામે બોલાવે છે. કેટલાંક સરકારી ખાતાંમાં તો ટૂંકાક્ષરી સંબોધનનો છૂટથી ઉપયોગ કરવામાં આવે છે. આ ટૂંકાક્ષરી માટે કર્મચારીઓ જે તે વ્યક્તિના અને એમના પિતાના નામનો પહેલો અંગ્રેજી મૂળાક્ષર ઉપયોગમાં લે છે. જેને કારણે જાતભાતના 'સર્જનાત્મક' અકસ્માતો સર્જાય છે.

સરકારી કાર્યાલયમાં પૃચ્છા કરવા માટે તમે, 'ઘનશ્યામદાસ કુંજવિહારીદાસ મથુરાવાલા' જેવી, કોઈ કર્મચારીના નામની પૂર્ણ ઓળખાણ આપો તો કોઈ તેમને ઓળખી શકે નહીં. પણ એમ પૂછો કે, " 'જી.કે.' ક્યાં છે?" તો ત્યાં હાજર તમામ કર્મચારીઓ એમની સામાન્ય બુદ્ધિને ખીલવતાં એકસાથે એ ટૂંકાક્ષરને વધાવી લેશે. જેના કારણે, ઘણી આંગળીઓ એ દિશા તરફ ચીંધવામાં આવશે જ્યાં 'જી.કે.' સ્વદેહે બિરાજતા હોય. આમ, જો એ વ્યક્તિ હાજર સ્ટોકમાં હશે તો તમે એ વ્યક્તિ સુધી તરત પહોંચી શકશો.

કર્મચારીઓ ટૂંકાક્ષરી પ્રયોગ થકી સમયની બચત કરે છે. ધારો કે, 'ભાઈલાલભાઈ ભોગીદાસભાઈ'ને દરેક વખતે એમના પ્રથમ નામે એટલે કે 'ભાઈલાલભાઈ' કહીને બોલાવીએ તોપણ કેટલી બધી ક્ષણોનો વ્યય થાય? એની જગ્યાએ 'બી.બી.'થી જ વાત શરૂ થાય છે અને પૂરી થાય છે! આમ, સરકારી કર્મચારીઓ તેમના ધ્યાન બહાર પણ સમયનું મૂલ્ય સમજે છે. સવાલ એટલો જ છે કે, તેઓ આ રીતે બચાવેલા સમયનો સદુપયોગ કરે છે કે પછી એ બચાવેલા સમયમાં અન્ય કર્મચારીઓને આ જ રીતે ટૂંકાં નામે બોલાવ્યે રાખે છે?!

સરકારી તંત્રમાં વ્યક્તિની લિંગઓળખ અને ટૂંકાક્ષરી વચ્ચેનો સંબંધ સ્થાપવો ક્યારેક મુશ્કેલ બની જાય છે. દાખલા તરીકે, 'બી.વી.નાં પત્નીને દાખલ કર્યાં છે.', 'એમ.આર.ના પતિની બદલી થઈ ગઈ છે.' હદ તો ત્યારે થાય કે, બી.જી.ના એક સફળ છૂટાછેડા પછી બીજાં લગ્ન થાય કે તરત, કચેરીનો ખણખોદિયો ખબરખોર કોઈને ન કહેવાની શરતે બધાંને બાતમી આપે કે, 'બી.જી.ની બીજી પત્નીનો પહેલો પતિ વેસ્ટ બેંક ઓફ ઇંડિયાની ગોલમાલ શાખામાં નોકરી કરે છે.'

સરકારી કચેરીઓમાં દરેક બીજો કર્મચારી દરેક પહેલા કર્મચારીની તબિયત પૂછે છે. જે તે કર્મચારીનો નામોલ્લેખ ટૂંકમાં પતાવવાનો હોવાથી, 'એ.સી.ને શરદી થઈ ગઈ છે.' અને 'એ.ડી.ને વાઢિયાની તકલીફ છે.' જેવા વાક્ય-પ્રયોગો થતા રહે છે. વધારામાં વિગતો બહાર આવે કે, 'ટી.બી.નું શરીર ભારે થઈ ગયું છે.' અને 'બી.પી.ને કેન્સરની બીમારીની શંકા છે.' આટલું ઓછું હોય તેમ, જાણવા મળે કે, 'કાલે રાત્રે સી.ડી. પગથિયાં ઉપરથી પડી ગયા.' અને 'આજે સાંજે પી.ટી. કસરત કરવા માટે ફીઝિયોથેરપિસ્ટ પાસે જવાના છે.' ઓમપ્રકાશ કમલાપ્રસાદને સહેજ તાવ જેવું લાગે અને તેઓ ઘરભેગા થઈ જાય ત્યારે ખબર પડે કે, 'ઓ.કે.ની તબિયત ઠીક નથી.' દરમ્યાનમાં, કામનો ભાર પોતાના ઉપર આવશે એટલે ચંદ્રકાંત લવજીભાઈ ઉર્ફે સી.એલ. 'મેડિકલ લીવ' લઈને આવતી કાલથી ઘેરહાજર રહેવાના છે!

કર્મચારીઓની વિશેષતાને તેમની ટૂંકાક્ષરી ઓળખાણ સાથે કોઈ જ લેવા-દેવા ન હોય તો એ સમસ્યા આપણી છે, તેમની નહીં. ઉદાહરણ તરીકે, બી.ડી. દિવસમાં દસ સિગારેટ ફૂંકે અને કે.ડી. રસ્તો વારેઘડીએ ભૂલી જતાં હોય. ટી.વી. રિસેસમાં પણ રેડિયો સાંભળ્યા કરે અને ડી.ડી.ની ગમતી ચેનલ 'કલર્સ' હોય. ડી.જે.ને સંગીતનો ભારે કંટાળો આવતો હોય અને આર.જે. કશું બોલે જ નહીં. આર.કે.ને જૂનાં ચલચિત્રોની નવી ચર્ચામાં રસ ન પડે અને જે.જે. ભગવાનમાં માનતા ન હોય. પી.આર. ભલે અંતર્મુખી હોય, પણ વી.આર. એકલા ન પડી જવા જોઈએ. વાય.ડી. ખરેખર વાયડી હોય અને ટી.પી.નાં લખ્ખણ એવાં હોય કે, એને કોઈ સફાઈસુંદરી પણ ટીપી નાખે!

સરકારી કચેરીમાં પ્રદેશથી માંડીને જ્ઞાતિ સામે ટૂંકાક્ષરી ઓળખનો મેળ પડતો નથી. દાખલા તરીકે, એસ.કે. કચ્છના હોય અને બી.કે. દક્ષિણ ગુજરાતના હોય. આ જ રીતે, શિવશંકર ચંદ્રશંકર બ્રાહ્મણ હોય એમાં શી નવાઈ? પણ આ જ 'શિવશંકર ચંદ્રશંકર'ને ટૂંકાવીને કહેવાય કે, 'એસ.સી. બ્રાહ્મણ છે.' વધુમાં, સાંકળચંદ ત્રિલોકચંદ વિશે એવું કહેવાય કે, 'એસ.ટી. તો વાણિયા છે.' એવું પણ જાણવા મળે કે, યુ.કે.નું મૂળ વતન ડેડિયાપાડા છે. આ યુ.કે. એટલે સમસ્ત કાર્યાલય કર્મચારીગણના એકના એક એવા ઉમરાભાઈ કેવળભાઈ!

સરકારી કાર્યાલયમાં ટૂંકાક્ષર અને હોદ્દા વચ્ચે ભવ્ય વિરોધાભાસ જોવા મળે છે. એમ.ડી. કારકુન હોય અને બી.ઈ. હિસાબ વિભાગમાં હોય. સી.એ. 'સ્વાગત કક્ષ'માં બેઠાંબેઠાં મક્ષિકા-મારણ કરતાં હોય અને જી.કે. સામાન્ય જ્ઞાનની ખાતાકીય પરીક્ષામાં ત્રીજી વખત સફળતાથી દોઢ વેંત દૂર રહ્યા હોય. એમ.એ. દશમું નાપાસ હોય અને પી.જી. ક્યારેય કૉલેજનાં પગથિયાં ચઢ્યાં જ ન હોય. પી.સી.ને ટાઇપ કરતાં ન આવડતું હોય અને સી.વી.ને બાયો-ડેટા બનાવતાં ન આવડતું હોય. વી.સી.ને પહેલા વર્ષમાં એ.ટી.કે.ટી. આવી હોય, પરંતુ પી.એ. બઢતી મેળવીને નિયામક થઈ ગયા હોય!

કોઈ કચેરીમાં ચાર એ.કે. હોય પણ એકેય એમની જગ્યા ઉપર હાજર હોય જ નહીં! બી.જે. હંમેશાં બીજે જ જોવા મળે. ઓ.સી. અડધો કલાકથી ફોટો-કોપી કરાવવા ગયા હોય અને પી.પી. પોણો કલાકથી વોશરૂમમાં ગયા હોય. સી.ટી. વર્ષોથી પોતાના ગામથી મોડાં જ આવતાં હોય અને એસ.ટી. ખાનગી જીપ પકડવા રોજ વહેલા નીકળી જતાં હોય. કેન્દ્ર સરકારની એક કચેરીમાંથી ફોન ઉપર પ્રત્યુત્તર મળ્યો કે, 'કાર્યાલય સે શામ કો પાંચ બજે હી પી.કે. નિકલ ગયે હૈ.' ગુજરાત જેવું નશાબંધીમાં માનતું રાજ્ય હોય અને કર્મચારી સરકારી સેવામાં હોય, છતાં આવો જવાબ મળે એટલે આશ્ચર્ય અને આઘાતની મિશ્ર લાગણી ચકરાવો લેવા માંડે. પણ ગેરસમજનો 'નશો' ઊતરી ગયા પછી ખબર પડે કે, 'પી.કે. નિકલ ગયે હૈ' મતલબ 'પદ્મનાથ કેદારનાથ નિકલ ગયે હૈ!'

પિતા અને પુત્ર વચ્ચેના મતભેદોથી આપણાં ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર ભર્યાંભર્યાં છે. સંબંધોના સંઘર્ષભર્યા સુસવાટા વચ્ચે એ આશાદીવડો પ્રગટે છે કે, સરકારી કર્મચારીઓ વ્યક્તિના નામની સાથે એમના પિતાના નામનો ઉલ્લેખ કરીને ઉદાર અભિગમ દાખવે છે. પિતા સાથે ગંભીર મતભેદો હોય તોપણ 'સરકારી' પુત્ર મોટું મન રાખીને તેમને માફ કરે છે. જેના કારણે 'માવતર કમાવતર થાય પણ છોરું કછોરું ન થાય' જેવી નવી કહેવત 'સિઝેરિયન સેક્શન'થી જન્મ ધારણ કરે છે.

સરકારી કર્મચારીઓ અસરકારી રીતે, એકબીજાને તુચ્છકારે નહીં પણ ટૂંકારે બોલાવે છે. મજાની વાત તો એ છે કે તેઓ આ પ્રકારનાં ટૂંકાક્ષરી સંબોધનમાં 'અટકચાળો' કરતાં નથી. મતલબ કે, તેઓ અટકને દૂર રાખે છે. ભારતીય સમાજમાં 'અટકબારી' ખુલ્લી રાખવાથી અનેક સમસ્યા, ગેરસમજ, પૂર્વગ્રહો, પક્ષપાતો સર્જાય છે. સામાન્ય બોલચાલમાંથી આ મૂઈ અટક-કુલટાને દૂર રાખીને સરકારી કર્મચારીઓ માનવીય સમાનતા અને સામાજિક સમરસતાનું ઉત્તમ કામ એમની જાણ બહાર પણ કરે છે ખરા!

.............................................................................................................................
ashwinkumar.phd@gmail.com

..............................................................................................................................
સૌજન્ય :

ટૂંકાં નામમાં શું છે?

'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૦૮-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

7 comments:

  1. વાહ... જોરદાર સાહેબ...

    ReplyDelete
  2. વાંચીને ખૂબ મજા પડી...

    ReplyDelete
  3. અશ્વિનભાઈ, ખરેખર સરસ લેખ છે. શ્રેષ્ઠ હળવા લેખમાં એ અવશ્ય આવી શકે. ક્યેરેક આવું લખાય ત્યારે અમને પણ મોકલી શકો.હાર્દિક નિમંત્રણ છે.
    સાદર.

    ReplyDelete
  4. અદ્ભુત સાહેબ...... વાંચી ને મજા આવી ગઈ..... અભિનંદન અને આભાર.....

    ReplyDelete
  5. સર બહું મજા પડી હસિહસીને લતપોટ થઈ ગયો

    ReplyDelete
  6. વ્રજેશ શાહJuly 28, 2022 at 12:07 PM

    વાંચવાની બહુ મઝા આવી એમાં પણ છેલ્લે થી 3-4 para તો બહુજ રમુજિ છે

    ReplyDelete