Wednesday, July 29, 2015

કપડાં સૂકવવાનો દોરીમાર્ગ

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર

.................................................................................................................................

પર્યટને નીકળ્યા હોઈએ ત્યારે ધર્મશાળામાં જતાંની સાથે જ દોરીઓ બાંધવાની ટેવ પડી હોય, તો પછી પંચતારક હોટેલમાં પણ દોરીને છૂટો દોર કેમ ન આપવો? ઘણા પ્રવાસીઓ રેલગાડીના ડબ્બામાં બન્ને બાજુની બારીઓના લોખંડી સળિયા સાથે બિચારી દોરીને કચકચાવીને બાંધે છે. જેના કારણે, એ સળિયા ઉપર દોરીના કાપા ઊપસી આવે છે. આગગાડી સાથે થતો આ પ્રયોગ ભવિષ્યમાં આટકોટથી એન્ટવર્પ જતાં શટલિયા વિમાનમાં જોવા મળે તો નવાઈ ન લાગવી જોઈએ.

છાત્રાલયની ઓરડીની અંદર વિદ્યાર્થીઓ ભરચોમાસે કપડાં સૂકવવાની દોરી બાંધી શકાય તેટલી જગ્યા હવામાં રાખતા હોય છે. પરંતુ, એવેરેસ્ટ અપાર્ટમેન્ટ કે કાંચનજંઘા ફ્લેટ્સના રહેવાસીઓની ફરિયાદ છે કે, 'મોસમ બદલાવ'ના કારણે એમની અગાશીમાં કપડાં જોઈએ એવાં વાવઠતાં નથી. વળી, કપડાં સૂકવવાની દોરી સમુદ્રની સપાટીથી કેટલા ફૂટ ઊંચે બાંધવી જોઈએ એના વિશે પણ પ્રત્યેક પરિવારમાં પારાવાર મતભેદ પ્રવર્તે છે.

એક અર્થમાં દોરી એ 'સૂર્યશક્તિથી ચાલતું કપડાં સૂકવવાનું ઉપકરણ' છે. હાલમાં આપણે જેની ફીરકી ઉતારી રહ્યા છીએ એ કપડાંની દોરી નથી, પણ કપડાં સૂકવવાની દોરી છે. કપડાં સૂકવવાની દોરી કયા રંગની હોવી જોઈએ એ મામલે કોઈ વખતનો વધારે વ્યય કરતું નથી. કારણ કે, દરેક કપડાના રંગને મળતી આવે એવા રંગની દોરીની શોધ થઈ નથી. જોકે, ચોક્કસ ધરમધારા કે વિચારધારા સાથે સંકળાયેલા માણસો લાલ, લીલા, કે કેસરી રંગની દોરીનો ખાસ આગ્રહ રાખે તો એ રંગનાં નસીબ, બીજું શું?! આપણે જૂજ કિસ્સામાં પણ દોરીનો રંગ કપડાંને લાગી ન જાય એની ચીવટ રાખીએ છીએ. પરંતુ ક્યારેક કપડાંનો રંગ દોરીને લાગી ન જાય એની ચિંતા કરતાં નથી.

કપડાં સૂકવવા માટે ધાતુનો તાર વાપરવો નહીં. આ માટે 'ગુજરાત રાજ્ય આપત્તિનિવારણ સત્તામંડળ'ની અખબારી યાદીની રાહ ન જોવી. ચોમાસામાં વાવાઝોડાં અને વરસાદ જેવા કારણોસર ધાતુનો તાર વીજળીના તારના ઘનિષ્ઠ સંપર્કમાં આવી જાય એવું બને. તમે એ તાર ઉપર ભીનાં કપડાં સૂકવવાં જાવ એવું પણ બને. જેના કારણે વસ્ત્રને અને વ્યક્તિને આંચકો લાગી શકે. આમ, 'જીવંત' તારથી વ્યક્તિનો જીવનતાર કાયમ માટે તૂટી જાય. પરિણામે દેહ છોડતાં પહેલાં સ્પષ્ટતા ન કરી હોવાથી, વ્યક્તિની કાયમી ગેરહાજરીમાં કપડાં કોણ સૂકવશે એ પ્રશ્ન મહત્વનો બને છે.

ચોમાસામાં લોખંડના તાર ઉપર કાટ લાગવાની શક્યતા રહે છે. લોખંડનો તાર એટલો ઉદાત્ત હોય છે કે, પોતે પરિશ્રમથી પેદા કરેલો કાટ કપડાંને ખબર ન પડે તેમ એના ખાતામાં જમા કરી દે છે. આથી, લોખંડના તારની અવેજીમાં વિવિધ જાતની દોરીઓ ઉપર જગતની નજર પડે છે. દા.ત. કાથીની દોરી, સૂતળીની દોરી, નાયલોનની દોરી. જેમાં, કાથીની દોરી બાંધવાથી પહેલાં હાથ અને પછી કપડાં છોલાઈ જાય છે. સૂતળીની દોરી બાંધીએ એની જાણ ખિસકોલીને 'વોટ્સએપ્પ' વગર પણ થઈ જતી હોય છે. કેટલાક કિસ્સામાં તો ખિસકોલી કપડાં સૂકવવાં નહીં, પણ પોતાનો માળો બાંધવા માટેના 'કાચા માલ' તરીકે સૂતળીની દોરીનું અપહરણ કરી જતી હોય છે. છેવટે નાયલોનની દોરી સર્વાનુમતે પસંદગી પામે છે. આપણે ગુજરાતીઓ વિશાળ હૃદયથી નાયલોનનો સ્વીકાર કરી લઈએ છીએ, પછી એ નાયલોન ખમણ હોય કે નાયલોન દોરી!

દોરી બાંધતી વખતે તેને બહુ ન ખેંચવી. નહીંતર એની જીવાદોરી ટૂંકી થઈ જશે. દોરીને બહુ ઢીલી પણ ન રાખવી. નહીંતર આવતાં-જતાં, ભોડાં ઉપર કપડાં ભટકાશે. આમ, અહીં પણ ભગવાન બુદ્ધે ચીંધી આપેલો મધ્યમમાર્ગ ખપમાં લેવો. ઉપરાંત, દોરી કઈ દિશામાં બાંધવી એ વાસ્તુશાસ્ત્રના આધારે નહીં, પણ વાયુશાસ્ત્રના આધારે નક્કી કરવું. દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી પવન આવતો હોવાથી, દોરી પણ નૈઋત્ય દિશામાં બાંધવી રાષ્ટ્રના હિતમાં છે.

બંગલો કે ટેનામેન્ટમાં કપડાં સૂકવવાની દોરી તો શું ગાભણી ગીર ગાય પણ બાંધી શકાય. સવાલ ફ્લેટ કે અપાર્ટમેન્ટમાં રહેતા મધ્યમવર્ગીય કુટુંબોનો છે. માથે અને ધાબે ચોમાસું હોય, બે વર્ષના બાળકને સૂકવવાની જગ્યા પણ માંડ રહેતી હોય, ત્યાં કપડાં સૂકવવાની દોરી ક્યાં અને કેવી રીતે બાંધવી? આપણે આવી સમસ્યા 'મધ્યમવર્ગની મુશ્કેલીઓ'ના નિબંધમાં હૃદયસ્પર્શી રીતે વર્ણવીએ તો સંવેદનશીલ પરીક્ષકની આંખમાં ચોમાસું ઊમટી આવે. વળી, ઝરૂખામાં મૂકેલો કપડાં સૂકવવાનો ઘોડો પણ સાંબેલાધાર વરસાદ અને સુસવાટાભેર પવનમાં પગ અધ્ધર કરી દે છે! આ સંજોગોમાં નિત્યપ્રયત્નશીલ મનુષ્ય નવા વિકલ્પોની શોધમાં ઝંપલાવે છે. ઋતુઓની રાણી એવી વર્ષાઋતુમાં ઘરની રાણી એવી 'વર્ષા' કપડાં સૂકવવાની દોરી કેવી રીતે બાંધે? બસ, ઘરના 'વિઠ્ઠલ'ની અહીં જરૂર પડે છે. વર્ષાના દોરીસંચારને જગતનો અંતિમ આદેશ માનીને વિઠ્ઠલ દોરીચાળો કરવા મરણિયો બને છે.

બજારમાં તૈયાર મળતી નાયલોનની દોરીની લંબાઈ પ્રમાણે મકાનની બે દીવાલો વચ્ચેનું અંતર હોતું નથી. આ જ રીતે મકાનની બે દીવાલો વચ્ચેના અંતર જેટલી લંબાઈની દોરી ખરીદવા માટે પાંચફૂવા દરવાજાથી માંડીને ઢાલગરવાડ સુધી રખડશો તોપણ નહીં મળે. આપણે તો બન્ને દીવાલોમાં ખાધે-પીધે સુખી ઘરની ખીલીઓ ઠોકીને તેના ઉપર દોરીને ખેંચીને થાળે પાડવી પડે. ગમે તેટલા ઉદાર થઈને દોરી બાંધીએ તોય દોરી થોડી વધે તો તેને કાપી નાખવી એ આપણા વ્યક્તિત્વની મૂળ ખામી નહીં, પણ મૂર્ખામી છે. આવી 'ઘરેલું કટોકટી'માં દોરીના વધેલા કટકાને પકડીને કાયમ માટે ઊભાં ન રહેવાય, પણ સહેજ ખેંચીને સલામત જગ્યાએ બાંધી દેવાય! જેથી તેની ઉપર નરનો નહીં તો છેવટે નારીનો હાથરૂમાલ પણ સૂકવી શકાય. ખીલીઓ ઠોકતી વખતે પહેલાં ટેબલનું અને પછી દોરીબંધુનું સંતુલન જળવાવું જોઈએ, એ કહેવાની જરૂર નથી એટલે અહીં નથી કહેવું. કપડાં સૂકવવાની દોરી બાંધવા માટે ખીલીઓ કરતાં પ્રશ્નચિહ્ન આકારના હૂક લગાવવા હિતાવહ છે, એવી સલાહ આપનારા 'કર્મઢીલ' લીમડાની છત્રી કરીને બેઠાં હોય છે. આ સારુ તેઓ 'આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાન' દ્વારા નિર્ધારિત માપદંડનો હવાલો આપે તો મગજને 'સાઇલન્ટ મોડ' ઉપર રાખીને સાંભળી લેવું.

દહાડા-સપ્તાહ-મહિના જતાં ભીનાં કપડાંના ભારથી દોરી ઢીલી પડે છે. છેવટે એની ઝોલ નીચેની દિશા તરફ પડે છે. એનાથી સાબિત થાય છે કે, દોરી ઉપર ગુરુત્વાકર્ષણ બળની અસર થાય છે. આપણી આસપાસ બનતી આવી ઘટનાઓથી ન્યૂટનનો નિયમ આજે પણ સાચો પડે છે, એ જાણીને ચિત્ત પ્રસન્ન થઈ જાય છે. પરંતુ, ચાર અઠવાડિયાં અગાઉ કપડાં સૂકવવાની દોરી બંધાઈ ચૂકી હોય અને વરસાદને મહિનાથી કોઈએ બાંધી રાખ્યો હોય એ ઉપાધિ નહીં તો બીજું શું?                                                                              ashwinkumar.phd@gmail.com
.................................................................................................................................
સૌજન્ય :

કપડાં સૂકવવાનો દોરીમાર્ગ
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩-૦૬

પુનર્મુદ્રણ :
http://opinionmagazine.co.uk/details/2989/kapadaan-sookavavaano-doreemaarg

7 comments: