Sunday, January 29, 2017

ગલૂડિયાં રમાડ્યાં વિના મોટાં ન થવાય !

આપણું અમદાવાદ 

ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

બાળપણના એ શિયાળુ દિવસો ગલૂડિયાં રમાડવાના હતા. સસલાના કારણે કૂતરાએ ઊભી પૂંછડીએ મૂકેલી દોટના કારણે અસ્તિત્વમાં આવેલા અમદાવાદમાં, ગલૂડિયાં રમાડવાનો સમય અને અવકાશ બન્ને હતા. કૂતરીના ઊપસી આવેલા પેટથી એટલી ખબર પડતી કે, તેમાં બચ્ચાં છે. કૂતરી 'માતા' બની છે એ ખબર સાંભળીને 'માનવ-બચ્ચાં' હરખાઈ જતાં. પતરાં કે ખાટલાની કામચલાઉ આડશ કરવામાં આવતી અને ગાભા-ગોદડી કે કંતાન-મીણિયાંથી કૂતરી અને કુરકુરિયાંનું રક્ષણ કરવામાં આવતું. ખડકી-પોળ, શેરી-ચાલી, મહોલ્લા-સોસાયટીના કિશોરો સીધુંસામાન કે રોકડનાણું ઉઘરાવીને ગોળ-ઘી-લોટ-બળતણની વ્યવસ્થા કરતાં. કૂતરી માટે કોઈના ઘરે કે જાહેર ખૂણે શીરો બનાવવામાં આવતો. શીરો શક્ય ન હોય તો દૂધમાં રોટલી ચોળીને આપવામાં આવતી.


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

બાળકો ગલૂડિયાંની સંખ્યા ગણતાં અને પ્રાથમિક આંક પાકા કરતાં! તેઓ ગલૂડિયાં વહેંચી લેતાં અને એનું નામકરણ કરતાં. સૌથી જબરું બાળક સૌથી ભફલા ગલૂડિયાની પસંદગી કરી લે. દરેક બાળક પોતાના ભાગે આવેલા ભટોળિયાની વિશેષ કાળજી લે. ભટૂરિયું કૂતરીને બરાબર ધાવી શકે એ માટે એને યોગ્ય ઠેકાણે ગોઠવે. ભોટીલાંની આંખો ક્યારે ખૂલશે એની બાળકો કાગડોળે રાહ જોતાં. બીજાં કૂતરાંથી ગલૂડિયાંને બચાવવા માટે બાળટોળી સજાગ રહેતી. મસ્તીખોર બાળકો ગલૂડિયાંને પૂંછડીથી પણ ઊંચકે! પરિણામે, ગલૂડિયું તીણી ચીસ પાડે અને કૂતરી દોડતી આવે. બધાં બાળકો દોડીને કોઈના પણ ઘરમાં ભરાઈ જાય. જૂની પેઢીનાં બાળકોને ગલૂડિયાં રમાડવાનો ચેપ લાગતો હતો. આજની પેઢીનાં બાળકોને કૂતરાંનાં જંતુઓનો ચેપ લાગી જશે એવી ભીતિ તેમનાં માતા-પિતાને ટેલીવિઝનના પડદા ઉપર આવતી જાહેરખબરોને કારણે લાગ્યાં કરે છે. અમદાવાદનાં બહુમાળી મકાનોમાં ગોઠવાઈ ગયેલાં બાળકો ગલૂડિયાંથી અને બચપણથી દૂર થઈ રહ્યાં છે!

…………………………………………………………………………………………………
સૌજન્ય :

ગલૂડિયાં રમાડ્યાં વિના મોટાં ન થવાય !
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩, 'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૧-૨૦૧૭, રવિવાર

No comments:

Post a Comment