Sunday, January 1, 2017

અમદાવાદ ઊજવશે મહાદેવ દેસાઈની જન્મજયંતી

આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

મહાદેવ હરિભાઈ દેસાઈ (૦૧-૦૧-૧૮૯૨થી ૧૫-૦૮-૧૯૪૨) એટલે 'ગાંધીજીના ગણેશ અને હનુમાન'. ગાંધીજીના રહસ્યસચિવ તરીકે જાણીતા મહાદેવ દેસાઈ રોજનીશીકાર, અનુવાદક, લેખક, પત્રકાર, અને સંપાદક હતા. સુરત જિલ્લાના સરસ ગામમાં જન્મેલા, મુંબઈમાંથી બી.એ. અને એલએલ.બી. થયેલા મહાદેવભાઈનો અમદાવાદ સાથે વિશેષ નાતો રહ્યો હતો. એક સમયે તેઓ સાંકડી શેરીમાં આવેલી દેવજી સરૈયાની પોળમાં રહેતા હતા. તેમણે ૧૯૧૫માં અમદાવાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી વકીલ તરીકેની સનદ લીધી હતી. ૦૪-૦૭-૧૯૧૫ના રોજ તેમણે પ્રેમાભાઈ હૉલમાં ગાંધીજીનાં પ્રથમ વખત દર્શન કર્યાં હતાં. આ જ દિવસે મહાદેવ અને મોહનની પહેલી મુલાકાત એલિસબ્રિજ ઉપર થઈ હતી. પરિણામે, એમને મહાત્માના ચરણોમાં બેસવાની પ્રબળ ઇચ્છા થઈ હતી.

મહાદેવ દેસાઈ ૧૯૧૮માં અમદાવાદના મિલમજૂરોની લડતમાં ગાંધીજી સાથે સક્રિય હતા. આશ્રમમાં ગાંધીજીનાં ગીતા અંગેનાં વ્યાખ્યાનોની નોંધ લેનાર મહાદેવભાઈ સત્યાગ્રહાશ્રમના કાર્યવાહક મંડળના પ્રમુખ તરીકેની નિમણૂક પામ્યા હતા. ગાંધીજીનાં 'નવજીવન', 'યંગ ઇંડિયા', 'હરિજન' પત્રો માટે લેખન-અનુવાદ-સંપાદન કરનાર મહાદેવ દેસાઈ ૧૯૨૩માં 'નવજીવન' વિચારપત્રના તંત્રી બન્યા હતા. નમક સત્યાગ્રહની તૈયારીરૂપે લખાણો અને અગ્રગણ્ય કામગીરી બદલ મહાદેવભાઈને ૧૯૩૦માં અમદાવાદમાં છ માસની સજા થઈ હતી. ૧૯૩૬માં તેમની 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ના પત્રકારત્વ વિભાગના પ્રમુખ તરીકે વરણી થઈ હતી. ૧૯૪૧માં અમદાવાદમાં કોમી આગ ફેલાઈ ત્યારે ગાંધીજીએ શાંતિસૈનિક તરીકે મહાદેવભાઈને અહીં મોકલ્યા હતા. દર વર્ષની પહેલી જાન્યુઆરીએ ગૂજરાત વિદ્યાપીઠ સંનિષ્ઠ સ્નાતકને 'મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર' અર્પણ કરીને મહાદેવ દેસાઈનો જન્મદિવસ નોખી રીતે ઊજવે છે.

………………………………………………………………………………………………
સૌજન્ય :

અમદાવાદ ઊજવશે મહાદેવ દેસાઈની જન્મજયંતી
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૧-૨૦૧૭, રવિવાર

4 comments:

  1. થોડામાં ઘણું આપ્યું, અશ્વિનભાઈ.

    ReplyDelete
  2. મને ગમ્યું છે, શુભેચ્છાઓ...

    ReplyDelete