રાવણ-ઊલિયું : દ્વિચક્રી વાહન ઉપરનું સળિયારોપણ
....................................................................
ચાઇનીઝ દોરીથી ભારતીય ડોકને ઘસરકા ન પડે એ માટે ચાલકો બે પૈડાંવાળા વાહન ઉપર સળિયારોપણ કરાવે છે. સળીઓ આપણે જાતે કરવી પડે છે. સળિયો બીજા પાસે કરાવવો પડે છે. અકસ્માતમાં હાડકાં ભાંગે ત્યારે દાક્તરો દર્દીના હાથ-પગમાં સળિયા નાખે છે. ઉત્તરાયણ વખતે ગળું ન કપાય તે માટે ચાલકો વાહનમાં સળિયો નખાવે છે. પતંગપર્વ આસપાસ થતી 'ગળાકાપ' સ્પર્ધામાં ઊંધા 'યુ' આકારનો સળિયો જીવનદાયી સાબિત થાય છે. આપણે આ સળિયાને 'ડોક-રક્ષક' કે 'દોરી-દૂરક્ષ' જેવું નામ આપી શકીએ. જોકે, આનો આકાર ઊલિયા જેવો છે. પણ મધ્યમવર્ગના માનવીના ઊલિયા કરતાં લગભગ દશ ગણું મોટું માપ ધરાવતા આ સળિયાને 'રાવણ-ઊલિયું' કહી શકાય! દશાનન આ સળિયાથી ઊલ ઉતારતો હોય એવું દૃશ્ય કલ્પી જુઓ તો 'રાવણ-ઊલિયું' શબ્દ સાર્થક જણાશે.
પ્રા.વા.ક.(આર.ટી.ઓ.) વાહન ઉપર સળિયારોપણ અંગેનું જાહેરનામું બહાર ન પાડે એ તો સમજી શકાય. પરંતુ, આ સળિયો ઉત્તરાયણ પછી કેટલો વખત રાખી શકાય એની કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી. વળી, કેવળ સળિયો લઈને જતાં હોઈએ અને સાથે વાહન ન હોય તો આપણને ટ્રાફિક પોલીસ પકડે કે નહીં?! આ સળિયાનો બહુવિધ ઉપયોગ થાય તો તેને વાહન ઉપર કાયમી સ્થાન મળે. તેનો ઉપયોગ એફ.એમ. રેડિયો-એન્ટેના અને વાઈ-ફાઈ નેટવર્ક માટે પણ થઈ શકે એવી શોધ થાય તો સારું. આ ઊભા સળિયા ઉપર આડો તાર બાંધી દઈએ તો નાનકડો હાથરૂમાલ સૂકવી શકાય. અમદાવાદીઓ તાર ઉપર કોઈ કંપનીની જાહેરખબર મૂકીને થોડા રૂપિયા રળી શકે. નાનકડી પટ્ટી મૂકીને સુહસ્તાક્ષરમાં સુવિચાર પણ લખી શકાય.
'રાવણ-ઊલિયું' આખું વર્ષ સાચવવું મુશ્કેલ છે. મકરસંક્રાંતિનું પર્વ સંપન્ન થઈ જાય પછી આ સળિયાને કાઢી લેવો પડે. એને ઘરમાં કેવી રીતે સાચવવો એ ઉકેલ માંગતો કોયડો છે. કોઈ ઉપયોગિતા વગર ઘરના ખૂણે કે માળિયાના તળિયે સળિયાને મૂકી રાખવો એ એનું અપમાન છે. આ સંજોગોમાં, મીઠા લીમડાનાં પાન તોડવાં હોય અને ડાળી ઝટ દઈને હાથમાં ન આવતી હોય તો આ સળિયાને પહેલાં સીધો અને પછી લાંબો કરીને કઢી-પત્તાં સુધી પહોંચી શકાય છે. જોકે, આવું કરવાના કારણે સળિયો મૂળ આકારમાં પાછો ન આવે એવું બને.
શહેરના વિવિધ પૂલ ઉપર પચાસ રૂપિયાના ખર્ચે સરળતાથી સળિયારોપણ કરાવી શકાય છે. આ વર્ષે ઉત્તરાયણમાં પતંગ-દોરાનાં વેચાણની હવા મંદ છે. વધારામાં, વિચલણીકરણને કારણે લોકોની ખરીદશક્તિ પ્રમાણમાં ઘટી છે. પરિણામે, વધુ નગરજનો વાહન ઉપર સળિયારોપણ કરાવે એવી શક્યતા ઓછી છે. વહીવટીતંત્રે પોતાનું નાક અને લોકોની ગરદન બચાવવા માટે, ગરીબીરેખાની બાજુમાં જીવતા વાહનચાલકોને મફતમાં સળિયા નાખી આપવા જોઈએ, અથવા તો આધારકાર્ડની નકલ જમા લઈને સળિયા ભાડે આપવા જોઈએ.
....................................................................
No comments:
Post a Comment