Sunday, June 18, 2017

સાબરમતીના સંગાથે, સત્યાગ્રહાશ્રમની શતાબ્દીએ

આપણું અમદાવાદ 
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

સત્તરમી જૂન, ૧૯૧૭ના રોજ સાબરમતીના તીરે સત્યાગ્રહાશ્રમની સ્થાપના થઈ ત્યારે, સત્યાગ્રહી ગાંધીજી 'ગળીનો ડાઘ' મિટાવવા માટે બિહારના ચંપારણ જિલ્લામાં હતા. ગાંધીજીએ આ જ આશ્રમમાંથી, અંગ્રેજ સરકારના અન્યાયી નમકવેરા સામે, બારમી માર્ચ, ૧૯૩૦ના રોજ દાંડીકૂચનો પ્રારંભ કર્યો હતો. પ્રવર્તમાન સમયમાં નાગરિકો અસત્ય-અત્યાચાર-અરાજકતા-આભડછેટ-આતંકવાદ સામે, ગાંધી આશ્રમને નજર સમક્ષ રાખીને વિરોધપ્રદર્શન અને કૂચકદમ કરે એ આવશ્યક છે. આ પ્રકારનું આંદોલન સત્ય-અહિંસાના માર્ગે અને બિનરાજકીય રીતે ચાલતું હોય એ અનિવાર્ય છે. 

શહેરીજનોએ ગાંધીબાપુનો આશ્રમ સપરિવાર અને વારંવાર જોવો જોઈએ. જન્મદિવસ-લગ્નદિવસ કે તહેવાર-ઉજવણી હોય તો રિવરફ્રન્ટ જતાં પહેલાં સત્યાગ્રહાશ્રમનાં દર્શન અચૂક કરી લેવાં. ઘરે દેશી-વિદેશી મહેમાનો આવે તો, સઘળાં કામ પડતાં મૂકીને તેમની સાથે બાપુજીનો આશ્રમ જોવા જવાનો વિચાર નહીં પણ અમલ કરવો. શહેરની શાળા-કૉલેજોના વ્યવસ્થાપકોએ ૨૦૧૭ના વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને ગાંધી આશ્રમની પ્રત્યક્ષ મુલાકાત કરાવવી જોઈએ. અમદાવાદીઓ માટે અઠવાડિયામાં એક દિવસ નહીં તો છેવટે એક કલાક માટે પણ મૌન પાળવા સારુ, આશ્રમભૂમિથી આદર્શ જગ્યા બીજી કઈ હોઈ શકે? અને છેલ્લે, અમદાવાદની ઓળખ સમી રિક્ષાઓના ચાલકોને વિનંતી કે, બહારગામથી આવતા પ્રવાસીઓ એમ કહે કે, 'સાબરમતીમાં બાપુના આશ્રમે જવું છે.' તો તેમને સાબરમતીસ્થિત આસારામ બાપુના આશ્રમે લઈ જતાં પહેલાં, પાકી ખાતરી કરી લેવી!

…………………………………………………………………………………………………
સૌજન્ય :

સાબરમતીના સંગાથે, સત્યાગ્રહાશ્રમની શતાબ્દીએ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૧૮-૦૬ -૨૦૧૭, રવિવાર

No comments:

Post a Comment