Sunday, April 1, 2018

કાકાના જમાનામાં 'એપ્રિલફૂલ'નું ટીખળ

ડૉ. અશ્વિનકુમાર

.................................................................................................................................

કોઈ માણસ પૂરેપૂરો ગુજરાતી હોઈ શકે, પરંતુ આપણે ત્યાં એકમાત્ર કાકા જ 'સવાઈ ગુજરાતી' હતા. કાકાસાહેબ કાલેલકર (૦૧-૧૨-૧૮૮૫થી ૨૧-૦૮-૧૯૮૧) નામના ગદ્યપુરુષે ગુજરાતી ભાષા માટે નવા-નવા શબ્દોના દાગીના ઘડ્યા છે. કાકાસાહેબની ગેરહાજરીમાં, અમે ભદ્રંભદ્રીય શૈલીમાં 'એપ્રિલફૂલ' માટે 'અંગ્રેજીચતુર્થમાસારંભમૂરખદિન' જેવો શબ્દપ્રયોગ કરવાનું જોખમ વહોરીએ છીએ. કાકાના જમાનામાં પણ તારીખિયાના દટ્ટામાં પહેલી એપ્રિલનું પાનું ફરફર થતું હતું. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કહેતા કે, એપ્રિલફૂલની મજાક સ્વદેશી નથી, પણ વિલાયતથી આવેલી છે.

કાકાસાહેબના બે ભાઈઓ કૉલેજમાંથી પાછા આવ્યા ત્યારે ઘરમાં મોટા કદનો હાહાકાર મચી ગયો હતો. તેનું કારણ એ નહોતું કે તેમણે પરીક્ષામાં ધોળકું ધોળ્યું હતું! એ બિચારાઓનો વાંક એ હતો કે, તેમણે માથાના વાળ યથાવત રાખીને કેવળ દાઢી પૂરતી જ હજામત કરાવી હતી! બાલકૃષ્ણના દીકરાઓ ખ્રિસ્તી થઈ ગયા એવી ટીકા પણ ચાલી. લાંબી-પહોળી તકરારના અંતે એમને માથાના વાળ અસ્ત્રા વડે ઉતારવા પડ્યા. આ જ અરસામાં કાકાસાહેબના પિતાજી ઉપર પૂનાથી તાર આવ્યો કે, 'તમારો દીકરો વિષ્ણુ ખ્રિસ્તી થવાનો છે; એને બચાવવો હોય તો પૂને તરત આવી જાઓ.' આ તાર વાંચીને ગભરાયેલા પિતાજી તાબડતોબ પૂના ગયા. ત્યાં ગયા પછી એમને ખબર પડી કે, કોઈકે પહેલી એપ્રિલના બહાને એ મજાક કરી હતી. કાકાસાહેબનું એમ કહેવું છે કે, 'એ વખતનો ઘરનો ગભરાટ જોતાં ઘર્માંતરની બીક મરણની બીક કરતાં હજારગણી વધારે હતી.'

દ.બા.કા. પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં અભ્યાસ કરતા હતા. કૉલેજકાળના અનુભવોની શ્રેણી લખનાર કાકા કાલેલકરે 'પહેલી એપ્રિલનું ટીખળ' નામે લેખ કર્યો છે. દત્તુને નિશાળના દિવસોમાં એપ્રિલફૂલ વિશે કશું સાંભળ્યાનું યાદ નથી, પણ કૉલેજમાં તો માર્ચ મહિનાથી જ 'એપ્રિલફૂલ'ના માહાત્મ્યની વાતો કાને પડવા લાગી હતી. છાત્રાલયમાં દરેક વિદ્યાર્થી પોતાની ઓરડીમાં જઈને જ પોતાનાં પગરખાં કાઢે એવા રિવાજના એ દિવસો હતા. મુલાકાતીઓ પણ પગરખાં સાથે જ ઓરડીની અંદર પ્રવેશ કરતા હતા. એ જમાનામાં વિદ્યાર્થીઓ વાળ કતરાવવા માટે વાળંદને છાત્રાલયમાં બોલાવતા હતા. જોકે, વાળંદ પોતાનાં પગરખાં ઓરડીની બહાર દરવાજા પાસે કાઢે અને ઓરડીભીતર જઈને કેશકર્તન કરી આપે. આ રિવાજ એટલો સાર્વત્રિક હતો કે, ઓરડીની બહાર દૃશ્યમાન થતાં પગરખાં વાળંદ સિવાય બીજાં કોઈનાં હોય જ નહીં! હવે કાકાની ટોળકીના એક નમૂનાએ વાળંદને બોલાવ્યા વગર, પોતાનાં જ પગરખાં ઓરડી બહાર મૂકીને બારણું આડું કર્યું. બહાર પગરખાં પડેલાં જોઈ એક વિદ્યાર્થી વાળંદને બોલાવવા આવ્યો. અંદર બેઠેલા બેત્રણ જણાએ એને ખેંચીને 'કેમ? બન્યા ને એપ્રિલફૂલ!' કહીને મજાક કરવાની શુભ શરૂઆત કરી. પછી તો એ વિદ્યાર્થી પણ અંદર જ બેસી ગયો અને એ તમામ વિદ્યાર્થીઓ નવા 'બાઘા'ની રાહ જોવા લાગ્યા. શનિ કે રવિનો દિવસ હોવાથી વાળ કપાવવા માટે ઇચ્છુક ઘણા વિદ્યાર્થીઓ આ રીતે 'એપ્રિલફૂલ'નો ભોગ બનતા રહ્યા, હાસ્યની છોળો ઊછળતી રહી. વળી, રમૂજશિકાર વિદ્યાર્થી પણ અન્ય વિદ્યાર્થીઓની સાથે એ જ ઓરડીમાં બેસે અને સભ્યસમૃદ્ધ થતી આ ટોળકી નવા 'બાઘેશ્વર'ની રાહ જુએ. છાત્રાલયની એ 'ઐતિહાસ્યિક' ઓરડીમાં એપ્રિલફૂલનું આ ટીખળ કલાકો સુધી ચાલ્યું હતું!

બીજા વર્ષે ખુદ કાકાસાહેબે 'એપ્રિલફૂલ' નિમિત્તે એક મૌલિક કાવતરું ગોઠવ્યું હતું. વિદ્યાર્થીઓની પંચાયત સભા તરફથી સાપ્તાહિક વ્યાખ્યાન ગોઠવનાર મંત્રીને તેમણે સામેથી કહ્યું કે, "હું હમણાં 'ઈવોલ્યુશન' (વિકાસવાદ) ઉપર ખૂબ સાહિત્ય વાંચું છું. એટલે આગામી પહેલી તારીખે મારે 'વાંદરાંમાંથી જ માણસો ઊતરી આવેલા છે.' એ વિષય ઉપર વ્યાખ્યાન આપવું છે." મંત્રીને એમ કે એપ્રિલની પહેલી તારીખ વિશે દ.બા. કાલેલકરને કશી ખબર નથી. આથી, દત્તુ 'બાઘો' બને એવા ષડ્યંત્રથી મંત્રીએ વ્યાખ્યાનની સૂચના તૈયાર કરીને ફલક ઉપર ચોડી પણ દીધી. મંત્રી અને એમની મંડળીએ માન્યું કે કાકા ખુદ એપ્રિલફૂલ બની જશે. આ તરફ કાકાએ તૈયારીના ભાગરૂપે જૂના ધોતિયામાંથી બે ઇંચ પહોળી અને ત્રણેક ફૂટ લાંબી ચીંદરડીઓ કાઢી. દરેક ચીંદરડીને ગોળ લપેટીને ગજવામાં રાખી. બીજી તરફ વ્યાખ્યાનનો 'નિર્ધારિત' સમય થવા આવ્યો એટલે કાકાને તેડવા માટે ત્રણચાર જણા એમની ઓરડીમાં આવ્યા. આ ટોળકી પૈકી જે કોઈ ખુરશી ઉપર બેસે એની સાથે વાતો કરતાંકરતાં કાકાએ, ખુરશી પાછળ પડેલી વસ્તુ ઊંચકવાના બહાને ખૂબીપૂર્વક નીચા નમીને, ચીંદરડીનો એક છેડો ટાંકણી વડે એના કોટને વળગાડી દીધો. આ રીતે એ ત્રણચાર જણાને કાકાએ પૂંછડીઓ પહેરાવી દીધી! ત્યાર બાદ, વ્યાખ્યાન માટેનાં કાગળિયાં હાથમાં લઈને કાકા ઓરડીમાંથી બહાર નીકળ્યા. એટલામાં કેટલાક મિત્રો આવીને, ઠાવકું મોઢું રાખીને કાકાને કહેવા લાગ્યા કે, 'આજે ખૂબ તૈયારી છે ને? ચર્ચા ખૂબ થવાની છે હોં!' વળતો જવાબ આપતા કાકાએ પણ રોકડું પરખાવ્યું : 'હું તો ચર્ચામાં ઊતરવાનો જ નથી. મારી પાસે પ્રત્યક્ષ પુરાવા છે!' ઓરડીમાંથી બહાર નીકળેલા દરેકના કોટ પાછળ પૂંછડી લટકતી જોઈએ અન્ય દર્શનાર્થીઓએ તાળીઓ વગાડી. પૂંછડિયા વિદ્યાર્થીઓ ભોંઠા પડ્યા. કાકાએ પણ હસતાંહસતાં પૂછ્યું : 'આટલો પ્રત્યક્ષ પુરાવો રજૂ કર્યા પછી હવે મારે દલીલો કરવાની જરૂર છે?' થોડા લોકોએ તો આ પૂંછડિયા તારલાઓને પકડીને વરંડામાં પણ ફેરવ્યા અને પછી વધુ ફજેતી ન થાય એટલા માટે પ્રેક્ષકોએ જ એ પૂંછડીઓ કાઢીને એમના હાથમાં સોંપી! કાકાએ તરત કહ્યું : 'સબૂર, આવડો મોટો સિદ્ધાંત સિદ્ધ કરનાર તો હું. એટલે એ પૂંછડીઓ મને આપો. બધાએ પોતપોતાની પૂંછડી મને સોંપી દેવી અને ફરી પાછા માણસ થઈ પોતપોતાની ઓરડીમાં ચાલ્યા જવું.'

એક વખત દત્તાત્રેય જમીને છાત્રાલયની ત્રેવીસ નંબરની ઓરડીમાં બેઠા હતા. એવામાં બારણે ટકોરા પડ્યા. દત્તુએ દરવાજો ખોલ્યો. સામે પૂનાના વિખ્યાત તબીબ ગજવામાં સ્ટેથોસ્કોપ લટકાવી દત્તુ આગળ આવીને ઊભા ને પૂછ્યું : 'દરદી ક્યાં છે?' દત્તાત્રેયે કહ્યું : 'મારી ઓરડીમાં કોઈ દર્દી નથી.' ડૉક્ટરે ગજવામાંથી કાર્ડ કાઢી બતાવ્યું. જેમાં સ્પષ્ટ લખ્યું હતું : 'ડૉક્ટર સાહેબ, અમારા એક સાથી ખૂબ બીમાર છે. અમે તમને ટાંગો કરી બોલાવી શકીએ એવી અમારી સ્થિતિ નથી. ફર્ગ્યુસન કૉલેજના છાત્રાલયમાં ત્રેવીસ નંબરની ઓરડીમાં દર્દીને જોશો તો ઉપકાર થશે.' આ વાંચીને દત્તાત્રેયને મૂંઝવણ થઈ. જોકે, તેમને બીજી જ ક્ષણે યાદ આવ્યું કે, આજે પહેલી એપ્રિલ છે! શરમના માર્યા દત્તુનું મોઢું ઊતરી ગયું. તેમણે અત્યંત દુઃખી અવાજે ડૉક્ટરને એ મતલબનું કહ્યું કે, 'અમારી કૉલેજના કોઈ વિદ્યાર્થીએ નહીં, પણ તમારા કોઈક ઓળખીતાએ જ પહેલી એપ્રિલ નિમિત્તે આવી મજાક કરી છે.' કૉલેજના જ કોઈ વિદ્યાર્થીનું આ ટીખળ છે એવી ડૉક્ટરને શંકા જાય તો પરિણામે બધા જ વિદ્યાર્થીઓ વિશે એમના મનમાં અંટસ રહે. આવી ગેરસમજ ટાળવા માટે જ દત્તાત્રેયે વિદ્યાર્થીઓ વતી આગોતરું બચાવનામું પેશ કરી દીધું હતું!

કાકાસાહેબના જમાનામાં પહેલી એપ્રિલની વધુ મસાલેદાર મજાક માણવા માટે વાચકોએ સાતમા આસમાને નહીં, પણ સાતમા પાને પહોંચવું જ રહ્યું!

.................................................................................................................................
સૌજન્ય :

કાકાના જમાનામાં 'એપ્રિલફૂલ'નું ટીખળ // ડૉ. અશ્વિનકુમાર
'નવજીવનનો અક્ષરદેહ', ફેબ્રુઆરી, ૨૦૧૮, સળંગ અંક : ૫૮, પૃષ્ઠ : ૬૦-૬૨

3 comments: