Wednesday, March 13, 2019

ગૂજરાત વિદ્યાપીઠમાં દાંડીકૂચ દિને વિશેષ કાર્યક્રમ


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

અખબારી યાદી

ગૂજરાત વિદ્યાપીઠમાં દાંડીકૂચ દિને વિશેષ કાર્યક્રમ

મહાત્મા ગાંધીજીની દાંડીકૂચનો પ્રારંભ સત્યાગ્રહાશ્રમ, સાબરમતીથી ૧૨મી માર્ચ, ૧૯૩૦ની સવારે થયો. ગૂજરાત વિદ્યાપીઠની અરુણ ટુકડીએ ગાંધીજી જે માર્ગે સત્યાગ્રહી સાથીદારો સાથે દાંડીકૂચ કરવાના હતા તેના દરેક પડાવની પૂર્વતપાસ અને આયોજનમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ગાંધીજીની સાથે ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો, શિક્ષકો અને સ્નાતકો પણ દાંડીયાત્રાના સાથીદારો તરીકે જોડાયા હતા દાંડીકૂચના યાત્રીઓ સત્યાગ્રહાશ્રમ, સાબરમતીથી નીકળ્યા ત્યારે ગૂજરાત વિદ્યાપીઠના ઐતિહાસિક સ્થળ પ્રાણજીવન વિદ્યાર્થીભવન ખાતે ગાંધીજી તેમજ યાત્રીઓને ગૂજરાત વિદ્યાપીઠની બહેનો અને કાકાસાહેબ કાલેલકરે આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ દાંડીકૂચના યાત્રીઓ ગૂજરાત વિદ્યાપીઠથી આગળ વધ્યા હતા.

પ્રાણજીવન વિદ્યાર્થીભવનની સામેની એ જગ્યા જ્યાંથી ગાંધીજી તેમજ દાંડીયાત્રીઓ અભિવાદન સ્વીકારી પસાર થયા હતા તેની યાદરૂપે એક પ્રતીકાત્મક સ્મૃતિસ્તંભનું સ્થાપન ગૂજરાત વિદ્યાપીઠના શતાબ્દી વર્ષમાં કરવાનો ગૂજરાત વિદ્યાપીઠ ટ્રસ્ટીમંડળે નિર્ણય કર્યો છે. દાંડીકૂચ દિવસની સ્મૃતિમાં તા. ૧૨--૨૦૧૯ના રોજ ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ સુશ્રી ઇલાબહેન ભટ્ટ, કુલનાયક ડૉ. અનામિકભાઈ શાહ, ટ્રસ્ટીઓ અને અધ્યાપકો, સેવકો, વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ અને રાષ્ટ્રીય સેવા યોજનાનાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ દાંડીકૂચ સ્મૃતિસ્તંભના સૂચિત સ્થળે સૂતરની માળા અર્પણ કરી હતી.

ત્યારબાદ, મુખ્ય સભાખંડમાં, ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. અનામિક શાહે 'દાંડીકૂચ સ્મૃતિદિન' નિમિત્તેના વિશેષ કાર્યક્રમની વિગતો આપી હતી. ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના વિદ્યાર્થી ભગીરથ માતાએ 'દાંડીકૂચ : મારી નજરે' વિશે રજૂઆત કરી હતી. ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક ડૉ. સુદર્શન આયંગારે ‘દાંડીકૂચનો ઐતિહાસિક સંદર્ભ’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. કુલસચિવ ડૉ. રાજેન્દ્ર ખીમાણીએ આભારવિધિ કરી હતી.

No comments:

Post a Comment