Monday, April 25, 2022

On this day, April 25, Doordarshan began testing colour television programmes in India


https://scroll.in/video/876844/watch-on-this-day-april-25-doordarshan-began-testing-colour-television-programmes-in-india


કસ્તૂરકથા - ૦૨

કસ્તૂરબાનાં જીવન અને કાર્યનો વિગતે પરિચય કરાવતી, અધિકૃત સંદર્ભસૂચિ, દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી, અને દસ્તાવેજી ચલચિત્ર સાથેની, વ્યાખ્યાનશ્રેણી


ડૉ. અશ્વિનકુમાર

પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,

ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

..........................................................................................

તારીખ : ૧૯-૦૪-૨૦૨૨થી ૨૫-૦૪-૨૦૨૨

સમય : સવારે અગિયારથી સાડાઅગિયાર

સ્થળ : ઉપાસના ખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ

ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમમાર્ગ

અમદાવાદ : ૩૮૦ ૦૧૪


ભાષાની મજા, મજાની ભાષા - 1306


તેઓ રેશમી ભરત ભરેલી ટોપી પહેરતા હતા.

તેઓ ભરત ભરેલી રેશમી ટોપી પહેરતા હતા.


Saturday, April 23, 2022

'વિશ્વ પુસ્તક દિવસ' નિમિત્તે વિશેષ લેખ


ડૉ. બાબાસાહેબ આંબેડકર : વાચનસંસ્કાર અને પુસ્તકપ્રેમ


ડૉ. અશ્વિનકુમાર
......................................................................................................

સૌજન્ય :
વિપુલ કલ્યાણી
'ઓપિનિયનવિભાગ, 'ઓપિનિયન સામયિકયુકે', ૨૩--૨૦૨૨ 


ડૉ. બાબાસાહેબ જન્મજયંતી (૧૪ એપ્રિલ) | વિશ્વ પુસ્તક દિવસ (૨૩ એપ્રિલ) નિમિત્તે વિશેષ લેખ


ડૉ. બાબાસાહેબ આંબેડકર : વાચનસંસ્કાર અને પુસ્તકપ્રેમ

ડૉ. અશ્વિનકુમાર
……….……….……….……….……….……….……….……….………...........

આપણે ત્યાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની મુખ્યત્વે બે ઓળખ આપવામાં આવે છે : ‘દલિતોના મસીહા’ અને ‘બંધારણના ઘડવૈયા’. આટલું કહેવા માટે વિશેષ વાચન અને સઘન અભ્યાસ અનિવાર્ય નથી! આ જ કારણે બાબાસાહેબના ભીમરાવી વ્યક્તિત્વનાં વિવિધ પાસાં ઉપર પૂરતો પ્રકાશ પહોંચતો નથી. ડૉ. આંબેડકર સામે ફેણ માંડનારા તેમજ તરફેણ કરનારા પણ બાબાસાહેબ વિષયક વિવિધ પુસ્તકો તરફ વાચનપ્રેમ દાખવે એ સમયોચિત માગ છે. જો આવું થાય તો આપણી આંખ આગળ અજોડ આંબેડકર ઊપસી આવે. અહીં વાચનની જ વાત નીકળી છે કે જાણીજોઈને કાઢવામાં આવી છે ત્યારે, બાબાસાહેબના વાચનસંસ્કાર અને પુસ્તકપ્રેમ તરફ ધ્યાન જાય તો કેવું રૂડું? વળી, વ્યક્તિત્વને ઘડનારાં પરિબળોમાં વ્યક્તિના વાચનવારસા અને પુસ્તકસંગની નોંધ લેવી જોઈએ. ગુજરાત રાજ્યની સ્થાપનાપચાસીએ ગાંધીજીની માતૃભાષામાં પુસ્તક રૂપે અવતરેલાં ‘ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં લખાણો’માંથી પસાર થતી વખતે બાબાસાહેબની વાચનપ્રીતિ અને પુસ્તકપ્રીતિની પ્રતીતિ થાય છે. આ પુસ્તકનું નામ ‘દિલના દરવાજે દસ્તક’ (પ્રથમ આવૃત્તિ : ૧૦ એપ્રિલ, ૨૦૧૦; કિંમત : વીસ રૂપિયા; પૃષ્ઠ : ૭૮) છે. દલિત અધિકાર પ્રકાશન (બી-૭૮, ન્યૂ હીરાબાગ સોસાયટી, સી.ટી.એમ., અમદાવાદ-૩૮૦૦૨૬)ના આ પ્રથમ પુસ્તકના અનુવાદકો ઉર્વીશ કોઠારી અને ચંદુ મહેરિયા છે.

Image-courtesy : Urvish Kothari, Chandu Maheriya

બુદ્ધ, કબીર, અને જોતિબાને પોતાના ગુરુ ગણાવનાર બાબાસાહેબ ઉપર શુદ્ધ શાકાહારી અને વ્યસનમુક્ત કબીરપંથી સાધુ એવા પિતાજીનો ભારે પ્રભાવ છે. આ પુસ્તકના પ્રથમ લેખ (‘જનતા’, ૬-૧૧-૧૯૫૪)માં ડૉ. આંબેડકર લખે છે : “ ઘરમાં પિતાજી ધર્મની અને શિક્ષણની ધરી જેવા હતા. ધર્મ અને વિદ્યા બન્નેના એ ભક્ત હતા. તેમણે મને બાળપણમાં ઘણી વાર ‘રામાયણ’ અને ‘મહાભારત’ વંચાવ્યાં. એ ગ્રંથોથી હું ઘણો પ્રભાવિત થયો હતો. મારા પિતાજી કહેતા, આપણે ગરીબ છીએ એટલે તું કોચવાતો નહીં. તું વિદ્વાન કેમ ન બની શકે?’ ” (પૃષ્ઠ-૧૩). બાળપણમાં કોઈ પરીક્ષામાં ઉત્તીર્ણ થવા બદલ શેરીજનોએ દાદા કેલુસકરની મદદથી ભીમરાવનો સન્માન-સમારંભ ગોઠવ્યો હતો. આ સન્માન અંગે બાબાસાહેબ નોંધે છે : “દાદા કેલુસકરે ઇનામ તરીકે મને બુદ્ધનું ચરિત્ર આપ્યું. એના વાચનથી મારામાં નવી ચેતના પેદા થઈ.” (પૃષ્ઠ-૧૪) રામાયણ-મહાભારતની કેટલીક વાતો સમજી-સ્વીકારી ન શકનાર બાબાસાહેબ સ્વીકારે-સમજાવે છે કે, “બૌદ્ધ ધર્મના અભ્યાસ પછી મારી વાચનભૂખ ઊઘડી. હજુ આજે પણ મારા મન પર બોદ્ધ ધર્મનો પ્રભાવ યથાવત્ છે. હું માનું છું કે વિશ્વમાં લોકોનું ભલું કરવાનું ફક્ત બૌદ્ધ ધર્મથી શક્ય છે. વારંવાર હું કહું છું કે હિંદુઓએ પોતાના રાષ્ટ્રનું અસ્તિત્વ ટકાવી રાખવું હશે તો તેમણે બૌદ્ધ ધર્મ અપનાવવો પડશે.” (પૃષ્ઠ-૧૪) આમ, નાનપણમાં ભેટ રૂપે મળેલું બુદ્ધનું ચરિત્ર વાંચીને નવો ચેતનાસંચાર પામીને, આજીવન બૌદ્ધ ધર્મનું ચિંતન-મનન કરીને, જીવનસંધ્યાએ બાબાસાહેબ બોધિસત્ત્વ પામ્યા.

બાબાસાહેબ વિદ્યા, વિનય, અને શીલને પોતાના ત્રણ બળ ગણાવીને તેમને ત્રિદેવ રૂપે માને છે. આથી જ તેઓ કહે છે કે, “માણસને જીવવા માટે અનાજ જેટલી જ જરૂર વિદ્યાની પડે છે. જ્ઞાન વિના એ કંઈ કરી શકતો નથી.” (પૃષ્ઠ-૧૫). માણસ માટે શાંતિ મેળવવા અને વિકાસ કરવા વિદ્યા જરૂરી છે એવું દૃઢપણે માનનારા ડૉ. આંબેડકર પોતાના વિદ્યાપ્રેમ અને પુસ્તકપ્રેમ વિશે કહે છે : “અસલમાં વિદ્યા અત્યંત વ્યાપક છે. વિદ્યા પ્રત્યે મારા મનમાં અજબ લગની છે. કોઈ બ્રાહ્મણ પાસે નહીં હોય એટલાં પુસ્તકો મારી પાસે દિલ્હીમાં છે. લગભગ વીસેક હજાર પુસ્તકો હશે. કોઈ બ્રાહ્મણ પાસે હશે આટલાં પુસ્તકો? જો હોય તો બતાવે. મારે ઠાકુર ઍન્ડ કંપની (પુસ્તક-પ્રકાશક અને વિક્રેતા)ને રૂ. આઠ હજાર ચૂકવવાના છે. મને ગમે ત્યાંથી ઉધાર મળી જાય છે. ઉધારી વધી જાય તો હું મારી મોટર લેણદારના ઘેર મૂકીને આવતો રહું છું. વિદ્યા પ્રત્યે મારી આસક્તિ આ કક્ષાની છે. આ ગાંડપણ સૌમાં હોવું જોઈએ. આસક્તિ વ્યક્તિની પ્રેમિકા છે. એ બીજે ગામ રહે છે ને રાતે બાર વાગ્યે વ્યક્તિને એની યાદ આવે, એટલે તે સવારની રાહ જોયા વિના રાત્રે જ નીકળી પડે છે. રસ્તામાં નથી તે સ્મશાન જોતો કે નથી બીજું કઈ જોતો. કોઈ પણ હિસાબે તેને પ્રેમિકા પાસે પહોંચવું છે. માણસ વિદ્યાને આ હદનો પ્રેમ કરે, ત્યારે એ સાચો સાધક થઈ શકે છે. હું દિવસ-રાત વિદ્યાની સાધના કરું છું.” (પૃષ્ઠ-૧૬) જિંદગીમાં કદી કોઈની પાસે દયાની અપેક્ષા ન રાખનાર ડૉ. આંબેડકરનું લક્ષ્ય એટલું જ હતું કે એમને બે ટંકનું ભોજન મળે અને તેઓ અંત્યજ સમાજની સેવા કરે. આથી, ડૉ. પરાંજપેની વિનંતીને માન આપીને તેમણે કૉલેજમાં અર્થશાસ્ત્ર ભણાવવાનું સ્વીકાર્યું હતું. ડૉ. પરાંજપેએ તેમને અઠવાડિયે તેર વ્યાખ્યાન લેવા કહ્યું હતું. પણ ડૉ. આંબેડકરે એમને કહ્યું હતું કે તેઓ ફક્ત ચાર જ વ્યાખ્યાન લઈ શકશે. કારણ કે તેમને દલિત લોકોની સેવા કરવાની હતી અને એ માટે એમને સમય જોઈતો હતો. આ મુદ્દે ડૉ. આંબેડકર લખે છે : “મને કોઈ વ્યસન નથી. હા, પુસ્તકો અને કપડાંનો મને અજબ શોખ છે. હું ગર્વથી કહી શકું છું કે મારામાં શીલને ટકાવી રાખવાનો ગુણ મોટા પાયે મોજૂદ છે.” (પૃષ્ઠ-૧૮) આમ, ડૉ. આંબેડકર માટે વિદ્યા અને પુસ્તકો, અધ્યયન અને વાચન જીવનનું અનિવાર્ય અંગ છે.

Photo-courtesy : google image

આ પુસ્તકના ‘મારા ચારિત્ર્યના ઘડવૈયા : પિતાજી’ (‘નવયુગ’, ૧૩-૪-૧૯૪૭) એ શીર્ષક હેઠળના લેખમાં ડૉ. બાબાસાહેબ એમના શિક્ષક પિતાજીને હૃદયના હોય એટલા ખૂણેથી યાદ કરે છે. ઇસ્ટ ઇન્ડિયા કંપની સરકારની સૈન્યશાળામાં ચૌદ વર્ષ સુધી મુખ્ય શિક્ષક (હેડ માસ્તર) તરીકે ફરજ બજાવનાર અને પૂનાની શિક્ષક તાલીમ શાળામાં ભણીને શિક્ષણનો ડિપ્લોમા મેળવનાર પિતાજીની ભણાવવાની ઢબ બહુ સરસ હતી. આથી, બાબાસાહેબ કહે છે : “શિક્ષક હોવાને કારણે પિતાજીમાં શિક્ષણ પ્રત્યેની અભિરુચિ અને આસ્થા પેદા થયાં. (તેના પરિણામે) અમારા ઘરમાં બધાંને સારું લખતાં-વાંચતાં આવડતું હતું. એટલું જ નહીં, મારાં મોટાં બહેન તો પાંડવપ્રતાપ, રામાયણ જેવા ગ્રંથો વાંચીને તેનું વિવેચન કરી શકતાં હતાં. કબીરપંથી હોવાને કારણે પિતાજીને ઘણાં ભજન અને અભંગ મોઢે હતાં.” (પૃષ્ઠ-૨૨) આમ, શિસ્તપ્રેમી અને શિક્ષણપ્રેમી પિતાજીએ ઘરમાં ઊભા કરેલા વિદ્યાકીય વાતાવરણથી પણ ભીમરાવનું વાચનવિશ્વ વિસ્તર્યું. જોકે બાબાસાહેબને શાળાકીય અભ્યાસનાં પુસ્તકોને બદલે ઇતર વાચનનો શોખ હતો. તેમના પિતાજીને આ વાત પસંદ ન હોવાથી તેઓ બાળ ભીમરાવને અભ્યાસક્રમનાં પુસ્તકો જ પહેલાં વાંચવાં જોઈએ અને ત્યાર બાદ જરૂરી હોય તો જ બીજાં પુસ્તકો વાંચવાં જોઈએ એવું કહેતા. મરાઠીની જેમ અંગ્રેજી ભાષા માટે ગર્વ અનુભવનાર પિતાજી અંગ્રેજી શીખવા સારુ બાબાસાહેબને હાર્વર્ડનાં પુસ્તકો બરાબર વાંચી નાખવાનું હંમેશાં કહેતા. પિતાજીએ ભીમરાવ પાસે તિર્ખડકરની અનુવાદિત પાઠમાળાનાં ત્રણ પુસ્તકો પણ વંચાવી લીધાં હતાં. વળી, પિતાજીએ જ બાબાસાહેબને મરાઠી ભાષાના અઘરા શબ્દોના યોગ્ય અંગ્રેજી પર્યાય શબ્દો શોધવાનું શીખવ્યું હતું. જાહેર જીવનમાં ઉત્તમ અંગ્રેજી લખનાર-બોલનાર તરીકે ખ્યાતિપ્રાપ્ત ડૉ. આંબેડકરને બાળપણમાં અંગ્રેજી શબ્દો, કહેવતો, અને ભાષાશૈલીનો યોગ્ય ઉપયોગ કરવાની સઘળી તાલીમ શિક્ષક પિતાજીનાં સાંનિધ્ય અને વાચનસંસ્કાર તેમ જ તેમણે પૂરી પાડેલી પુસ્તકોની સોબત થકી મળી છે.

Photo-courtesy : google image

ડૉ. આંબેડકરનો એવો આગ્રહ હતો કે તેમની પાસે પોતાનાં ખરીદેલાં પુસ્તકો જ હોવાં જોઈએ. જેના પરિણામે સારી એવી સંખ્યામાં ખરીદીને એકત્ર કરેલાં પુસ્તકોથી એમનું અંગત ગ્રંથાલય સમૃદ્ધ થઈ શક્યું હતું. નાનપણમાં પણ તેઓ નવાં પુસ્તકો ખરીદવા માટે પિતાજી સમક્ષ જિદ્દ કરતા હતા. ભીમરાવે પિતાજી પાસે પુસ્તક માગ્યું હોય અને સાંજ સુધીમાં તેમણે લાવી ન આપ્યું હોય એવું ભાગ્યે જ બનતું હતું. જોકે એમના ઘરની આર્થિક સ્થિતિ જે પહેલાં તો સારી હતી પણ ધીરે ધીરે કથળતી ગઈ હતી. મામૂલી નિવૃત્તિ-વેતન (પેન્શન) સામે મુંબઈનું જીવન, બહોળો પરિવાર, શાળાનો ખર્ચ... છતાં તેમના પિતાજી બધી મુસીબતો વેઠીને પણ ભીમરાવની તમામ જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયાસ કરતા હતા. આ મામલે ડૉ. આંબેડકર લખે છે : “મારા પિતા દિલના બહુ ઉદાર હતા. હું તેમની પાસે કોઈ પુસ્તક માગું એટલે ખિસ્સામાં પૈસા ન હોય તોપણ તે બગલમાં પાઘડી દબાવીને તરત ઘરની બહાર નીકળી પડતા. એ સમયે મારી બન્ને બહેનો મુંબઈમાં જ રહેતી હતી. બન્નેનાં લગ્ન થઈ ગયાં હતાં. પિતાજી ઘરેથી નીકળીને સીધા નાની બહેનના ઘરે જતા અને તેની પાસેથી પુસ્તક માટે બે-ચાર રૂપિયા ઉધાર માગતા. એની પાસે પણ ક્યાંથી હોય એટલા રૂપિયા? એ દુઃખી દિલે ના પાડે તો, પિતાજી સીધા મોટી બહેનને ઘેર પહોંચી જતા. તેની પાસે રોકડ રૂપિયા ન હોય તો તેનું કોઈ ઘરેણું માગી લેતા. આમ તો બહેનને ઘરેણાં પિતાજીએ જ આપેલાં. પણ એ ઘરેણાં ગીરવે મૂકીને તે મારાં પુસ્તકો લાવી આપતા હતા. જયારે પેન્શન આવે ત્યારે એ ગીરવે મૂકેલાં ઘરેણાં છોડાવીને બહેનને પાછાં આપી દેતાં. એટલે બહેનો પણ પિતાજી ઘરેણાં માગે ત્યારે તરત આપી દેતી હતી.” (પૃષ્ઠ-૨૫,૨૬) જોકે ભીમરાવ બહુ નાના હતા ત્યારે માતાનું અવસાન થયું હોવાથી ફોઈએ ભીમરાવનો ઉછેર કર્યો હતો. ફોઈ પિતાજી કરતાં મોટાં હોવાથી પિતાજી પણ તેમનું માન જાળવતા હતા. વળી, ભીમરાવ ફોઈના બહુ લાડકા હોવાથી ઘરમાં ભીમરાવ સામે બોલવાની કોઈ હિંમત નહોતું કરતું. આથી ભીમરાવ માથામાં દદડતું તેલ નાખીને, પુસ્તકોનું ઓશીકું બનાવીને બેફિકરાઈથી તેની ઉપર સૂઈ જતા હતા! જોકે નાનપણમાં પુસ્તક-વાચનના લાગેલા શોખ વિશે ડૉ. આંબેડકર લખે છે : “નાની ઉંમરે મને પુસ્તકો વાંચવાનો શોખ લાગ્યો હતો. તે એટલી હદે કે કયા પુસ્તકમાં કયા પાને કઈ મહત્ત્વની વાત લખેલી છે તે હું તરત બતાવી શકતો - અને તે પણ ક્યાંય કશું લખ્યા વિના. મારી આ આદતને કારણે મારી યાદશક્તિ બહુ તીવ્ર બની.” (પૃષ્ઠ-૨૬)

Photo-courtesy : google image

બાબાસાહેબ સતારા કૅમ્પમાં અંગ્રેજી બીજા ધોરણમાં ભણતા હતા ત્યારે નિશાળે જવાના સમયે એક દિવસ ધોધમાર વરસાદ પડ્યો. તેમના મિત્રોએ ભીમરાવને આવા વરસાદમાં શાળાએ જવાની ના પાડી. નાનપણથી બહુ જિદ્દી સ્વભાવના ભીમરાવ મિત્રોનું કહ્યું શું કામ માને?! એમના મોટા ભાઈ છત્રી લઈને નીકળ્યા એટલે ભીમરાવે એમને કહી દીધું કે, ‘તું તારે છત્રી લઈને જા. હું તો એકલો પલળતો પલળતો આવીશ.’ તેમના ભાઈએ ભીમરાવને સમજાવવાની ઘણી કોશિશ કરી પણ તેમણે ન સાંભળ્યું! ભીમરાવ વગર છત્રીએ, વરસાદમાં ભીંજાતા ભીંજાતા નિશાળે જવા નીકળ્યા. એ અરસામાં તેઓ રેશમી ભરત ભરેલી ટોપી પહેરતા હતા. આથી, એમની એ પ્રિય ટોપી અને પુસ્તકો પલળી ન જાય એટલે એ એમણે પોતાના ભાઈને આપી દીધાં હતાં. આમ, ધોધમાર વરસાદમાં પૂરેપૂરા પલળીને નિશાળે ગયેલા બાબાસાહેબે પ્રિય ટોપી અને પુસ્તકો પલળી ન જાય એની પૂરેપૂરી દરકાર રાખી હતી!

ભીમરાવના પિતાજીની પ્રબળ ઇચ્છા હતી કે ભીમરાવ સંસ્કૃત ભાષાનું સારું શિક્ષણ મેળવે, પરંતુ એમની એ ઇચ્છા ફળી નહીં. કારણ કે અછૂત બાળકોને સંસ્કૃત નહીં જ ભણાવવાની જિદ્દ પકડી રાખનાર સંસ્કૃતના શિક્ષકે ભીમરાવને પણ સંસ્કૃત ભણાવવાનો ઇન્કાર કરી દીધો. આથી તેમણે વિવશ થઈને ફારસી ભાષા શીખવી પડી. જોકે તેઓ સ્વપ્રયત્નોથી સંસ્કૃત ભાષા કેટલેક અંશે વાંચી-સમજી શકતા હતા. આમ, સંસ્કૃત શિક્ષકની સંકુચિતતાનો ભોગ બનવા છતાં સંસ્કૃત ભાષા માટે આદર-અભિમાન ધરાવનાર અને સંસ્કૃત સાહિત્યના ગુણગાન કરનાર ડૉ. આંબેડકર લખે છે : “મેં ફારસી ભાષાનું સારું અધ્યયન કર્યું હતું અને મારા તેમાં ૧૦૦માંથી ૯૦-૯૫ માર્ક આવતા હતા. તોપણ મારે એ વાત સ્વીકારવી જ રહી કે સંસ્કૃત સાહિત્યની તુલનામાં ફારસી સાહિત્ય કશું જ નથી. સંસ્કૃત સાહિત્યમાં કાવ્યમિમાંસા છે, અલંકારશાસ્ત્ર છે, નાટક છે, રામાયણ-મહાભારત જેવાં મહાકાવ્યો છે, દર્શન છે, તર્કશાસ્ત્ર છે, ગણિત છે. આધુનિક વિદ્યાની દૃષ્ટિએ જોવા જોઈએ તો સંસ્કૃતમાં બધું જ છે. આ બધું ફારસીમાં નથી. આપણને સંસ્કૃત ભાષા પર અભિમાન હોવું જોઈએ અને તેનું જ્ઞાન પણ હોવું જોઈએ. આ બાબત મારા મનમાં બહુ સ્પષ્ટ છે, તો પણ સંસ્કૃત શિક્ષકની સંકુચિતતાને લીધે મને સંસ્કૃત ભાષા શીખવાની તક ન મળી.” (પૃષ્ઠ-૩૭)

ઘણી બધી પદવીઓ મેળવનાર અને ઘણા બધા ગ્રંથો લખનાર બાબાસાહેબ સ્નાતક થયા ત્યાં સુધી તો એક સામાન્ય વિદ્યાર્થી જેવા જ હતા. વળી, સંશોધનકાર્ય માટે જે વિશેષ પ્રકારની દૃષ્ટિ જોઈએ કે અધ્યાપકો તરફથી જે પ્રકારનાં પ્રોત્સાહન-માર્ગદર્શન મળવાં જોઈએ તેનો પણ અભાવ હતો. જેના કારણે તેમની ભીતર છુપાયેલી શક્તિને ગતિ મળી ન હતી. ડૉ. આંબેડકર સ્પષ્ટપણે માને છે કે, “વ્યક્તિમાં સ્વાભાવિક રીતે ગુણો હોય તોપણ તેમનો વિકાસ જરૂરી છે.” (પૃષ્ઠ-૩૮) અભ્યાસ માટે અમેરિકા ગયા ત્યાં સુધી તો બાબાસાહેબના ઘણા ગુણ સુષુપ્તાવસ્થામાં હતા. તેનો વિકાસ કરવાનું કામ પ્રો. સેલિગ્મન અને અન્ય વિદ્વાનોએ કર્યું. આ વિદ્વાન પ્રાધ્યાપકોના સંપર્કમાં આવ્યા બાદ જ બાબાસાહેબને લાગ્યું કે તેઓ સ્વતંત્ર રીતે વિચારી શકે છે. ડૉ. સેલિગ્મને તો આંબેડકરને સંશોધનકાર્ય સારુ એમનું પોતાનું કામ ચાલુ રાખવાનું કહ્યું. એટલે તેમને જાતે જ સમજાય કે એમણે સંશોધન કઈ રીતે કરવાનું છે! આ રીતે આંબેડકર જાતે જ વિચારવા લાગ્યા અને ખૂબ વાંચવા લાગ્યા. જેનાથી તેમને એ શીખવા મળ્યું કે તેમણે જાતે જ પોતાના પગ ઉપર ઊભા રહીને કઈ રીતે સ્વયંનું માર્ગદર્શન કરવું. જોકે આ બધાની પાછળ આંબેડકરની એક ઓર ચિંતા પણ હતી. આ અંગે તેઓ કહે છે : ‘‘ચોક્કસ સમયમાં જ જો હું મારું સંશોધનકાર્ય પૂરું ન કરું તો મને આગળના અભ્યાસ માટેની શિષ્યવૃત્તિ ન મળે અને તેને લીધે મારાં બધાં સંશોધન અટકી પડે - અભ્યાસ અધૂરો રહે. એટલા માટે મારે દૃઢ સંકલ્પ, ઉત્સાહ, અને તેજ ગતિથી કામ કરવું જરૂરી હતું. એ સમયે મેં સંશોધનકાર્ય માટે આવશ્યક કાર્ડ બનાવ્યાં હતાં. આજે પણ તે કાર્ડ મારી પાસે મોજૂદ છે. આ કાર્ડ સંશોધનકાર્ય કરનારા અધ્યાપકોના ખપમાં આવે તે માટે હું તેમને કોઈ લાઇબ્રેરીમાં રાખવાની વ્યવસ્થા કરવાનો છું. મેં એટલું જબરદસ્ત વાચન કર્યું છે કે કયા પુસ્તકના કયા પાને કયો સંદર્ભ છે, તે તરત જ મારા ધ્યાનમાં આવી જાય. આ વાચનના કારણે મારી સ્મરણશક્તિનો ખૂબ જ વિકાસ થયો છે.” (પૃષ્ઠ-૩૯)

Photo-courtesy : google image

ડૉ. ભીમરાવ આંબેડકરને વિવિધ ભાષાઓ માટે પણ બહુ લગાવ હતો. તેઓ અંગ્રેજી તો સારી રીતે જાણતા જ હતા. તેમને અંગ્રેજી ભાષા જેટલો જ મરાઠી ભાષા માટે પણ ગર્વ હતો. તેમણે વર્ષો સુધી ‘બહિષ્કૃત ભારત’, ‘જનતા’, ‘મૂકનાયક’ જેવાં સામયિકોનું સંપાદન કર્યું હતું. તેમણે મરાઠી ભાષામાં પણ ઘણું લખ્યું હતું. ‘જનતા’ના મોટા ભાગના સંપાદકીય લેખો પણ એમણે જ લખ્યા હતા. તેમણે જર્મન ભાષાનો પણ અભ્યાસ કર્યો હતો. પછીથી જર્મન ભાષાનો મહાવરો ન રહ્યો હોવા છતાં તેઓ થોડા દિવસમાં જ જર્મન ભાષા સારી રીતે વાંચી શકવાનો વિશ્વાસ ધરાવતા હતા. તેમણે ૩૦ નવેમ્બર, ૧૯૪૫ના રોજ અમદાવાદમાં ગુજરાતીમાં ભાષણ કર્યું હતું! તેમને શરૂઆતમાં મરાઠીમાં ભાષણ કરવાનો ડર લાગતો હતો. પણ પછીથી એમને લાગ્યું હતું કે તેઓ મરાઠીમાં પણ સારું બોલી શકે છે. એમ તો તેઓ ફ્રેન્ચ ભાષા પણ જાણતા હતા. અરે, બાબાસાહેબને ઉર્દૂ ભાષા પણ પાકી આવડતી હતી! એક વખત મુસાફરી દરમિયાન પાણી મેળવવા માટે, નવ વર્ષના ભીમરાવે એક ગાડાખેડુની સલાહને અનુસરીને, વેરો ઉઘરાવનાર અફસરે ‘કોણ છું?’ એવું પૂછ્યું ત્યારે, પોતે ‘મુસલમાન’ છે એવું કહ્યું હતું. કારણ કે એ અફસર હિંદુ હતા અને ભીમરાવ એમ કહે કે, “હું મહાર છું” તો પાણી ન મળે! આ ઘટના વિશે આંબેડકર લખે છે “મેં કહ્યું કે હું મુસલમાન છું. અફસરની સાથે મેં ઉર્દૂમાં વાતચીત કરી. મને ઉર્દૂ પાકી આવડતી હતી એટલે મારા મુસલમાન હોવા વિશે અફસરના મનમાં કોઈ શંકા ન રહી...” (પૃષ્ઠ-પ૦)

ડૉ. બાબાસાહેબ આંબેડકર પોતાની લેખનસાધના વિશે કહે છે : “પુસ્તકો લખતી વેળા મને સમયનું કશું ભાન રહેતું નથી. જ્યારે મારું લેખન શરૂ થતું ત્યારે મારી પૂરી શક્તિ એ જ કાર્યમાં એકાગ્ર થઈ જતી. હું ખાવા-પીવાની પણ પરવા કરતો નહીં. હું ક્યારેક તો આખી રાત લખ્યા કરતો. મને એ સમયે ક્યારેય થાક નહોતો લાગતો કે કંટાળો પણ નહોતો આવતો.” (પૃષ્ઠ-૪૦) જોકે તેઓ નિખાલસતાપૂર્વક સ્વીકારે છે કે, કામ પૂરું કરીને તેઓ મુક્ત થઈ જાય છે એટલે સાવ નિરુત્સાહી અને અસમાધાનકારી થઈ જાય છે. પરંતુ પોતાના પ્રસ્તુત-પ્રકાશન વિશે તેઓ આનંદપૂર્વક લખે છે : “મારે ચાર બાળકો થયાં ત્યારે પણ મને જેટલો આનંદ નથી થયો, એટલો આનંદ મને મારું એક પુસ્તક પ્રકાશિત થયા બાદ થાય છે.” (પૃષ્ઠ-૪૦)

આ પુસ્તકમાં ‘વેઇટિંગ ફોર વિસા’ (પરવાનાની પ્રતીક્ષામાં) અંતર્ગત ‘વડોદરામાં વાસ્તવિકતાનો સામનો’ એ મથાળા તળે ડૉ. આંબેડકરનો એક અનુભવલેખ વાચકના હૈયાને હચમચાવી મૂકવા માટે પૂરતો છે. આ લેખ વાંચ્યા પછી પણ હચમચવાનું ચૂકી ગયેલા વાચકે ‘માણસ’ હોવા અંગેના ખુદના વહેમમાંથી વેળાસર બહાર આવવું જ રહ્યું! વાત ખરેખર એમ છે કે બાબાસાહેબને વડોદરાના મહારાજાએ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલ્યા હતા. બાબાસાહેબ ઈ.સ. ૧૯૧૩થી ૧૯૧૭ સુધી ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં ભણ્યા હતા. ઈ.સ. ૧૯૧૭માં લંડન પહોંચીને તેમણે ‘લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સ’માં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ ઈ.સ. ૧૯૧૮માં તેમણે ભણતર અધૂરું મૂકીને ભારત આવતા રહેવું પડ્યું હતું. કેમ કે એમના અમેરિકાના શિક્ષણનો ખર્ચ વડોદરા રાજ્યે આપ્યો હોવાથી તેના માટે કામ કરવા તેઓ બંધાયેલા હતા. ભારત આવીને તેઓ સીધા વડોદરા પહોંચ્યા હતા. જોકે વડોદરા સરકાર તરફથી આવાસ-ફાળવણી થાય એ મતલબની આંબેડકરની અરજી તરફ વડોદરા રાજ્યના દીવાને યોગ્ય ધ્યાન આપ્યું નહોતું. આથી તેમને એ મૂંઝવણ હતી કે, ક્યાં રહેવું? વીશી તરીકે ઓળખાતી હિંદુ હોટેલ તો અછૂતોને સંઘરે નહીં. છેવટે તેઓ નોંધણીપત્રક(રજિસ્ટર)માં કોઈ પારસી નામ લખાવીને પારસી સરાઈ(ધર્મશાળા)માં રહ્યા! કારણ કે પારસી સમાજ દ્વારા સંચાલિત આ સરાઈ ફક્ત પારસીઓ માટે જ હતી.

પારસી સરાઈના પહેલા માળે નાનકડી કોટડીમાં વધારે અગવડ, અવ્યવસ્થા, અને એકાંત વચ્ચે ફસાયેલા આંબેડકર લખે છે : “મને એવું લાગ્યું, જાણે હું કાળકોટડીમાં છું. હું જેની સાથે વાત કરી શકાય એવા કોઈ માણસ માટે તલસતો, પણ એવું કોઈ ન હતું. માણસોનો અભાવ મેં પુસ્તકોથી સરભર કરવાનો પ્રયત્ન કર્યો અને એકાંત ખુટાડવા હું વાંચતો જ રહ્યો, વાંચતો જ રહ્યો. વાચનમાં મગ્ન થઈને હું મારી વાસ્તવિક સ્થિતિ ભૂલી ગયો. પણ હૉલમાં અડિંગા જમાવીને આજુબાજુ ઊડતાં - શોર મચાવતાં ચામાચીડિયાં મારી એકાગ્રતામાં ભંગ પડાવતાં હતાં અને હું જેને ભૂલવા મથતો હતો, તે સ્થિતિની યાદ તાજી કરાવતાં હતાં. હું એક વિચિત્ર જગ્યાએ વિચિત્ર સંજોગોમાં ફસાયો હતો....” (પૃષ્ઠ-૫૮) જોકે સરાઈમાં અગિયારમા દિવસે સવારે જ, જે બનવાનું હતું તે બનીને જ રહ્યું! ઉશ્કેરાયેલા, હટ્ટાકટ્ટા, લાઠીધારી બારેક નંગ પારસીઓએ તેમની સરાઈને અપવિત્ર કરવા બદલ આંબેડકર સાથે ગેરવર્તન કર્યું અને તેમને ધમકી આપી. આ કટ્ટર ટોળાએ આંબેડકરને સાંજ સુધીમાં બોરિયા-બિસ્તરા નહીં ઉપાડે તો ગંભીર પરિણામની તૈયારી રાખવાની ચેતવણી પણ આપી દીધી. છેવટે તેમણે પારસી સરાઈ અને એ રીતે વડોદરા શહેરને કાયમ માટે છોડવાની ફરજ પડી. જે દિવસે આ ટોળું આવ્યું તે દિવસે આંબેડકર હજુ ગઈ કાલે ગ્રંથાલયમાંથી લીધેલાં પુસ્તકો પાછાં આપવાં માટે ભેગાં કરતા હતા! કમનસીબે આંબેડકર વડોદરાના પુસ્તકાલયની સેવાનો વિશેષ લાભ ન લઈ શક્યા. વડોદરા પણ આંબેડકરની સેવાનો સવિશેષ લાભ ન લઈ શક્યું!

Photo-courtesy : WhatsApp image

ડૉ. બાબાસાહેબ આંબેડકર જીવનનાં ચિત્ર-વિચિત્ર સંભારણાંના આધારે આત્મકથા લખવાનો વિચાર ધરાવતા હતા. આખી આત્મકથા કદાચ ન લખાય તોપણ ‘મારું બાળપણ’ જેવું એકાદ પુસ્તક તો જરૂર લખવાના હતા. આપણને એમની આત્મકથા તો ન મળી, પરંતુ ‘દિલના દરવાજે દસ્તક’ થકી ડૉ. બાબાસાહેબ આંબેડકરના આત્મકથનાત્મક લખાણો મળ્યાં. વળી, આ લખાણો વાચનજીવી અને પુસ્તકપ્રેમી મિત્રો ઉર્વીશ કોઠારી અને ચંદુ મહેરિયાના અનુવાદકર્મથી ગુજરાતીમાં સુલભ થયા, એ ‘આપણા અહોભાગ્યનો અનોખો અવસર’ છે. આ પુસ્તકનાં પાનાં ઉપર હળવે હળવે આંખો ચલાવતી વખતે ડૉ. આંબેડકરના વાચનસંસ્કાર અને પુસ્તકપ્રેમનો નિકટ અને પાકટ પરિચય થતો રહે છે. આ સમગ્ર ચર્ચાના અગ્ર મુદ્દા આ મુજબ તારવી શકાય એમ છે : (૧) ડૉ. બાબાસાહેબ આંબેડકરના સમગ્ર વ્યક્તિત્વ-ઘડતરમાં વાચનસંસ્કારિતા અને પુસ્તકસમીપતા પાયાગત છે, છાયાગત છે. (૨) શિસ્તઆગ્રહી, શિક્ષણચાહક અને સદ્ગુણસંપન્ન પિતાજીએ પરિવારમાં રોપેલા-પોષેલા વાચનસંસ્કારના કારણે નાનપણથી જ ભીમરાવ અને પુસ્તકો એકબીજાની નજીક રહ્યાં છે. (૩) પુસ્તકવાચનનાં શોખ અને આદતને કારણે બાલ્યાવસ્થાથી જ બાબાસાહેબની સ્મરણશક્તિ બહુ તીવ્ર બની છે. (૪) ડૉ. આંબેડકર તમામ પ્રકારના વ્યસનોથી જીવનભર દૂર રહ્યા છે. વાચનને ‘વ્યસન’ કહેવાય તો તેઓ વાચનના આજીવન બંધાણી રહ્યા છે! (૫) વિદ્યા વિશેની ગજબ લગનના લીધે અને પુસ્તકો ખરીદીને જ વાચનતૃપ્તિ કરવી જોઈએ એ સમજણના કારણે બાબાસાહેબ પોતાનું અંગત પુસ્તકાલય સાચા અર્થમાં સમૃદ્ધ કરી શક્યા છે. (૬) વાચનઆદત અને પુસ્તકસોબત થકી ડૉ. આંબેડકર મરાઠી, હિન્દી, સંસ્કૃત, ઉર્દૂ, ગુજરાતી તેમ જ ફારસી, અંગ્રેજી, જર્મન, ફ્રેન્ચ જેવી ભાષાઓ પામી શક્યા છે. (૭) ભીમરાવની ભીતર સંતાયેલા ઘણા ગુણને વિકસાવવાનું કાર્ય વિદ્યાવ્યાસંગી પ્રાધ્યાપકોએ કર્યું. જેના પરિણામે તેમની સ્વાધ્યાયવૃત્તિ અને સંશોધનપ્રવૃત્તિને ગતિ મળી છે. (૮) વાચનની મૂળભૂત ઇચ્છા અને લેખનની દૃઢીભૂત સાધના દ્વારા બાબાસાહેબ ઘણી બધી પદવીઓ મેળવી શક્યા અને ઘણા બધા ગ્રંથો લખી શક્યા. આ જ રીતે ડૉ. આંબેડકરની ઉત્તમ લેખક અને બોલક તરીકેની પ્રખ્યાતિ પિતાજી અને પરિવાર થકી મળેલા વાચનસંસ્કાર અને પુસ્તકપ્રેમનું પરિણામ છે. (૯) નિરંતર વાચન-લેખન અને ધારદાર ભાષા-શૈલી વાટે ડૉ. બાબાસાહેબ આંબેડકર ‘બહિષ્કૃત ભારત’, ‘જનતા’, ‘મૂકનાયક’ જેવાં સામયિકોનું સંપાદન કરીને પત્રકારત્વમાં પરિપક્વ પ્રદાન આપી શક્યા છે. (૧૦) બાબાસાહેબનો જીવન-કિનાર ઉપર બૌદ્ધ ધર્મ અંગીકાર, બચપણથી કરેલા બૌદ્ધ ધર્મના નિત્ય વાચન અને અભ્યાસને કારણે છે. (૧૧) વ્યાપક ફલકનાં વાચન-લેખન અને અધ્યયન-અધ્યાપન પછી પણ આંબેડકરનું છેવટનું લક્ષ્ય તો છેવાડાના સમાજની સેવા કરવાનું રહ્યું છે.

પ્રત્યેક વર્ષે ચૌદમી એપ્રિલે ‘આંબેડકર જયંતી’ અને ત્રેવીસમી એપ્રિલે ‘વિશ્વ પુસ્તક દિન’ ઊજવાય છે. ગુજરાતની સુવર્ણ જયંતી (ઈ.સ. ૧૯૬૦થી ઈ.સ. ૨૦૧૦)ના ઇતિહાસ નિમિત્તે 'વાંચે ગુજરાત'નો નાદ સંભળાયો છે. આ જોગ-સંજોગમાં ભીમરાવ આંબેડકરના વાચનસંસ્કાર અને પુસ્તકપ્રેમને ઉજાગર કરતા ઉપરોક્ત અગિયાર મુદ્દા આપણા સૌ માટે ખરેખર ‘ભીમએકાદશ’નું ચિંતન-વ્રત બની શકે એમ છે! ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થી-વાચક, શિક્ષક-સેવક, અને અધ્યાપક-સંશોધક માટે પુસ્તકમિત્ર અને વાચનપુરુષ ડૉ. બાબાસાહેબ આંબેડકર આંબી શકાય એવો આદર્શ બનવા પૂરતા સક્ષમ છે. ગુજરાત, તું વાંચીશ ને?!

(લેખતારીખ : ૨૩ એપ્રિલ, ૨૦૧૦, વિશ્વ પુસ્તક દિવસ)

લેખ-સૌજન્ય :
વિપુલ કલ્યાણી
'ઓપિનિયનવિભાગ, 'ઓપિનિયન સામયિકયુકે', ૨૩--૨૦૨૨ 

પુસ્તક-સૌજન્ય :
‘દિલના દરવાજે દસ્તક’ (ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં આત્મકથનાત્મક લખાણો)
અનુવાદક : ઉર્વીશ કોઠારી, ચંદુ મહેરિયા
ચૌદમું પુનઃમુદ્રણ : ૧૪ એપ્રિલ, ૨૦૨૨, ISBN : 978-93-84076-52-8
સાર્થક પ્રકાશન, ૧૪, ભગીરથ સોસાયટી, શાંતિ ટાવર સામે, વાસણા બસસ્ટેન્ડ પાછળ, અમદાવાદ-૩૮૦ ૦૦૭, કિંમત : ૮૫, કુલ પૃષ્ઠ : ૬૮

……….……….……….……….……….……….……….……….………...........

ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

E-mail : ashwinkumar.phd@gmail.com

Tuesday, April 12, 2022

ગ્રામશિલ્પી : અશોક ચૌધરી

 

અશોક ચૌધરી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર



અશોક ચૌધરી, પૂર્વ વિદ્યાર્થી, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ 

ગ્રામશિલ્પી તરીકેનું કાર્યક્ષેત્ર 
ગામ : કરુઠા 
તાલુકો : માંડવી 
જિલ્લો : સુરત

Dr. B.R. Ambedkar’s Role In Women Empowerment


http://www.legalservicesindia.com/article/1611/Dr.-B.R.-Ambedkar%E2%80%99s-Role-In-Women-Empowerment.html


Saturday, April 2, 2022

Why Ambedkar Matters To The Women’s Rights Movement

 

https://feminisminindia.com/2017/11/16/ambedkar-womens-rights-movement/


પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગના વિદ્યાર્થીઓ જોગ


વિવિધ શૈક્ષણિક માહિતી, અભ્યાસ વિષયક જાણકારી, પરીક્ષાલક્ષી વિગતો, મહત્વનાં નીતિ-નિયમો માટે વિદ્યાર્થીઓએ ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઇટની નિયમિત મુલાકાત લેતા રહેવું.

આ ઉપરાંત વિદ્યાર્થીઓએ મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલનું સૂચનાફલક અને પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગનું સૂચનાફલક નિયમિતપણે જોવા ખાસ વિનંતી છે.

વિદ્યાર્થીઓ કામકાજના સમય દરમિયાન મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના સંબંધિત સેવકો અને પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગના અધ્યક્ષ અને પ્રાધ્યાપકોનો પણ સંપર્ક કરી શકે છે.