Monday, November 7, 2022

લેખક ઇલાબહેન ભટ્ટ : એક અંજલિ / સંજય સ્વાતિ ભાવે


ઇલાબહેન ભટ્ટની લોકોત્તર કર્મશીલતાનું એક ઓછું જાણીતું પાસું તેમનું લેખન છે. તેમના નામે બાર જેટલાં પુસ્તકો છે.

‘સેવા’ સંસ્થાએ આજે 'શ્રમજીવીઓનાં વ્હાલાં ઇલાબહેન ભટ્ટની સ્મરણયાત્રા’ નું આયોજન કર્યું છે ત્યારે ઇલાબહેનને અંજલિ તરીકે એમનાં પુસ્તકો વિશે એક નોંધ મૂકી છે.

સહુથી મહત્વનું પુસ્તક એટલે ‘ગરીબ,પણ છૈયે કેટલાં બધાં!’ (ગૂર્જર પ્રકાશન, 2007). અહીં ઇલાબહેને હાલમાં 17 લાખ 34 હજાર જેટલીગરીબ સ્વાશ્રયી મહિલાઓનાં સંગઠન ‘સેવા’ના ચણતર-ઘડતર, સંઘર્ષ અને સિદ્ધીઓનો વાચનીય આલેખ આપ્યો છે. તેમાં તેમણે આપણા દેશના વિવિધ પ્રકારના કરોડો શ્રમજીવીઓ, અને તેમાંય મહિલાઓની દુર્દશા, ક્ષમતા, સંઘર્ષ, શક્તિઓ અને દેશના અર્થતંત્રમાં તેમના સહયોગ વિશે વિપુલ માહિતી આપી છે. સખત સતત મહેનત કરીને કુટુંબની આવક અને દેશના ઉત્પાદનનો મોટો હિસ્સો બનનાર મહિલાઓ વિશે ભારોભાર સંવેદન જગવતું આ પુસ્તક વાચકનો દેશના કરોડો વંચિતો તરફ જોવાનો નજરિયો ધરમૂળથી બદલવાની ક્ષમતા ધરાવે છે. ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસે પ્રસિદ્ધ કરેલાં ઇલાબહેનનાં જ મૂળ અંગ્રેજી પુસ્તક We Are Poor but So Many (2006) નો હિમાંશી શેલતે કરેલો આ પ્રાણવાન અનુવાદ ‘ગરીબ પણ…’ ગુજરાતી ભાષાનું આપણા સમયનું એક વિરલ લોકધર્મી પુસ્તક છે.

આ ઉપરાંત ઇલાબહેનનાં આઠ મધ્યમ કદનાં કે નાનાં મૌલિક પુસ્તકો લખ્યાં છે. તે બધાં સ્વાશ્રયી શ્રમજીવી મહિલાઓની મહેનત અને મહત્તાને કેન્દ્રમાં રાખીને લખાયાં છે. કામદાર બહેનોની સાથે કામ કરતાં કરતાં લખાયેલી સંવેદન કથાઓ આ પુસ્તકોને હૃદયસ્પર્શી બનાવે છે.

આ પુસ્તકો વિશેની ટૂંકી નોંધો અહીં પ્રકાશન વર્ષના ક્રમ મુજબ મૂકી છે (એક અંગ્રેજી પુસ્તક Profiles of Self-employed Women (1974) મળ્યું નથી). ઇલાબહેનના વ્યાખ્યાનોના સંગ્રહનો અને તેમણે કરેલાં એક સંપાદનનો પણ અહીં સમાવેશ કર્યો છે.

 'કેળવણીની અસર' (પ્રકાશક : ગાંધી મજૂર સેવાલય, અમદાવાદ,પ્ર.વર્ષ : 1971)

પુસ્તકનું પેટાશીર્ષક છે 'પછાત કોમની બહેનો પર કેળવણીની અસર - એક તપાસ’. કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં ઇલાબહેન અમદાવાદના મજૂર મહાજન સંઘ સાથે ગાઢ રીતે સંકળાયેલાં હતાં. સંઘના ઉપક્રમે શ્રી જમનદાસ ભગવાનદાસ ટ્રસ્ટ સંચાલિત કન્યાગૃહ 1927થી ચાલતું હતું. ‘ગરીબ બાળાઓના વિકાસ’નો તેનો ઉદ્દેશ કેટલે અંશે પાર પડ્યો છે તેની તપાસ કરવાનું ઇલાબહેને નક્કી કર્યું. તેમણે ઓછામાં ઓછા ત્રણ વર્ષ કન્યાગૃહમાં રહી હોય તેવી 60 બહેનોનો અભ્યાસ કર્યો. સમાજાવિજ્ઞાની નીરાબહેન દેસાઈની મદદથી તૈયાર થયેલા અહેવાલના સાઠ પાનાંના આ પુસ્તકના ઉપસંહારમાં અભ્યાસી નોંધે છે : ‘ એકંદરે જોતાં તપાસમાં ઉપસેલું ચિત્ર સંતોષજનક જ નહીં,પણ આશાસ્પદ જણાય છે.’

 'ગુજરાતની નારી' (માહિતી ખાતું,ગુજરાત રાજ્ય,1974)

ઇલાબહેના આ પુસ્તકનો હેતુ ‘સર્વ સામાન્ય વર્ગને ગુજરાતની નારીનું,ખાસ તો આજની આગળ વધતી ગુર્જર નારીનું સુભગ દર્શન કરાવવાનો છે’. પુરાણો અને ઇતિહાસમાં દેખાતી ગુજરાતી નારી વિશે લખ્યા બાદ તેઓ સ્ત્રીઓમાં સાક્ષરતા અને લોકશાહી કેટલે સુધી પહોંચી છે તેની વાત કરે છે. સ્ત્રી કામદારો અને ખેતીમાં બહેનો વિશેનાં પ્રકરણો બાદ શિક્ષણ, સેવા તથા નર્સિંગ ક્ષેત્રે ગુજરાતની મહિલાઓના ફાળાની માહિતી છે. ‘લઘુતામાંથી ગુરુતામાં’, ‘અન્ય ગુજરાતણો’ અને ‘સામાજિક સંસ્થાઓ અને સમાજ કલ્યાણ’ પ્રકરણો બાદ ‘ગુજરાતણના તહેવારો’ વિશે લખીને ઇલાબહેન પુસ્તક પૂરું કરે છે.

'The Grind of Work'( SEWA, 1989)

ભારત સરકારના National Commission on Self-Employed Women and Women in the Informal Sector એ ફેબ્રુઆરી 1988માં ‘શ્રમશક્તિ’ નામનો એક અહેવાલ બહાર પાડ્યો. ઇલાબહેનના અધ્યક્ષપદ હેઠળ પાંચ સભ્યોની બનેલી ટુકડીએ તૈયાર કરેલો આ અહેવાલ શકવર્તી ગણાય છે. અઢાર રાજ્યોના દૂરસુદૂરના વિસ્તારોમાં રહેતી અનેક પ્રકારની શ્રમજીવી મહિલાઓની મુલાકાતોના કષ્ટસાધ્ય ક્ષેત્રકાર્ય દ્વારા આ અહેવાલ તૈયાર થયો છે. તેમાં કરોડો શ્રમજીવી ભારતીય મહિલાઓની નિરંતર સખત મહેનત, તેમના જીવતરની દુર્દશા,તેમનું શોષણ,તેમની પરનો અન્યાય, દેશના અર્થકારણમાં તેમના મોટા નક્કર સહયોગનો ઇન્કાર જેવી અનેક બાબતો પર અભ્યાસપૂર્ણ પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. The Grind of Work પુસ્તિકા આ અહેવાલનું ‘curtain raiser’. હવે પછી નોંધેલી પરિચય-પુસ્તિકાનો આધાર અને ‘ગરીબ પણ...’ પુસ્તકનાં બીજ આ પુસ્તકમાં મળે છે.

'આપણી શ્રમજીવી બહેનો' (પરિચય ટ્રસ્ટ,1992)

વિખ્યાત પરિચય-પુસ્તિકા શ્રેણીની આ 799મા ક્રમની આ ‘ગાગરમાં સાગર’ સમી પુસ્તિકામાં પાયાની હકીકતો અને આધારભૂત વિગતો ઉપરાંત અનેક શ્રમજીવી સ્ત્રીઓની સંવેદનકથાઓ મળે છે : ખેતમજૂર ધનીબહેન, લુહારીકામ કરનાર કેસરબહેન, ચીંદરીમાંથી ખોળો સિવનાર કરીમબીબી, કાપડ પર હાથછપાઈ કરનાર રહેમતબીબી, વાંસમાંથી ટોપલાં બનાવનાર રૂપાંબહેન, પથ્થરમાંથી કોલસો ખોતરનાર ગિરજાબહેન. તદુપરાંત અહીં પુરુષોએ પકડેલાં માછલાં છોલવાં, સૂકવવા,ભરવા,વેચવા,જાળ બનાવવી જેવાં કામ કરનાર મહિલા વર્ગની પણ જિકર છે. ડેરી અને રેશમ ઉદ્યોગ સાથે સંકળાયેલાં બહેનો અહીં છે. લારી ચલાવનાર અને ગોદીમાં કામ કરનાર મજૂરબહેનોની પણ વાત છે. પુસ્તકને અંતે અનિલાબહેન ધોળકિયાએ લખેલો, બહેનોનાં વીતક વ્યક્ત કરી સંગઠનની હાકલ કરતો ગરબો લેખકે મૂક્યો છે.

'દૂસરી આઝાદી ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- ‘સેવા’(નૅશનલ બુક ટ્રસ્ટ,1998)

આ સચિત્ર પુસ્તક કિશોરવયના વાચકોને ‘સેવા’ ના કામનો રોચક શૈલીમાં પરિચય આપે છે. ભૂમિકા પછી સેવા યુનિયન, ઘરખાતા, ફેરી-ટોપલાં, સેવાબૅન્ક, ગ્રામનારીની સાહસિકતા, પૂર્ણ રોજગાર, આરોગ્ય, બાળસંભાળ,ઘર, સામાજિક સલામતી,સેવા અકાદમી,સંચાર માધ્યમો અને અનસૂયા પખવાડિક, વિડિયો સેવા એમ 1955 થી 1995 ના તમામ ઉપક્રમોને આ પુસ્તક આવરી લે છે. પુસ્તકને અંતે ઇલાબહેન લખે છે : ‘હરઘડી ખાડા પૂરતા હોઈએ છીએ,ઘણાંને સપાટી પર પહોંચતા જોઈ,કદીક ફરી પાછા ખાડામાં ગબડતાંય જોઈએ છીએ,પણ સાચું કહું તો રોજરોજ ‘હૈ...શો’ કરીને માટી નાખવાનો અનુભવ જ મને તો પરમ હિતકારી લાગ્યો છે.’

'લારીયુદ્ધ' (શ્રી મહિલા સેવા અનસૂયા ટ્રસ્ટ,2001)

ઇલાબહેનની સંભવત: એકમાત્ર સાહિત્યિક સર્જનાત્મક એવી આ કૃતિ એક ‘ઐતિહાસિક નવલકથા’ છે. તેના આરંભે કહ્યું છે : ‘લારી-ટોપલાયુદ્ધનાં બીજ અમદાવાદ શહેરમાં 1976ના ઑક્ટોબર મહિનામાં બપોરના ત્રણ વાગ્યે નખાયા હતાં એમ ઇતિહાસકાર કહે છે. જ્યારે ભરબજારમાં એક ગલગોટાની લારીને મ્યુનિસિપાલિટીની લાલ બસે જોરથી ટક્કર મારી ત્યારે હસતાં ચમકતાં ગલગોટાના ફૂલ લારીમાંથી પડીને રસ્તા પર વેરાઈ ગયાં હતાં અને પગ નીચે ચગદાઈ મર્યાં હતાં.’ મૉક-હિરોઇક શૈલીમાં લખાયેલી આ નવલકથા ઇલાબહેનનું બહુ જ ઓછું જાણીતું પુસ્તક છે.

'મારી બહેનો સ્વરાજ લેવું સહેલ છે' (સેવા અકાદમી, 2011)

ગાંધીજીના ‘હિંદ સ્વરાજ’ની શતાબ્દીના અવસરે સૂરતની ‘સેન્ટર ફૉર સોશ્યલ સ્ટ્ડીઝ’ સંસ્થાના ‘અર્થાત’ સામયિકે એક વિશેષાંક કર્યો હતો. તેમાં ઇલાબહેને લખેલો લેખ આ 38 પાનાંની નમણી પુસ્તિકા તરીકે વાંચવા મળે છે. ઇલાબહેન નોંધે છે : ‘મને તો ‘હિંદ સ્વરાજ’ વાંચીને સ્વરાજકાંક્ષી હિંદુસ્તાની, રાષ્ટ્રનો સ્વરાજ પથ અને સ્વરાજનો અનુભવ પામવું એમાં જ વ્યક્તિ,સમાજ કે રાષ્ટ્રનું જીવનસાર્થક્ય છે તેવું સમજાય છે. અને તેનો તાલ મારી ‘સેવા’ની બહેનો સાથેના મારા અનુભવ સાથે મેળવ્યા વગર રહેવું અશક્ય છે.’ એટલે તેમણે ‘હિંદ સ્વરાજ’નું ગાંધીચીંધ્યું સ્વરાજ ‘સેવા’ની બહેનો સુધી કેવી રીતે પહોંચ્યું તેની વાત કેટલીક બહેનોના અને વિવિધ ઉપક્રમોના રસાળ ઉદાહરણોથી બતાવ્યું છે.

'મહાત્માની છાયામાં:એક સત્યાગ્રહીની નોંધપોથી (નવજીવન,2015)

ઇલાબહેને સંપાદિત કરેલું આ પુસ્તક તેમના દાદાજી વિશે છે. સંપાદક લખે છે : ‘મારા સ્વર્ગસ્થ પૂજ્ય દાદાજી ડૉ. શ્રી મણિધરપ્રસાદ વ્યાસનું જીવન એ ગાંધીયુગના એક સત્યનિષ્ઠ સેવકની કથા છે.’ પુસ્તક પુસ્તકની શરૂઆતમાં મિહિર ભટ્ટ એ મતલબનું લખે છે કે આ ‘ગાંધીજીના વિચારોને અનુસરનાર સામાન્ય નાગરિકો’ માંથી એકની આ નોંધપોથી છે.

'અનુબંધ:સો માઇલનો સંબંધ' (નવજીવન,2017)

‘હું માનું છું કે રોજિંદા જીવનની છ પ્રાથમિક જરૂરિયાતો – ખોરાક, કપડાં,મકાન,તથા સ્વાસ્થ્ય,શિક્ષણ અને બૅન્કિન્ગ સેવાઓને સ્થાનિક રીતે ઘણે અંશે,સો માઇલના ફરતા વિસ્તારમાંથી જ મેળવી શકાય,તો લોકોની વિવિધ નવી નવી શોધો દ્વારા ગરીબી,શોષણ અને પર્યાવરણીય અવનતીનો આપણે ઉકેલ લાવી શકીએ’ – આ ઇલાબહેનની એક વિશિષ્ટ વિભાવના હતી. તેની ઉપર ‘સેવા’ની એક ટુકડીએ ગુજરાતના ખેડા અને સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ-પાંચ ગામોમાં વાસ્તવિક જમીની કામ કર્યું. તેને લગતું આ પુસ્તક છે. તે ઇલાબહેને 2011 માં યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટના પ્રોજેક્ટ્ના રિજનલ ડાયરેક્ટર્સની કૉન્ફરન્સમાં આપેલાં વ્યાખ્યાન પર આધારિત Building Hundred Mile Communities નામના પુસ્તકનો રાજ્યશાસ્ત્રના અભ્યાસી રક્ષાબહેન મ. વ્યાસે કરેલો સુંદર અનુવાદ છે. તેની અર્પણ-નોંધ છે : ‘આ પુસ્તક આપણા માટે અને આપણી ધરતી માટે/ આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ખાસ ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને અર્પણ’. પુસ્તકનું પહેલું જ વાક્ય છે :’ધરતીમાંથી પેદા થાય ધરતીમાં સમાય !’

'Women, Work and Peace' (નવજીવન,2020)

દેશ અને દુનિયાની માતબર સંસ્થાઓ કે ઉપક્રમોમાં ઇલાબહેને આપેલાં 28 વક્તવ્યોના આ સંગ્રહનું સંપાદન માર્ગી શાસ્ત્રીએ કર્યું છે. સંપાદકે પાંચસો જેટલા વ્યાખ્યાનોમાંથી પસંદગી કરવા ઉપરાંત પણ ઘણી મહેનત કરી છે. કાળક્રમે ગોઠવેલાં દરેક વ્યાખ્યાન પહેલાં તેમણે ઘણાં પાનાંમાં ફેલાયેલાં વ્યાખ્યાનનો પોણા પાનામાં સાર આપ્યો છે,અને વ્યાખ્યાન પછી ઇલાબહેનના સંવાદના કે તેમના એક પુસ્તકનાં અંશ પણ મૂક્યા છે.ઇલાબહેનના જીવનકાર્યના ત્રણ મહત્વના શબ્દોનો વિસ્તાર કરતાં ભાષણોનું આ પુસ્તક એક ખૂબ મહત્વનો વૈચારિક દસ્તાવેજ છે.

[પુસ્તક સૌજન્ય: તોરલબહેન પટેલ,શ્રી એચ.કે.આર્ટસ કૉલેજ ગ્રંથાલય; અમીબહેન પંડ્યા,સેવા; કિરણ કાપૂરે,નવજીવન
કોલાજ સૌજન્ય : પાર્થ ત્રિવેદી ]
07 નવેમ્બર 2022

No comments:

Post a Comment