Sunday, December 31, 2023

આચાર્ય કૃપાલાની : પ્રત્યાયક તરીકે ||||||| ડૉ. અશ્વિનકુમાર

આચાર્ય કૃપાલાની : પ્રત્યાયક તરીકે

(Acharya Kripalani: As a Communicator)


ડૉ. અશ્વિનકુમાર

.....................................................................................................


જીવતરામ ભગવાનદાસ કૃપાલાની (૧૮૮૮-૧૯૮૨) ગાંધીવિચારના શિરમોર ભાષ્યકાર છે. તેમના ધ્યાનમાં જો કોઈ વસ્તુ ખાસ આવી હોય તો તે ગાંધીજીના ચારિત્ર્યની ઉત્કટતા અને સચ્ચાઈ હતી. 'સ્વ ઉપર અને અન્ય ઉપર હસવું' એ કૃપાલાનીદાદાનો પ્રિય શોખ હતો. જી.ભ. તીક્ષ્ણ વ્યંગ્યવૃતિ ધરાવતા હતા. તેઓ સૂક્ષ્મ અવલોકનશક્તિ અને મૌલિક અભિવ્યક્તિ માટે જાણીતા હતા. ગાંધીવાદ જેવું કંઈ નથી, એવા  કૃપાલાની-કથન વિશે ગાંધીજીને પણ કંઈ ખાસ કહેવા જેવું લાગ્યું નહોતું! આથી, ગાંધીજીએ લખ્યું છે કે, 'ગાંધીવાદ જેવી કશી વસ્તુ નથી એ આચાર્ય કૃપાલાનીનું કથન બરોબર છે. સત્યનો આગ્રહ સનાતન વસ્તુ છે. તેનું ચિંતવન કરતાં અહિંસારૂપી રત્ન જડ્યું ...' (દેસાઈ(સં.), ૧૯૩૭, પૃ. : )


પ્રત્યાયન (communication) એટલે 'ચોક્કસ સંજ્ઞા અને સંકેતો દ્વારા બે કે બે કરતાં વધારે વ્યક્તિઓ વચ્ચે ખ્યાલો, માહિતી, જ્ઞાન, વલણ, અથવા લાગણીની વહેંચણી કે આપલેની પ્રક્રિયા.' પ્રત્યાયન કરનાર વ્યક્તિ એટલે પ્રત્યાયક (communicator). આદાન-પ્રદાન અને સંવાદની પ્રક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવનાર પ્રત્યાયક એ કોઈ વક્તા કે લેખક હોઈ શકે, પત્રકાર કે સંપાદક હોઈ શકે. તે કોઈ શિક્ષક કે કાર્યકર હોઈ શકે, નેતા કે અભિનેતા હોઈ શકે. બહુમુખી વ્યક્તિત્વ ધરાવનાર આચાર્ય કૃપાલાની નોખી ભાતના પ્રત્યાયક હતા. કૃપાલાનીનાં વિચારજગત અને કલમવિશ્વ નવીન અને ધ્યાનાકર્ષક હતાં. આથી 'આચાર્ય કૃપાલાનીના લેખો'ના બે બોલ લખતાં ગાંધીજી કહે છે : 'આચાર્ય કૃપાલાનીની વિચારશૈલીમાં અને એમની કલમમાં કંઈક નોખાપણું છે, એ તુરત કળાઈ જાય છે. એને જાણનાર તુરત કહી દેશે કે, અમુક લખાણ એમનું જ છે. આ છાપ આ સંગ્રહ વાંચતાં મારી ઉપર પડી છે.' (દેસાઈ(સં.), ૧૯૩૭, પૃ. : )        


કૃપાલાનીજીનું વ્યક્તિત્વ અને કર્તવ્ય ગાંધીજીને ગમી જાય એવું હતું. મોતીહારીથી મોહનદાસ કરમચંદ ગાંધીએ જીવતરામ ભગવાનદાસ કૃપાલાનીને ૧૭-૦૪-૧૯૧૭ના રોજ પાઠવેલા પત્રમાં 'મારા વહાલા મિત્ર'નું સંબોધન કરીને લખ્યું છે : 'તમારો પ્રેમ તમારી આંખોમાં, તમારા હાવભાવમાં અને તમારી ચાલમાં વર્તાતો હતો. ઈશ્વરની કૃપા હો કે આટલા બધા અગાધ પ્રેમને હું લાયક નીવડું! હું બરાબર જાણું છું કે તમે મને મદદ કરવા માગો છો. તમે તમારી મરજી મુજબ કોઈ એક કામ પસંદ કરી શકો છો.' (ગાંધી, ૧૯૬૯, પૃ. : ૩૪૩)


આકર્ષક છટાના આચાર્યને વિદ્યાર્થી ઉમાશંકર આ રીતે યાદ કરે છે : "કૃપાલાનીજીની એ સમયની કામગીરી પયગંબરી છટાવાળી હતી. કૉલેજના વિદ્યાર્થીવર્ગ ઉપર એમની અજબ ભૂરકી હતી. નદીની રેતમાં ભાષણો થતાં. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એમની પાછળ ખેંચાતાં ધસ્યાં આવે એ જોઈ શેલીના 'પશ્ચિમી વાયરા'ની યાદ આવી જતી. અથવા એટલે દૂર શા માટે, ગોપીઓ કેવી ખેંચાતી આવતી હશે તે યુવકવર્ગને આચાર્યથી આકર્ષાતો જોઈને સમજાતું. એક સાંજનું ભાષણ મને બરોબર યાદ છે. આચાર્ય કહે : 'આઈ એમ એ કિંગ' - હું રાજા છું. અને અર્ધું ચક્કર ફરી લીધું. બાબરી ઊછળી. વીંટળાઈને બેઠેલ અમારી સૌની તરફ હાથ લંબાવી આગળ ચલાવ્યું : 'માય કિંગ્ડમ ઇઝ ઇન યોર હાર્ટ્સ' - મારું રાજ્ય છે તમારા સૌના હૃદયમાં. એ જમાનાની તાસીર જ એવી હતી કે આવા ઉદ્ગારો નર્યા સત્ય લાગતા." (જોશી, ૧૯૮૬, પૃ. : ૮૭) ખાદીના મામલે આચાર્ય વિદ્યાર્થીઓનું કેવું શિક્ષણ કરી શકે એ જાણવા ઉમાશંકર  જોશીને સાંભળીએ : 'ગુજરાત કૉલેજ સામે રાવની હોટેલ આગળ સવારે અગિયારે સભા હતી. અમે બે મિત્રો આગળ ગોઠવાઈને બેઠેલા. આચાર્ય કૃપાલાની આવ્યા. શિયાળો હતો એટલે એમણે શાલ ઓઢેલી. શાલ ઘણી ઊંચી જાતની હતી અને ઓઢવાની છટાનું તો પૂછવું જ શું? અમે વચ્ચે વચ્ચે શાલ તરફ જોઈ લેતા, જોઈ રહેતા. એ ધ્યાનમાં આવી જતાં આચાર્યે આંખમાં સ્મિત સાથે કહ્યું : ' આઈ હેવ બ્રોટ ઇટ ટુ શો યુ ધ પોસિબિલિટીઝ ઓફ ખદ્દર' - હું આ લઈ આવ્યો છું તમને ખાદીની શક્યતાઓનો ખ્યાલ આપવા.' (જોશી, ૧૯૭૭, પૃ. : [૧૦]) પ્રત્યાયનની પ્રક્રિયામાં સંજ્ઞા અને સંકેતનું આગવું મહત્ત્વ હોય છે, તે દર્શાવવા આ પ્રસંગ પૂરતો મજબૂત છે.        


આજીવન વિદ્યાવ્યાસંગી એવા 'આચાર્ય કૃપાલાની' અંગેના અધિકરણમાં બી. એન. ગાંધી નોંધે છે : 'તે વિદ્યાર્થીજગતમાં અને સૌના હૃદયમાં અનોખું સ્થાન પામ્યા તેમાં તેમની સહૃદયતા, શિક્ષણપ્રેમ, સ્વતંત્ર મિજાજ અને સૌની સાથે તાદાત્મ્ય સાધવાની અનોખી પ્રતિભા કારણભૂત હતાં.' (ઠાકર(સં.), ૧૯૯૨, પૃ. : ૭૯૮) ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે અભૂતપૂર્વ સંપર્ક જાળવી રાખનાર આચાર્ય વિશે દશરથલાલ શાહ લખે છે : 'અમદાવાદમાં જ્યારે જ્યારે આવે, ત્યારે અચૂક પોતાના જૂના વિદ્યાર્થીઓને મળે ને 'ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘ', જે તેમના સમયમાં ૧૯૨૫માં સ્થપાયેલો, તેની સભા રખાય ને સૌ સ્નાતકો તેમને મળે, ત્યારે જૂનાં સંભારણાં યાદ કરાય ને તેઓ વર્તમાન પરિસ્થિતિમાં સ્નાતકોનું કર્તવ્ય વિગતે સમજાવે.' (શાહ, ૧૯૯૬, પૃ. : ૪૩)


શિક્ષણજીવી દુષ્યંત પંડ્યા શારદામંદિરની શનિવારીય સભામાં આવેલા અતિથિઓમાં આચાર્ય કૃપાલાણીની કટાક્ષમંડિત વાણીને ખાસ યાદ કરે છે. તેઓ કહે છે : 'સીધી રીતે નહીં તો આડકતરી રીતે એમનાં કટાક્ષબાણનું નિશાન તત્કાલીન અંગ્રેજ સરકાર જ હોય. કોથળામાં પાંચશેરી નાખી બિલાડીને અહિંસક દેખાય તે રીતે મારતા વાણિયાની માફક કૃપાલાણીજીના ઘા પણ એવાં જ હોય. એમનું ચોટદાર હિંદી વક્તવ્ય નાના વિદ્યાર્થીઓને પણ સ્પર્શી જ જાય. આમ પણ એમની જરા સૂકી, જરા ઊંચી દેહયષ્ટિ, હંસ જેવી લાંબી ને જરાક આગળ ઢળતી એમની ડોક, એમની ધારદાર મોટી આંખો અને શિર પરના અવ્યવસ્થિત વાળ જ એમનું વિશિષ્ટ વ્યક્તિત્વ - નાનાં બાળકોના માનસપટ પર અંકિત થયા વિના ન રહે. હૈદરાબાદ-કોટડી વચ્ચેની સિંધુ જેવી, આરોહ-અવરોહના ઓછામાં ઓછા તરંગોવાળી અને ગંભીર લાગતી એમની બાની, બોલતા હોય ત્યારે એમના હાથ ભાગ્યે જ ઊંચાનીચા કે લાંબાટૂંકા થાય, એમના મુખ ઉપર પણ એમના વક્તવ્યના ભાવ પ્રતિબિમ્બિત ન થાય. સિંધુની મગરીના દાંત જેવા એમના કટાક્ષથી એ વેરવાનું કામ કરે ને તે અસાધારણ સફળતાપૂર્વક.' (પંડ્યા, ૨૦૦૯, પૃ. : ૭૬) આ જ રીતે વરિષ્ઠ પત્રકાર અને સ્તંભલેખક રામબહાદુર રાય આચાર્ય કૃપાલાનીની તીક્ષ્ણ વ્યંગવૃતિ વિશે લખે છે : 'आचार्य कृपलानी मंच पर अपनी व्यंगपटुता के लिए विख्यात थे. अपने विरोधियों को वे तीखे व्यंगवाणों से वेध देते थे. उन्हें चुप करा देते थे. बहुत लोगों का मानना है कि व्यंग के मामले में उनकी तुलना प्रसिद्ध कवि जार्ज बर्नार्ड शो से की जा सकती है. उनकी प्रतिभा में वह ढका रहता था. वे विनोदी स्वभाव के थे. नेहरु उनसे इन्हीं कारणों से घबराते थे.' (राय, २०१३, पृ. २१७).         


કૃપાલાની દાંડીકૂચ વખતે સાબરમતી આશ્રમમાં રહેતા હતા, પણ તેઓ આશ્રમવાસી નહોતા. આથી આ અપૂર્વ સેનામાં જોડાવાને હકદાર નહોતા. તેમણે માત્ર એની કૂચનો પ્રારંભ જોઈને જ સંતોષ માન્યો હતો. જોકે, થોડા દિવસોમાં મોતીલાલ નેહરુ અને જવાહરલાલ નેહરુને કૂચ કેવી રીતે શરૂ થઈ હતી અને લોકોનો ઉત્સાહ કેવો હતો તેનો હેવાલ આપવા કૃપાલાની અલ્લાહાબાદ ગયા હતા. આનંદ ભવનના પટાંગણમાં મોતીલાલ નેહરુના પ્રમુખપદે જાહેર સભા યોજવામાં આવી હતી. તેમની ઇચ્છા એવી હતી કે, કૃપાલાનીએ જે જોયું હોય તે લોકો સાંભળે. આ અંગેનું જીવંત વર્ણન કરતાં જીવતરામ કહે છે : 'મેં જે જોયું હતું તેનું તાદૃશ વર્ણન કર્યું. જેના ઉપર "સૂર્ય કદી આથમતો નથી" એમ કહેવાતું તે, ઇતિહાસના સૌથી વધુ બળવાન સામ્રાજ્યની સત્તાને પડકારવા કૂચ કરતા આ ઇઠ્ઠોતર નિ:શસ્ત્ર યોદ્ધાઓ હતા. તેમનાં યુદ્ધગીત તરીકે તેઓ ઈશ્વરની સ્તુતિ કરતાં ભજન ગાતા હતા. તેમનું યુદ્ધવાદ્ય એક એકતારો હતો. મેં એ પણ વર્ણવ્યું કે જેમ જેમ એ નિ:શસ્ત્ર સેના રોજ રોજ આગળ વધતી હતી, તેમ તેમ કૂચની ગતિ વધતી જતી હતી, અને દેશભરમાં લોકોના ઉત્સાહમાં ભરતી આવતી હતી અને તેઓ નિશ્ચિત સમયે યુદ્ધમાં ઝંપલાવવા તૈયાર હતા. એમ લાગે છે લોકો સત્યાગ્રહીઓની સેનાની સાગર તરફની કૂચનું વર્ણન સાંભળીને ખૂબ પ્રભાવિત થયા હતા. મારા ભાષણને અંતે મોતીલાલે મારી સાથે હાથ મિલાવ્યા અને કહ્યું કે મને ખબર નહિ કે તમે આવા પ્રભાવી વક્તા છો! તેમણે હિંદુસ્તાનીમાં કહ્યું, "તુમ તો છુપે રુસ્તમ હો."' (કૃપાલાની, ૧૯૯૪, પૃ. : ૧૯૬)


સૂક્ષ્મ અવલોકનશક્તિ અને રોચક વર્ણનરીતિ ધરાવનાર કૃપાલાની પ્રત્યાયક તરીકે નોખા તરી આવે છે. મહાવિદ્યાલયના પ્રારંભકાળના દિવસોને વાગોળતાં આચાર્યશ્રી કહે છે : ' ... એક પ્રસંગે, જવાહરલાલ નેહરુ અમારા અતિથિ હતા. તેઓ અમારી રમતો જોતા હતા. એક રમત લટકતા દોરડા ઉપર ચડવાની હતી. જવાહરલાલ ચડવા તૈયાર થયા. પણ તેમણે એવો આગ્રહ રાખ્યો કે મારે પહેલાં પ્રયત્ન કરવો. હું ધીમે ધીમે દોરડું પગના અંગૂઠા વચ્ચે બરાબર પકડી મારા હાથ વડે ઉપર ચઢી ગયો. એ જ રીતે હું ધીમે ધીમે દોરડું ઊતરી આવ્યો. જ્યારે જવાહરલાલનો વારો આવ્યો ત્યારે તેઓ ઉપર ચડી તો શક્યા, પણ નીચે ઊતરતી વખતે, અધીરાઈમાં એકદમ નીચે આવ્યા. પરિણામે તેમના હાથ છોલાઈ ગયા. તેઓ ઊતરવાની યુક્તિ શીખ્યા નહોતા.' (કૃપાલાની, ૧૯૯૪, પૃ. : ૧૩૫-૧૩૬)


કોઈ શબ્દનો ઉપયોગ કરતી વેળા એના નિશ્ચિત અર્થ વિશેની પ્રત્યાયક કૃપાલાનીની ચોકસાઈ ઊડીને આંખે વળગે એવી છે. 'ગાંધીજી આધુનિક જમાનાના હતા?' મથાળા હેઠળ આચાર્ય કૃપાલાની લખે છે : " 'આધુનિક' શબ્દનો અર્થ નિશ્ચિત કર્યા વગર વાપરીએ તો એ કેવળ કાલનો જ નિર્ણય કરી આપે છે. એ ગુણવત્તા કે મૂલ્યવત્તાનો નિર્ણાયક બનતો નથી. આધુનિકતા પણ ફેશનની પેઠે ક્ષણિક અને ચલ છે. છેલ્લામાં છેલ્લી ફેશન એક કલાક જ ચાલે છે. આધુનિકતા પણ ફેશનની પેઠે આપણે એને વિશે વાત કરતાં કે લખતા હોઈએ ત્યાં તો કદાચ જૂની થઈ ગઈ હોય છે. વ્યક્તિઓએ અને રાષ્ટ્રોએ પોતાના જીવનની વ્યવસ્થા એવા વિચારો અને આદર્શોને આધારે કરવી જોઈએ જે વધારે સ્થાયી અને શાશ્વત હોય." (કૃપાલાની, ૧૯૭૩, પૃ. : ૪૦૫)


ચોટદાર દાખલા આપીને, આચાર્ય કૃપાલાની અસરકારક પ્રત્યાયક તરીકે નીખરી આવે છે. 'વહેવારુ સમાજવાદ'ની ચર્ચા કરતાં તેઓ કહે છે : 'એક પથ્થરને ભાંગવા માટે હથોડાના વીસ ઘા જોઈએ, તો એમ કહી શકાય કે દરેક ઘા પથ્થરની પ્રતિકારશક્તિમાં ઘટાડો કરે છે, એ તૂટે ભલે વીસમે ઘાએ; પણ તેની પહેલાંના ઓગણીસ ઘા તે તેમાં ફાટ પડવા માટે થયેલી વિકાસની ક્રિયા છે. પહાડની કોઈ કરાડને તેના મૂળ ખડકમાંથી છૂટી પડતાં કદાચ સેંકડો વરસ લાગે. પણ એ સેંકડો વરસમાં કંઈ બન્યું જ નથી એમ માનવું એ હસવા જેવી વાત છે. છતાં સંભવ છે કે તેના પતનની નિર્મેલી ઘડી આવે તે પહેલાં જ તેના પર થઈને રેલગાડી સલામત રીતે પસાર થઈને પોતાને મુકામે ચાલી ગઈ હોય.' (કૃપાલાની, ૧૯૬૦, પૃ. : ૩૧)


પ્રત્યાયનની પ્રક્રિયામાં પરસ્પરાવલંબનનું વિશેષ મહત્વ છે. આચાર્યને અમદાવાદે અને અમદાવાદે આચાર્યને ઘણું આપ્યું છે. મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ પાસેથી વિદાય લેતી વખતે, ૦૭-૦૨-૧૯૨૮ના રોજ આપેલા ભાષણમાં આચાર્ય કૃપાલાની કહે છે : 'અમદાવાદની જાહેર જનતાને માટે મને બોલવાના શબ્દ જડતા નથી. હું તમારા ભરચક શહેરમાં બહુ ઓછો ફર્યો છું, પણ જ્યારે જ્યારે ફર્યો છું ત્યારે ત્યારે ઓળખાણ અને સદ્ભાવના, મૂક સ્મિતોનો આદર મળ્યા વિના રહ્યો નથી.' (દેસાઈ(સં.), ૧૯૩૭, પૃ. : ૩૨૩) આચાર્ય કૃપાલાની જીવનને હળવું અને સ્મિતાળું રાખવાનું કહે છે. 'જીવનનો બોજો ગમે તેવો ભારે હોય પણ તે હળવો હોય છે તે યાદ રાખજો. બીજાની મૂર્ખતા તરફ સ્મિત કરતાં તમારી પોતાની મૂર્ખતા તરફ સ્મિત કરતાં શીખજો. નસીબ તમને ગમે ત્યાં લઈ જાય, પણ હું તમને ખાતરી આપું છું કે, હાથીને હોદ્દે કે શૂળીને લાકડે જીવન એક વહાણ જેવું જ છે.' (દેસાઈ(સં.), ૧૯૩૭, પૃ. : ૩૨૨)


કૃપાલાનીની વાણી આખા દેશમાં ગાજી શકે એવી સક્ષમ હતી. એમના શબ્દો કાનપુર જેલથી નીકળીને છેક વિરમગામ છાવણી સુધી પહોંચી શક્યા હતા! ઉમાશંકર નોંધે છે : '૧૯૩૦ના સત્યાગ્રહમાં આચાર્ય પકડાયા ત્યારે કોર્ટમાં એમણે કહેલું એક વાક્ય આખા દેશમાં ગાજ્યું હતું : I hear the rumbling sound of a crumbling empire. - એક કડડભૂસ થતા સામ્રાજ્યનો ગડડાટભર્યો અવાજ હું સાંભળું છું. વિરમગામ છાવણીમાં હું સત્યાગ્રહપત્રિકા લખતો તેમાં એના પડઘા પડ્યા હતાસ્તો.' (જોશી, ૧૯૮૬, પૃ. : ૮૮)     


પોતાના મિત્ર સાથેની લડાઈને પણ યોગ્ય ઠેરવતાં જીવતરામ ભગવાનદાસને કુશળ પ્રત્યાયક કહેવા પડે.  ઈ.સ. ૧૯૩૬માં રેંટિયાબારસ નિમિત્તે 'ગાંધીજીનું પહેલું દર્શન' યાદ કરતાં દોસ્ત કાલેલકર વિશે કૃપાલાની નોંધે છે : 'શાંતિનિકેતનમાં તે વખતે કાકાસાહેબ રહેતા હતા. કાકાસાહેબ મારા પરમ મિત્ર છે. અમે ખૂબ સાથે રહ્યા છીએ, રમતખેલ કર્યા છે ને લડ્યા પણ છીએ. મિત્ર એટલે લડે નહિ એમ તમને લાગે છે? વાત તો એમ છે કે મિત્ર હોય તે જ લડે. તમારે જેમની સાથે સંબંધ હોય તેમની સાથે જ તમે લડો ને? બીજા સાથે શું કરવા લડો? ત્યારે અમે પણ એવા મિત્રો છીએ, ખૂબ પુરાણા મિત્રો છીએ.' (દેસાઈ(સં.), ૧૯૩૭, પૃ. : ૩૯૩)


સ્વાતંત્ર્ય પછી બની રહેલી ઘટનાઓથી અસંતોષ થતાં, કૃપાલાનીએ ઈ.સ. ૧૯૫૦માં 'વિજિલ' નામે એક સાપ્તાહિક શરૂ કર્યું હતું. કૃપાલાની માટે 'વિજિલ'ના મુખ્ય હેતુઓ આ મુજબ હતા : 'ગાંધીજીની વ્યાપક નીતિઓ અને કાર્યક્રમોને વળગી રહેવાનો સત્તાવાળાઓને આગ્રહ કરવો અને વહીવટી તંત્રમાંના ભ્રષ્ટાચાર તેમ જ વેપારઉદ્યોગમાં વ્યાપક બનેલાં કાળાં બજાર સામે પોતાનો અવાજ ઉઠાવવા લોકોને કેળવવા.' (કૃપાલાની, ૧૯૯૪, પૃ. : ૭૨૪) કૃપાલાની દર અઠવાડિયે ચાલુ બનાવો વિશે ઓછામાં ઓછો એક લેખ આપતા હતા. કેટલીક વાર ત્રણ ત્રણ લેખો આવતા હતા. શરૂઆતમાં 'વિજિલ'માંના કૃપાલાનીના લેખો બીજાં છાપાંઓમાં વિશાળ પાયા ઉપર પ્રગટ થતા હતા. આ પત્રમાં ઘણી વાર સરકારની અને તેની કામ કરવાની રીતની  ટીકા પણ આવતી. 'વિજિલ' પત્રે પૂરાં દશ વરસ સુધી પોતાનું કાર્ય બજાવ્યું. ત્યાર પછી તે નાણાંના અભાવે બંધ પડ્યું. કૃપાલાનીના વિચારપત્રને સરકારી જાહેર ખબરો મળતી નહોતી. વેપારી અને ઔદ્યોગિક પેઢીઓ તરફથી પણ જૂજ જ જાહેર ખબર મળતી હતી.

 

કોઈ વ્યક્તિત્વ કે વિચારતત્ત્વ વિશેની સમજ પેદા કરતી વખતે પ્રત્યાયકની પરીક્ષા એવી થાય છે કે જેમાં એ પોતાની સ્વતંત્રતા અને મૌલિકતા ખોઈ ન બેસે. આપણા આચાર્ય આ કસોટીમાંથી સાંગોપાંગ પસાર થયા છે. 'આચાર્ય કૃપાલાનીની આત્મકથા'ની પ્રસ્તાવનામાં કૃપાલાનીવિચારના ભાષ્યકાર પ્રકાશ ન. શાહ નોંધે છે : 'વાત એમ છે કે ગાંધીવિચારના ભાષ્યકાર તરીકે પોતાની બૌદ્ધિક સંપદાનો નિ:શેષ વિનિયોગ કરી જાણનાર આચાર્ય સ્વતંત્ર અભિગમ ધરાવતા હતા. ગાંધીજીના આચાર અને વિચારને સમજવાના ને સમજાવવાના નૈષ્ઠિક પ્રયાસ વચ્ચે એમની સ્વતંત્ર અવલોકનશક્તિ ને વિવેકબુદ્ધિ કદાપિ અળપાઈ નથી.' (કૃપાલાની, ૧૯૯૪, પૃ. : १४) પ્રકાશ ન. શાહ કહે છે કે, 'કૃપાલાની લાંબો સમય યાદ રહેશે એ અલબત્ત એક એવા સ્વરાજકારણી તરીકે જેને સ્વરાજનો ન તો મેદ ચડ્યો, કે ન તો કાટ. એથીયે અદકું એમનું સ્મરણ જોકે ગાંધીવિચારના ખુદ્દાર ભાષ્યકાર તરીકેનું હોવાનું છે.' (કૃપાલાની, ૧૯૯૪, પૃ. : ३०)


ગાંધીજીના વિચાર અને આચારના મામલે જીવતરામની નિખાલસતા ઊડીને આંખે વળગે એવી છે. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના વખતે ગુજરાત મહાવિદ્યાલય એલિસબ્રિજ પાસે સાબરમતીના જમણા કિનારા ઉપરના ભાડાના એક બંગલામાં ચાલતું હતું. વિશાળ જમીન ઉપર વિદ્યાપીઠનાં પોતાનાં મકાનો હજી બંધાતાં હતાં. કૃપાલાની બ્રહ્મદેશમાં વેપારધંધો કરતા, ગાંધીમિત્ર ડૉ. પ્રાણજીવનદાસ મહેતાએ બંધાવેલા બંગલામાં રહેતા હતા. આ અંગે તેઓ સહજ અને સ્પષ્ટ કહે છે : 'હું આશ્રમની ભૂમિ ઉપર રહેતો નહોતો. કારણ, આશ્રમના સભ્યો જે શિસ્ત હેઠળ રહેતા અને કામ કરતા હતા, તે મેં સ્વીકારી નહોતી. હું હંમેશાં મારી પોતાની રીતે જ જીવતો આવ્યો છું, અને કદી ગાંધીજીની જીવનપદ્ધતિનું યાંત્રિક અનુકરણ કરવાનો મેં પ્રયત્ન કર્યો નથી.' (કૃપાલાની, ૧૯૯૪, પૃ. : ૧૩૫)


ગાંધી જીવન-કવનને સમજવા માટે, જીવતરામ કૃપાલાની 'ગાંધીજીના આધ્યાત્મિક વિચારો' મથાળા હેઠળના લેખમાં સ્પષ્ટ કહે છે કે, 'ગાંધીજી કંઈ ફિલસૂફ નહોતા. તેમ જ જીવનનો અને તેની જુદી જુદી બાજુઓનો તેમ જ શક્ય હોય તો તેના અંતિમ ધ્યેયનો પણ બુદ્ધિગમ્ય ખુલાસો આપે એવું કોઈ દર્શન રચનાર દાર્શનિક પણ નહોતા. ગાંધીજી જેમ જેમ વ્યાવહારિક પરિસ્થિતિઓનો સામનો કરતા ગયા અને પોતાની સામે ખડી થતી સમસ્યાઓનો ઉકેલ શોધતા ગયા તેમ તેમ તેમના વિચારો વિકસતા અને વૃદ્ધિ પામતા ગયા. ગાંધીજીના જીવનને અને કાર્યને સમજવું હોય તો તેમના આધ્યાત્મિક વિચારો અને આદર્શો સમજવાનો પ્રયત્ન કરવો જ જોઈએ, જેને આધારે એમણે સામૂહિક અન્યાય અને જુલમ સામેની લડતો ચલાવી હતી અને સમાજસુધારણાના કાર્યક્રમો અમલમાં મૂક્યા હતા.' (રાધાકૃષ્ણન (સં.), ૧૯૭૦, પૃ. : ૧૭૨)


ગાંધીજી વિષયક વાદ-વિવાદ આડા-ઊભા થાય કે ચાલતા-દોડતા હોય ત્યારે, ગાંધીજીને સમજવામાં અને સમજાવવામાં કૃપાલાની આપણી મદદે આવે છે. અંગ્રેજી માસિક 'ઇમ્પ્રિન્ટ'ના ડિસેમ્બર, ૧૯૬૯ના અંકમાં વિખ્યાત લેખક આર્થર કયસ્લરનો લાંબો લેખ 'મહાત્મા ગાંધી - યોગી અને રાજપુરુષ' પ્રગટ થયો હતો. જેમાં તેમણે ગાંધીજી વિશે કડવી ટીકા અને આત્યંતિક વિધાનો પણ કર્યાં હતાં. કેટલાક મિત્રોએ આ લેખ પ્રત્યે કૃપાલાનીનું ધ્યાન દોર્યું હતું. આથી, કૃપાલાનીએ આ જ માસિકમાં 'ગાંધી વિશે કયસ્લર' શીર્ષક તળે વિગતે લેખ લખીને ગાંધીજી વિશેની ગેરસમજો દૂર કરવાનો પ્રશંસનીય પ્રયત્ન કર્યો હતો. ઉદાહરણ તરીકે, 'ગાંધીજીના કામવૃત્તિ વિષયક પ્રયોગો' અંગેની કયસ્લરની દલીલોનો જવાબ આપતાં કૃપાલાની કહે છે : 'ગાંધીજી ખુલ્લામાં આકાશ નીચે સૂતા હતા. ફક્ત ચોમાસામાં એઓ ઓશરીમાં સૂતા. તેઓ કદી એકલા સૂતા નહોતા. એમના કેટલાક સાથીઓ તેમની સાથે જ સૂતા. જો એમનો હેતુ કામવાસના હોત તો એમણે મને લખ્યું ન હોત. એમણે મને લખ્યું તે પહેલાં મને એ પ્રયોગની ખબર નહોતી.' (કૃપાલાની, ૧૯૮૬, પૃ. : ૨૧૯) આમ, આ રીતે આચાર્ય કૃપાલાની 'ગાંધીવિચારના શિરમોર ભાષ્યકાર' તરીકે ઊપસી આવે છે.


દેશ-દુનિયામાં કોઈ પણ જમાનામાં ગાંધીજીના આચાર-વિચારની પ્રસ્તુતતા અંગે શંકા થતી રહેવાની! આવા તાકડે ગાંધીજીને આધુનિક સાબિત કરવા માટે આચાર્ય પૂર્ણપણે પ્રસ્તુત છે! કૃપાલાની કહે છે : 'સત્યને વળગી રહેવું અને નીતિના નિયમને સર્વોપરી ગણવો એ જો આધુનિકતાનું લક્ષણ હોય તો ગાંધીજી આધુનિક હતા. વચન પાળવું અને માથે લીધેલું કામ પાર ઉતારવું એ જો આધુનિકતાનું લક્ષણ હોય તો ગાંધીજી આધુનિક હતા. જો અંગત અને પોતે રહેતા હોય તે સ્થાનની સ્વચ્છતા આધુનિકતાનાં લક્ષણ હોય તો બેશક, ગાંધીજી આધુનિક હતા. જો નવા નવા સ્વાદમાં રાચનાર જીભને સંતોષવા ખાતર નહીં પણ બીજાઓના ભલામાં કામ કરવા માટે શરીરને તંદુરસ્ત રાખવા માટે જ ખાવું એ જો આધુનિકતાનું લક્ષણ હોય તો ગાંધીજી આધુનિક હતા. જો સહિષ્ણુતા અને સમજદારી આધુનિક હોય તો ગાંધીજીને આધુનિક ગણવા જ પડે. જેઓ આપણા કરતાં જુદો અભિપ્રાય ધરાવતા હોય અથવા આપણા વિરોધી હોય તેમની સાથે પણ સ્વસ્થપણે વર્તવું એ આધુનિક હોય તો ગાંધીજી આધુનિક હતા. જો દરજ્જાનો, સત્તાનો કે સંપત્તિનો ખ્યાલ કર્યા વગર સૌ પ્રત્યે સમાન સૌજન્ય દાખવવું એ આધુનિક હોય તો બેશક, ગાંધીજી આધુનિક હતા. જીવનની લોકશાહી રીત જો આધુનિક હોય તો ગાંધીજી આધુનિકોમાં પણ આધુનિક હતા. જો દીનહીનો સાથે તાદાત્મ્ય સાધવું એ આધુનિક હોય તો ગાંધીજી આધુનિક હતા. જો ગરીબો, દરિદ્રો, દલિત, દુર્ભાગીઓ, અર્થાત્ દરિદ્રનારાયણ માટે અવિશ્રાંત કામ કરવું એ આધુનિક હોય તો ગાંધીજી આધુનિક હતા. જો માનવઆવેશો જ્યારે ભડભડતા હોય ત્યારે તરસ્યા રહેવું એ આધુનિક હોય તો ગાંધીજી આધુનિક હતા. અને સૌથી વિશેષ તો એ કે કોઈ ઉમદા હેતુ માટે મૃત્યુ વહોરી લેવું એ આધુનિક હોય તો ગાંધીજી આધુનિક હતા.' (કૃપાલાની, ૧૯૭૩, પૃ. : ૪૦૪)


ગાંધીજી આધુનિક નહોતા એવું પણ આચાર્ય કૃપાલાની સાબિત કરી શકે છે! તેઓ વ્યંગ્યની ધારથી લસરકો કરતાં કહે છે : 'પણ જો આહારવિહાર અને પોષક વગેરેમાં પશ્ચિમની પદ્ધતિનો સ્વીકાર કરવો એ આધુનિક હોય તો બેશક ગાંધીજી આધુનિક નહોતા. જો મદ્યપાન, ધૂમ્રપાન અને ચા-કૉફીનો ઉપયોગ આધુનિકતાનાં લક્ષણ હોય તો ગાંધીજી આધુનિક નહોતા. જો ફેશનેબલ અને મોંધી હોટેલોમાં અને રેસ્ટોરાંમાં ભોજન લેવું અને વિલાસનાં ધામો અને નાઇટક્લબોમાં જવું એ આધુનિક હોય તો બેશક, ગાંધીજી આધુનિક નહોતા. જો કૂથલી કરવામાં અને નકામા તડાકા મારવામાં સમય બગાડવો એ આધુનિક હોય તો ગાંધીજી આધુનિક નહોતા, કારણ, તેમના જાગ્રત જીવનની ક્ષણેક્ષણ ગરીબોની સેવામાં વપરાતી હતી.' (કૃપાલાની, ૧૯૭૩, પૃ. : ૪૦૪)


તર્કપૂર્ણ દલીલ થકી કૃપાલાની ગાંધીવિચારના પુરસ્કર્તા અને પ્રત્યાયક તરીકે પ્રસ્થાપિત થઈ શકે છે. 'દાદા'માં એ ક્ષમતા છે કે, તેઓ 'બાપુ'ના લંગોટને પણ આધુનિક ગણાવી શકે છે! કૃપાલાની કહે છે : 'લોકો ઘણી વાર એમના લંગોટની વાત કરે છે. ભારતના લોકો સાથે તાદાત્મ્ય સાધવાની તેમની ઇચ્છાને બાજુએ મૂકીએ તોયે એમનો લંગોટ આજના મિનિસ્કર્ટ, મિનિ-સાડી અને ટોપલેસ પોશાકના જમાનામાં આધુનિક જ ગણાવો જોઈએ.' (કૃપાલાની, ૧૯૭૩, પૃ. : ૪૦૪-૪૦૫)


ભારતીય હોવાની ભરપૂર સિદ્ધિ ધરાવતા આચાર્ય કૃપાલાની અંગે ઉમાશંકર જોશી કહે છે : 'ક્યાં સિંધમાં જન્મ, પૂનામાં શિક્ષણ, હિમાલયમાં ભ્રમણ, બિહારમાં અધ્યાપન, ગુજરાતમાં આચાર્ય તરીકેની સેવા, બંગાળમાં લગ્ન, ઉત્તર પ્રદેશ મેરઠમાં ખાદીકામ અને અલાહાબાદમાં કૉંગ્રેસનું મંત્રીપદ - એક ભારતીય હોવાની ભરપૂર સિદ્ધિ આચાર્ય કૃપાલાની જેવામાં સતત વરતાતી.' (જોશી, ૧૯૮૬, પૃ. : ૯૩) બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા આચાર્ય કૃપાલાની અધ્યાપક, ગાંધીકાર્યકર, રચનાત્મક સેવક, વાચક, પત્રકાર, લેખક, વક્તા, અને રાજનીતિજ્ઞ તરીકે યાદગાર રહેશે. કુશળ પ્રત્યાયક એવા કૃપાલાનીએ ગાંધી આચાર-વિચારના મામલે પાયાનું અને નોંધપાત્ર પ્રદાન કર્યું છે.


.....................................................................................................


સંદર્ભસૂચિ


કૃપાલાની, આચાર્ય (૧૯૬૦). રચનાત્મક રાજકારણ (આચાર્ય કૃપાલાનીના 'Politics of Charkha'નો ચંદ્રશંકર શુક્લે કરેલો અનુવાદ). અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.


કૃપાલાની, આચાર્ય (૧૯૭૩). ગાંધીજી : જીવન અને વિચાર (આચાર્ય કૃપાલાની કૃત 'Gandhi : His Life and Thought'નો નગીનદાસ પારેખે કરેલો અનુવાદ). અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.


કૃપાલાની, આચાર્ય (૧૯૮૭). ગાંધીવિચારવિમર્શ (અનુવાદક : નગીનદાસ પારેખ). અમદાવાદ : શ્રવણ ટ્રસ્ટ.


કૃપાલાની, આચાર્ય (૧૯૯૪). આચાર્ય કૃપાલાનીની આત્મકથા (અનુવાદક : નગીનદાસ પારેખ). અમદાવાદ : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય.


ગાંધી, મોહનદાસ (૧૯૬૯). ગાંધીજીનો અક્ષરદેહ (ગ્રંથ - ૧૩). અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.


જોશી, ઉમાશંકર (૧૯૭૭). '૩૧માં ડોકિયું. અમદાવાદ : વોરા એન્ડ કંપની.


જોશી, ઉમાશંકર (૧૯૮૬). ઇસામુ શિદા અને અન્ય. અમદાવાદ : રન્નાદે પ્રકાશન.


ઠાકર, ધીરુભાઈ (સં.) (૧૯૯૨). ગુજરાતી વિશ્વકોશ (ખંડ-૦૪). અમદાવાદ : ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ.


દેસાઈ, મગનભાઈ (સં.) (૧૯૩૭). આચાર્ય કૃપાલાનીના લેખો. અમદાવાદ : જેઠાલાલ જીવણલાલ ગાંધી, ગૂજરાત વિદ્યાપીઠ.


પંડ્યા, દુષ્યંત (૨૦૦૯). ઘેડિયા ના ભૂંસાતા. અમદાવાદ : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય.


રાધાકૃષ્ણન, સર્વપલ્લી (૧૯૭૦). મહાત્મા ગાંધી શતાબ્દી ગ્રંથ. અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.


શાહ, દશરથલાલ (૧૯૯૬). ગાંધીજીના સમકાલીનો (પુનર્મુદ્રણ-૨૦૧૪). અમદાવાદ : ગૂજરાત વિદ્યાપીઠ.માર્શિત


राय, रामबहादुर (२०१३). शाश्वत विद्रोही राजनेता : आचार्य जे. बी. कृपलानी. नई दिल्ली : नेशनल बुक ट्रस्ट.     



.....................................................................................................
લેખક-સંપર્ક :
ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક અને અધ્યક્ષ, પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ-માર્ગ, અમદાવાદ

.....................................................................................................
લેખ-સૌજન્ય :
'વિદ્યાપીઠ' ત્રૈમાસિક (Vidyapith ISSN 0976-5794)
(ગૂજરાત વિદ્યાપીઠનું મુખ્યત્વે ઉચ્ચ શિક્ષણને સ્પર્શતા સ્વાધ્યાય અને સંશોધનનું પરામર્શિત સંશોધન-સામયિક, પીયર રીવ્યૂડ જર્નલ)
વર્ષ : ૬૧, અંક : ૧-૪, જાન્યુઆરી-ડિસેમ્બર, ૨૦૨૩, પૃષ્ઠ : ૯૬-૧૦૩

Saturday, December 30, 2023

ગુજરાતીલેક્સિકોન દ્વારા જાહેર થયેલો ૨૦૨૩ના વર્ષનો શબ્દ




લેક્સિકોન દ્વારા જાહેર થયેલો 2023ના વર્ષનો શબ્દ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

2023ની વિદાય સાથે 2024નું આગમન થઈ રહ્યું છે. નવું વર્ષ નવી યાદો, નવી ઘટનાઓની સાથે નવા સંભારણાં લાવે છે તો વિતેલું વર્ષ તે વર્ષમાં બનેલી ઘટનાઓ અને તેની લોકસમૂહ ઉપર પડતી આર્થિક, રાજકીય, સામાજિક અસરોને કારણે યાદગાર બને છે. આ ઘટનાઓને કારણે કેટલાંક શબ્દો સમગ્ર વર્ષ દરમ્યાન ચર્ચાને પાત્ર રહે છે. આવાં જ કેટલાંક ચર્ચામાં રહેલા અને લોક સમૂહને અસર કરેલાં શબ્દોમાંથી એક શબ્દ પસંદ કરીને વર્ષ 2017થી દર વર્ષે ગુજરાતીલેક્સિકોન દ્વારા એક શબ્દને ‘વર્ડ ઑફ ધ યર’ તરીકે જાહેર કરવામાં આવે છે. વર્ષ 2022થી ગુજરાતીલેક્સિકોન અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સાથે જોડાયા છે અને આ જોડાણે ‘વર્ડ ઑફ ધ યર’ પહેલને વધુ વેગવંતી બનાવી છે.

વર્ષ 2023માં ઘટેલી કેટલીક ઘટનાઓ ઉપર નજર કરતાં જણાશે કે, આર્થિક-સામાજિક અને રાજકીય એમ ત્રણે ક્ષેત્રને જો કોઈ શબ્દ સૌથી વધુ અસર કરી ગયો હોય તો તે છે, ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ (એ.આઇ) (કૃત્રિમ બુદ્ધિમત્તા). આ ટૅક્નોલૉજીનું આગમન વર્ષ 2022માં થઈ ગયું હતું, પણ આ તકનીક પર આધારિત સામાગ્રીનો બહોળો વ્યાપ વર્ષ 2023માં થયો જેમ કે ચેટજીપીટી. આ તકનીકે દરેક ક્ષેત્રમાં નવી દિશાઓ ખોલી તો કેટલાંક અંશે તેનો મર્યાદિત અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવે છે. તે જ રીતે ચંદ્રયાનની સફળતાને કારણે ‘ચંદ્રયાન’ શબ્દ વૈશ્વિક બજારમાં ‘આત્મનિર્ભર’ શબ્દ દ્વારા ભારતનો દબદબો પ્રગટતો રહ્યો.

ભારતની પ્રજા ધાર્મિક માનસિકતા ધરાવે છે, અને ‘અયોધ્યા’ અને ‘રામમંદિર’ ઉપરની અખૂટ શ્રદ્ધાને કારણે વર્ષ 2024માં આપણે રામમંદિરના દ્વારે પહોંચી શકીશું. તો બીજી બાજુ આ વર્ષે ‘શક્તિપ્રદર્શન’ અને ‘પનોતી’ શબ્દનો ઘણો વપરાશ અને પદયાત્રા જેવા શબ્દો રાજકીય બાબતમાં વધુ પ્રયોજાયા છે.

ઉપરની વિવિધ ઘટનાઓની સારી-નરસી વિવિધ બાજુઓને ચકાસતાં ગુજરાતીલેક્સિકોન અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ને વર્ષ 2023નો ‘વર્ડ ઑફ ધ યર’ જાહેર કરતાં આનંદ અનુભવે છે.

Wednesday, December 20, 2023

ભાષાની મજા, મજાની ભાષા - 1459


ટેનિસ-સ્પર્ધા સાથે સંકળાયેલો સાચો શબ્દ કયો છે?

વિમબલડન
વિમ્બલડન
વિમબ્લડન
વિમબલ્ડન
વિમ્બલડન
વિમ્બલ્ડન
વિમ્બ્લ્ડન
વિમ્બ્લ્ડ્ન


Monday, December 18, 2023

મહાદેવભાઈની ડાયરી // મહાદેવ હરિભાઈ દેસાઈ


(૧) ૧૩-૧૧-૧૯૧૭ થી ૧૭-૧-૧૯૧૯ : 
પુસ્તક ચોથું

(૨) ૨૧-૧-૧૯૧૯ થી -૬-૧૯૨૧ : 
પુસ્તક પાંચમું

(૩) જૂન ૧૯૨૧ થી ૨૩-૧-૨૩ : 
પુસ્તક સોળમું

(૪) ૨૪-૧-૧૯૨૩ થી ૧૫-૭-૧૯૨૩ : 
પુસ્તક સત્તરમું

(૫) ૨૨-૭-૧૯૨૩ થી ૨૭-૧-૧૯૨૪ : 
પુસ્તક અઢારમું

(૬) ૧૮-૧-૧૯૨૪ થી ૨૯-૧૨-૧૯૨૪ : 
પુસ્તક છઠ્ઠું

(૭) ૩૦-૧૨-૧૯૨૪ થી ૩૦-૪-૧૯૨૫ : 
પુસ્તક સાતમું

(૮) ૧-૫-૧૯૨૫ થી ૩૧-૧૨-૧૯૨૫ : 
પુસ્તક આઠમું

(૯) ૧-૧-૧૯૨૬ થી ૨૦-૧૨-૧૯૨૬ : 
પુસ્તક નવમું

(૧૦) ૨૧-૧૨-૨૬ થી ૪-૬-૨૭ : 
પુસ્તક દસમું

(૧૧) ૫-૬-૧૯૨૭ થી ૨૦-૧૨-૧૯૨૭ : 
પુસ્તક અગિયારમું

(૧૨) ૨૧-૧૨-૧૯૨૭ થી ૩૦-૮-૧૯૨૯ : 
પુસ્તક બારમું

(૧૩) ૩૧-૮-૧૯૨૯ થી ૨૫-૪-૧૯૩૦ અને ૨૪-૧૦-૧૯૩૦ થી ૨૬-૧-૧૯૩૧ : 
પુસ્તક તેરમું

(૧૪) ૨૭-૧-૧૯૩૧ થી ૨૯-૮-૧૯૩૧ : 
પુસ્તક ચૌદમું

(૧૫) ૩૦-૮-૧૯૩૧ થી ૯-૩-૧૯૩૨ : 
પુસ્તક પંદરમું

(૧૬) ૧૦-૩-૧૯૩૨ થી ૪-૯-૧૯૩૨ : 
પુસ્તક પહેલું

(૧૭) ૫-૯-૧૯૩૨ થી ૧-૧-૧૯૩૩ : 
પુસ્તક બીજું

(૧૮) ૨-૧-૧૯૩૩ થી ૨૦-૮-૧૯૩૩ : 
પુસ્તક ત્રીજું

(૧૯) ૨૪-૭-૧૯૩૪ થી ૫-૨-૧૯૩૫ : 
પુસ્તક ઓગણીસમું

(૨૦) ૧૦-૭-૧૯૩૪ થી ૬-૩-૧૯૩૬ : 
પુસ્તક વીસમું

(૨૧) ૧૪મી એપ્રિલ ૧૯૩૬ થી ૧૦ જાન્યુઆરી ૧૯૩૭ : પુસ્તક એકવીસમું

(૨૨) ૧૦મી જાન્યુઆરી ૧૯૩૭ થી ૧૯મી નવેમ્બર ૧૯૩૭ : પુસ્તક બાવીસમું

(૨૩) ૨૬ ઑક્ટોબર ૧૯૩૭થી ૨૭ ઑગસ્ટ ૧૯૩૮ : 
પુસ્તક ત્રેવીસમું