‘માનવતાની મુક્તિના માણસ’ નેલ્સન મંડેલાને
શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ ૨૭ ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ ગૂજરાત વિદ્યાપીઠમાં યોજવામાં આવ્યો હતો. ગાંધીકથાકાર
અને કુલપતિ નારાયણ દેસાઈએ નેલ્સન મંડેલાને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે,
મંડેલાનું ચારિત્ર્યઘડતર કારાવાસમાં થયું હતું. તેમણે ઘણાં કષ્ટો વેઠ્યાં હતાં.
આથી, મજબૂત શરીર છતાં તેમની તબિયત બગડી હતી. ટાપુની એ જેલમાં રહીને અભ્યાસની સાથે
તેમણે ચિંતન-મનન તેમજ દેશની પ્રજાના પ્રશ્નો અને દુનિયાના પ્રવાહોનો વિચાર કર્યો
હતો. સત્યાવીસ વર્ષ જેલમાં રહ્યા છતાં, તેમણે જેલ-સત્તાવાળા સામે કોઈ કડવાશ રાખી
નહોતી.
નારાયણ દેસાઈએ મંડેલા વિશે ખાસ એ કહ્યું
કે, તેમણે પોતાના દેશની નીતિ ઘડવામાં દૂરની દૃષ્ટિ દેખાડી અને તેમના મતે કેવળ
આફ્રિકામાંથી જ નહીં, પરંતુ આખી દુનિયામાંથી પણ રંગભેદ દૂર કરવા માટેની નીતિ ઘડાવી
જોઈએ. રંગભેદ દૂર કરવા અને સ્વરાજ મેળવવા માટે હિંસાનું સાધન નહીં, પણ શાંતિનું
સાધન વધારે સારું છે એ વિચાર પાછળ મંડેલાનાં જેલસાધના અને વિચારમંથન કારણભૂત હતાં.
માનવ અધિકારો ઉપર વધુ જોર આપનાર મંડેલા એવું દૃઢપણે માનતા હતા કે, સૌથી છેવાડાના
અને સૌથી ગરીબ માણસોનો વિચાર દુનિયાના અન્ય દેશોમાં પણ થવો જોઈએ. મંડેલાએ પોતાના
દેશમાં શસ્ત્રો ઘટાડવાની નીતિ પોતાના હાથમાં રાખી હતી.
ગાંધીજી વિશે એ મતલબની ટીકા થાય છે કે,
એમણે આફ્રિકાના અશ્વેતો માટે કામ કર્યું નથી. આ મુદ્દે, નારાયણભાઈએ સ્પષ્ટતા કરી
કે, ગાંધીપ્રેરણાને લીધે જ મુક્તિનાં અને માનવતાનાં આંદોલનો થયાં છે. મંડેલાએ અને
ઓબામાએ ગાંધીજીમાંથી પ્રેરણા લીધી છે એવું સામાન્ય અશ્વેત માણસો પણ સમજે છે. માનવમાત્રને સમાન ગણવા તેમજ સ્વાતંત્ર્ય
મેળવવા માટેનું સાધન હિંસા સિવાયનું હોઈ શકે, એવી પ્રેરણા નેલ્સન મંડેલાના
જીવનમાંથી લેવા નારાયણ દેસાઈએ અનુરોધ કર્યો હતો. અહીં, તેમણે એ બાબત ઉપર ખાસ ભાર
મૂક્યો હતો કે, દેશની સત્તા પ્રતિનિધિઓ પાસે નહીં, પણ નાગરિકો પાસે હોવી જોઈએ.
નેલ્સન મંડેલાએ જયારે રાષ્ટ્રપતિપદ
સ્વીકાર્યું ત્યારે તેમણે ન્યાન્સા નામના સ્થળે ગોળીબારમાં શહીદ થયેલી એક છોકરી
વિશે કોઈ કવિએ રચેલી કવિતાનું પઠન કર્યું હતું. વક્તવ્યનું સમાપન કરતાં, નારાયણ
દેસાઈએ આફ્રિકાની આઝાદીનાં પ્રતીક સમાન એ શહીદ છોકરી વિશેની કવિતાનું ગુજરાતી
ભાષાંતર પણ રજૂ કર્યું હતું. તેમણે એ છોકરીને ‘મુક્તિ’ નામ આપ્યું હતું.
ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક સુદર્શન આયંગારે
પ્રાસ્તાવિક પ્રવચન અને કુલસચિવ રાજેન્દ્ર ખીમાણીએ આભારદર્શન કર્યું હતું. વિદ્યાપીઠના
વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાધ્યાપકો, સેવકો, વહીવટી કર્મચારીઓની ઉપસ્થિતિમાં, મુખ્ય
સભાખંડમાં યોજાયેલા આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપાસનાખંડમાં પણ કરવામાં આવ્યું
હતું.
No comments:
Post a Comment