Saturday, May 31, 2014

તુષાર ભટ્ટ : પત્રકારત્વના શિક્ષક અને માર્ગદર્શક

અશ્વિનકુમાર

.................................................................................................................................

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

તુષાર ભટ્ટ (૦૭-૦૧-૧૯૪૨થી ૩૦-૦૩-૨૦૧૨) એટલે અંગ્રેજી પત્રકારત્વ ગૌરવ લઈ શકે એવું ગુજરાતી નામ. તેઓ વલસાડ જિલ્લાના ચીખલીમાં જન્મ્યા. ગામડાની ધૂળી નિશાળમાં કક્કો શીખ્યા. દેશના ટોચના અંગ્રેજી દૈનિક 'ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ની અમદાવાદ આવૃત્તિના નિવાસી તંત્રી બન્યા. તેમના નામની સાથે 'વરિષ્ઠ તંત્રી', 'પત્રકાર' અને 'કતારલેખક' જેવાં વિશેષણો ખીલી ઊઠે. જોકે શાહીની શેરી(ઇન્ક સ્ટ્રીટ)માં આશરે અડધી સદી સુધી કલમયાત્રા કરનાર તુષારભાઈએ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોને પણ ગંભીરતાપૂર્વક ખેડ્યા હતા. ઈ.સ.૧૯૮૧થી કમ્પ્યુટર સાથે કળથી કામ લેનાર તુષાર ભટ્ટ ઈ.સ.૨૦૦૭થી બ્લોગ જેવા નૂતન માધ્યમ ઉપર પણ સક્રિય રહ્યા. તેઓ પત્રકારત્વના વ્યવસાય ઉપરાંત તેના વર્ગશિક્ષણ સાથે ત્રણેક દાયકા સુધી જોડાયેલા રહ્યા. આ લખનારના કિસ્સામાં ઈ.સ. ૧૯૯૮થી ઈ.સ. ૨૦૦૦ સુધી તેમણે અનુપારંગત( એમ.ફિલ.) કક્ષાએ માર્ગદર્શકની ભૂમિકા અને જવાબદારી નિભાવી હતી. જેના કારણે અમે ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગમાંથી 'પત્રકાર ગાંધીજીની ગુજરાતી ભાષા અને આજના પત્રકારત્વમાં એની પ્રસ્તુતતા' અંગે કેવળ નિબંધ નહીં સ્વયંને તૈયાર કરી શક્યા હતા.

જેમની સાથે પાઠ ભણીને પત્રકારોની ત્રણ પેઢી તૈયાર થઈ તેવા તુષારભાઈના પરિવારની ત્રણ પેઢી પણ પત્રકારત્વમાં સક્રિય રહી છે. તેમના તબીબ પિતા શંકર ભટ્ટે સમાજના કેટલાક 'ઇલાજ' માટે પત્રકારત્વમાં ઝંપલાવ્યું હતું. તુષારભાઈના દીકરા અભિજિત પણ પત્રકારત્વ સાથે પ્રત્યક્ષ-પરોક્ષ રીતે સંકળાયેલા રહ્યા છે. તુષારભાઈ જ્યાં મળે ત્યાં પત્રકારત્વનાં શિક્ષણ અને પ્રશિક્ષણ, સમજ અને તાલીમ શરૂ થઈ જતાં. તેમણે અખબારી અશ્વ ઉપર અંગ્રેજી અને ગુજરાતી ભાષાની લગામના બળે અથાક સવારી કરી હતી. તુષાર ભટ્ટના લેખનમાં વજન હતું. તેઓ વાચન ઉપર બહુ ભાર મૂકતા. સૂક્ષ્મ અવલોકન-શક્તિ અને તીક્ષ્ણ વ્યંગ-સામર્થ્ય ધરાવતા તુષાર ભટ્ટને તમે શરૂમાં એકાદ લસરકો ખમી જવાની તૈયારી સાથે મળો તો છેવટ સુધી મોજ પડી જાય.

પત્રકારત્વના શિક્ષણને અનિવાર્ય ગણાવતાં તેઓ કહેતા : " એમ.બી.બી.એસ. કર્યા સિવાય દાક્તર થવાય નહીં, એલએલ.બી. વગર વકીલ બનાય નહીં તો પછી પત્રકારત્વનો અભ્યાસ કર્યા વિના પત્રકાર કેવી રીતે થવાય?" તુષારભાઈનાં દીકરા અભિજિત અને દીકરી શિલ્પા પણ ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગમાં પ્રવેશ અને પદવી મેળવી ચૂક્યાં છે. જોકે તુષારભાઈ પત્રકારત્વના શિક્ષણમાં વાચન અને લેખન, ક્ષેત્રકાર્ય અને પ્રાયોગિક તાલીમ ઉપર વિશેષ ભાર આપતા હતા. તેઓ અખબારી આલમના અંગેઅંગને જાણતા અને અંગ્રેજી-ગુજરાતી પત્રમાલિકોને બરાબર ઓળખતા. આથી જ, તુષારભાઈએ સમાચારની એક મૌલિક અને વ્યવહારિક વ્યાખ્યા બનાવેલી : "શેઠ કહે તે સમાચાર!"

માનનીય તુષારભાઈ પત્રકારત્વના વિષયના મુલાકાતી અધ્યાપક હતા. એમની પાસે પત્રકારત્વના પાઠ ભણવાની મજા કંઈક જુદી જ હતી. વિશેષ વ્યાખ્યાન હોય કે જાહેર ચર્ચા, વ્યક્તિગત માર્ગદર્શન હોય કે રૂબરૂ મુલાકાત, તુષારભાઈને મળીએ એટલે આપણે ઘણું મેળવીએ. તુષાર ભટ્ટના વિસ્તારપટ્ટમાં બાબુભાઈ રાણપુરાથી માંડીને જેરોસ્લાવ ફ્રીચ, ફાતિમા મીરથી માંડીને મધર ઇવોન બેયર સુધીની વ્યક્તિનો સમાવેશ થઈ જાય. ભાષાથી માંડીને સંસ્કૃતિ, ઇતિહાસથી માંડીને સાંપ્રત પ્રવાહો, રાજકારણ હોય કે રાજ્યશાસ્ત્ર, સાહિત્ય હોય કે પત્રકારત્વ, તુષારભાઈનાં અભ્યાસ, અધિકૃતતા અને અભિવ્યક્તિ જુદાં જ તરી આવે. બિનજરૂરી વિગતોના કાંકરા ચાળીને સફાઈદાર રજૂઆત કેમ કરવી, મોણ નાખ્યાં વિના માહિતીનો પિંડ કેમ બાંધવો, એ સઘળું એમની પાસેથી શીખવા જેવું હતું. સંદર્ભ વિના વાત ન જ લખવી તેવું કહેતી વેળાએ તેઓ આ ઉદાહરણ ખાસ આપતા હતા : “ એકે બીજાને કહ્યું કે, ‘બે લા...ખ માણસો મરી ગયા.’ બીજો તરત પૂછે : ‘ક્યાં?’ તો પેલો કહે : ‘મહાભારતના યુદ્ધમાં!’ ” વળી, તંત્રી તુષાર ભટ્ટ એવું દૃઢપણે માનતા કે, ખરાઈ કરેલી વિગતો સાથેની સમાચાર-સામગ્રી છેવટે ચાર લીટી લખીને પણ વેળાસર પ્રગટ કરવામાં જ ડહાપણ રહેલું છે. કારણ કે, તમે રાહ જોવા રહો અને એવું બને કે અન્ય અખબારમાં એ વિગતો છપાઈ જાય અને તમે હાથ ઘસતાં રહી જાવ.

તુષારભાઈ હંમેશાં સુંદર-સુઘડ વસ્ત્રોમાં સજ્જ રહેતા. મોટા ભાગે અડધી બાંયનું શર્ટ પહેરતાં તુષારભાઈ સામે બાંયો ચઢાવતાં પહેલાં સૌ કોઈ સો વાર વિચાર કરે. તેઓ વિચાર-વિગત-વ્યંગનું ત્રિશૂલ એવી રીતે ચલાવે કે આપણા રક્ષણની જવાબદારી મિત્રરાષ્ટ્રોને ન સોંપાય, આપણે જ લેવી પડે! ઉત્સાહી વિદ્યાર્થી તરીકે તમે સંશોધન-નિબંધનાં પ્રકરણો લઈને જાવ અને એવું બને કે તેઓ થોડાં વાક્યો કે ઘણા ફકરા કે આખા પ્રકરણને પણ રદબાતલ જાહેર કરી દે. સાથેસાથે તમારા પરિશ્રમ-અગ્નિ ઉપર તેમણે કયાં કારણોસર ટાઢું પાણી છાંટ્યું એની તર્કપૂર્ણ સ્પષ્ટતા પણ કરે. કોઈ પણ સંશોધનનિબંધમાં તારણો અગત્યનાં બની રહે છે. માર્ગદર્શક તુ.શં.ભ. અમને સ્પષ્ટ તારણો રજૂ કરવાનું કહેતા. કારણ કે, ઘણા સંશોધકો સંદિગ્ધ તારણો કાઢે છે. આની ઠેકડી ઉડાડતાં તુષારભાઈ કહેતા : “ કેટલાંક લોકો એવું કહે કે, કઢીમાં લવિંગ નાખો તો મજા પડી જાય અને ન નાખો તો કંઈ બહુ મોટો ફેર પડવાનો નથી. આવું ગોળગોળ કહેવા કરતાં મારા ભાઈ એવું સ્પષ્ટ કહો ને કે, કઢીમાં લવિંગ નંખાય કે નહીં ?!”

પત્રકાર ગાંધીજીની માતૃભાષા અંગે તુષારભાઈ કહેતા કે, “પત્રકાર ગાંધીજીએ ગુજરાતી ભાષાનો બહુ મોટો મહિમા કર્યો છે. તેઓ ખૂબ સારું અંગ્રેજી લખતા હતા પણ તેમણે વિચાર્યું તો હશે માતૃભાષામાં ને!” અંગ્રેજીસજ્જ તુષારભાઈનો માતૃભાષા ગુજરાતી માટેનો આદર અને આગ્રહ જાણીતો હતો. એટલે જ, ગુજરાતી અખબારોમાં માતૃભાષાના કથળેલા સ્તરથી તેઓ ચિંતિત હતા. અનુપારંગત કક્ષાના સંશોધન-નિબંધના માર્ગદર્શક તરીકે ગુજરાતી અખબારોની ભાષા અંગે તેઓ અમને આ મતલબનું કહેતા : “મોટા ભાગના ગુજરાતીઓ પ્રાથમિક કે માધ્યમિક શિક્ષણ સુધી જ ગુજરાતી ભાષા સાથે સીધો નાતો ધરાવે છે. પછી ઉચ્ચ શિક્ષણ, કારકિર્દી, અને વ્યવસાયમાં ગુજરાતી ભાષા સાથેની જીવંત કડી કમજોર થતી જાય છે. આ સંજોગોમાં તેઓનો માતૃભાષા ગુજરાતી સાથેનો આજીવન સંબંધ ગુજરાતી અખબારો થકી જ જળવાઈ રહે છે. માતૃભાષાના મામલે અખબારો કાયમી વિશ્વવિદ્યાલયની ગરજ સારે છે. વળી, આપણી વ્યવહારભાષા ઉપર વર્તમાનપત્રોની ભાષાનો પ્રભાવ પડતો હોય છે. ગુજરાતી અખબારોની ભાષા દ્વારા ગુજરાતી જનસમુદાયની ભાષાનું ઘડતર અને ચણતર થાય છે. આથી, ગુજરાતી અખબારોની ભાષા ધોરણસરની હોવી જ જોઈએ.”

અમે ‘પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત માનવ અધિકાર (અસ્પૃશ્યતાનિવારણના વિશેષ સંદર્ભે)’ શીર્ષક તળે મહાનિબંધ તૈયાર કર્યો હતો. ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.)ની પદવી માટે ડૉ. રઘુવીર ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઈ.સ. ૨૦૦૯માં આ સંશોધન-નિબંધ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ સારુ મહાનિબંધના વિષયને ન્યાય આપી શકે એવા કેટલાક તજ્જ્ઞોની રૂબરૂ મુલાકાત પણ લેવામાં આવી હતી. જેમાં વરિષ્ઠ તંત્રી અને પત્રકાર તરીકે તુષાર ભટ્ટની પસંદગી આવકાર્ય અને અનિવાર્ય હતી. અંગકંપ હોવા છતાં તેમણે મક્કમ મનથી મુલાકાત આપી હતી. આ નિમિત્તે તેમની સાથે, તેમના નિવાસસ્થાને અવિસ્મરણીય સંવાદ થયો હતો. મુલાકાતના આરંભમાં તેમણે ગાંધીજીના પત્રકારત્વ વિશે એક વાક્ય કહેલું કે, “ગાંધીજીનું પત્રકારત્વ શબ્દોની ગોઠવણ નથી પણ પરિસ્થિતિનું નિરૂપણ છે.” આમ, તુષાર ભટ્ટની અભિવ્યક્તિમાં આવી અવતરણ-ક્ષમતા ઘણીવાર જોવા મળતી હતી. વળી, તેઓ નોખી શૈલીમાં શબ્દો વચ્ચેના ભેદને પણ અસરકારક રીતે સમજાવતા. અમે પત્રકાર ગાંધીજી અને માનવ અધિકાર અંગેની ચર્ચાને ચગડોળે ચઢાવીએ એ પહેલાં જ તેમણે સ્પષ્ટતા કરી : “અંગ્રેજી શબ્દ ‘હ્યુમન રાઇટ્સ’ માટે આજે ગુજરાતી ભાષામાં ‘માનવ અધિકાર’ શબ્દ વધુ ચલણી બન્યો છે, પરંતુ ગાંધીજી ‘અધિકાર’ નહીં પણ ‘હક’ શબ્દ વાપરવાનું વધુ પસંદ કરતા હતા. અને એ વાત તો સાવ સાચી કે ‘હક’ શબ્દ કોશિયાનો છે જ્યારે ‘અધિકાર’ શબ્દ તો સાક્ષરજનનો છે!”

પત્રકારત્વ થકી અસ્પૃશ્યતાનિવારણના ગાંધીકર્મ વિશે તુષારભાઈનું માર્મિક વિધાન એ હતું કે, “ગાંધીજીએ સ્વતંત્રતાની ચળવળની સાથે સાથે અસ્પૃશ્યતાનિવારણ વિશે પોતાનાં પત્રો દ્વારા સતત ચિંતન-લેખન કર્યું. આ પ્રકારનું કામ એટલા માટે પડકારરૂપ હતું, કારણ કે ‘આઝાદી’ જેવા રોમાંચક ખ્યાલને આગળ ધરીને જનસમૂહને વહેલો ઢંઢોળી શકાય પણ ‘અસ્પૃશ્યતા’ જેવી રૂઢિનો વિરોધ કરવા માટે જનસમૂહને ઢંઢોળવા નવ નેજા પાણી ઉતરે !” દલિત વિષયક મુદ્દા અંગે પ્રવર્તમાન સમૂહ માધ્યમોની ભૂમિકા અને જવાબદારી અંગેની તુષાર ભટ્ટની ટિપ્પણી એવી હતી કે, “આજના પત્રકારત્વે મૂક દલિતોનો અવાજ બનવાનું છે. પણ કમનસીબી એ છે કે આજનાં સમૂહ માધ્યમો પણ શહેરોના બોલકા મધ્યમ વર્ગની તરફેણમાં જ વર્તે છે. વળી, સમાજ દલિતોને જોઈએ એવી તકો આપતો નથી અને પ્રચાર તો એવો થાય છે કે પછાતોના કારણે જ જાહેર સેવા ઉપર અસર થાય છે!” તેમણે ગાંધીજીના પત્રકારત્વની પ્રસ્તુતતા વિશે સ્પષ્ટ કર્યું અને સાફ કહ્યું : “પત્રકારત્વ એ તો નિરંતર કેળવણીની સંસ્થા છે. મોટા ભાગના લોકો માટે શિક્ષણ મેળવી લીધા પછી વર્તમાનપત્રો જ આજીવન વિશ્વવિદ્યાલય બની રહેતાં હોય છે. આ સંદર્ભે લોકાભિમુખ કેળવણીનું કાર્ય કરનાર ગાંધીજીનું પત્રકારત્વ પ્રસ્તુત બની જાય છે. આજના પત્રકારત્વે પણ ગાંધીજીના પત્રકારત્વને નજર સમક્ષ રાખીને અસ્પૃશ્યતા જેવાં અનેક દૂષણોને નાબૂદ કરવાં જ રહ્યાં.”

પત્રકારત્વમાં પરિવર્તનો આવ્યાં છે, પત્રકારત્વથી પરિવર્તનો આવવાં જોઈએ. પત્રકારોએ સંવેદના, શિક્ષણ, અને સમજણથી સજ્જ થવું જ રહ્યું. પત્રકારત્વમાં સાધનવૃદ્ધિ જેટલી જ મહત્વની સાધનશુદ્ધિ છે. પત્રકારત્વનાં વ્યવસાય અને તાલીમ કેવળ સવાલદાર જ નહીં, જવાબદાર પણ બને એ ઇચ્છનીય છે. પત્રકારત્વમાં નવી પેઢીનો જૂની પેઢી સાથે પ્રત્યક્ષ-પરોક્ષ નાતો જળવાઈ રહે એ આવશ્યક છે. આથી, તુષાર ભટ્ટ જેવા વરિષ્ઠ વૃત્તવિદ્દની વિદાયથી અને યાદથી આંખોના ખૂણા ભીના થઈ જાય એ બનવાજોગ બાબત છે. પણ જેમના હૃદયપટ ઉપર તુષારભાઈનાં સંસ્મરણો સચવાયેલાં છે તે સૌના હૃદયના ખૂણા આજે પણ અને એટલા જ ભાવભીના છે એ માનવાજોગ હકીકત છે.

.................................................................................................................................
ડૉ. અશ્વિનકુમાર
સહ પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ,
આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪
.................................................................................................................................

સૌજન્ય :
સ્મૃતિગ્રંથ : નીડર પત્રકાર, પૂર્ણ પરિવારજન : તુષાર ભટ્ટ
સંપાદક : કેતન રૂપેરા
પ્રકાશક : આર્ટ બુક હબ, નવજીવન બ્લોક્સ, અમદાવાદ
આવૃત્તિ : પ્રથમ
વર્ષ : મે, 2014
કુલ પાનાં : 07+191
લેખ-પૃષ્ઠાંક : 101-104


ભાષાની મજા, મજાની ભાષા - 811


'બધા રાજકીય પક્ષો ગરીબોનો વિચાર કરે છે.'

આ વાક્યમાં અલગ અલગ ઠેકાણે 'જ' મૂકો અને જુઓ : 

'બધા જ રાજકીય પક્ષો ગરીબોનો વિચાર કરે છે.'
'બધા રાજકીય જ પક્ષો ગરીબોનો વિચાર કરે છે.'
'બધા રાજકીય પક્ષો જ ગરીબોનો વિચાર કરે છે.'
'બધા રાજકીય પક્ષો ગરીબોનો જ વિચાર કરે છે.'
'બધા રાજકીય પક્ષો ગરીબોનો વિચાર જ કરે છે.'
'બધા રાજકીય પક્ષો ગરીબોનો વિચાર કરે જ છે.'

અમને તો આ છ વાક્યોમાંથી પાંચમું વાક્ય સાચું લાગે છે. સાચું કહો, તમને કયું વાક્ય સાચું લાગે છે?!


Thursday, May 29, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 810


અક્ષરમાં ફેર છે માત્ર એક, 
પણ અર્થ બદલાય છે છેક!
  
મહિલા વડાં બનાવ્યાં.
મહિલાને વડાં બનાવ્યાં.


ભાષાની મજા, મજાની ભાષા - 809


આપણી રાજકીય પરિભાષામાં, ટેકાની ચર્ચા અને મજા એના 'બિનશરતી' હોવામાં જ રહેલી છે!


Tuesday, May 27, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 808


આપણાં અખબારોના રાજકીય હેવાલોમાં, જવાબ 'સણસણતો' જ આપવામાં આવે છે!


Sunday, May 25, 2014

સત્યાગ્રહાશ્રમની શતાબ્દીએ


મો. ક. ગાંધીનો સત્યાગ્રહાશ્રમ આજે શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરે છે.

સ્થળ : કોચરબ, અમદાવાદ
સ્થાપના : 25-05-1915
સવિશેષ : વતન-વાપસી બાદ હિંદુસ્તાનમાં મોહનદાસ કરમચંદ ગાંધીનું નોખું અને નૂતન નિવાસસ્થાન


Saturday, May 24, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 806


આમાં સાચું શું? આમાં સમજવું શું? આમાં લેવું શું?

'તૈયાર શરબતના બાટલા મળશે.'
'શરબતના તૈયાર બાટલા મળશે.'
'શરબતના બાટલા તૈયાર મળશે.'


Sunday, May 18, 2014

ભગતસાહેબને જન્મદિન નિમિત્તે વંદન અને અભિનંદન ...


કવિ નિરંજન ભગત
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

નામ : નિરંજન નરહરિ ભગત
ઓળખ : કવિ અને વિવેચક
જન્મદિવસ :  ૧૮-૦૫-૧૯૨૬
જન્મસ્થળ : અમદાવાદ


ભાષાની મજા, મજાની ભાષા - 800


સૌરાષ્ટ્રનાં અખબારોની સમાચાર-સામગ્રીમાં, 'ઢીમ ઢાળી દેવું' અને 'કાસળ કાઢી નાખવું' એ સામાન્ય ઘટનાપ્રયોગ છે!


Friday, May 16, 2014

ગાંધીજીના પૂતળાને મરણ-ચાદર


ડૉ. અશ્વિનકુમાર
--------------------------------------------------------------------------------------

પહેલી મે, ૨૦૧૪ની સવારે આઠની આસપાસ એક અધ્યાપક મિત્રે ખબર આપી. આ ખબર કેવળ સનસનાટીપૂર્ણ જ નહીં, શરમજનક પણ હતી. અમે ઘટનાસ્થળે તાબડતોબ પહોંચ્યા. અમદાવાદના આશ્રમ માર્ગ ઉપર, આયકર ભવન કાર્યાલય પાસે, ચાર રસ્તાની મધ્યે, દાંડીયાત્રી ગાંધીજીનું પૂતળું લાલ રંગના ખાંપણમાં ઓઢાડેલું જોયું. જે પગથી ગાંધી આજીવન અને મક્કમ ડગ માંડતા રહ્યા એ પગ ઉપર નાડાછડીથી નારિયેળ બાંધેલું હતું. પૂતળાનાં બન્ને હાથ અને બન્ને પગ ઉપર લાલ દોરા વીંટાળવામાં આવ્યા હતા. જમીન ઉપર કંકુની ખુલ્લી દાબડી, ધાન્યના વેરાયેલા દાણા, ફોડવામાં આવેલું ઠીકરું ... મરણવિધિની પાકી સાબિતી પૂરી પાડતાં હતાં.

ગુજરાતના સ્થાપના દિવસે, રાજ્યના હૃદય-નગર અને ગાંધીના આસ્થા-આસન અમદાવાદમાં તેમના બે આશ્રમોની વચ્ચે, જાહેર રસ્તા ઉપર ગાંધીજીનું આવું આયોજનબદ્ધ અપમાન કરવા માટેની વિચારસરણી અને એમાં ઘી હોમવા માટેનું વાતાવરણ તૈયાર થઈ ચૂક્યું છે. હવાના જોરે ખાંપણ ખભેથી સરકીને ગાંધીજીના હાથ તરફ આગળ વધ્યું. કેટલાક નાગરિકો પૂતળાનો વેશપલટો નવાઈ આંજેલી નજરે નિહાળીને આગળ વધતા હતા. એટલામાં, અધિકૃત સ્રોત થકી પહોંચેલા તસવીર-પત્રકારો અને સંવાદદાતાઓએ આ દુર્ઘટનાનું દસ્તાવેજીકરણ કરીને પોતાનું કર્તવ્ય બજાવ્યું. ફરજ ઉપર આવેલા ટ્રાફિક પોલીસે ગાંધી-પૂતળાને દોરા-ખાંપણ અને નાડાછડી-નારિયેળથી મહાજોખમે મુક્ત કર્યું.

ભૂતકાળમાં દેશ-પ્રદેશમાં ગાંધીજીનાં વિવિધ પૂતળાંને ચશ્માંલાકડી વગરના કરવાના કે તેમનાં પૂતળાં ઉપર દારૂની બાટલી ટિંગાડવાના પ્રયાસો થઈ ચૂક્યા છે. આટલું ઓછું હોય એમખુલ્લી કિતાબ જેવાં ગાંધી જીવન-કવનને લાલ ગવનથી ઢાંકી દેવાના આ દુષ્કૃત્યથી ચિત્તમાં ચિંતા પેસે છે. આજે રાષ્ટ્રપિતાવિરોધી અને એ જ અર્થ-ક્રમમાં રાષ્ટ્રવિરોધી તત્વો બાપુનાં પૂતળાંની મજાક-મશ્કરી અને ઉપેક્ષા-અપમાન કરીને ગાંધીજીના નામનું નાહી નાખવા ઇચ્છે છે. ગાંધીજી પોતાનાં ચિત્રો દોરાવવાના કે છબીઓ પડાવવાના મામલે ઉદાસીન હતા. ગાંધીજી પોતાનાં બાવલાં બેસાડવાના કે પૂતળાં ઊભા કરવાના વિરોધી હતા. આપણે જો ગાંધીજીનાં પૂતળાંનાં સાચવણ અને સન્માન ન કરી શકીએ તો બહેતર છે કે એ પૂતળાં હટાવી લઈએ.

અહીં એ યાદ રાખી લઈએ કે, જેઓ જીવનભર કફન બાંધીને જ ઝઝૂમ્યા છે તેવા ગાંધીજીને મરણ-ચાદર ઓઢાડનારા આપણે કોણ? શું કોઈ પાગલ આવું કૃત્ય કરે? આવું કૃત્ય કરે એને કેવળ પાગલ કહેવાય ખરો? શું આ કોઈ ધાર્મિક વિધિ, તાંત્રિક અંધશ્રદ્ધા કે રાજકીય કિન્નાખોરી છે? કોઈ માણસ ગાંધીજીને પૂછે : “બાપુ, આ મામલે તમારે શું કહેવું છે?” ગાંધીજીનો જવાબ આ મતલબનો હોઈ શકે : “ખાંપણ ખાદીનું હોત તો સારું! વળી, તે લાલ રંગના બદલે સફેદ હોત તો અન્ય ખપમાં પણ લઈ શકાત.” આપણે એ પણ સમજી લઈએ કે, ગાંધી આચાર-વિચારની મોંઘી થાપણ એમ કાંઈ ખાંપણથી ઢાંકી ઢંકાય એમ નથી. હે ગુજરાત, તને તો ખબર છે ને કે જન્મે ગુજરાતી, ધર્મે હિંદુ, કર્મે રાષ્ટ્રપિતા ગાંધીજી વિશ્વવિભૂતિ છે અને વિશ્વઅનુભૂતિ પણ!

--------------------------------------------------------------------------
સહ પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ
--------------------------------------------------------------------------
સૌજન્ય : 'નિરીક્ષક', 16-05-2014, પૃષ્ઠ : 02

Thursday, May 15, 2014

નોખા યુવાનો માટે અનોખો ગ્રામશિલ્પી કાર્યક્રમ


ઉપક્રમ : ગ્રામશિલ્પી કાર્યક્રમ માટેનો પાંચ દિવસનો પસંદગી-શિબિર   

સહયોગી સંસ્થાઓ : ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, અમદાવાદ

ઉમેદવાર : તન અને મનથી યુવાન ભાઈઓ-બહેનો

આત્મશ્રદ્ધા : ગાંધીવિચાર દ્વારા સમાજવિકાસ

તૈયારી : આજીવન ગ્રામોત્થાન-કાર્ય

પસંદગી : ગ્રામશિલ્પી કાર્યક્રમ અંગેની પ્રાથમિક સમજ, સર્વાંગી વ્યક્તિત્વ, અને રૂબરૂ મુલાકાત

સંપર્ક સારુ સમય સીમારેખા : ૧૫-૦૫-૨૦૧૪

સઘળી માહિતી માટે મળવા જેવા માણસો :
અમિત જે. શાહ : ૦૭૯-૨૬૪૮૮૭૪૩, ૦૯૭૨૩૧૩૨૩૩૪
પાર્થેશ પંડ્યા :  ૦૭૯-૨૬૮૪૪૭૪૨, ૦૯૮૨૫૪૧૨૮૪૧

-------------------------------------------------------------------------------------------------------


Wednesday, May 14, 2014

Tuesday, May 13, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 798


પૂ છ પર છના બહાને છ ગન સાથે વખત પર જઈને પ રાગને પ તાવી દેવા બદલ રા પરના ર તનની ધરપકડ (!)

પૂછપરછના બહાને છગન સાથે વખતપર જઈને પરાગને પતાવી દેવા બદલ રાપરના રતનની ધરપકડ


Sunday, May 11, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 796


'આપણા સમાજમાં સ્ત્રી ણી પાછળ જોવા મળે છે.' (!)
'આપણા સમાજમાં સ્ત્રી ણી પાછળ જોવા મળે છે.'


Tuesday, May 6, 2014

'સાર્થક' જયારે 'જલસો' અને જલસો જયારે સાર્થક થાય છે ત્યારે ...


સામગ્રી-સૌજન્ય : બીરેન કોઠારી


આપના વાચન માટે ’સાર્થક જલસો’નો બીજો અંક ઉપલબ્ધ છે.

તમારા ગામ-શહેરમાં અંક ક્યાંથી મળશે, એની જાણકારી માટે સંપર્ક કરો :
વિનોદ એજન્સી : 079-25510104, 98254 84098

હાર્ડ કોપી ઓનલાઇન મેળવવા માટે સંપર્ક કરો :
http://www.gujaratibookshelf.com/index_detail.php?bookn=3891

વધુ વિગત માટે સંપર્ક કરો :
કાર્તિક શાહ : 98252 90796

કેટલાક મિત્રોએ જાહેર પુસ્તકાલયોમાં પોતાના તરફથી વહેંચવા માટે આ અંકની પચીસ-પચાસ-સો નકલો નોંધાવી છે. તમે પણ ઇચ્છો તો નક્કર વાચનના પ્રસારમાં આ રીતે અને નિમિત્તે મદદરૂપ થઈ શકો છો. આ યોજનામાં છાપેલી કિંમત ઉપર વળતર ઉપરાંત પુસ્તકાલયોમાં અંકો મોકલવાની કામગીરી અને તેનો ખર્ચ ’સાર્થક પ્રકાશન’ ભોગવશે.
સાર્થક વાચન માટે શુભેચ્છા.
'જલસા'ના લેખ અને લેખકોની ઝલક :


Inline image 4



Monday, May 5, 2014

રાય બહાદુર રણછોડલાલ છોટાલાલની સ્મૃતિમાં


રાય બહાદુર રણછોડલાલ છોટાલાલ
Photograph of a picture : Ashwinkumar / ચિત્રની છબી : અશ્વિનકુમાર
અચ્યુત ચિનુભાઈ
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર 
આશુતોષ ભટ્ટ
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર 
ડૉ. મકરંદ મહેતા
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર  
ડૉ. રિઝવાન કાદરી
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર 
શ્રોતાગણ
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર 
શ્રોતાગણ
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર



ઉપક્રમ : રાય બહાદુર રણછોડલાલ છોટાલાલ (૧૮૨૩-૧૮૯૮)નાં જીવન-કવન વિષયક ચર્ચા
આયોજક : રણછોડલાલ છોટાલાલનાં પરિવારજનો
વિશેષ વ્યાખ્યાન : ડૉ. મકરંદ મહેતા અને ડૉ. રિઝવાન કાદરી
તારીખ : ૦૪-૦૫-૨૦૧૪
વાર : રવિ
સમય : સાંજે ૦૫:૩૦થી ૦૭:૩૦
સ્થળ : બેરોનેટ હવેલી, દેસાઈની પોળ, ખાડિયા, અમદાવાદ : ૩૮૦ ૦૦૧


Saturday, May 3, 2014

અધ્યાપકો માટે 'ગાંધી વિચાર અને ઉચ્ચ શિક્ષણ ' વિષયક શિબિર


ગાંધીકથાકાર અને ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ નારાયણ દેસાઈ (જન્મ : 24-12-1924)નાં સાન્નિધ્ય અને માર્ગદર્શનમાં, અધ્યાપકો સારુ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 'ગાંધી વિચાર અને ઉચ્ચ શિક્ષણ' વિષયક આ શિબિરમાં ગૂજરાત વિદ્યાપીઠના પચીસ અને ગુજરાતનાં અન્ય વિશ્વવિદ્યાલયોના પચીસ એમ કુલ પચાસ અધ્યાપકો ભળશે. શિબિરાર્થીઓએ પ્રાર્થના, સફાઈ, શ્રમકાર્ય, રસોઈકાર્ય, બૌદ્ધિક સત્રો, જૂથચર્ચા, હળવી રમતો, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવો ફરજિયાત છે. શિબિર-સ્થળે કદાચ વ્યક્તિગત અગવડ પડે, પણ જીવનનો આનંદ મળી શકે એમ છે. શિબિરાર્થીઓએ જરૂરી પણ ખપપૂરતી સાધન-સામગ્રી લઈને આવવાનું રહેશે.

અમદાવાદથી સુરત થઈને વેડછી વચ્ચેનું ત્રણસો કિલોમીટરનું અંતર સડકમાર્ગે કાપવું હોય તો આશરે છ કલાક લાગે છે. આ માટે 01-06-2014, રવિવારના રોજ બપોરે બરાબર બાર કલાકે ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : 380 014થી વેડછી જવા માટે બસ રવાના થશે. જે શિબિરાર્થીઓને આ વ્યવસ્થા અને વખત અનુકુળ ન હોય તેઓએ સ્વખર્ચે 01-06-2014, રવિવારના રોજ સાંજે છ સુધીમાં વેડછી પહોંચી જવાનું રહેશે. શિબિરાર્થીઓને કોઈ પણ પ્રકારના ભાડાં-ભથ્થાં આપવામાં આવશે નહીં. 


શિબિર-સ્થળ : સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછી, તાલુકો : વાલોડ, જિલ્લો : તાપી

તારીખ : 1-06-2014, રવિવારથી 05-06-2014, ગુરુવાર
સમય : સવારના છથી રાત્રિના દસ

તમે આ શિબિરમાં શા માટે સહભાગી થવા માગો છો એ અંગે 200 શબ્દોનું લખાણ કરીને, 25-05-2014 સુધીમાં આ સરનામે મોકલશો :

ડો. સુદર્શન આયંગાર, કુલનાયક
કુલનાયક કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : 380 014
દૂરભાષ : ૦૭૯- ૪૦૦૧૬૨૦૦ / ૦૭૯- ૪૦૦૧૬૨૦૩