Friday, May 16, 2014

ગાંધીજીના પૂતળાને મરણ-ચાદર


ડૉ. અશ્વિનકુમાર
--------------------------------------------------------------------------------------

પહેલી મે, ૨૦૧૪ની સવારે આઠની આસપાસ એક અધ્યાપક મિત્રે ખબર આપી. આ ખબર કેવળ સનસનાટીપૂર્ણ જ નહીં, શરમજનક પણ હતી. અમે ઘટનાસ્થળે તાબડતોબ પહોંચ્યા. અમદાવાદના આશ્રમ માર્ગ ઉપર, આયકર ભવન કાર્યાલય પાસે, ચાર રસ્તાની મધ્યે, દાંડીયાત્રી ગાંધીજીનું પૂતળું લાલ રંગના ખાંપણમાં ઓઢાડેલું જોયું. જે પગથી ગાંધી આજીવન અને મક્કમ ડગ માંડતા રહ્યા એ પગ ઉપર નાડાછડીથી નારિયેળ બાંધેલું હતું. પૂતળાનાં બન્ને હાથ અને બન્ને પગ ઉપર લાલ દોરા વીંટાળવામાં આવ્યા હતા. જમીન ઉપર કંકુની ખુલ્લી દાબડી, ધાન્યના વેરાયેલા દાણા, ફોડવામાં આવેલું ઠીકરું ... મરણવિધિની પાકી સાબિતી પૂરી પાડતાં હતાં.

ગુજરાતના સ્થાપના દિવસે, રાજ્યના હૃદય-નગર અને ગાંધીના આસ્થા-આસન અમદાવાદમાં તેમના બે આશ્રમોની વચ્ચે, જાહેર રસ્તા ઉપર ગાંધીજીનું આવું આયોજનબદ્ધ અપમાન કરવા માટેની વિચારસરણી અને એમાં ઘી હોમવા માટેનું વાતાવરણ તૈયાર થઈ ચૂક્યું છે. હવાના જોરે ખાંપણ ખભેથી સરકીને ગાંધીજીના હાથ તરફ આગળ વધ્યું. કેટલાક નાગરિકો પૂતળાનો વેશપલટો નવાઈ આંજેલી નજરે નિહાળીને આગળ વધતા હતા. એટલામાં, અધિકૃત સ્રોત થકી પહોંચેલા તસવીર-પત્રકારો અને સંવાદદાતાઓએ આ દુર્ઘટનાનું દસ્તાવેજીકરણ કરીને પોતાનું કર્તવ્ય બજાવ્યું. ફરજ ઉપર આવેલા ટ્રાફિક પોલીસે ગાંધી-પૂતળાને દોરા-ખાંપણ અને નાડાછડી-નારિયેળથી મહાજોખમે મુક્ત કર્યું.

ભૂતકાળમાં દેશ-પ્રદેશમાં ગાંધીજીનાં વિવિધ પૂતળાંને ચશ્માંલાકડી વગરના કરવાના કે તેમનાં પૂતળાં ઉપર દારૂની બાટલી ટિંગાડવાના પ્રયાસો થઈ ચૂક્યા છે. આટલું ઓછું હોય એમખુલ્લી કિતાબ જેવાં ગાંધી જીવન-કવનને લાલ ગવનથી ઢાંકી દેવાના આ દુષ્કૃત્યથી ચિત્તમાં ચિંતા પેસે છે. આજે રાષ્ટ્રપિતાવિરોધી અને એ જ અર્થ-ક્રમમાં રાષ્ટ્રવિરોધી તત્વો બાપુનાં પૂતળાંની મજાક-મશ્કરી અને ઉપેક્ષા-અપમાન કરીને ગાંધીજીના નામનું નાહી નાખવા ઇચ્છે છે. ગાંધીજી પોતાનાં ચિત્રો દોરાવવાના કે છબીઓ પડાવવાના મામલે ઉદાસીન હતા. ગાંધીજી પોતાનાં બાવલાં બેસાડવાના કે પૂતળાં ઊભા કરવાના વિરોધી હતા. આપણે જો ગાંધીજીનાં પૂતળાંનાં સાચવણ અને સન્માન ન કરી શકીએ તો બહેતર છે કે એ પૂતળાં હટાવી લઈએ.

અહીં એ યાદ રાખી લઈએ કે, જેઓ જીવનભર કફન બાંધીને જ ઝઝૂમ્યા છે તેવા ગાંધીજીને મરણ-ચાદર ઓઢાડનારા આપણે કોણ? શું કોઈ પાગલ આવું કૃત્ય કરે? આવું કૃત્ય કરે એને કેવળ પાગલ કહેવાય ખરો? શું આ કોઈ ધાર્મિક વિધિ, તાંત્રિક અંધશ્રદ્ધા કે રાજકીય કિન્નાખોરી છે? કોઈ માણસ ગાંધીજીને પૂછે : “બાપુ, આ મામલે તમારે શું કહેવું છે?” ગાંધીજીનો જવાબ આ મતલબનો હોઈ શકે : “ખાંપણ ખાદીનું હોત તો સારું! વળી, તે લાલ રંગના બદલે સફેદ હોત તો અન્ય ખપમાં પણ લઈ શકાત.” આપણે એ પણ સમજી લઈએ કે, ગાંધી આચાર-વિચારની મોંઘી થાપણ એમ કાંઈ ખાંપણથી ઢાંકી ઢંકાય એમ નથી. હે ગુજરાત, તને તો ખબર છે ને કે જન્મે ગુજરાતી, ધર્મે હિંદુ, કર્મે રાષ્ટ્રપિતા ગાંધીજી વિશ્વવિભૂતિ છે અને વિશ્વઅનુભૂતિ પણ!

--------------------------------------------------------------------------
સહ પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ
--------------------------------------------------------------------------
સૌજન્ય : 'નિરીક્ષક', 16-05-2014, પૃષ્ઠ : 02

No comments:

Post a Comment