Saturday, September 5, 2020

એક રૂપિયાનું મૂલ્ય સતત વધતું રહ્યું છે! // ડૉ. અશ્વિનકુમાર


સંસ્થાના મધ્યસ્થ ગ્રંથાલયમાં ધ્યાનસ્થ થવા જઈ રહ્યો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતી, મારી એક પૂર્વ વિદ્યાર્થિનીએ મને રસ્તામાં જ અટકાવ્યો. મેં એને અટકાવી. કારણ કે, એ મને પગે લાગવા જતી હતી. કોઈ મને પગે લાગે એટલે મને બહુ જ સંકોચ થાય છે. કારણ કે, હું કોઈ સાધુ-બાવો કે મૌલવી-પાદરી નથી. અરે, યતિ-સંન્યાસી કે પ.પૂ.ધ.ધૂ. ૦.૧૦૦૮ પણ નથી! જોકે, મેં એને એક વાક્યનો ઉપદેશ તો આપી દીધો : "કોઈને પગે લાગવું નહીં, કોઈને પગે લગાડવા પણ નહીં!" એણે પહેલાં સ્મિત કર્યું. પછી વાત કરી : "મને નોકરી મળી ગઈ છે."

કોઈ વિદ્યાર્થી 'બેરોજગારી' નામના શબ્દમાંથી પહેલા અક્ષરને ઊંચકીને ફેંકી દે ત્યારે સૌથી વધુ આનંદ એના અધ્યાપકને થવો જોઈએ. મને પણ આ આનંદ લાધ્યો. મેં એને કહ્યું : "બહુ સરસ, ખૂબ અભિનંદન". તેણે મારા અભિનંદનને આભારસૂચક સ્મિત દ્વારા ઝીલવાનો સફળ પ્રયાસ કર્યો. ત્યાર બાદ એણે એક જ શ્વાસે કેટલાક શબ્દો ઉચ્ચાર્યા : "મારી પ્રથમ નોકરીનો પહેલો મહિનો પૂરો થયો છે. તેનો પહેલો પગાર પણ મને મળી ગયો છે. આ પગારનું મારે મન વિશેષ મહત્ત્વ છે. તમે પણ આ માટે નિમિત્ત બન્યા છો." આટલું બોલીને તેણે પાકીટમાંથી એક રૂપિયાનો એક સિક્કો કાઢ્યો અને કહ્યું : "આ રૂપિયો મારા પહેલા પગારનો છે. તમારા પ્રત્યે સદ્ભાવ વ્યક્ત કરવા માટે આ એક રૂપિયો તમને આપું છું. સારા શુકન ગણીને એને સ્વીકારશો."

હું આશ્ચર્યથી ચકિત અને સ્નેહથી ગદ્ગદિત થઈ ગયો. મેં એણે વ્યક્ત કરેલા ઋણસ્વીકારનું માન રાખીને ધનસ્વીકાર કર્યો. આ એક એવું ધન હતું, જેણે મને ધન્ય બનાવી દીધો. એક રૂપિયાના આ સિક્કાને એક પણ ખૂણો ન હોવા છતાં, મેં તેને તમામ ખૂણેથી ધારી-ધારીને અવલોક્યો. એક રૂપિયાથી અનેક હજાર ગણા રૂપિયાનો પગાર મેળવતો હોવા છતાં આ રૂપિયો મને મહામૂલો લાગ્યો. એ સિક્કો મારા ખિસ્સાનો હિસ્સો બની ગયો. પળે પળે હું એ સિક્કાનો ભાર નહીં, પણ તેનું ‘વજન' અનુભવતો રહ્યો.

મેં એ રૂપિયાને ઘણા બધા દિવસ ખૂબ જ કાળજીપૂર્વક સાચવ્યો. પણ એક દિવસ ન બનવાનું બની ગયું! હું અધ્યયનકાર્યમાં વ્યસ્ત (કે પછી અસ્તવ્યસ્ત!) હતો. એટલામાં જ એક વિદ્યાર્થી આવ્યો. મારી ભાવિ વર્ગકાર્ય માટેની વર્તમાન તૈયારીને ભૂતકાળ બનાવતા તેણે મને કહ્યું : "પાંચ રૂપિયાના છૂટા મળશે?" મેં સ્વ-ભણતરનું મુખ્ય કામ પડતું મૂકીને 'પરચૂરણ' કાર્ય હાથમાં લીધું. એ માટે ખિસ્સામાં (પોતાના જ તો વળી!) હાથ નાખ્યો. મેં બે-બે રૂપિયાના બે સિક્કાની સાથે પેલો એક રૂપિયાનો સિક્કો મેળવી દીધો. પાંચ રૂપિયાનું પરચૂરણ તૈયાર થઈ ગયું. એ વિદ્યાર્થીને છૂટા પૈસા આપતાની સાથે જ એ એક રૂપિયો મારાથી કાયમ માટે છૂટો પડી ગયો.

મેં જિંદગીમાં પહેલી વખત કોઈ નાણાકીય લેવડદેવડ અંગે દુઃખ અનુભવ્યું. એ પીડા પણ ફક્ત, કેવળ, માત્ર એક રૂપિયા માટે! આમ જોવા જઈએ તો મેં પાંચ રૂપિયાના બદલામાં જ પાંચ રૂપિયા આપ્યા હતા. પણ, મને આ વિત્ત-વ્યવહાર સંદર્ભે આદાનપ્રદાન ઓછું અને નાદાનપ્રદાન વધારે લાગ્યું હતું! મારી શૈક્ષણિક કારકિર્દીમાં આ એક રૂપિયો મૂડી રોકાણ સમાન હતો, જે હવે મારા માટે રૂડી મોકાણ સમાન બની ગયો હતો!

આમ તો એ રૂપિયાની કોઈ ઝાઝી કિંમત નહોતી. પણ તેનું નોખું મૂલ્ય તો હતું જ. આથી મેં આ ઘટનામાંથી સમાધાન નામનું તત્ત્વ શોધી કાઢ્યું. એ વિદ્યાર્થિનીએ મારી વિદ્યાપીઠમાં પત્રકારત્વની પારંગત પદવી મેળવી હતી. મેં એના લઘુ શોધનિબંધના માર્ગદર્શકની જવાબદારી પણ નિભાવી હતી. એ વર્ષ ઈ. સ. ૨૦૦૨નું હતું. આથી મેં એ વિદ્યાર્થિની અને એ ખોવાયેલા(?) રૂપિયાની કાયમી યાદગીરીરૂપે એક 'સ્મારક' બનાવવાનું નક્કી કર્યું. આ માટે મેં એક એવા રૂપિયાની શોધખોળ આદરી, જેની પર એ વર્ષ એટલે કે ૨૦૦૨ અંકિત થયેલું હોય. બહુ થોડા પ્રયત્નોના અંતે મેં ઈ. સ. ૨૦૦૨નું જન્મવર્ષ ધરાવતો એક રૂપિયાનો સિક્કો શોધી કાઢ્યો.

મારે આ સિક્કો મારી નજર સામે રાખવો હતો. એ માટે મેં એને મારા કાર્યાલયના મેજ ઉપરના પારદર્શક કાચની નીચે, ગાંધીજીની તસવીરની બાજુમાં ગોઠવી દીધો. આજે પણ સત્યના સંબંધ સમાન ગાંધીજીની છબી સાથે શિક્ષક-વિદ્યાર્થીના સંબંધના સત્ય સમાન એ રૂપિયો શોભી રહ્યો છે.

આપણે રૂપિયાનું સ્થૂળ મૂલ્ય જ જાણતા હોઈએ છીએ. તેનું સૂક્ષ્મ મૂલ્ય તો માણવાનું હોય છે. આટલાં વર્ષોમાં પગાર તો ખૂબ મેળવ્યા છે પણ રૂપિયો તો આ એક જ કમાયો હોઉં એવું લાગે છે. આપણે વર્તમાનપત્રોમાં છાશવારે એવું વાંચીએ છીએ કે રૂપિયાનું મૂલ્ય ઘટતું જાય છે, પણ મારી પાસે રહેલા એ એક રૂપિયાનું મૂલ્ય મને તો સતત વધતું જણાયું છે!

....................................................................................................................
સૌજન્ય:

એક રૂપિયાનું મૂલ્ય સતત વધતું રહ્યું છે!
'દૃષ્ટિ' (ISSN 0971-6629)
'શિક્ષક-વિદ્યાર્થી સંબંધ-સ્મૃતિ' વિશેષાંક, અંક : ૦૯, વર્ષ : ૪૦, સપ્ટેમ્બર, ૨૦૦૪
પૃષ્ઠ : ૦૩-૦૪ 

પુનર્મુદ્રણ :
એક રૂપિયાનું મૂલ્ય સતત વધતું રહ્યું છે!
'ઓપિનિયન' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૦૫-૦૯-૨૦૨૦

1 comment: