Wednesday, February 3, 2016

જ્યારે અમદાવાદમાં દૂધ ‘આબાદ’ હતું

ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

૧૯૯૦ની પૂર્વેનાં એ વર્ષોમાં અમદાવાદમાં ‘આબાદ’ ડેરીનું નામ જાણીતું હતું. શહેરીજનોને સવારે છ આસપાસ અને બપોરે બાર આસપાસ એમ, દિવસમાં બે વખત છૂટક દૂધ મળતું હતું. આ દૂધની રિક્ષા કે ટેમ્પો આવે તે અગાઉ નાગરિકો પોતાનાં વાસણો કતારમાં ગોઠવી દેતા હતા. કેટલાંક ચતુરજનો પોતાના પ્રતિનિધિ તરીકે પથરો મૂકી જતા હતા. હરોળમાં પથરાનું ગૌરવ મોટે ભાગે સચવાતું. ક્યારેક આ પથરાને દૂર ફેંકી દઈને પુરાવાનો નાશ પણ કરવામાં આવતો હતો. અમદાવાદમાં રસ્તાની ધારે, પગદંડી ઉપર સિમેન્ટની પડદી અને છત ધરાવતી સંખ્યાબંધ કેબિન બનાવવામાં આવી હતી. વિસ્તાર અને વસ્તી અનુસાર આ કેબિન આગળ રિક્ષા કે ટેમ્પો દ્વારા, દૂધભર્યાં એલ્યુમિનિયમનાં કેન ઊતરતાં હતાં. દૂધના કેનના ઢાંકણને એલ્યુમિનિયમના તાર અને સીસાની મહોર થકી જડબેસલાક કરવામાં આવતું હતું. જેથી કરીને દૂધની ચોરી કે દૂધમાં પાણીની ભેળસેળ અટકાવી શકાય. દૂધનું વિતરણ કરનાર સંચાલક કેનને ખોલ્યા બાદ, એલ્યુમિનિયમના સળિયા જેવા સાધન થકી દૂધને હલાવીને એકસ્તર કરતા હતા.

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

આબાદ ડેરીના દૂધ વિતરણ કેન્દ્રની બારીની બન્ને બાજુએ ભાઈઓ-બહેનોની કતાર જોવા મળતી હતી. તેઓ દૂધ લેવા માટે બરણી, કમંડળ, ડોલચી, નળી, પવાલી, તપેલી, કીટલી જેવાં વાસણો લઈને આવતાં હતાં. દૂધ વેચવા માટે ૧૦૦, ૨૦૦, અને ૫૦૦ ગ્રામનાં માપિયાંનો ઉપયોગ થતો હતો. દૂધની કેબિનની બારી જેવી ખૂલે કે તરત જ, બન્ને બાજુએથી ઊંચા થયેલા હાથ ખાલી વાસણ અને જરૂરી નાણાં સાથે ધસી જતા હતા. કતારના છેડે ઊભા હોય તેવા ગ્રાહકોને દૂધ મળશે કે નહીં તેની શંકા રહેતી હતી. દૂધનો જથ્થો ઓછો હોય અને ગ્રાહકો વધારે હોય તેવા સંજોગોમાં છેલ્લામાં છેલ્લા માણસ સુધી ચા પૂરતું પણ સો-બસો મિલીલિટર દૂધ મળી રહે એવું આયોજન થઈ રહેતું હતું. એ વર્ષોમાં પાંચ, દશ, વીસ, પચીસ, પચાસ પૈસાના સિક્કા વટથી ચાલતા હતા. દૂધવિતરણકાર્ય સંપન્ન થઈ ગયા બાદ, કેબિન ઉપરથી પાંચ-દશ-વીસ રૂપિયાની નોટના બદલામાં છૂટા પૈસા પણ મળી રહેતા હતા. આ પરચૂરણ સિક્કા માટે ‘ચિલ્લર’ શબ્દ પણ વપરાતો હતો. દૂધનાં વેચાણ બાદ, કેબિનને તાળાં દેવાઈ જતાં હતાં. ખાલી કેનને કેબિનની બહાર મૂકી દેવામાં આવતાં હતાં. જીવદયાના વિચારને વ્યવહારમાં ઉતારનારા ઉત્સાહી મિત્રો ખાલી કેનને ડામરના રસ્તા ઉપર ઊંધું કરી દેતા હતા. જેના કારણે સાવ તળિયે રિસાઈને બેઠેલું દૂધ ધીમી ગતિએ કાળી સડક ઉપર ટપકતું હતું. કૂતરીનાં બચ્ચાંને આ દૂધ ચાટવાની અને શેરીનાં બાળકોને આ દૃશ્ય જોવાની મજા પડતી હતી.

.................................................................................................................................
સૌજન્ય :
જ્યારે અમદાવાદમાં દૂધ ‘આબાદ’ હતું
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૨-૦૨-૨૦૧૬, મંગળવાર

1 comment: