Wednesday, February 10, 2016

ભલા મોરા 'રામા'!

ડૉ. અશ્વિનકુમાર
…………………………………………………………………………………………………

શહેરમાં બાળકો રિક્ષા, વાન, કે બસ દ્વારા ખાનગી શાળાઓ સુધી પહોંચે છે. અમદાવાદમાં એક સમય એવો હતો કે, બાળકો શહેર-સુધરાઈ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં જ શિક્ષણ લેતાં હતાં. શિક્ષણનું માધ્યમ ગુજરાતી હતું. ભાર વિનાનું ભણતર હતું. શાળાઓ ઘરથી ખૂબ નજીક હતી. આથી, મોટા ભાગનાં બાળકો ચાલતાં જ શાળાએ પહોંચી જતાં હતાં. ખાધે-પીધે સુખી ઘરનાં બાળકો ઘોડાગાડીમાં આવજા કરતાં હતાં. સમયાંતરે ખાનગી શાળાઓ ખૂલવા લાગી. જેના કારણે બાળકોને ઘરેથી શાળાએ અને શાળાએથી ઘરે મૂકી જવા માટે તેડાગર બહેનોની જરૂર પડવા લાગી. દરમિયાનમાં, સંપન્ન પરિવારોમાં ઘરકામ કરતાં નોકર ઉર્ફે રામાની સાઇકલ ઉપર સવારી કરીને બાળકો ઘર અને શાળા વચ્ચે અવરજવર કરવા લાગ્યાં.

રામાની સાઇકલ ધ્યાનાકર્ષક હતી. સાઇકલના ગવર્નરને મજબૂત રીતે પકડીને હંકારનાર રામલાભાઈ ગર્વનર જણાતા હતા. બન્ને પેડલ ઉપર વારાફરતી ભાર આપતા રામાજીનો જોસ્સો જોનારને અનુભવાતો હતો. સાઇકલના ગવર્નર ઉપર બે નંગ અરીસા રહેતા. રામલાભાઈ અરીસામાં ડોકિયું કરીને મૂછના આંકડા વાળતા. આ દૃશ્ય કોઈ જોઈ જાય તો રામા શરમાઈને સીતા થઈ જતા! ગવર્નરની જમણી બાજુની ઘંટડી ઉપર તેઓ અંગૂઠો દાબતા રહેતા. ગવર્નરનાં કાળા હેન્ડલની નીચે લાલ-પીળા-લીલા-ભૂરા રંગની પ્લાસ્ટિકની પાતળી પટ્ટીઓનાં ફૂમતાં ફરકતાં રહેતાં. સાઇકલનાં પૈડાંને ઢાંકતાં પાંખિયાંની નીચેના છેડે, રબ્બર-પ્લાસ્ટિકનાં લટકણિયાંમાં અભિનેતાઓ-અભિનેત્રીઓ-રમતવીરો છબીરૂપે સમાઈ જતાં હતાં. સાઇકલના કેરિયર ઉપર લાકડાની લંબચોરસ પાટલી અને એની ઉપર પોચી ગાદી ધરાવતી બેઠકની વિશેષ સગવડ હતી. જેના કારણે એક મોટું કે બે નાનાં બાળકો આરામથી બેસી શકતાં હતાં. ગવર્નર અને રામાબેઠકની વચ્ચેના ડંડા ઉપર, આગળથી સહેજ ચપટી પણ ગોળાકાર ગાદી ઉપર એક બાળક ગોઠવાઈ જતું. નીચેના ડંડાએ આવેલા ટેકણિયા સુધી ટેણિયાના પગ પહોંચી જતા. એના દફ્તરનો ભાર રામલાભાઈનો ખભો ઉપાડી લેતો. આમ, માલિકનાં બાળકોને ઘરેથી શાળાએ મૂકવા અને પરત લઈ આવવાનું કામ રામલાભાઈ હોંશે-હોંશે કરતા હતા. રામાઓની સાઇકલ ઉપર બેસીને શાળાએ ગયેલાં બાળકો આજે ઘણાં આગળ નીકળી ગયાં હશે. પરંતુ રામાઓનાં બાળકો કેટલાં આગળ વધ્યાં હશે?!

…………………………………………………………………………………………………
સૌજન્ય : 
ભલા મોરા 'રામા'!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧ અને ૦૨, 'દિવ્ય ભાસ્કર', ૦૯-૦૨-૨૦૧૬, મંગળવાર

No comments:

Post a Comment