Tuesday, February 23, 2016

તમે લગ્નમાં છેલ્લે ક્યારે મહાલ્યાં હતાં?

આપણું અમદાવાદ 

ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

એ વખતે શહેરમાં મોકળાશ હતી. સંયુક્ત કુટુંબપ્રથા હતી. ગમે તેટલું વાજબી રાખો તોપણ, પરિવારમાં બેથી વધારે બાળકો હતાં. માતરાઈ-પિતરાઈ ભાઈઓ-બહેનો ફેસબૂક-વ્હોટ્સઅપ ઉપર નહોતાં એટલે એકબીજાને રૂબરૂ મળતાં હતાં. જ્ઞાતિની વાડીઓથી માંડીને ધર્મસ્થાનકો, સરકારી શાળાઓથી માંડીને જાહેર રસ્તાઓ, સોસાયટીની ખુલ્લી જગ્યાથી માંડીને ચાલીની સાંકડી જગ્યામાં પણ લગ્નપ્રસંગ સચવાઈ જતો હતો. ઘરઆંગણે આવેલા અવસરને પાર પાડવા માટે પરિવાર-પડોશનાં સ્ત્રીઓ-પુરુષો, સગાં-વહાલાં, જ્ઞાતિજનો-મિત્રમંડળ યથાશક્તિ ફાળો ભરતાં હતાં. કંકોતરી વહેંચવાથી માંડીને ચાંદલાવહેવારનો હિસાબ રાખવા સુધીની જવાબદારી સોંપવામાં આવતી અને હોંશે-હોંશે પાર પાડવામાં આવતી હતી. કેટલાક દિવસો અગાઉ સીધું-સામાનની ખરીદી થતી. અનાજ-કરિયાણાં સાફ થતાં. 'અર્થ' અને 'તંત્ર' અનુસાર લગ્નનું ભોજન પણ નક્કી રહેતું. લાડું કે મોહનથાળ, ફૂલવડી કે પાપડ, વાલ કે બટાકાનું શાક, રોટલી કે પૂરી, દાળ વત્તા ભાત સાથે થાળી અને પેટ ભરાઈ જતાં. કેટલીક જ્ઞાતિઓનાં લેખિત બંધારણમાં જાનૈયાઓની સભ્યસંખ્યા પચીસ જ નક્કી કરવામાં આવી હતી. વળી, જાનને શીરો-દાળ-ભાત જ પીરસવામાં આવતાં હતાં. લગ્નમાં આવો સાદગીપૂર્ણ અને પર્યાવરણીય અભિગમ ધરાવતી જ્ઞાતિઓને 'પછાત' કહેવાની ભૂલ કરવા જેવી નથી.

કુટુંબનાં સ્ત્રીઓ-પુરુષો મુખ્ય રસોઈયાને વિવાહની વાનગીઓ બનાવવામાં મદદ કરતાં હતાં. જાનૈયા, લગનિયા, પિયરિયાં, મોસાળિયાં, નોતરિયાં એમ સહુ પંગતમાં સમાઈ જતાં હતાં. પાટલા-પાથરણાં કે ટેબલ-ખુરશી, પતરાળાં-પડિયા કે થાળી-વાડકા, ચમચી-પ્યાલા ગોઠવાઈ જતાં. પીરસવાની પણ પદ્ધતિ હતી. પરિવારના મોભી કે મોટા ભાઈ પંગતને 'ગળી વાની' પીરસવાનું માન મેળવતા હતા. બધાંને બધી જ ચીજ પીરસાઈ જાય પછી જ કોળિયો આકાર લેતો હતો. ખોરાકનો બગાડ થતો તો 'આરોપી' શરમ અનુભવતો અને આજુબાજુ બેઠેલા સાક્ષીવીરો તેની ગંભીર નોંધ લેતા હતા. જાન બે-ત્રણ દિવસ રોકાતી. પરિચિતના ઘરે જાનીવાસો આપવામાં આવતો હતો. જાનૈયાઓ માટે દાતણથી માંડીને શિરામણ અને ભોજનથી માંડીને પાનબીડી સુધીની સગવડ સાચવી લેવામાં આવતી હતી. લગ્નમાં 'બજારીકરણ' નહોતું પ્રવેશ્યું એટલે 'સામેલગીરી' હતી. દરેકને પ્રસંગ પોતીકો લાગતો હતો. એ વખતે લગ્નમાં મહાલવાની બહુ મજા પડતી. લગ્ન વર કે વહુનો જ નહીં, પણ સહુનો અવસર બની રહેતો.

…………………………………………………………………………………………………
સૌજન્ય :

તમે લગ્નમાં છેલ્લે ક્યારે મહાલ્યાં હતાં?
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧ અને ૦૨, 'દિવ્ય ભાસ્કર', ૨૩-૦૨-૨૦૧૬, મંગળવાર

No comments:

Post a Comment