Tuesday, February 16, 2016

નદીની રેત ઊંચકતાં ગધેડાં મળે ન મળે !

આપણું અમદાવાદ 

ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક
…………………………………………………………………………………………………

એ વખતે અમદાવાદ શહેરમાં બાંધકામ માટે સાબરમતી નદીના પહોળા પટમાંથી રેતી લેવાતી હતી. જોકે, આ રેત ખટારા દ્વારા નહીં, પણ ગધેડાં દ્વારા બાંધકામ-સ્થળ ઉપર પહોંચતી હતી. વણજારા કે ઓડ જેવી જ્ઞાતિઓ માટે ગધેડાં આજીવિકા-આધાર બની રહેતાં હતાં. ગધેડાંની સંખ્યાના આધારે એ નાતમાં માણસનો મોભો પડતો હતો. પીઠ ઉપર રેતી ઊંચકીને ગધેડાં મહોલ્લા-ચાલી કે પોળ-ગલીમાં પહોંચી જતાં. શણનો ખાલી કોથળો સાવચેતીપૂર્વક કાપીને અને યોગ્ય રીતે સાંધીને ગધેડાંની પીઠ ઉપર એવી રીતે ગોઠવવામાં આવતો કે જેથી કરીને તેનો વચ્ચેનો ભાગ પીઠ ઉપર રહે અને છેડાના બન્ને ભાગમાં રેતી ભરી શકાય. આ બે ભાગ જાણે કે ગધેડાંનાં ગજવાં જેવાં લાગતાં. જેમાં આશરે પાંચ-પાંચ તગારાં રેતી સમાઈ શકે. કોઈ એક ગધેડાની પીઠ ઉપરના કોથળામાં ભરેલી રેતીમાં પાવડો ખોસેલો જોવા મળતો.

વણજારી કે ઓડણ પરંપરાગત ચણિયા-ચોળી-કાપડું પહેરતી અને માથે ઓઢણું રાખતી. હાથ-પગ-ચહેરા ઉપર છૂંદણાં ત્રોફાવતી. તેના હાથમાં કાંડાથી ખભા સુધી બલૈયાં અને સેંથીની સીધી લીટીથી કપાળમધ્યે લટકતો ચાંદીનો ટિક્કો જોવા મળતો. પગમાં સપાટા પહેરીને ઝપાટાભેર ડગ માંડતી. હાથમાં લાકડી રાખતી અને બે-બેની હરોળમાં ચાલતાં ગધેડાંને ટપારતી રહેતી. કહ્યાંમાં ન રહે તેવાં ગધેડાંને ડફણાં પડતાં અને તેઓ હોં...ચી ... હોં...ચી કરતાં. ગધેડાંના પ્રવેશથી શેરીનાં કૂતરાં ભસતાં અને તેમની પાછળ પડતાં. આવાં શ્વાનને ગર્દભ દ્વારા પશ્ચાત-ઉન્નત-પાદપ્રહારનો અણધાર્યો લાભ પણ મળતો. બાંધકામની જગ્યાએ 'કેટલાં ગધેડાં રેતી ઠાલવવાની છે?'ની જગ્યાએ 'કેટલાં ગધેડાં જોઈએ?' એવો જ સવાલ સંભળાતો. જૂની પેઢીએ એક ગધેડાની રેતીનો ભાવ કેટલાક આનાથી માંડીને થોડાક રૂપિયા સુધીનો આપ્યો છે. રેતી ઠાલવીને પરત થતાં ગધેડાં દરેક વખતે ખાલી પીઠે ન જતાં. ક્યારેક ઈંટ-રોડાં ખસેડવા માટે પણ તેમનો ઉપયોગ થતો. ગધેડાંને ચલાવવા માટે ન તો મોંઘા ભાવનાં ડીઝલ-પેટ્રોલની જરૂર પડતી કે ન તો તેઓ પ્રદૂષણ ફેલાવતાં. ગધેડાં ન ઝાઝો રસ્તો રોકતાં, ન બહુ ભીડ કરતાં. આજના શહેરમાં બી.આર.ટી.એસ.(બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ)નું વિસ્તરણ થાય અને ડી.આર.ટી.એસ.(ડોન્કી રિલાયેબલ ટ્રાન્સપોર્ટ સર્વિસ)નું સંકોચન થાય એને 'વિકાસ' કહેવાય છે!

…………………………………………………………………………………………………
સૌજન્ય :

નદીની રેત ઊંચકતાં ગધેડાં મળે ન મળે !
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧ અને ૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૬-૦૨-૨૦૧૬, મંગળવાર

2 comments:

  1. Sachej, Shu aanu ja naam te "Vikas".

    Na Mara baap, aane koi rite Vikas kaheyay: Aaa to naryu Shrusti nu patan. Ghor Kaljug baapa

    ReplyDelete