Tuesday, May 3, 2016

ફ્રીઝ સામે મલકાતી માટલી !

આપણું અમદાવાદ 
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

એક સમયે શહેરમાં તવંગરોનાં ઘરોમાં જ ફ્રીઝ હતાં. આજે મધ્યમવર્ગીય પરિવારો માટે ફ્રીઝને જરૂરિયાતનું સાધન ગણવામાં આવે છે. જોકે, દ્વિ-દ્વાર શીતક અર્થાત ડબલ-ડોર રૅફ્રિજરેટર હોય છતાં ઘરમાં માટલું ન હોય તો એ ઘર ખરેખર ગરીબ કહેવાય! જેને ફ્રીજનાં પાણીથી શરદી થઈ જવાની બીક લાગતી હોય કે બરફનાં પાણીથી તરસ સંપૂર્ણપણે ન સંતોષાતી હોય તેવા શહેરીજનો માટલીમાતાના શરણે જાય છે. અમદાવાદમાં ઉનાળો આકરો હોવાથી ગરમી શરૂ થતાંની સાથે ઘરમાં નવી માટલીનું આગમન થાય છે. રસોડાનું પાણિયારું એટલે માટલીનું કાયમી સરનામું. ગરમીના દિવસોમાં માટલીની કામચલાઉ બદલી રસોડામાંથી ઓસરીમાં થાય પણ ખરી. ઘરના જે ખૂણે સીધો તડકો ન આવતો હોય અને પવન વાતો હોય ત્યાં માટલીને મૂકવામાં આવતી. માટલીનું તળિયું ગોળાકાર હોવાથી તેને માટી કે ધાતુના કાંઠલા ઉપર બેસાડવી પડતી. માટલીની ફરતે શણના કોથળાનો કાપેલો કકડો વીંટાળવામાં આવતો. એની ઉપર ધીમી ધારે પાણી રેડવામાં આવતું. શણનો કકડો ભીનો થતો અને એનો બહારની હવા સાથે સીધો સંપર્ક થવાથી માટલીનું પાણી ટાઢું થતું. ઘરમાં શણનો કોથળો હાથવગો ન હોય તો વિકલ્પ તરીકે પિતાજીનું જૂનું બનિયન કામમાં આવતું. મમ્મી તેમાંથી લાંબો ટુકડો કાપીને તેને માટલીએ વીંટાળતી. ઘેરાવો ધરાવતી માટલી જ્યારે ગંજી ધારણ કરે ત્યારે ફાંદાળા પપ્પા બેઠાં હોય એવું લાગે!

એ જમાનામાં નળવાળી માટલીઓ જન્મતી નહોતી એટલે માટલીમાંથી પાણી લેવા માટે ડોયાનો ઉપયોગ કરવો પડતો. પ્યાલો સીધો માટલીમાં નાખો તો ઘરના વડીલોની કચકચ સાંભળવી પડતી. ડોયા વાટે પાણી લઈને માટલીને બુઝારા વડે ફરીથી ઢાંકી દેવી પડતી. આ રીતે માટલી, કાંઠલો, બુઝારું, ડોયો, પ્યાલો એટલે પાણિયારા ઉપર બેઠેલું તરસ-નિવારણ પંચ! નવી માટલી ઝમે તો જ પાણી ટાઢું થાય એમ કહેવાતું. માટલી પણ પાણી ઠંડું કરવા માટે જાણે પરસેવો પાડતી હોય એમ લાગતું. માટલી નવી હોય ત્યારે એમાંથી પાણી પીએ એટલે સ્વાદવિહીન, રંગવિહીન, ગંધવિહીન પાણીમાં માટીની મહેક ભળતી. રોજ સવારે માટલીને વીછળીને સાવચેતીપૂર્વક પાણી ભરવું પડતું. આ કામ મા-બહેન-ભાભીના હાથે કે માથે લખાયેલું હતું. અણઘડ જણ માટલીનો કંઠભાગ પકડીને તેને જોરથી વીછળે તો માટલી ફસકાઈ જાય એવું પણ બને. ચોકડીની પાળી કે પાણીની ચકલી સાથે માટલીની અથડામણ થાય તો માટલીને તડ પડી જતી. તિરાડ બારીક હોય તો માટલીને વજ્રચૂર્ણ(સિમેન્ટ)નો સાંધો કરવામાં આવતો. આવી શસ્ત્રક્રિયાના કારણે માટલીની સુંદરતા ઘટતી, પણ ઉપયોગિતા જળવાઈ રહેતી!

…………………………………………………………………………………………………
સૌજન્ય :

ફ્રીઝ સામે મલકાતી માટલી !
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૦૩-૦૫-૨૦૧૬, મંગળવાર

4 comments:

  1. અશ્વિનભાઈ, તમારી કોલમ કે પોસ્ટ વાંચવાની બહુ મજા આવે છે. અને એનાં કારણોમાં તમારી આગવી શૈલી, જાણીતા અંગ્રેજી શબ્દોનો ભદ્રમભદ્રી ગુજરાતી તરજુમો, જુનવાણી કહી શકાય તેવી નાનીનાની બાબતો વિશેનુંય તમારું બારીક જ્ઞાન, પોતીકી સર્જકતા અને વિશયાનુંરૂપ વિનોદી વ્યગ્ય! ગમ્મત સાથે જ્ઞાનની આ યાત્રા જરી રહો. થેન્ક્સ.

    ReplyDelete
  2. આદરણીય નીરવભાઈ,
    પ્રતિભાવ બદલ આભાર.
    તમે ખૂબ ઝીણું અવલોક્યું છે, તે જાણીને રાજીપો થયો.
    પ્રત્યક્ષ કે પરોક્ષ, પણ મળતાં રહીએ.
    અશ્વિન

    ReplyDelete
  3. ખુબજ સુંદર સાહેબજી.... 👍👍🙏🙏

    ReplyDelete
  4. વિશાલ દંતાણી ની ચહેરાપોથી (ફેસબુક)ની દીવાલ માંથી આ લખાણ મળ્યું, ઉનાળામાં માટલા નું પાણી પીને જેવી કોઠે ટાઢક થાય તેવી અનુભૂતિ થઈ, મારા તરસ નિવારણ પંચમાં કંસારા એ ઘડેલો તાંબાનો ધડો પણ કાયમી સભ્ય, શિયાળા માં માટલું હોય પણ સક્રિય નહિ અને ઉનાળામાં તાંબા નાં ઘડામાંથી રાત્રે પાણી ઘર બદલે

    ReplyDelete