Tuesday, May 10, 2016

'સેતુ' : સંવેદના સાથેના સર્જનનું સજ્જડ સરનામું


Umashankar Joshi : 1968
Photograph : Shukdev Bhachech (UJ-S26)




આપણું અમદાવાદ 

'સેતુ' : સંવેદના સાથેના સર્જનનું સજ્જડ સરનામું

ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

………………………………………………………

ઉમાશંકર જોશી (૨૧-૦૭-૧૯૧૧થી ૧૯-૧૨-૧૯૮૮) એટલે જાહેર જીવનના સાહિત્યકાર, દીર્ઘદૃષ્ટા શિક્ષણવિદ્દ, મૂલ્યનિષ્ઠ રાજનીતિજ્ઞ. અમદાવાદ સાથે તેમનો સવિશેષ સંબંધ રહ્યો છે. શહેરમાં ઉમાશંકરભાઈનાં રહેઠાણોમાં આનંદનગર સોસાયટી, ચોક્સી-નિવાસ, કુલપતિ-નિવાસ, 'સેતુ' બંગલો એમ વિવિધ ઠેકાણાંનો સમાવેશ થાય છે. એ બધાંમાં 'સેતુ' એ શહેરના હૃદયમાં પડેલી છબીઓમાં સહજ રીતે ઝીલાયેલું સરનામું છે. ઈ.સ. ૧૯૫૭થી 'સેતુ'નિવાસી ઉમાશંકર જોશીએ 'સેતુ', ૨૬, સરદાર પટેલ નગર, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬ના સરનામેથી કંઈ કેટલાય પત્રોનું આદાન-પ્રદાન કર્યું હશે!

'સેતુ' માંહેથી ઉમાશંકર જોશીએ કાવ્યોથી માંડીને નિબંધો, વિવેચનથી માંડીને વ્યક્તિચિત્રોને આકાર આપ્યો હતો. 'સેતુ'નો કિતાબ-કક્ષ 'સંસ્કૃતિ' સામયિકનાં સંપાદન અને લેખન માટેની ઉ.જો.ની ચીવટ અને મહેનતને અંદરખાનેથી જોઈ ચૂક્યો છે. ઉમાશંકરભાઈ કહેતા : "પહેલું સુખ તે આવ્યાં પ્રૂફ, બીજું સુખ તે ઘર સાફસૂફ!" પીરાજી સાગરાએ દોરેલાં બે પ્રકૃતિચિત્રો અને ભૂપેન ખખ્ખરે દોરેલું કવિનું રેખાચિત્ર 'સેતુ'ના બેઠકખંડની દીવાલોનું ગૌરવ છે. "ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી..."ના રચયિતા ઉમાશંકર જોશીને ભાગ્યશાળીઓએ ઘરના બગીચાની હરિયાળી અને શહેરના રસ્તા ઉપર ટહેલતાં જોયા છે.

ઉમાશંકર જોશી 'વાસુકિ' અને મનુભાઈ પંચોળી 'દર્શક' ચાના શોખ માટે જાણીતા હતા. 'સેતુ'માં આ બન્ને જણ ચા સાથે ચર્ચા કરતાં હોય એ દેવદુર્લભ દૃશ્ય હતું! 'ડુંગરના સંતાન'ને મળવા માટે નગરકવિ નિરંજન ભગત 'સેતુ'માં નિયમિત રીતે આવતા. 'સેતુ' એ જયંતિ દલાલથી માંડીને ચુનીલાલ મડિયા સુધીના શબ્દસાધકો સાથેની ઉ.જો.ની ગોષ્ઠિનું સાક્ષીરૂપ છે. દિવાળીમાં 'સેતુ'ની ઓસરી રંગોળીથી રૂપાળી થઈ જતી. સર્જકો પર્વપ્રસંગે કવિને ખાસ મળવા આવતા. ઈ.સ. ૧૯૮૬ની દિવાળીની એક અવિસ્મરણીય સમૂહછબીમાં 'સેતુ'નાં પગથિયાં ઉપર ઉમાશંકર જોશી સાથે પન્નાલાલ પટેલ, ભોળાભાઈ પટેલ, રઘુવીર ચૌધરી, ચંદ્રકાંત શેઠ ઊભેલા છે.


ઉમાશંકરભાઈનાં દીકરી સ્વાતિ જોશી કહે છે કે, "આ ઘરમાં રોજેરોજ કોઈ ને કોઈ મુલાકાતી હોય જ. મેં બાપુજીને 'સેતુ'માં લેખન કરતાં કે વાતચીત કરતાં જ જોયા છે.' કવિગૃહમાં આવતા મુલાકાતીઓનાં બાળકો તરફ ઉમાશંકરદાદાનું ખાસ ધ્યાન અને વિશેષ વહાલ રહેતું. કબાટમાંથી તબલાં કાઢીને, બાળક મિહિરને એના ઉપર થાપ મારવા માટે પ્રોત્સાહિત કરનાર ઉમાશંકરભાઈની વાત્સલ્યમૂર્તિ, કર્મશીલ દંપતી મંદાબહેન અને હસમુખ પટેલના સ્મરણપટ ઉપર આજે પણ જીવંત છે. નવનિર્માણ આંદોલનથી માંડીને આંતરિક કટોકટી, કોમી વિખવાદોથી માંડીને અનામતવિરોધી આંદોલન સંદર્ભે આ જગ્યાએથી કેટકેટલી બેઠકો કરીને ઉમાશંકરભાઈએ નાગરિક-નિસબતની સાબિતી પૂરી પાડી હતી. હે અમદાવાદ, તું સાહિત્ય અને સમાજને જોડતા 'સેતુ'સ્વરૂપ સ્થળને યાદ રાખીશ ને?!

………………………………………………………
સૌજન્ય :

'સેતુ' : સંવેદના સાથેના સર્જનનું સજ્જડ સરનામું
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૦-૦૫-૨૦૧૬, મંગળવાર

7 comments:

  1. Nice sir maja pade vanchva ma 🙏🙏

    ReplyDelete
  2. વાહ... ઉ. જો.ના અમદાવાદ નિવાસ 'સેતુ'ની સુંદર સ્મરણીય છબિ ..

    ReplyDelete
  3. સુન્દર સુન્દર તસ્વીરી ને શબ્દીલી યાદો....જય ભીમ....

    ReplyDelete