Sunday, May 22, 2016

ગાંધીજીએ જ્યારે કોચરબમાં આશ્રમ ખોલ્યો

આપણું અમદાવાદ 
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ કર્યા બાદ, કાઠિયાવાડી પહેરવેશમાં ૦૯-૦૧-૧૯૧૫ના રોજ વતન-પરત થયા. પોતાના રાજકીય માર્ગદર્શક ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહને અનુસરીને, ગાંધીજીએ સ્વદેશ-ભ્રમણ કર્યું. આર્યસમાજી આગેવાન સ્વામી શ્રદ્ધાનંદજીએ એવી માગણી મૂકી હતી કે, ગાંધીએ હરદ્વારમાં વસવું જોઈએ. કલકત્તાના કેટલાક મિત્રોએ એવી સલાહ આપી હતી કે, ગાંધીએ વૈદ્યનાથધામમાં વસવું જોઈએ. કેટલાક મિત્રોએ એવો ભારે આગ્રહ રાખ્યો હતો કે, ગાંધીએ રાજકોટમાં વસવું જોઈએ. જોકે, ગાંધીજી અમદાવાદમાંથી પસાર થયા ત્યારે ઘણા મિત્રોએ તેમને અમદાવાદની પસંદગી કરવા કહ્યું. એટલું જ નહીં, કેટલાક મિત્રોએ તો આશ્રમ માટે મકાન શોધી આપવાનું અને આશ્રમ સારુ ખર્ચ પણ ઉપાડી લેવાનું કબૂલ કર્યું.

ગાંધીજી ‘સત્યના પ્રયોગો’ નામની આત્મકથામાં ‘આશ્રમની સ્થાપના’ પ્રકરણ હેઠળ નોંધે છે : "અમદાવાદ ઉપર મારી નજર ઠરી હતી. હું ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે દેશની વધારેમાં વધારે સેવા કરી શકીશ એમ માનતો હતો. અમદાવાદ પૂર્વે હાથવણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ અહીં જ વધારે સારી રીતે થઈ શકશે એવી પણ માન્યતા હતી. ગુજરાતનું પાટનગર હોવાથી અહીંના ધનાઢ્ય લોકો ધનની વધારે મદદ દઈ શકશે એ પણ આશા હતી." એ સમયે ગાંધીજીને અમદાવાદમાં શેઠ મંગળદાસ ગિરધરદાસ, શેઠ અંબાલાલ સારાભાઈ, સર ચિનુભાઈ, ડૉ. હરિપ્રસાદ દેસાઈ, સુરેન્દ્ર મેઢ જેવા મહાજનો અને સજ્જનો દ્વારા આવકાર અને સહયોગ મળ્યો હતો.

બારિસ્ટર જીવણલાલ વ્રજરાય દેસાઈએ ગાંધીજીને અમદાવાદમાં વસાવવામાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. મોહનદાસ અગિયારમી મે, ૧૯૧૫ના રોજ જીવણલાલ સાથે કોચરબમાં આવેલું એમનું મકાન જોવા ગયા. ગાંધીએ આ જ મકાનને ભાડે લઈને પોતાનો આશ્રમ સ્થાપ્યો. સેવક મોહનદાસે ખરચ વગેરેનું તારણ કાઢીને શેઠ મંગળદાસને આપ્યું. વીસમીના રોજ, નવા ઘરે એટલે કે કોચરબ આશ્રમમાં, ગાંધીભાઈએ ટોપી પહેરીને વાસ્તુ કર્યું. તેઓ બાવીસ મે, ૧૯૧૫ના રોજ ત્યાં રહેવા ગયા. ગાંધીજીએ ૨૫-૦૫-૧૯૧૫ના દિવસે કોચરબ આશ્રમની સ્થાપના કરી. આ આશ્રમ માટે ‘સત્યાગ્રહાશ્રમ’, ‘દેશસેવાશ્રમ’, ‘સેવામંદિર’ પૈકી, ચર્ચા-વિચારણાને અંતે ‘સત્યાગ્રહાશ્રમ’ નામ પસંદ કરવામાં આવ્યું. કારણ કે, ગાંધીજીનું જીવન સત્યની શોધને સમર્પિત હતું.

'સત્યાગ્રહાશ્રમ'નું ધ્યેય વિશ્વહિત-અવિરોધી દેશસેવા હતું. આશ્રમવાસીઓએ પાળવાનાં અગિયાર વ્રતોમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય, અપરિગ્રહ, જાતમહેનત, સ્વદેશી, અભય, અસ્પૃશ્યતાનિવારણ, સહિષ્ણુતાનો સમાવેશ થતો હતો. આશ્રમ-જીવનનાં એકાદશ વ્રતો વ્યક્તિ, સમષ્ટિ, અને સૃષ્ટિ સાથે આંતરસંબંધ ધરાવે છે. અમદાવાદની આશ્રમભૂમિમાં આકાર પામેલાં અગિયાર વ્રતોનું સમજણપૂર્વકનું પાલન પૃથ્વીના ગોળાને કલ્યાણ-જગતમાં પરિવર્તિત કરી શકે તેમ છે.

…………………………………………………………………………………………………
સૌજન્ય :

ગાંધીજીએ જ્યારે કોચરબમાં આશ્રમ ખોલ્યો
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૫-૨૦૧૬, રવિવાર

No comments:

Post a Comment