આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક
…………………………………………………………………………………………………
ગુજરાતી ભાષામાં 'હિસાબકિતાબ' નામનો શબ્દ છે. જે લેણદેણના હિસાબ સંદર્ભે વપરાય છે. આપણે હિસાબ તો ઝાઝો રાખીએ છે, પણ કિતાબ ભાગ્યે જ રાખીએ છીએ! શાળા-કૉલેજમાં પાઠ્યપુસ્તકો સિવાયનું ઇતર વાચન પણ ઓછું થતું રહ્યું છે. ઇન્ટરનેટ ટેકનોલોજિ અને સોશિયલ મીડિયાના આધુનિક યુગમાં, પાનાં ફેરવતાં-ફેરવતાં પુસ્તકને વાંચવાનો વખત અને આનંદ ઘટી રહ્યો છે. જન્મદિવસે અપાતાં પુષ્પગુચ્છની સુગંધ થોડા જ વખતની મહેમાન હોય છે. આ જ પ્રમાણે, શુભ પ્રસંગોએ અપાતી ભેટોની ઉપયોગિતા એક હદથી વધારે હોતી નથી. એટલે જ, ગુલદસ્તા અને ભેટસોગાદ કરતાં પુસ્તકોની ભેટ નિત્ય પ્રસ્તુત સાબિત થાય છે. પ્રત્યેક પરિવારે રોજનો ઓછામાં ઓછો એક કલાક સમૂહમાં ગ્રંથવાચન માટે ફાળવવો જોઈએ. દર વર્ષે ત્રેવીસમી એપ્રિલે 'વિશ્વ પુસ્તક દિવસ'ની ઉજવણી થાય છે. આપણે પરિવારજન, પાડોશી, પરિચિત, કે પ્રિયજનને પુસ્તકની ભેટ આપીને તેનું સાર્થક ઉજવણું કરી શકીએ છે.
વાચનરસિકો દ્વિચક્રીના દાબડા અર્થાત્ ડિકીમાં પણ એકાદ પુસ્તક તો રાખી શકે. કારના ડેશ-બોર્ડની છાજલી ઉપર ઓછામાં ઓછું એક પુસ્તક પ્રદર્શિત કરી શકાય. શહેરની માનવભીડમાં, વાહન-વ્યવહારની કતારમાં, વાહનતળ(પાર્કિંગ)ના ઇંતેજારમાં, ચાલક સિવાયની વ્યક્તિઓ ચાલતા વાહને પણ પુસ્તકમાંથી થોડાં પાનાં ફુરસદે વાંચી શકે છે. તેઓ અન્ય વ્યક્તિઓને પુસ્તકની સામગ્રી સંભળાવી શકે છે અને અનુકૂળતાએ એની ચર્ચા પણ કરી શકે છે. માતાપિતા કે વડીલે ઘરમાં કે કારમાં બેઠેલા બાળક સમક્ષ એને રસ પડે એવું પુસ્તક મોટેથી વાંચવાનો પ્રયોગ કરવા જેવો છે. જેના કારણે બાળકને વાચનવિશ્વમાં પ્રવેશવાની સ્વાભાવિક વૃત્તિ થશે. અમદાવાદમાં તંત્રવાહકો બી.આર.ટી.એસ.(બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ)માં મુસાફરો માટે બસની અંદર અને બસથોભો ઉપર પુસ્તક-વાચનની સગવડ ઊભી કરે તો તે એક જુદા જ અર્થમાં બી.આર.ટી.એસ.(બૂક રીડિંગ ટાઈમ સિસ્ટમ) બની શકે એમ છે!
…………………………………………………………………………………………………
સૌજન્ય :
અમદાવાદ ગ્રંથવાહનનું નગર બને એમ છે!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૨૩-૦૪-૨૦૧૭, રવિવાર
No comments:
Post a Comment