Saturday, November 2, 2019

સાહિત્ય, સંગીત, અને કલા // તનસુખ ભટ્ટ


કાકાસાહેબ અને નરહરિભાઈ આશ્રમમાં રહી રોજ વિદ્યાપીઠમાં ભણાવવા જતા. ગાંધીજયંતી પ્રસંગે બંને સંસ્થામાં ઉત્સવ ઊજવાય અને બંને સંસ્થાઓ તેમની હાજરી ઇચ્છે. આ વેળાએ તેમણે ક્યાં જવું ને ક્યાં ન જવું? આ મુશ્કેલીનો તોડ કાઢવા માટે બંને સંસ્થાઓનો ભેગો કાર્યક્રમ એક વાર ઊજવાયો. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ શેક્સપિયરનું અંગ્રેજી નાટક 'મર્ચંટ ઓફ વેનિસ' ભજવેલું. આગળ ઉપર જર્મનીમાં જઈને સંસ્કૃતના પીએચ.ડી. બનેલા મણિભાઈ પટેલ તેમાં શાયલોક બનેલા. તેમનું પાત્ર ઉત્તમ ગણાયું. મોટરનાં ટાયરોમાંથી બનાવેલાં રબરનાં ચંપલો સાથે છરીની ધાર અવારનવાર ઘસતા અને ખૂની આંખે પોતાના કરજદાર તરફ વારંવાર નિહાળતા મણિભાઈનું ચિત્ર હજી મારી દૃષ્ટિ સામે તરવરે છે. કોઈ ગુજરાતી ધંધાદારી નાટકમાં એક ગાયન આવતું હશે : 'વાત જરા વાંચી જુઓ ઇતિહાસમાં.' વિદ્યાપીઠના એક વિદ્યાર્થીએ હારમોનિયમ સાથે તે ગાયું. આમાં કોઈ શાસ્ત્રીય કલાનું પ્રદર્શન ન હતું. પરંતુ ગાનારે તો પ્રેક્ષકોને મનોરંજન આપવાનું પહેલેથી નક્કી કરેલું. તેથી ગીતની ગુજરાતી લીટીનું હિંદી, મરાઠી, બંગાળી, અંગ્રેજી વગેરે બને તેટલી ભારતીય ભાષામાં ભાષાંતર કરી તેમણે કરી રાખેલું તે એક પછી એક ગાયું અને શ્રોતાઓને હસાવ્યા.

No comments:

Post a Comment