હજુ બીજા યુરોપિયન ગાઢ પરિચયો આપવાના રહે છે, પણ તે પહેલાં બે ત્રણ અગત્યની વસ્તુઓની નોંધ લેવાની આવશ્યકતા છે.
એક પરિચય હમણાં આપી દઊં. મિસ ડિકને દાખલ કર્યેથી જ મારું કામ હું પૂરું કરી શકું તેમ નહોતું. મિ. રીચને વિષે હું અગાઉ લખી ચૂક્યો છું. તેમની સાથે તો મને સારો પરિચય હતો જ. તે વેપારી પેઢીમાં સંચાલક હતા. ત્યાંથી છૂટી મારી નીચે આર્ટિકલ લેવાની મેં સૂચના કરી. તે તેમને ગમી, ને ઑફિસમાં દાખલ થયા. મારા ઉપરથી કામનો બોજો હળવો થયો.
આ અરસામાં જ શ્રી મદનજિતે 'ઇંડિયન ઓપીનિયન' છાપું કાઢવાનો વિચાર કર્યો. મારી સલાહ ને મદદ માગ્યાં. છાપખાનું તો તે ચલાવતા જ હતા.છાપું કાઢવાના વિચારમાં હું સંમત થયો. આ છાપાની ઉત્પતિ ૧૯૦૪માં થઈ. મનસુખલાલ નાજર અધિપતિ થયા. પણ અધિપતિપણાનો ખરો બોજો મારા ઉપર જ પડ્યો. મારે નસીબે ઘણે ભાગે હમેશ દૂરથી જ છાપાનું તંત્ર ચલાવવાનું આવ્યું છે.
મનસુખલાલ નાજર તંત્રીપણું ન કરી શકે એવું કાંઈ નહોતું. તેમણે તો દેશનાં ઘણાં છાપાં ને સારુ લખાણો કર્યા હતાં. પણ દક્ષિણ આફ્રિકાના અટપટા પ્રશ્નો ઉપર મારી હાજરી છતે સ્વતંત્ર લેખો લખવાની તેમણે હિમત જ ન કરી.મારી વિવેકશક્તિ ઉપર તેમનો અતિશય વિશ્વાસ હતો. એટલે જે જે વિષયો ઉપર લખવાપણું હોય તે ઉપર લખી મોકલવાનો બોજો મારા પર ઢોળતા.
આ છાપું સાપ્તાહિક હતું, જેવું આજે પણ છે. પ્રથમ તો તે ગુજરાતી, હિંદી , તામિલ અને અંગ્રેજીમાં નીકળતું. પણ મેં જોયું કે તામિલ ને હિંદી વિભાગો નામના જ હતા. તેવાટે કોમની સેવા નહોતી થતી એમ મેં જોયું. તે વિભાગો રાખવામાં મને જૂઠનો આભાસ આવ્યો, તેથી તે વિભાગો બંધ કર્યા ને મેં શાંતિ મેળવી.
આ છાપામાં મારે કંઇ પૈસા રોકવા પડશે એવી મારી કલ્પના નહોતી. પણ થોડી મુદતમાં મેં જોયું કે જો હું પૈસા ન આપું તો છાપું ન જ ચાલે. છાપાનો હું અધિપતિ નહોતો, છતાં હું જ તેના લખાણને સારુ જવાબદાર હતો, એમ હિંદી ને ગોરા બંને જાણતા થઈ ગયા હતા. છાપું ન જ નીકળ્યું હોત તો અડચણ નહોતી, પણ કાઢયા પછી બંધ થાય તો તેમાં કોમની નામોશી થાય તેમ હતું ને કોમને નુકસાન થતું હતું એમ મને લાગ્યું.
હું તેમાં પૈસા રેડતો ગયો, ને છેવટે જેટલું બચતું હતું તે બધું તેમાં જ જતું એમ કહેવાય. એવો સમય મને યાદ છે કે જ્યારે મારે દર માસે ૭૫ પાઉંડ મોકલવા પડતા.
પણ આટલાં વર્ષો પછી મને લાગે છે કે એ એ છાપાએ કોમની સારી સેવા કરીછે. તેમાંથી પૈસા પેદા કરવાનો ઇરાદો તો કોઈનો નહોતો.
મારે હસ્તક હતું ત્યાં સુધીમાં એમાં થયેલા ફેરફારો મારી જિંદગીના ફેરફારો સૂચવનારા હતા. જેમ અત્યારે 'યંગ ઇન્ડિયા' અને 'નવજીવન મારા જીવનના કેટલાક ભાગનો નિચોડ છે તેમ 'ઇંડિયન ઓપીનિયન' હતું. તેમાં હું પ્રતિ સપ્તાહ મારો આત્મા રેડતો, ને હું જેને સત્યાગ્રહરૂપે ઓળખતો હતો તે સમજાવવા પ્રયત્ન કરતો. જેલના સમયો બાદ કરતાં દસ વર્ષો સુધીના, એટલે ૧૯૧૪ની સાલ સુધીના, 'ઈંડિયન ઓપીનિયન'ના એવા અંકો ભાગ્યે જ હશે જેમાં મેં કંઈ નહીં લખ્યું હોય. એમાં એક પણ શબ્દ મેં વગરવિચાર્યે, વગરતોળ્યે લખ્યો હોય, કે કોઈને કેવળ ખુશ જ કરવાને ખાતર લખ્યો હોય, કે જાણી જોઈને અતિશયોક્તિ કરી હોય એવું મને યાદ નથી. મારે સારું એ છાપું સંયમની તાલીમ થઈ પડ્યું હતું, મિત્રોને સારુ મારા વિચારો જાણવાનું વાહન થઈ પડ્યું હતું,ટીકાકારોને તેમાંથી ટીકા કરવાનું બહુ ઓછું મળી શકતું. હું જાણું છું કે એના લખાણો ટીકાકારને પોતાની કલમ ઉપર અંકુશ મેલવા ફરજ પાળતાં. એ છાપાં વિના સત્યાગ્રહની લડત ન ચાલી શકત. વાંચનાર વર્ગ એ છાપાને પોતાનું સમજી તેમાંથી લડતનું ને દક્ષિણ આફ્રિકાના હિંદીઓની હાલતનું ખરું ચિત્ર મેળવતો.
આછાપા વાટે રંગબેરંગી મનુષ્ય સ્વભાવને જાણવાનું મને બહુ મળ્યું. તંત્રી અને ગ્રાહકની વચ્ચે નિકટ ને સ્વચ્છ સંબંધ બાંધવાની જ ધારણા હોવાથી મારી પાસે હ્રુદય ઠાલવનારા કાગળોના ઢગલા થતા.તેમાં તીખાં, કડવાં, મીઠાં એમ ભાતભાતનાં લખાણો મારી પાસે આવે. તે વાંચવાં, વિચારવાં, તેમામ્થી વિચારોનું તારણ કરી જવાબ આપવા, એ મારે સરુ ઉતમ શિક્ષણ થઈ પડ્યુ.તે વાટે હું કોમમાં ચાલતી વાતો ને વિચારો કેમ જાણે સાંભળતો હોઉં નહીં, એવો અનુભવ મને થયો. તંત્રીની જવાબદારી હું સારી પેઠે સમજતો થયો, ને મને કોમના માણસો ઉપર જે કાબૂ મલ્યો તેથી ભવિષ્યમાં થનારી લડત શક્ય હોઈ, શોભી ને તેને જોર મળ્યું.
વર્તમાનપત્રો સેવાભાવથી જ ચાલવા જોઈએ એ હું 'ઈંડિયન ઓપીનિયન'ના પહેલા માસની કારકિર્દીમાંથી જ જોઈ ગયો. વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે. પણ જેમ નિરંકુશ પાણી નો ધોધ ગમનાં ગામ ડુબાવે છે ને પાકનો નાશ કરે છે, તેમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે. એ અંકુશ બહારથી આવે તો તે નિરંકુશતા કરતાં વધારે ઝેરી નીવડે છે. અંદરનો અંકુશ જ લાભદાયી હોઈ શકે.
આ વિચારસરણી સાચી હોય તો દુનિયાનાં કેટલાં વર્તમાનપત્રો નભી શકે? પણ નકામાંને બંધ કોણ કરે? કોણ કોને નકામું ગણે? કામનું ને નકામું સાથે સાથે જ ચાલ્યા કરવાનાં. તેમાંથી મનુષ્યે પોતાની પસંદગી કરવાની રહી.
મોહનદાસ કરમચંદ ગાંધી
(સૌજન્ય : સત્યના પ્રયોગો અથવા આત્મકથા, ભાગ ચોથો : ૧૩. ’ઇંડિયન ઓપીનિયન’)