Friday, April 3, 2020

૨૩

'અમે મુસાફરી શરૂ કરી ત્યારે મને ઉપવાસ પૂરા કર્યાને બહુ સમય નહોતો થયો. મને પૂરી શક્તિ નહોતી આવી ગઈ. આગબોટમાં હું રોજ ડેક ઉપર ચાલવાની કસરત કરી ઠીક ખાવાનો ને ખાધેલું પચાવવાનો પ્રયત્ન કરતો. પણ તેમ તેમ મને પગના પિંડમાં વધારે દુખાવો થવા લાગ્યો. વિલાયત પહોંચ્યા પછી મારો દુખાવો ઓછો ન થયો પણ વધ્યો. વિલાયતમાં દાક્તર જીવરાજ મહેતાની ઓળખ થઈ હતી. તેમને ઉપવાસનો અને દુખાવાનો ઇતિહાસ આપતાં તેમણે કહ્યું, 'જો તમે થોડા દહાડા તદ્દન આરામ નહીં લો તો પગ સદાયના ખોટા થઈ જવાનો ભય છે.' આ વખતે જ મને ખબર પડી કે લાંબા ઉપવાસ કરનારે ગયેલી તાકાત ઝટ મેળવવાનો કે બહુ ખાવાનો લોભ ન જ રાખવો ઘટે. ઉપવાસ કરવા કરતાં તે ઉતારવામાં વધારે સાવધાન રહેવું પડે છે, ને કદાચ તેમાં વધારે સંયમ પણ હોય.'

No comments:

Post a Comment