Saturday, May 13, 2023

પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયનમાં કારકિર્દી જોગ ...


વ્યાવસાયિક શિક્ષણ-કૌશલ્ય-સજ્જતા દર્શાવતો, ધોરણસરનો, છેલ્લામાં છેલ્લી વિગતો સાથેનો, પરિચય- આલેખ (સી.વી. / બાયોડેટા) તૈયાર રાખવો.

પરિચય-આલેખ ગુજરાતી, હિંદી, અંગ્રેજી ભાષામાં તૈયાર રાખવા હિતાવહ છે. આ ત્રણેય પરિચય-આલેખને ભાષાશુદ્ધિનો પૂરતો લાભ આપવો!

પ્રત્યાયન-જગતમાં સમજણ સાથેની સક્રિયતા આવકાર્ય છે. અહીં એ પણ યાદ રાખીએ કે, નૂતન માધ્યમોમાં રજૂ થતી સામગ્રીની આપ-લે (કન્ટેન્ટ શેરિંગ) અને સામાજિક માધ્યમોમાં તરતું રહેતું ચરિત્ર-ચિત્ર (પ્રોફાઈલ પિક્ચર) પણ ઘણું બધું કહી જાય છે!

સહાધ્યાયીઓ અને વ્યાવસાયિકો સાથે જીવંત સંપર્કો રાખવા. જેથી કરીને કારકિર્દી અને રોજગાર વિષયક જાહેરાતની જાણકારી સમયસર થતી રહે.

રોજગાર વિષયક જાહેરખબર ધ્યાનથી વાંચવી. અરજી કરતી વખતે છેલ્લી તારીખની રાહ ન જોવી.

કોઈ ખાસ વિષય-ક્ષેત્રમાં કે કોઈ ચોક્કસ સમૂહ-માધ્યમમાં કામગીરી કરવાનો આગ્રહ આપણને જ સમજાય એવો હોય છે! જોકે, જ્યાં સુધી આ પ્રકારનો અવસર ન મળે ત્યાં સુધી જે અવસર ઉપલબ્ધ છે એને ન્યાય આપવો.

કારકિર્દીની શરૂઆતના તબક્કે, કોઈપણ માધ્યમગૃહ કે સંસ્થાનમાં લેખિત પરીક્ષા કે રૂબરૂ મુલાકાતનો મોકો ખોવા જેવો નથી. આના કારણે ઉમેદવારની સાથે-સાથે રોજગારદાતાને પણ નવો અનુભવ મળે છે. આ ઉપરાંત, નિર્ણય-પ્રક્રિયામાં બંને પક્ષે આત્મવિશ્વાસ પણ વધે છે!

પત્રકારત્વના વ્યવસાયમાં સક્રિય રહેવા માટે શારીરિક સજ્જતા અને માનસિક મજબૂતી કેળવી લેવી. 

સમૂહ-માધ્યમોની દુનિયામાં કામ કરવા માટે સમયપાલન અને શિસ્તપાલન અનિવાર્ય છે.

કોઈપણ નવી કામગીરી કે જવાબદારી લેતાં ડર કે સંકોચ ન રાખવો. 

અંગત જિંદગી હોય કે જાહેર કારકિર્દી, હકારાત્મક અભિગમ રાખવો.

રોજેરોજ, નવુંનવું શીખવાની વૃત્તિ રાખવી. નિત્યવિકસિત થવા માટે માંહ્યલો તૈયાર રાખવો.

માધ્યમગૃહોમાં કામ કરતી વખતે, વ્યાવસાયિક અભિગમ રાખવો. કાર્યસ્થળે લખતાં-વાંચતાં, બોલતાં-સાંભળતાં સાવધ રહેવું. નિંદા-ખુશામત અને ટીકા-ટાપશીથી સલામત અંતર રાખવું. એટલી બધી ફરિયાદ ન કરવી કે લોકો આપણને 'ફરિયાદના આધુનિક પર્યાય' તરીકે જ યાદ રાખે!

ઘર-પરિવાર, મિત્રો-સંબંધીઓ સાથેનો નાતો જાળવી રાખવો. સાથે-સાથે, વ્યાવસાયિક સંપર્કોનું વિશ્વ વિસ્તારતાં રહેવું. આપણને જે વ્યક્તિ મદદરૂપ થાય એનો આભાર માનવાની તક જતી ન કરવી.

પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયનની દુનિયા આપણા થકી સાર્થક થાય એવી આશા, અપેક્ષા, અભ્યર્થના.

વિદ્યાર્થીમિત્રોને ઊજળી કારકિર્દીની શુભેચ્છાઓ.

No comments:

Post a Comment