Tuesday, February 25, 2025

સમાધાનની કળાના સરદાર : વલ્લભભાઈ પટેલ || ડૉ. અશ્વિનકુમાર


Photo-Courtesy: google


ગાંધીજીએ એક સમયે જેમને 'અક્કડપુરુષ' તરીકે ઓળખાવ્યા હતા તેવા વલ્લભભાઈ પાસે સમાધાન કરાવવાની અનોખી કળા હતી.

સરદાર પટેલનું અવસાન ૧૫-૧૨-૧૯૫૦ના રોજ મુંબઈમાં થયું હતું. સરદારશ્રીને શ્રદ્ધાંજલિ આપતો લેખ 'હરિજનબંધુ'ના તંત્રી કિશોરલાલ મશરૂવાળાએ વર્ધા મુકામે ૬-૧-૧૯૫૧ના રોજ લખ્યો હતો. આ લેખ 'સમાધાનની કળા' શીર્ષક હેઠળ 'હરિજનબંધુ' (૨૬મી જાન્યુઆરી, ૧૯૫૧, પૃષ્ઠ-ક્રમ : ૪૨૪) સાપ્તાહિકમાં પ્રગટ થયો હતો. લેખમાં કિશોરલાલે એક ઘટના-વિશેષની વિગતે વાત માંડીને વલ્લભભાઈના વ્યક્તિત્વનો વિશદ પરિચય કરાવ્યો છે.

મશરૂવાળાને સરદારની સમાધાન કરાવવાની કળાનો પહેલો અનુભવ ગૂજરાત વિદ્યાપીઠમાં થયો હતો. એ વખતે કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા (જન્મ : ૧૮૯૦) ગૂજરાત વિદ્યાપીઠના મહામાત્ર (કુલસચિવ) હતા. જીવતરામ ભગવાનદાસ કૃપાલાની (જન્મ : ૧૮૮૮) ગૂજરાત મહાવિદ્યાલયના આચાર્ય હતા. ત્રિકમલાલ મનસુખલાલ શાહ તેના એક અધ્યાપક હતા. કિશોરલાલના કહેવા પ્રમાણે, આચાર્ય અને અધ્યાપકમંડળ વચ્ચે થોડોઘણો ખટરાગ રહ્યા જ કરતો હતો. વ્યક્તિગતરૂપે ત્રિકમલાલ શાહ જોડે વધારે તીવ્ર હતો. આચાર્ય કૃપાલાનીની વાણીની તીખાશ સૌ કોઈ જાણતા હતા. ત્રિકમલાલ તીખાબોલા નહોતા, છતાં જ્યાં એમને લાગે કે કાંઈક અનુચિત થાય છે કે બોલાય છે તો તેઓ સાંખી ન લેતા, સીધેસીધું અને આકરી રીતે પણ કહી નાખતા હતા. આચાર્ય કૃપાલાની તથા વિદ્યાપીઠના મહત્ત્વના સભ્યો કરતાં ત્રિકમલાલ શાહ (જન્મ : ૨૭-૧૨-૧૮૯૭) ઉંમરે નાના હોવાથી એમની તડ અને ફડ કરવાવાળી ભાષા મોટાઓને ખટકતી અને ઉદ્ધતાઈભરેલી લાગતી હતી. પરંતુ, ત્રિકમલાલ દિલના સાફ અને સાચું કહી નાખ્યું હોય એટલે શું કહેવાય? વળી, ત્રિકમલાલ શરૂઆતથી જ ગૂજરાત વિદ્યાપીઠના પુરોગામી રાષ્ટ્રીય શિક્ષણ મંડળના મંત્રી હતા.

ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના ૧૮-૧૦-૧૯૨૦ના રોજ થઈ હતી. કિશોરલાલ મશરૂવાળા તેના પ્રથમ મહામાત્ર (૧૯-૧૦-૧૯૨૦થી ૧૨-૦૧-૧૯૨૧) હતા. કિશોરલાલે કામચલાઉ મહામાત્રપદ છોડ્યા પછી, કિશોરલાલ પુનઃ મહામાત્ર (૨૧-૦૩-૧૯૨૩થી ૦૫-૧૨-૧૯૨૫) તરીકે નિમાયા હતા. મહામાત્ર તરીકેના મશરૂવાળાના આ બે કાર્યકાળની વચ્ચે, ત્રિકમલાલ શાહ ૧૩-૦૧-૧૯૨૧થી ૨૦-૦૩-૧૯૨૩ સુધી મહામાત્ર હતા.

મશરૂવાળાએ અવલોક્યું છે તે અનુસાર, ઇન્દુલાલ યાજ્ઞિક તથા રામનારાયણ પાઠકે પારખેલા ગુજરાતના શિક્ષણકાર્યને વરેલા તરુણો પૈકી મહાવિદ્યાલયના ત્રિકમલાલ શાહ એક સારા અધ્યાપક હતા; વળી, ત્રિકમલાલ માતૃભાષા દ્વારા શિક્ષણ આપવાના આગ્રહી હતા. આથી, તેમની કિંમત પણ વિદ્યાપીઠના આગેવાનોને હતી. જોકે, મહાવિદ્યાલયમાં એક પ્રકારનો સિંધી-ગુજરાતીના સ્વરૂપનો પ્રાન્તીય ઝઘડો ચાલ્યા કરતો હતો. આચાર્યો ગિદવાણી, કૃપાલાની અને મલકાણી જેવા પ્રતિષ્ઠિત અધ્યાપકોને વિદ્યાપીઠે મેળવ્યા હતા. એમને લીધે ગૂજરાત મહાવિદ્યાલયની પ્રતિષ્ઠા ઊંચી હતી, અને તેથી વિદ્યાપીઠમાં તેમનું માન પણ હતું. સરદાર વલ્લભભાઈ, બળવંતરાય ઠાકોર વગેરે મોટેરાઓ તેમને સાચવવા પ્રયત્નશીલ રહેતા હતા. પૂજ્ય બાપુજી તે વખતે યરોડા જેલમાં હોવાથી તેમની ગેરહાજરી દરમ્યાન વિદ્યાપીઠને કશી આંચ ન આવે તેની એમને ભારે ચિંતા હતી.

કિશોરલાલ મશરૂવાળાને ફરીથી મહામાત્ર પદ લેવાનો આગ્રહ કરતી વખતે એ જ કારણ એમણે આપેલું : "બાપુજી છૂટીને આવે ત્યાં સુધી તમે આ કામ સંભાળો. પછી તમારે છૂટા થવું હોય તો પાછા છૂટા થજો." એમ સરદારે કિશોરલાલને આદેશ આપ્યો, અને તે કિશોરલાલ ઠેલી શક્યા નહીં. શ્રી બળવંતરાય (બલુભાઈ) ઠાકોર, શ્રી જીવણલાલ દીવાન, ડૉ. હરિપ્રસાદ દેસાઈ વગેરે બીજા પ્રૌઢ કાર્યવાહકોને પણ આ જ ચિંતા હતી. પણ આચાર્ય બલ્કે સિંધી આચાર્યો, અને બાકીનું ગુજરાતી-મહારાષ્ટ્રી અધ્યાપકમંડળ આ દૃષ્ટિએ જોતું નહોતું. અને તેમની શક્તિ આચાર્ય અને અધ્યાપકમંડળના પરસ્પર હકો ઠરાવવામાં વપરાઈ જતી હતી. સિંધી અધ્યાપકો ગુજરાતી દ્વારા શિક્ષણ આપી શકતા નહોતા, અને તે ગુજરાતી અધ્યાપકમંડળને ખટકતું. પરસ્પર અસંતોષનું બીજ આમાં હતું, અને જુદાં જુદાં નિમિત્તો લઈ તેમાંથી કલહ ઉત્પન્ન થતો.

અહીં, એ વેળાના, આચાર્ય કૃપાલાની અને સરદાર પટેલ વચ્ચેના સંબંધોને પણ સમજી લેવા પડે. ૧૯૨૩ના માર્ચના અરસામાં વલ્લભભાઈએ કૃપાલાનીને લખ્યું હતું કે, તેમને ગૂજરાત વિદ્યાપીઠના કાર્યમાં કૃપાલાનીના સહકારની જરૂર છે. કૃપાલાની મહાવિદ્યાલય સંભાળી લે એમ તેઓ ઇચ્છતા હતા. વલ્લભભાઈનો પ્રસ્તાવ સ્વીકારીને ગુજરાત મહાવિદ્યાલયના આચાર્ય બનેલા કૃપાલાનીએ, ‘આત્મકથા’માં લખ્યું છે કે, ‘મારા રાજકીય આગેવાનો સાથેના સંબંધો ઉત્તમ હતા. વલ્લભભાઈ સાથેનો સંબંધ અત્યંત ઘનિષ્ઠ હતો. ઘણી વાર અમે ભેગા ભોજન કરતા.’ (કૃપાલાની, ૧૯૯૪, પૃ. : ૧૩૯)

આ જ રીતે, આપણે કા.કા. પાસેથી એ વખતની સ્થિતિ જાણી લઈએ. કાકાસાહેબ કાલેલકરે પણ ‘જીવનનિવેદન’ના ‘ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના અને પુનર્રચના’ પ્રકરણમાં નોંધ્યું છે કે, ‘... કૃપાલાનીના અને મારા મિત્ર નારાયણદાસ મલ્કાનીને કૃપાલાનીએ વિદ્યાપીઠમાં આણ્યા. કોણ જાણે કેમ ગિદવાણી પછી કૃપાલાની, એમની મદદમાં મલ્કાની – ત્રણ સિંધીઓ. એમનું ગુજરાતી પ્રોફેસરો સાથે પૂરતું બને નહીં. રામનારાયણ પાઠક, રસિકલાલ પરીખ જેવા ખાનગી રીતે મારી પાસે આવી ચર્ચા કરે. મેં એમને કહ્યું કે 'કૃપાલાની અને મલ્કાની બંને મારા જૂના અંગત મિત્રો છે. એમના સ્વભાવની ખાસિયત હશે. પણ એમનામાં સિંધીપણું છે જ નહીં. તમારે એમની સાથે દિલ ખોલીને વાતો કરવી જોઈએ. બધું સરખું ઠીક થઈ જશે.’ તેઓ મને કહે, 'તમે વિદ્યાપીઠમાં આવો તો જ કાંઈક થઈ શકે.’ મારી તૈયારી ન હતી.’ (કાલેલકર, ૧૯૮૫, પૃ. ૪૫૦)

દરમિયાનમાં, એક વખત એવો આવ્યો કે, આચાર્ય અને અધ્યાપક વચ્ચેનો સંઘર્ષ પરાકાષ્ઠાએ પહોંચી ગયો. મશરૂવાળાએ લેખમાં જણાવ્યા અનુસાર, આવા જ કોઈક નિમિત્તમાંથી એક વાર આચાર્ય કૃપાલાની અને ત્રિકમલાલ શાહ વચ્ચે સખત બોલાચાલી થઈ ગઈ. આચાર્ય કૃપાલાનીએ ત્રિકમલાલને શિસ્તભંગ કરવા માટે સસ્પેન્ડ કર્યા કે તેમ કરવાની ધમકી આપી. બન્ને કાર્યવાહક સમિતિના સભ્ય હોવાથી, મહાવિદ્યાલયમાં કૃપાલાનીજી ઉપરી હોવા છતાં વિદ્યાપીઠમાં બન્નેનો દરજ્જો સરખા જેવો હતો.

કિશોરલાલ મશરૂવાળાએ વર્ણન કર્યું છે તે પ્રમાણે, મામલો કાર્યવાહક સમિતિમાં આવ્યો. મહામાત્રના કાર્યાલયમાં એક તાકીદની અવિધિસર સભા બોલાવવામાં આવી. સાંજે પાંચેક વાગ્યાથી સાત સાડાસાત સુધી આચાર્ય કૃપાલાની અને ત્રિકમલાલ શાહ તથા તેમના દરેકના પક્ષકારો વચ્ચે ગરમાગરમ તડાતડી ચાલી. એક બાજુએ કૃપાલાનીજીને બધા વડીલોનો ટેકો હતો, તેની સામે ત્રિકમલાલ શાહને નભવું મુશ્કેલ હતું. એ સમય સંભાળી નમી જાય તો બધું પતે એમ હતું. પણ એ અણનમ રહ્યા. સરદારે પણ તે દિવસે સાંજે તો જાણે ત્રિકમલાલને નમાવવાનો જ આગ્રહ હોય તેમ આકરા શબ્દો કહ્યા, એવો કિશોરલાલને ખ્યાલ હતો. ઝઘડો શા પ્રસંગમાંથી ઉત્પન્ન થયો હતો તે તો મશરૂવાળા ભૂલી ગયા હતા, પણ એમને એટલું યાદ હતું કે ત્રિકમલાલ શાહ પર જ બધો દોષ ઢોળી શકાય એમ નહોતું.

બધા બોલનારાઓની વરાળ સારી પેઠે નીકળી થયા બાદ સરદારે સૂચના કરી કે રાત્રે સૌએ પોતપોતાનો વિચાર કરી લેવો અને સવારે પાછા ભેગા થવું. તે વખતે છેવટનો નિર્ણય કરી લેશું. બધી વાતનો સાર કિશોરલાલ મશરૂવાળાને એવો લાગ્યો કે, આચાર્ય કૃપાલાનીને તો કોઈ છોડી શકે એમ હતું જ નહીં. ત્રિકમલાલને અને એમને બને એમ નહોતું, એટલે ત્રિકમલાલને જ છૂટા થવાનો કે કરવાનો નિર્ણય થશે.

કિશોરલાલે ઘટનાક્રમનું આલેખન કર્યું છે તે મુજબ, બીજે દહાડે સવારે પાછા બધા ભેગા થયા. સૌના ચહેરા ગંભીર હતા. સરદારે જ વાત શરૂ કરી. પણ જે રીતે એમણે આરંભ કર્યો તે જોતાં જ કિશોરલાલ આશ્ચર્યચકિત થયા. આગલા દિવસની ઉગ્રતા તો કોણ જાણે ક્યાંય ઊડી ગઈ હતી. બહુ મીઠી રીતે, ધીમે અવાજે, શાંત ચહેરો રાખી સરદારે ત્રિકમલાલને તેમ જ કૃપાલાનીજીને સંબોધન કર્યું. સરદાર શું બોલ્યા હતા તે મશરૂવાળાને યાદ રહ્યું નહોતું. પણ સરદાર દસ પંદર મિનિટ બોલ્યા તેનું પરિણામ દરેકના ઉપર થયું. બલુભાઈ (બળવંતરાય ઠાકોર) અને જીવણલાલ દીવાન પણ આગલે દિવસે ત્રિકમલાલ પર ખૂબ તપીને બોલેલા તે પણ ઠંડા પડી ગયા, અને સરદારની સાથે પોતાનો સૂર પુરાવ્યો. બીજી બાજુ રામનારાયણ પાઠક વગેરે પણ શાંત થયા. કૃપાલાનીજી કે ત્રિકમલાલભાઈને કોઈએ ઝાઝું બોલવાપણું રાખ્યું નહીં. જાણે કોઈ ઝઘડો જ નથી અને કશો નિર્ણય કરવાનો જ નથી; કોઈએ નમવાનું નથી કે નમાવવાનું નથી; બધું પતી જ ગયું છે એમ દરેક જણ મનમાં સમજી ગયા હોય એવી અસર ઉત્પન્ન થઈ ગઈ. કલાકેકમાં બધા શાંતિથી ઊઠી ગયા.

કિશોરલાલ મશરૂવાળાએ વલ્લભભાઈ પટેલનાં વિચાર-વાણી-વર્તનની વિશેષતાને ઉપસાવતાં લખ્યું છે કે, ‘હું સરદારના ગાઢ પ્રસંગમાં તે પહેલાં બહુ આવ્યો નહોતો. સામાન્ય રીતે તેઓ કાં તો આકરું બોલનારા, કટાક્ષ કરનારા કે ટોળ કરનારા લાગતા. તેમની શાંત, સાત્ત્વિક મુદ્રા અને વાણીનો મને આ પહેલો જ પરિચય હતો. તે પછી તો આજ સુધીમાં ઘણા પ્રસંગોમાં એમની નાજુક લાગણીઓનો મને અનુભવ થયો. જેમને પોતાના સાથી અને મિત્ર માન્યા હોય, તેમની સાથે ઊંચાં દિલ થવા જેવું કશું બને તો તે કેવા દુઃખિત થઈ જતા, અને મિત્રને ખોઈને પોતાની ઇચ્છા મુજબ કરવા કરતાં જો સાર્વજનિક કર્તવ્યનો સવાલ ન હોય તો વચ્ચેથી પોતે ખસી જવાનું પસંદ કરવાની કેવી તીવ્ર ઇચ્છા રાખતા તેનો હું કેટલાક પ્રસંગોમાં સાક્ષી છું. અધિકારી થવાની લાયકાત રાખવી, અધિકાર લેવાની જરૂર પડે તો તે લેવા તૈયાર થવું એ એમને માન્ય હતું; પણ મને અધિકાર મળો એવી મહત્ત્વાકાંક્ષા એમને ગમતી નહોતી. બીજાઓમાં તેવી નબળાઈને તે સહન કરતા, પણ જેને બહુ હાર્દિક મિત્ર અને ભાઈ જેવા માન્યા હોય તેમનામાં એવી નબળાઈ દેખાય ત્યારે એમને બહુ ગ્લાનિ થતી. એવે પ્રસંગે પેલા મિત્ર એમની પાસેથી બહુ મદદ અને પ્રોત્સાહનની અપેક્ષા રાખે અને તે પ્રમાણે તેઓ ન કરી શકે, તેથી પેલા મિત્રને કદી ગેરસમજ થતી. આવી ગેરસમજથી તેઓ બહુ અકળાતા, અને ત્યારે એમને એક પ્રકારનો ખેદ વ્યાપી જતો એમ મેં જોયું છે. પણ પોતાના મનનાં દુઃખો જ્યાં ત્યાં કહી બતાવવા એ એમના સ્વભાવમાં નહોતું. પૂ. બાપુજી કે મહાદેવભાઈ જેવા બે ચાર મિત્રો સિવાય બીજાને તેની બહુ થોડી જાણ થતી.’

લેખના અંતે, કિશોરલાલ મશરૂવાળાએ નોંધ્યું છે કે, 'વિનોદવૃત્તિ એ મનની વ્યથાની પ્રતિક્રિયા છે એ સાંભળી કદાચ કેટલાકને નવાઈ લાગશે. પણ વિચારીને જોશો તો જણાશે કે જેઓ સમાજ વચ્ચે ઘણા વિનોદી હોય છે, તેઓના હૃદયમાં ઘણી ગંભીરતા અને ગ્લાનિ પણ છુપાયેલાં હોય છે.'

સંસ્થા-સંચાલનમાં પડકારરૂપ પરિસ્થિતિ આવે એ સ્વાભાવિક છે. એમાં પણ સામાન્ય વાતચીતથી માંડીને વૈચારિક આદાનપ્રદાનમાં અહંભાવને ઓગાળવો કપરો થઈ પડે છે. આવા ટાણે સંવાદ અને સમજણ થકી સમાધાન તરફ આગળ વધીને, સ્થિતિને સહજ કરવી પડે. ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ જેવી રાષ્ટ્રીય શિક્ષણ-સંસ્થામાં, જ્યારે ડખો પડે ત્યારે ખડેપગે રહીને ઉકેલ કેમ આણવો એ સરદાર પટેલ પાસેથી શીખવું રહ્યું. આ અર્થમાં, વલ્લભભાઈ સમાધાનની કળાના સરદાર હતા.

……..……..……..……..……..……..…
સંદર્ભ-સૂચિ :

‘હરિજનબંધુ’ સાપ્તાહિક, અમદાવાદ, ૨૬-૦૧-૧૯૫૧, શુક્રવાર, પુસ્તક : ૧૪, અંક : ૪૮-૪૯

કાલેલકર, કાકાસાહેબ (૧૯૮૫). કાલેલકર ગ્રંથાવલિ (ભાગ : ૭). અમદાવાદ : આચાર્યશ્રી કાકાસાહેબ કાલેલકર ગ્રંથાવલિ પ્રકાશન સમિતિ.

કૃપાલાની, આચાર્ય (૧૯૯૪). આચાર્ય કૃપાલાનીની આત્મકથા (અનુવાદક : નગીનદાસ પારેખ). અમદાવાદ : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય.

……..……..……..……..……..……..…
✍ 
ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક અને અધ્યક્ષ, પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૦૯
……..……..……..……..……..……..……..……..

સૌજન્ય :
* સમાધાનની કળાના સરદાર : વલ્લભભાઈ પટેલ
'નવજીવનનો અક્ષરદેહ',
જાન્યુઆરી-ફેબ્રુઆરી, ૨૦૨૫,
સળંગ અંક : ૧૪૧-૧૪૨, પૃષ્ઠ : ૪૨-૪૬

3 comments:

  1. અદભૂત લખાણ, અવિશ્વનિય માહિતી

    ReplyDelete
  2. ખૂબજ રસપ્રદ છે...

    ReplyDelete
  3. Read article. Excellent. It new matter for me

    ReplyDelete