જશીબહેન નાયક, કેળવણીકાર
જન્મ-દિવસ : ૧૮-૧૧-૧૯૧૮
નિધન-દિવસ : ૦૭-૦૯-૨૦૨૩
કેળવણીકાર જશીબહેન નાયક ૧૦૫ વર્ષની વયે અવસાન પામ્યાં છે.
જશીબહેન નાયક ગાંધીજીવી કેળવણીકાર હરભાઈ ત્રિવેદીનાં જ્યેષ્ઠ પુત્રી હતાં. તેઓ કેળવણીકાર પદ્મશ્રી ડૉ. રઘુભાઈ નાયકનાં જીવનસાથી હતાં.
જશીબહેન નાયક સરસ્વતી વિદ્યામંડળ, સરસપુર, અમદાવાદનાં પ્રમુખ અને 'ઘરશાળા' શૈક્ષણિક માસિકનાં તંત્રી હતાં.
જશીબહેન એમનાં દીકરા ડૉ. પ્રશાંતભાઈ નાયકની સાથે છેલ્લાં પાંચેક વર્ષથી લિવરપૂલ, લંડન મુકામે સ્થાયી થયાં હતાં. અમને લેખક-પ્રકાશક મિત્ર મનીષ પટેલ દ્વારા જશીબહેનના નિયમિત ખબર-અંતર મળતા રહેતા હતા.
ઈ. સ. ૨૦૧૮માં જશીબહેનની રૂબરૂ મુલાકાત લેવાની તક મળી હતી. એ વખતે તેઓ અમદાવાદના પૉલિટેકનિક વિસ્તારમાં મૈત્રી સોસાયટીમાં રહેતાં હતાં. ત્યાં એમનાં દીકરી ઇરાબહેનને પણ મળવાનું થયું હતું.
તારીખ ૧૮ નવેમ્બર, ૨૦૧૮ના દિવસે જશીબહેન નાયકે ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યાં ત્યારે અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલા સરસ્વતી વિદ્યામંડળના પ્રાંગણમાં શતાબ્દી-વંદનાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, સમગ્ર વિસ્તારમાં શુભેચ્છા-યાત્રા યોજવામાં આવી હતી. જેમાં સરસ્વતી વિદ્યામંડળના પૂર્વ - વર્તમાન વિદ્યાર્થીઓએ તેમજ નાગરિકોએ ઠેકઠેકાણે તેમનું સન્માન કર્યું હતું. અમને આ સમગ્ર શતાબ્દી-વંદના અને શુભેચ્છા-યાત્રાની તસવીરો લેવાનો અવિસ્મરણીય અવસર મળ્યો હતો.
No comments:
Post a Comment