ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................
.................................................................................................................................
ગાંધીની વાત આવે એટલે ઓગણીસો પંદર આવે, ઓગણીસો પંદર આવે એટલે અમદાવાદ આવે, અમદાવાદ આવે એટલે આશ્રમ આવે, આશ્રમ આવે એટલે આચાર આવે! અહીં, અમલમાં મૂકવા માટે અંકે પૂરાં અગિયાર વ્રત છે. ગાંધીજી માટે આશ્રમ એટલે એકાદશ વ્રતોની અસરકારક આચારભૂમિ.
આશ્રમના બંધારણનો મુસદ્દો મે, ૧૯૧૫માં ઘડવામાં આવ્યો હતો. આ મુસદ્દો સુધારીને ત્રીજી આવૃત્તિ રૂપે નવેમ્બર, ૧૯૧૫માં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. મોહનદાસ કરમચંદ ગાંધી દ્વારા લિખિત ‘સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ’ (મે, ૧૯૪૮) પુસ્તકને ‘અગ્નિસંભવ’ મથાળાથી આવકાર આપતા કાકા કાલેલકર લખે છે : “સન ૧૯૧૫માં સત્યાગ્રહાશ્રમની સ્થાપના કરી તે પહેલાં ગાંધીજીએ એ આશ્રમની કલ્પના લખી કાઢી અને એને માટે બે ત્રણ નામો સૂચવી એક પરિપત્ર હિંદુસ્તાનના અનેક વિચારકો, સેવકો અને નેતાઓ ઉપર મોકલ્યું હતું. એની સાથે આશ્રમના વ્રતોનું વિવેચન પણ મૂક્યું હતું. એ ૧૧ વ્રતોમાંનાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ એ પાંચ વ્રતો યોગમાર્ગમાં યમ તરીકે ઓળખાય છે. વૈદિક તેમ જ બૌદ્ધ, જૈન ઇત્યાદિ બધી જ પરંપરાઓમાં આ યમોનું મહત્વ બતાવેલું છે. રાજદ્વારી સ્વરાજ્ય મેળવવા માટે અને સામાજિક સુધારા દ્વારા બહુધર્મી ભારતીય જનતાના ઉદ્ધારને અર્થે ચલાવેલા આશ્રમમાં આ યમોની સુધારેલી આવૃત્તિ ફરી જાગ્રત થયેલી જોઈ, જૂના અને નવા બધા જ વિચારના લોકોને આશ્રમ વિષે કુતૂહલ અને આદરની લાગણી જન્મી.” (પૃષ્ઠ : 5)
વ્રતવિચારના અભ્યાસીને ઉપયોગી થશે એમ માની આશ્રમની નિયમાવલિમાંથી અગિયાર વ્રતો ‘સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ’ પુસ્તકમાં પરિશિષ્ટરૂપે આપવામાં આવ્યાં છે. જેમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય, અપરિગ્રહ, જાતમહેનત, સ્વદેશી, અભય, અસ્પૃશ્યતાનિવારણ, સહિષ્ણુતા એમ એકાદશ વ્રતોનો સમાવેશ થાય છે.
ગાંધીના મતે સામાન્ય વહેવારમાં અસત્ય ન બોલવું કે ન આચરવું એટલો સીમિત અર્થ સત્યનો કેવી રીતે હોઈ શકે?! એ તો ગાંધીજી છે એટલે જ સ્પષ્ટ કહે છે કે, ‘આ સત્યના ઉપાસક પોતે કલ્પેલા દેશહિતને સારુ પણ અસત્ય નહીં બોલે, નહીં આચરે. સત્યને અર્થે તે પ્રહ્લાદની જેમ માતાપિતાદિ વડીલોની આજ્ઞાનો પણ વિનયપૂર્વક ભંગ કરવામાં ધર્મ સમજે.’ ગાંધી માટે ‘સત્ય એ જ પરમેશ્વર છે ને તે સિવાય બીજું કશું નથી.’ આ જ રીતે, પ્રાણીઓનો વધ ન કરવો એટલું જ અહિંસાના વ્રતપાલનને માટે પૂરતું નથી! ગાંધી કહે છે કે, ‘અહિંસા એટલે સૂક્ષ્મ જંતુઓથી માંડીને મનુષ્ય સુધી બધા જીવો પ્રત્યે સમભાવ.’ ગાંધીજીના મતાનુસાર વ્રતપાલક ઘોર અન્યાય કરનાર પ્રત્યે પણ ક્રોધ ન કરે, તેના ઉપર પ્રેમભાવ રાખે, તેનું હિત ઇચ્છે ને કરે. છતાં અન્યાયીના અન્યાયને વશ ન થાય, અન્યાયનો વિરોધ કરે અને અન્યાયીએ આપેલાં કષ્ટ ધીરજપૂર્વક અને અન્યાયીનો દ્વેષ કર્યા વિના સહન કરે.
‘પુરુષ પુરુષ વચ્ચે કે સ્ત્રી સ્ત્રી વચ્ચે કે બંનેની કોઈ વસ્તુ વિષે વિકારમય ચેષ્ટા પણ સ્થૂળ બ્રહ્મચર્યનો ભંગ છે.’ એવું કહેનાર ગાંધી એવું પણ સ્પષ્ટ માને છે કે, પતિ-પત્ની વચ્ચે વિષયભોગ નહીં, પણ મિત્રવત્ નિર્મળ સંબંધ હોવો જોઈએ. બ્રહ્મચર્યના વ્રત અંગે તેઓ એ બાબત ઉપર ખાસ ભાર મૂકે છે કે, ‘બ્રહ્મચારી કોઈ સ્ત્રી કે પુરુષ ઉપર કુદૃષ્ટિ ન કરે એટલું જ બસ નથી, પણ મનથીયે વિષયોનું ચિંતન કે સેવન નહીં કરે.’ ગાંધીજીનો એવો અનુભવ છે કે, મનુષ્ય જ્યાં લગી જીભના રસોને જીતે નહીં ત્યાં લગી બ્રહ્મચર્યનું પાલન અતિ કઠિન છે. આથી તેમણે અસ્વાદને નોખું વ્રત ગણ્યું છે. ‘ભોજન કેવળ શરીરયાત્રાને જ અર્થે હોય; ભોગને અર્થે કદી નહીં. તેથી તે ઔષધિ સમજી સંયમપૂર્વક લેવાની જરૂર છે.’ એવું કહીને ગાંધી વિકાર ઉત્પન્ન કરે એવા મસાલાનો ત્યાગ, અને માંસાહાર, મદ્યપાન, તમાકુ, ભાંગ ઇત્યાદિનો આશ્રમમાં નિષેધ કરે છે. આ ઉપરાંત, ગાંધીજી ‘અસ્વાદ’ વ્રતમાં સ્વાદને અર્થે ઉજાણીનો કે ભોજનના આગ્રહનો પણ નિષેધ ફરમાવે છે!
બીજાની વસ્તુ તેની રજા વિના ન લેવી એટલી સામાન્ય સમજ આપણી જ હોઈ શકે, ‘અસ્તેય’ વ્રતની નહીં! આથી, ગાંધી સમજે અને સમજાવે છે કે, ‘જે વસ્તુ જે ઉપયોગને સારુ આપણને મળી હોય તેનાથી તેનો બીજો ઉપયોગ કરવો કે જે મુદતને સારુ મળી હોય તેના કરતાં વધારે મુદત લગી ઉપયોગ કરવો તે પણ ચોરી છે.’ આટલું જાણે ઓછું હોય તેમ ગાંધી માને છે કે, પોતાની ઓછામાં ઓછી આવશ્યકતા ઉપરાંત જે કંઈ પણ મનુષ્ય લે છે તે ચોરી કરે છે. ‘અસ્તેય’ના પેટામાં જ ‘અપરિગ્રહ’ને જોઈ-જાણી શકતા ગાંધીજી દરેક આશ્રમજીવીને પોતાનું જીવન નિત્ય સાદું કરતાં જવાની સમજણ આપે છે. અપરિગ્રહ વ્રત અંગે ગાંધી ભારપૂર્વક કહે છે કે, ‘અનાવશ્યક વસ્તુ જેમ લેવાય નહીં તેમ તેનો સંગ્રહ પણ ન થાય. તેથી જે ખોરાક કે રાચરચીલાની જરૂર નથી તેનો સંગ્રહ તે આ વ્રતનો ભંગ છે.’
‘અસ્તેય’ અને ‘અપરિગ્રહ’ના પાલન માટે ‘જાતમહેનત’નું વ્રત ખરેખર જિંદાબાદ સાબિત થાય તેમ છે! ‘મનુષ્યમાત્ર શરીરનિર્વાહ શારીરિક મહેનતથી કરે તો જ તે સમાજના ને પોતાના દ્રોહમાંથી બચી શકે.’ એવું સાફસાફ સંભળાવીને ગાંધી કહે છે : ‘જેનું અંગ ચાલી શકે છે ને જેને સમજણ આવી છે તેવાં સ્ત્રીપુરુષે પોતાનું બધું નિત્યકામ જે પોતે આટોપવા યોગ્ય હોય તે આટોપી લેવું જોઈએ, અને બીજાની સેવા વિનાકારણ ન લેવી જોઈએ.’ આની સાથેસાથે ગાંધીજી એવું પણ સ્પષ્ટ કરે છે કે, બાળકો, અપંગો, વૃદ્ધોની સેવા કરવી એ પ્રત્યેક મનુષ્યનો ધર્મ છે. ‘જાતમહેનત’ના આદર્શને અવલંબીને આશ્રમમાં અનિવાર્ય હોય ત્યાં જ મજૂરો રાખવામાં આવતા હતા. ને તેમની સાથે શેઠચાકરનો વહેવાર રાખવામાં આવતો નહોતો.
‘સ્વદેશી’ ભાવનાના પોષણથી સંસાર સુવ્યવસ્થિત રહી શકે, એવું માનનારા ગાંધીજી કહે છે કે, ‘દેશમાં જે વસ્તુ થતી હોય કે સહેજે થઈ શકતી હોય તે વસ્તુ આપણે પરદેશથી ન લાવીએ.’ જોકે તેમનું વ્યાપક દર્શન એ છે કે, ‘સ્વદેશીમાં સ્વાર્થને સ્થાન નથી. પોતે કુટુંબના, કુટુંબ શહેરના, શહેર દેશના, ને દેશ જગતના કલ્યાણાર્થે હોમાય.’ ‘અભય’ વ્રતના મામલે ગાંધીજીની પ્રતીતિ છે કે, સત્ય, અહિંસા ઇત્યાદિ વ્રતોનું પાલન નિર્ભયતા વિના અસંભવિત છે. સર્વત્ર ભયના વ્યાપમાં નિર્ભયતાનું ચિંતન અને તેની કેળવણી અત્યંત આવશ્યક હોવાથી તેને વ્રતોમાં સ્થાન આપનાર ગાંધીજી કહે છે, ‘જે સત્યપરાયણ રહેવા માગે તે ન નાતજાતથી ડરે, ન સરકારથી ડરે, ન ચોરથી ડરે, ન ગરીબાઈથી ડરે, ન મોતથી ડરે.’
‘અસ્પૃશ્યતાનિવારણ’ને આશ્રમી નિયમમાં સ્થાન આપવામાં આવ્યું છે. કારણ કે, હિંદુધર્મમાં અસ્પૃશ્યતાની રૂઢિએ ઘાલેલી જડમાં ધર્મ નથી, પણ અધર્મ છે. આશ્રમ જાતિભેદને માનતું નથી અને આશ્રમમાં વર્ણભેદને અવકાશ નથી. આથી, ગાંધીજી કહે છે કે, ‘જાતિભેદથી હિંદુધર્મને નુકસાન થયું છે એવી માન્યતા છે. તેમાં રહેલી ઊંચનીચની અને આભડછેટની ભાવના અહિંસાધર્મની ઘાતક છે.’ ગાંધીજી ‘સહિષ્ણુતા’ અંગે કહે છે કે, ‘જેવું આપણને આપણા ધર્મ વિષે માન હોય તેટલું જ માન આપણે બીજાના ધર્મ પ્રત્યે રાખવું ઘટે. આવી સહિષ્ણુતા હોય ત્યાં એકબીજાના ધર્મનો વિરોધ નથી સંભવતો, નથી પરધર્મીને પોતાના ધર્મમાં લાવવાનો પ્રયત્ન સંભવતો; પણ બધા ધર્મમાં રહેલા દોષો દૂર થાય એવી જ પ્રાર્થના ને એવી જ ભાવના નિત્ય પોષવી ઘટે છે.’
આપણે એકાદશ વ્રતને સ્થૂળ અર્થમાં લેવાનાં નથી. પણ તેને સૂક્ષ્મ અર્થમાં સમજવાનાં છે. આશ્રમી વ્રતો માટે સીમિત નહીં, પણ વ્યાપક સમજ ઊભી કરવાની છે. એકાદશ વ્રતો એકબીજા સાથે ગૂઢ રીતે જોડાયેલાં છે, અને તેઓ જગતના સજીવોને ગાઢ રીતે જોડવા સક્ષમ છે. અગિયાર વ્રતો મનુષ્યનાં અંગ અને આત્મા, બુદ્ધિ અને હૃદય, મન અને કર્મ વચ્ચે આંતરસંબંધ ધરાવે છે. એકાદશ વ્રતોનું નિત્ય મનન અને પૂર્ણ પાલન જરૂરી છે. અગિયાર વ્રતોનો મુશ્કેલ પણ અશક્ય નહીં એવો અંગત અમલ જ જગત કલ્યાણ કરી શકે તેમ છે. આપણે ત્યાં ઇન્ડિયન ક્રિકેટ ઈલેવન, નાઈન બાય ઈલેવન, નૌ દો ગ્યારહ, કે અગિયારશના ઉપવાસ થકી જ અગિયારનો આંકડો ચર્ચામાં આવે છે. પણ અમદાવાદની આશ્રમભૂમિમાં અવતરણ પામેલાં અગિયાર વ્રતો પ્રામાણિક સ્વીકરણમાં અને ચુસ્ત આચરણમાં પરિણમે તો દુનિયાનાં ઘણાં દુઃખો શાંત થઈ જાય!
.................................................................................................................................
* સૌજન્ય :
'નિરીક્ષક', 16-08-2014, પૃષ્ઠ : 12
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', 01-09-2014; અંક : 253, પૃષ્ઠ : 01-03
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', 01-09-2014; અંક : 253, પૃષ્ઠ : 01-03
No comments:
Post a Comment