Monday, August 4, 2014

નાનક મેઘાણી : સ્મરણોના ‘ગ્રંથાગાર’માં


ડૉ. અશ્વિનકુમાર
................................................................................................................................. 

નાનક મેઘાણી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

નાનક ઝવેરચંદ મેઘાણી (૨૯-૧૨-૧૯૩૧થી ૨૦-૦૭-૨૦૧૪) એટલે સેવાવ્રતી ગ્રંથવિક્રેતા અને સુરુચિપૂર્ણ પ્રકાશક. તેઓ વ્યવસાય થકી પુસ્તકચાહક અને વ્યવહાર થકી વાચકચાહક હતા. નાનક મેઘાણી અને ‘ગ્રંથાગાર’ એક જ હૃદયના અનન્ય ધબકાર હતાં. ઉમાશંકર જોશીથી માંડીને યશવંત શુક્લ, નિરંજન ભગતથી માંડીને પ્રકાશ ન. શાહ સુધીના કવિઓ-કતારલેખકો-વિવેચકો-પત્રકારો ‘ગ્રંથાગાર’ના મુલાકાતીઓ-ચાહકો-વાચકો-ગ્રાહકો હતા. આ અર્થમાં ‘ગ્રંથાગાર’ને ‘અમદાવાદમાં અક્ષર-પુરુષોત્તમોનો અડ્ડો’ કહી શકાય! સાર્થક, સાદગીસભર, સમર્પિત જીવન કેવી રીતે માણી શકાય એનું હૈયાવગુ ઉદાહરણ એટલે નાનકભાઈ મેઘાણી. શ્યામળો ચહેરો, ઘણું જોઈ-જાણી શકતી મોટી આંખો, સાધારણ કદ-કાઠી, અને ભાર વિનાનું જીવતર ધરાવતા નાનકભાઈને મળીએ એટલે આપણને માણસ હોવાનું ગૌરવ થાય!

વીસમી સદીનાં એ અંતિમ વર્ષોમાં, અમે પુસ્તકોને મળવા એક વાર ગ્રંથાલયના બદલે ‘ગ્રંથાગાર’માં પહોંચી ગયા ત્યારે, નાનક મેઘાણી સાથે પહેલવહેલો (અને આમ ઘણો મોડો!) પરિચય થયો. એ વખતે ગુજરાત યુનિવર્સિટીના ભૂગોળ ભવનની સામે આવેલા મકાનમાં ‘ગ્રંથાગાર’નું ઠેકાણું હતું. પ્રથમ દૃષ્ટિએ અમે એમના પુસ્તકપ્રેમમાં પડી ગયા હતા! નાનકભાઈએ પહેલાં આવકાર આપ્યો અને પછી પુસ્તકોની વિગતો આપી. તેઓ જાણે ચુસ્ત સંપાદન કરી રાખ્યું હોય એમ વાક્યપ્રયોગો કરતા હતા. એમનાં ગ્રંથકાર્ય-સહયોગી હંસાબહેને પણ શબ્દો બહુ ઓછા ઉચ્ચાર્યાં અને સ્મિત ઘણું વધારે રેલાવ્યું. નાનકભાઈએ અને હંસાબહેને તલસાંકળી-શિંગચીકીથી ચિકાર ડબ્બો અમારી આગળ ખુલ્લો જાહેર કરી દીધો.

એકવીસમી સદીનાં એ પ્રારંભિક વર્ષોમાં, અમને વિદ્યાવાચસ્પતિ(પીએચ. ડી.)ના સંશોધનકાર્ય દરમ્યાન ‘દલિત ડાયરી : ૧૯૯૯-૨૦૦૩ : રીફ્લેક્શન્સ ઓન એપાર્થીડ ઇન ઇંડિયા’ નામના ગ્રંથની અનિવાર્યતા જણાઈ. આ પુસ્તકના લેખક ચંદ્ર ભાણ પ્રસાદ ઉત્તર ભારતમાં, પુસ્તક પ્રસિદ્ધ કરનાર ‘નવયાન પ્રકાશન’ દક્ષિણ ભારતમાં, અને અમે પશ્ચિમ ભારતમાં હતા! પુસ્તક વાંચવા-ખરીદવા હાથ-પગ ચલાવ્યા, પણ ભવ્ય નિષ્ફળતા મળી. આવા સંકટ સમયે ગ્રંથવી નાનક મેઘાણી યાદ આવ્યા. થોડાક દિવસોમાં ‘ગ્રંથાગાર’માંથી જીવનમિત્રાના સહયોગ થકી અમારા ઘરે આ પુસ્તકનાં પાવન પગલાં થયાં એનાથી રોમાંચક ઘટના બીજી કઈ હોઈ શકે?!

અમદાવાદના આશ્રમમાર્ગ ઉપર ગુજરાતી સાહિત્ય પરિષદના ભવનમાં કોઈ ને કોઈ કાર્યક્રમમાં જવાનું થાય ત્યારે ‘ગ્રંથાગાર’માં હાઉકલું કર્યા વિના ન રહેવાય. એ માણસોને ‘ભાગ્યરેખાની નીચે’ ગણવા કે જેમને હેતાળ નાનકભાઈનો આવકાર અને સ્મિતાળ હંસાબહેનનું આતિથ્ય માણવા મળ્યાં ન હોય! વાચનરસિયાઓએ ‘ગ્રંથાગાર’માં પુસ્તકો ખરીદવા કરતાં વાંચવાનો આનંદ વધારે મેળવ્યો હશે. વાચનવીરોને પુસ્તકોની જાણકારી અને વાચનઅવસરની બેવડી યોજનાનો લાભ ‘ગ્રંથાગાર’ થકી મળ્યો છે. રવીન્દ્રનાથ ઠાકુરના જીવનનાં અંતિમ વર્ષોને છબીમાં કાયમ કરનાર તસવીરકાર શંભુ શહાનું શ્વેત-શ્યામ પુસ્તક ‘ફેસીસ એન્ડ પ્લેસીસ ઓફ વિશ્વ-ભારતી : એ કલેક્શન ઓફ ફોટોગ્રાફ્સ’ અમને નાનકભાઈએ જ ‘ગ્રંથાગાર’માં બતાવ્યું હતું. અમે એ સચિત્ર પુસ્તકને સ્થળ ઉપર જ ધરાઈને માણી લીધું હતું !

બે હજાર તેરમાં એકત્રીસ ઓગસ્ટની સાંજે ‘ગ્રંથાગાર’ કાયમ માટે આથમી ગયું. આપણે તો ગૂર્જર ભૂમિમાં હાથીની અંબાડી ઉપર ચઢેલા ગ્રંથની વાત સાંભળી હોય, જયારે અહીં તો ઘોડાની પીઠ ઉપરથી ઊતરી ગયેલાં પુસ્તકોની વાસ્તવિકતા હતી! એ દૃશ્ય સ્વીકારવા મન તૈયાર નહોતું. પણ હૃદયથી નક્કી કર્યું કે, નાનકભાઈ અને હંસાબહેન સાથે ‘ગ્રંથાગાર’ના છેલ્લા કલાકોની મોંઘેરી યાદ કાયમી કરી લેવી. કેટલાક વાચનજીવી મિત્રો અને પત્રકારત્વના વિદ્યાર્થીઓ સાથે અમે ‘ગ્રંથાગાર’માં અસરકારી ગ્રંથોત્સવ માણ્યો. પુસ્તકોની દુનિયાની આસપાસની-આરપારની ગોઠડી થઈ. વ્યંગ-રમૂજના ફુવારાથી વાતાવરણ પ્રફુલ્લિત થઈ ગયું. નાનકભાઈ-હંસાબહેન તરફથી મીઠાઈનો ભારે આગ્રહ અને અમારા મિત્ર-વર્તુળ તરફથી તેનો અતિ ભારે અમલ થતો ગયો.

શાંતિનિકેતન આશ્રમિક સંઘ, અમદાવાદ વતી નાનકભાઈના ખુદના ‘પરિમાણ પ્રકાશન’ દ્વારા પ્રગટ થયેલું ક્ષિતિમોહન સેનનું ‘સાધનાત્રયી’ પુસ્તક નાનકભાઈએ અમને ભેટરૂપે આપ્યું. અમે કપિલા વાત્સ્યાયન દ્વારા લિખિત પુસ્તક ‘પરંપરાગત ભારતીય નાટ્યરંગ : બહુવિધ પ્રવાહો’ સંભારણાં સ્વરૂપે ખરીદ્યું. જેથી કરીને છેલ્લા દિવસે પણ, ‘અલ્પાચમન જ્ઞાનોદધિ કેરું’ જેવા ધ્યેયમંત્રથી અંકિત થયેલું રોકડ બિલ યાદગીરી રૂપે મળે! અમે નાનકભાઈની અને હંસાબહેનની સાથે મિત્રો-વિદ્યાર્થીઓની સમૂહ તસવીરો લીધી. છેવટે, નાનકભાઈને શુભેચ્છા પાઠવીને અમે ભાવભરી વિદાય લીધી. ‘ગ્રંથાગાર’(૧૯૭૭-૨૦૧૩)નો સંકેલો કર્યાને હજુ એક વર્ષ પણ પૂરું થયું નહોતું ત્યાં તો નાનકભાઈ ‘સ્મરણો પાનાં પાનાં’ મૂકીને કાયમ માટે ‘ગ્રંથલીન’ થઈ ગયા.

ગુજરાતી વેપારીઓ ઘણું વેચે છે અને વેચતા રહેશે. ગુજરાતી પ્રજા ખાઈને ખરીદે છે અને ખરીદીને ખાય છે. પશ્ચિમ અમદાવાદમાં ઘણાં શોપિંગ મોલ અને સુપર માર્કેટ ખુલી ગયાં છે. ઓન લાઇન શોપિંગથી પુસ્તકો ખરીદવામાં મોજની સાથે મોભો પણ પડે છે. સામા છેડે, પૂર્વ અમદાવાદમાં ગુજરી બજારમાંથી ઓછી કિંમતે વધારે પુસ્તકો ખરીદવા માટે રવિવાર પૂરતાં વહેલાં ઊઠનારા જાગ્રતજન પણ છે. ગ્રંથાલયો અને ગ્રંથભંડારોનું સ્વરૂપ બદલાશે પણ મહત્વ જળવાઈ રહેશે. પુસ્તક-પ્રદર્શન અને પુસ્તક-મેળા યોજાતાં રહેવાનાં છે. આડી-ઊભી કે વાંકી-ત્રાંસી પણ વાચનની આદત અને પુસ્તકોની મજા પડતી રહેવાની છે. યાદગાર ‘ગ્રંથાગાર’ની અમારા હૃદયમાં પડેલી છબી હંમેશાં તાજી રહેવાની છે. કેવળ એક જ સવાલ મૂંઝવે છે કે, આપણા ગ્રંથજગતમાં ‘નાનક યુગ’ ફરી ક્યારેય આવશે ખરો?

.................................................................................................................................

સૌજન્ય :

'સંસ્મરણ'
'દિવ્ય ભાસ્કર' દૈનિક, ૦૩-૦૮-૨૦૧૪, રવિવાર, 'સનડે' પૂર્તિ, પૃષ્ઠ : ૦૬

No comments:

Post a Comment