Sunday, August 17, 2014

સોરઠી સંતવાણી, નાનક મેઘાણી, અને વાલ્મીકિ સમાજ

ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

નાનક ઝવેરચંદ મેઘાણી (૧૯૩૧-૨૦૧૪)
P
hotograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

સંનિષ્ઠ ગ્રંથવિક્રેતા અને સેવાભાવી પુસ્તકપ્રસારક નાનક ઝવેરચંદ મેઘાણી(૧૯૩૧-૨૦૧૪)ને વાલ્મીકિ સમાજ દ્વારા સ્વરાંજલિ આપવાનો કાર્યક્રમ અમદાવાદમાં યોજાઈ ગયો. શ્યામલ ચાર રસ્તા પાસે, બિલેશ્વર મહાદેવના મંદિરની સામે, પાર્થસારથિ એવેન્યૂના કાન્હા ટાવરમાં, વાલ્મીકિ કલાકારોએ ‘સોરઠી સંતવાણી’માંથી પસંદ કરેલાં પંદરેક ભજનોની શબ્દ-સૂર-લય-તાલથી રમઝટ બોલાવી હતી. ત્રીજી ઓગસ્ટ, ૨૦૧૪ ને રવિવારની સાંજે સાડા પાંચથી સાડા સાત દરમ્યાન ગીત-સંગીત-ધ્વનિપ્રસારની બુલંદીથી ઇમારતના નવમા માળે આવેલો નાનક-નિવાસ ગાજી ઊઠ્યો હતો. નાનકભાઈનાં પત્ની કુસુમ મેઘાણી અને પુત્ર પિનાકી મેઘાણીએ આ અનોખી ભજન-વંદનાનું આયોજન કર્યું હતું. અહીં, ગાયક કલાકારો તરીકે ગંગારામ વાઘેલા અને પાયલ ગોરિયા હતાં. વાદ્યવૃંદમાં ચંદ્રકાંત સોલંકી, સચિન ગોરિયા, સુરજિત વાઘેલા તબલાના સંગે હતા. અશોક બારૈયાએ ઢોલક, ધનજીભાઈ ભૂતડીયાએ બેન્જો, અને મોહિત વાઘેલાએ મંજીરાની સંગતને જીવંત બનાવી હતી.

પાર્થસારથિ પરિસરના દરવાનને એ ખબર હતી કે, ‘નવસો ત્રણ’માં ભજનનો કાર્યક્રમ છે. ઇમારતના ભોંયતળિયે લિફ્ટના દરવાજા પાસે ‘નાનક મેઘાણીને વાલ્મીકિ સમાજ દ્વારા સ્વરાંજલિ’ની જાહેરાતનો કાગળ ચોંટાડેલો હતો. નિવાસસ્થાનના બેઠકખંડમાં કલાકારો, ભજનિકો, કુટુંબીજનો, મિત્રો, આમંત્રિતો સહિત પચાસેક ભાઈઓ-બહેનો ભાવાંજલિનાં સાક્ષી બન્યાં હતાં. જેમાં, ગુજરાત રાજ્ય સફાઈ કામદાર વિકાસ નિગમનાં અધ્યક્ષા અને અમદાવાદનાં પૂર્વ મેયર દર્શના વાઘેલાની વિશેષ ઉપસ્થિતિ હતી. પિનાકીભાઈએ કરાચી, પાકિસ્તાનના વાલ્મીકિ સમાજના અગ્રણી અને મૂળ ગુજરાતી ચમનલાલ બારૈયાએ પાઠવેલા શોકસંદેશાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાંથી સ્વરાંજલિનું સેટેલાઈટ વ્યવસ્થા (http://eevents.tv/meghani) થકી જીવંત પ્રસારણ થયું, જે ઇન્ટરનેટ ઉપર આશરે ૭૨૦૦ દર્શકોએ નિહાળ્યું!

‘સોરઠી સંતવાણી’ (સંપાદક : ઝવેરચંદ મેઘાણી, ‘પ્રસાર’) પુસ્તકના નિવેદન(૦૯-૦૪-૧૯૪૭)માં મહેન્દ્ર મેઘાણીએ ઝવેરચંદ મેઘાણી વિશે નોંધ્યું છે તેમ, “છેલ્લા થોડા મહિનાઓ દરમિયાન એમનું ચિત્ત સંતોની ભજનવાણી ભણી વધુ ને વધુ ઢળતું ગયેલું અને, એક સ્નેહીજને હવે એમનાં સંસ્મરણોમાં લખ્યું છે તેમ, પોતે નવાં કાવ્યો લખતા નહોતા કારણ કે આ ભજનવાણીમાં જ એમની લાગણીઓના પડઘા એ સાંભળતા હતા.” આ સ્વરાંજલિ કાર્યક્રમમાં ભાવકોને જાણે ઝવેરચંદ મેઘાણીની લાગણીના પડઘા સંભળાતા હતા! કારણ કે, ભજનવાણી થકી ગંગા સતીનાં ‘વીજળીને ચમકારે’, ‘મેરુ રે ડગે’, ‘શીલવંત સાધુને’; જેસલ-તોરલનાં ‘પાપ તારું પરકાશ જાડેજા’, ‘રોઈ રોઈ કોને સંભળાવું’; કાજી મહમદ શાહનું ‘જીયો વણઝારા’; ત્રિકમ સાહેબનું ‘સાધુ તેરો સંગડો’; દેવાયત પંડિતનું ‘ગુરુ ! તારો પાર ન પાયો’; અમર માનું ‘મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવિયા’; હરજી ભાટીનું ‘વાગે ભડાકા ભારી, ભજનના’ અને અંતે ઝવેરચંદ મેઘાણી ખ્યાત ‘કસુંબીનો રંગ’ ઘૂંટાયો હતો.

‘સોરઠી સંતવાણી’ના પ્રવેશકમાં ઝવેરચંદ મેઘાણી લખે છે : “મહિના મહિનાની અજવાળી બીજની રાત્રિએ, કાઠિયાવાડના કોઈ પણ ગામમાં સૂતા હો, ગહરી નીંદરમાંથી જાગી જાઓ, તો સાંભળી શકશો – વાગે ભડાકા ભારી, ભજનના વાગે ભડાકા ભારી રે હોજી.” આજના અમદાવાદમાં, પશ્ચિમે ઊગેલા સેટેલાઈટ વિસ્તારમાં, એક રવિવારે ગોરંભાયેલી ભર સાંજે, સદ્દગત ઝવેરચંદ મેઘાણીના સદ્દગત પુત્ર નાનકભાઈને, ‘સોરઠી સંતવાણી’ વાટે, વાલ્મીકિ કલાકારો ભજનના ભારે ભડાકા વગાડી સ્વરાંજલિ આપે એ સામાન્ય ઘટના નહીં, ભડાકાભેર સમાચાર છે!

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com
.................................................................................................................................

સૌજન્ય :
'નિરીક્ષક', 16-08-2014, પૃષ્ઠ : 13

No comments:

Post a Comment