Wednesday, April 29, 2015

‘કૂતરાથી સાવધાન’ : નવા વિકલ્પો તરફ

હળવે હૈયે
ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

અતિથિ દેવો ભવ:’ની ભારતીય પરંપરા મુજબ, ઘરના પ્રવેશદ્વાર ઉપર ‘ભલે પધાર્યા’નું મંગલસૂત્ર લખેલું હોવું જોઈએ. પરંતુ આપણી સંસ્કૃતિનો છેદ ઉડાડતો ‘કૂતરાથી સાવધાન’નો ચેતવણીસૂર કાઢેલો જોઈને આંખો ખારાં આંસુ કાઢે છે. વળી, જેમને દસમા ધોરણમાં અંગ્રેજી વિષય છોડવાની શરતે નવમા ધોરણમાં ધક્કો મારવામાં આવ્યો હોય એવા અલ્પગુણાત્માઓ, કૂતરાથી સાવધાન’ની જગ્યાએ ‘Beware of Dog’નું પાટિયું ચોંટાડે ત્યારે આંખો કોરાં આંસુ કાઢે છે. જોકે, શ્વાનથી સાવધાન કરતી ચેતવણીમાં દ્વિભાષી પ્રયોગ વધુ હિતાવહ જણાય છે. પશ્ચિમ બંગાળના ગિરિનગર દાર્જીલિંગની એક હોટેલના ઝાંપા આગળ સ્થાનિક ભાષામાં ‘કુકુર દેખિ સાવધાન’ લખેલું હતું. આનો અર્થ ‘કૂતરાથી સાવધાન’ એવો થાય એ અમને એની નીચે લખેલા અંગ્રેજી વાક્ય ‘Beware of Dog’ના આધારે આવ્યો હતો. આમ, અંગ્રેજી ભાષાએ અમને કૂતરાથી અને કૂતરાને અમારાથી દૂર રાખ્યા હતા! આપણે ઘરઆંગણમાં કૂતરો વસાવીએ કે ન વસાવીએ, પરંતુ ‘કૂતરાથી સાવધાન’ જેવા જાહેર લખાણને જોવું-જાણવું-સાંભળવું-વાંચવું કંટાળાજનક જણાય છે. આ મુદ્દે ભાષાના આમ્રવૃક્ષને કેટલીક નવી કલમ કરવા જેવી લાગે છે.

દાર્જીલિંગની એક હોટેલના પ્રવેશદ્વાર આગળનું લખાણ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

મોટા ભાગના શ્વાનચાહકો એવું કહી શકે કે, અમે શોખથી કૂતરાં પાળીએ છીએ. આથી, રાજધાની-મહાનગર-શહેર-ગામમાં ધોબીનો કૂતરો નહીં પણ હોબીનો કૂતરો જોવા મળે છે! જોકે વર્ષોજૂની બાતમી મુજબ, માણસો ડરાડરી કે દેખાદેખીના કારણે કૂતરાં રાખે છે. આથી, શ્વાનધારકોએ ખતરનાક દંતપ્રદર્શન કરતાં હોય એવાં કૂતરાંની છબી ચેતવણીફલક ઉપર અંકિત કરવી પડે. ઓશરીમાં બાળ પોમેરેનિયન આંટા મારતું હોય તોપણ પુખ્ત વયના ડોબરમેન પિન્સ્ચર, જર્મન શેફર્ડ, કે પ્રેસા કેનેરિઓની તસવીરનો જ આગ્રહ રાખવો. પાટિયા ઉપર ચિત્રકરણ કર્યા પછી મૌલિક અને નવીન ચેતવણી લખવી. દાખલા તરીકે, હવે પછીના તમામ દાખલા જુઓ.

જેઓ કોઈનું માનતાં નથી તેઓ એવું તો માને છે કે બહુવચનથી બહુ વજન પડે છે. આથી તેઓ પરિવારમાં પોણો ડઝન માનવવસ્તી વચ્ચે એકનો એક કૂતરો હોય તોપણ કૂતરાથી સાવધાન’ની જગ્યાએ ‘કૂતરાંથી સાવધાન’ લખીને વટ પાડી શકે છે. લૈંગિક સમાનતાનો જીવનમૂલ્ય તરીકે સ્વીકાર ન કરનાર શ્વાનમાલિકો કૂતરીથી સાવધાન’ એવું ન લખે. જોકે, અમદાવાદના કોટવિસ્તારની એક ભીંત ઉપર કોઈકે એ મતલબનું લખ્યું હતું કે, કૂતરી વિયાયેલી છે, એથી કરડે છે. માટે અહીં વાહનો પાર્ક ન કરવાં.’

જેની આસ્થા ઈશ્વર અને ઇંગ્લિશ ઉપર ટકી રહી હોય તેવા આસ્તિક આવી સૂચના મૂકી શકે : Don't Beware of Dog. Beware of God.ચેતવણી ઉપરથી અજાણ્યા આગંતુકને સાવધ કરવા માટે ગુજરાતીમાં આવો વાક્ય-પ્રયોગ પણ કરી શકાય : ‘કાયમ માટે ભગવાનનો ડર રાખો. હાલ પૂરતો શ્વાનનો ડર રાખો.’ ડાબેરી વિચારધારા ધરાવતા ક્રાંતિકારી યુવાન રુધિર લાલભાઈ રંગવાલા પોતાના બંગલોમાં એવી સૂચના ચીતરાવી શકે : 'મહોલ્લાનાં મકાનોનાં પાળેલાં કૂતરાં એક થાવ. તમારે માલિકોના પટ્ટા સિવાય કશું ગુમાવવાનું નથી.' આ પ્રમાણે, (પા)ખંડ સમયના ચિંતકો લખી પાડે : 'જીવન અને જોખમ વચ્ચેની ભેદરેખા ભીંતના પોપડાથી પણ પાતળી છે.' ; 'તમે અંદર તો આવી જશો, પણ બહાર કેવી રીતે જશો?'

કોબા ગામમાં કર્મશીલ યુગલ રાજુ-દીપ્તિના ઘરદ્વાર ઉપરનું લખાણ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ભાષાસુંદરીને વિશેષણોના વાઘા અને અલંકારોનાં આભૂષણો પહેરાવતાં કોઈ સાહિત્યિક સુકુમારના ઘરદ્વાર આગળ જોવા મળતું લખાણ આવું હોઈ શકે : ‘ઉદરકૂપમાં પ્રજ્વલિત પ્રબળ ક્ષુધાનું શમન કરવા તત્પર શ્વાન નિરંતર બંધનમુક્ત અને સજાગ અવસ્થામાં પ્રાંગણમાં ભ્રમણરત છે.’ જ્યારે સાહિત્યની સાંકડી ગલીઓમાં 'હાઇકુ' નામનું ફટફટિયું હાંકવાની ટેવ ધરાવતા કવિતા-રાજ (કે પછી કવિ-તારાજ!) સત્તર અક્ષરની જાપાની સુંદરીને યાદ કરીને આ પ્રમાણે પાંચ-સાત-પાંચ અક્ષરો ફટકારશે : 'મૂછો મરડે, જ્યારે શ્વાન કરડે, મરદ રડે.'

ગઝલનો કોઈ શોખીનજીવ સર્જક મનોજ ખંડેરિયાની આગોતરી માફી સાથે પોતાને આવડે એવું લખશે : 'પકડો દરવાજો હાથમાં ને એમ પણ બને, આ આખેઆખો પગ કૂતરો ચાવે એમ પણ બને.' વાણીનાં વસ્ત્રોમાં કહેવતો-રૂઢિપ્રયોગોનાં ગાજ-બટન ટાંકવાનો શોખ ધરાવતાં વાંગ્મયવીર લખશે : ‘દરવાજામાં પ્રવેશ કરો અને ‘ભસતાં કૂતરાં કરડે નહીં’ કહેવતને ખોટી પાડો.’ આ જ રીતે તેઓ લખી શકે : 'સિંહને કોણ કહે કે, તારું મોં ગંધાય છે? જોકે, થોડી પળોમાં તમે કહેવાના કે, કૂતરા તારું મોં ગંધાય છે!'

શ્વાનસૂચક ચેતવણીને વસ્ત્રવિદ્યા સાથે પણ વણી લેવી જોઈએ. દૃષ્ટાંત તરીકે, 'આટલામાં ક્યાંય ફાટેલાં કપડાંને તાત્કાલિક સાંધી આપતાં હોય એવા દરજીની દુકાન નથી.' ; ‘તમે પહેરેલા જીન્સના કપડાની મજબૂતી અમારો કૂતરો નક્કી કરશે.’ શ્વાનનો સંબંધ દંતવિદ્યા સાથે પણ આમ બેસાડી શકાય : 'ટૂથપેસ્ટ અને ટૂથબ્રશ ન કરવા છતાં કૂતરાના દાંત મજબૂત છે.' ; 'અમારા કૂતરાએ દાંતનું ચોકઠું પહેર્યું નથી.'

'કૂતરાયણ'ની ચર્ચામાં શાકાહાર-માંસાહાર ન આવે તો કેમ ચાલે? આથી, જો આવું લખો તો ચાલે : ‘અમે શુદ્ધ શાકાહારી છીએ, પણ અમારા કૂતરાને આવો કોઈ છોછ નથી.’ ; 'અમારો ચોકીદાર જમવા ગયો છે. કૂતરો જમવા માટે તમારી રાહ જુએ છે!' કૂતરાંની વાત નીકળે અને ભસવાનો અવાજ ન સંભળાય એવું ન બને. આથી, આવું લખાણ સંભળાવો : 'અમારો પાલતુ કૂતરો ફાલતુ માણસોને જોઈને અચૂક ભસે છે.'

હવે, શ્વાનની વફાદારીનાં નમૂનારૂપ લખાણો વાંચો : ‘કૂતરો વફાદાર પ્રાણી છે, પણ અમને. તમને નહીં!’ ; 'અમારો કૂતરો બાથ ભરવાની ટેવ ધરાવે છે. વહાલ ઊભરાશે તો જ એ ચાટશે.' શ્વાનને ફરજનિષ્ઠા સાથે હકપૂર્વક જોડી દો : 'કૂતરો પહેરો ભરે છે, કોઈની શરમ નહીં.' ; 'અમારો કૂતરો રજનીકાંતની પણ શરમ ભરતો નથી.'

શ્વાનની સ્ફૂર્તિને સાંકળતાં સુવાક્યો આવાં હોઈ શકે : 'અમારા કૂતરાને દીવાલ ઠેકતાં સવા ત્રણ સેકંડ લાગે છે. તમને કેટલી સેકંડ લાગે છે?' ; 'દાખલ થયાં પછી દરવાજો ખુલ્લો રાખો. કૂતરો પાછળ પડશે ત્યારે ભાગતાં ફાવશે.' ; ‘તમે છેલ્લે ક્યારે દોટ મૂકી હતી? થોડી વાર પછી તમારો જવાબ હશે : થોડી વાર પહેલાં જ!’

ગુજરાતી ભાષાને કૂતરા સંબંધી મૌલિક ચેતવણીઓના મામલે પ્રવર્તતી કંગાલિયતમાંથી બહાર કાઢવા કોઈકે તો બહાર નીકળવું પડશે. 'અખિલ ગુજરાત શ્વાનપાલક મંડળ' દ્વારા 'કૂતરાથી સાવધાન'ના વિકલ્પ તરીકે સર્જનાત્મક ચેતવણી અંગેની નામી હરીફાઈ રાખી શકાય. જેમાં પ્રથમદ્વિતીયઅને તૃતીય ક્રમે વિજેતાને થનાર સ્પર્ધકોને સ્થાનિક શ્વાન-બજારભાવને ધ્યાનમાં રાખીને વિવિધ ઓલાદનાં વિદેશી કૂતરાં આપી શકાય. આ મંડળના સભ્યો પોતાના ઘરના દરવાજા ઉપર મુકાયેલી ઉત્તમ ચેતવણીઓની તસવીરોનું પ્રદર્શન ગોઠવીને ગમે ત્યારે 'આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ'ની ઉજવણી કરી શકે.

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય :

કૂતરાથી સાવધાન’ નવા વિકલ્પો તરફ
'હળવે હૈયે'
'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૪-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને ૦૬

http://epaper.divyabhaskar.co.in/magazine/kalash/58/29042015/0/1/

2 comments: