Wednesday, April 1, 2015

નખ-કાપણિયું : એક ચલિત નિબંધ

/ હળવે હૈયે /
ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

ખોળામાં નીંદર લઈ રહેલા શિશુના દૂધિયા નખ એની માતા હળવે-હળવે પોતાના છાશિયા દાંતથી કાપે છે. એક જમાનામાં ચપ્પાથી નખની કાપણી થતી. મધ્ય યુગમાં અને ખાસ કરીને મધ્યમ વર્ગમાં નખ કાપવા માટે બ્લેડ કે કાતરની મદદ લેવામાં આવતી. કેટલાક અપવાદરૂપ કિસ્સામાં તો માનવ-નખ શંકાસ્પદ કક્ષાના હોય ત્યારે એ પુરાવાનો નાશ કરવા માટે વીર માળીને અડધી ચા પીવડાવવી પડતી. ત્યાર પછી માળીભાઈ તૈયાર થતા અને બગીચાની જંગલી મહેંદીની વાડ કાપવા માટેની ઘોડાકાતર લાવતા. જોકે, આવા નખ કાપવાના કારણે ઘોડાકાતરનાં પાંખિયાં વળી ગયાની દુર્ઘટનાઓ બની છે. આધુનિક યુગમાં નેઇલ-કટરની વ્યાપક સ્વીકૃતિ થઈ ચૂકી છે. પરિણામે, સમગ્ર દુનિયામાં નેઇલ-કટરથી નખનો મબલક પાક બારેમાસ લેવામાં આવે છે. ગૂર્જરભૂમિમાં તો નેઇલ-કટરથી નખ કાપવા એને પણ વિકાસ કહેવામાં આવે છે. આપણી દેશી અંગ્રેજીમાં, 'નેઇલ-ક્લિપર' અને 'નેઇલ ટ્રિમર' કરતાં 'નેઇલ-કટર' શબ્દ જ વધુ વપરાય છે. જોકે, 'નેઇલ-કટર' માટે ગુજરાતી ભાષામાં 'નખ-કાપણિયું' જેવો શબ્દ ચલણમાં મૂકવા માટે સરકારી પરિપત્રની રાહ જોવાની જરૂર નથી.

આપણા જેવા નિર્દોષ નગરિયાઓએ નેઇલ-કટરને કી-ચેઈનમાં ભરાવીને પોતાની સાથે જ રાખવું જોઈએ. શહેરમાં વાહન-વ્યવહાર બરાબરનો જામી જાય એટલે નેઇલ-કટર કાઢીને નખ કાપવાનું શરૂ કરી દેવું. કારણ કે, વખતનો સદ્દઉપયોગ કરવાની આ તક જવા દેવા જેવી નથી. આ જ રીતે, જાહેર કાર્યક્રમોની આભારવિધિ વખતે બગલથેલામાં સંતાડી રાખેલા નખ-કાપણિયાને કોઈ જોઈ ન જાય તેમ હિંમતભેર બહાર કાઢવું. બીજાના નહીં પણ પોતાના જ ખોળામાં કાગળને પાથરીને, નખનિકાલની શુભ શરૂઆત કરવી. આમ, ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના ધ્યેયમંત્રને સાર્થક કરીને ‘સ્વચ્છ ભારત અભિયાન’માં નખ જેટલો પણ ફાળો આપવો જોઈએ. એ વાત સાચી કે, માનવ-સભ્યતાના જૂના અને જાણીતા સ્થળ ધોળાવીરામાં ઉત્ખનન થયું ત્યારે સમ ખાવા પૂરતો એક પણ નખ નહોતો મળ્યો. કારણ કે, એ જમાનામાં લોકો નખ કાપીને ઊંડા ખાડામાં દાટી દેતા હતા! પરંતુ, ધોળાવીરામાં માટીમાંથી બનાવેલા નેઇલ-કટર મળી આવ્યા છે. જે બતાવે છે કે ગુજરાતીઓ માટીમાંથી કશું પણ પેદા કરી શકે છે. 

એક જમાનામાં આખેઆખી લંકામાં એક માત્ર વિભીષણે જ પોતાના ઘરે નેઇલ-કટર રાખવાનું સાહસ કર્યું હતું. કારણ કે, બાકીનાં તમામ ઘરોમાં ગૌરવવંતા રાક્ષસો ક્યારેય નખ કાપતા નહોતા. લંકાપતિ રાવણે કેન્દ્રીય મંત્રીમંડળને વિશ્વાસમાં લીધા વગર જાહેરાત કરી દીધી હતી કે, “જો કોઈ પણ વ્યક્તિ નેઇલ-કટર વેચશે કે ખરીદશે તો તેને બિનજામીન પાત્ર ગુનો ગણવામાં આવશે. આ ગંભીર ગુના બદલ કોઈ પણ કાનૂની કાર્યવાહી કર્યા વગર જ તેને આંદામાનની જેલમાં આજીવન કેદ રાખવામાં આવશે. કારણ કે, લંકામાં નખ કાપવાનો ચાલ એક વાર શરૂ થઈ જાય તો રાક્ષસ-સંસ્કૃતિ ઉપર ભારે ખતરો પેદા થાય. આથી, લાંબા ગાળે રાક્ષસોના નખનો મહિમા ખલાસ થઈ જાય.” આજે તો કોઈ સંસ્થા કે વ્યક્તિ પાસે સત્તા ન હોય તો તેને ‘દાંત અને નહોર વગરના વાઘ’ની ઉપમા આપવામાં આવે છે. આ સંજોગોમાં તેમણે શાસકો સામે નવી દિલ્હીમાં જંતર-મંતર આગળ દંત-ચોકઠાં અને નેઇલ-કટર સાથે વિરોધ-પ્રદર્શન કરવું જોઈએ. માનવ-જીવનમાં છરી-કાતર કે ચપ્પાં-દાતરડાંને ધાર કરાવવાના પ્રસંગો પડ્યા હોય પણ નેઇલ-કટરને ધાર કરાવવાનું કોઈને કેમ નહીં સૂઝતું હોય? સુધારાવાદીઓએ દશેરાના દિવસે શસ્ત્રપૂજામાં દળદાર તલવારની જગ્યાએ ધારદાર નેઇલ-કટર મૂકીને જૂના રિવાજોને દરવાજો બતાવવા જેવો ખરો. 

ઉદેપુર-જયપુરના રાજા-મહારાજાના મહેલમાં સોપારીના કટકા કરવા માટે હાથીદાંતની હીરાજડિત સૂડીનો વપરાશ થતો હોય એવું બની શકે. જોકે, તેનો ઉપયોગ રાજકુંવરોના નખ કાપવા માટે થતો હોય એવું તારણ કાઢવાનું હજી બાકી છે. મુકેશ અને અનિલ અઢળક રૂપિયાવાળાના દીકરા છે જ. પણ આ ધીરુંધરો સ્ટેઇનલેસ સ્ટીલના બદલે સાડત્રીસ તોલાનું સોનાનું નેઇલ-કટર વાપરતાં હોય એવી વાત શેરબજારમાં અફવા તરીકે પણ ઊડી નથી. ભારતીય ચલચિત્રની દુનિયામાં અમાપ ઊંચાઈ ધરાવતા અમિતાભ બચ્ચન છ ફૂટ અને બે ઇંચની લંબાઈના માલિક છે. એનો અર્થ એવો નહીં કાઢવાનો કે તેમના નખ છ દિવસે બે ઇંચ જેટલા તો વધતાં જ હોય ને! જો આવી સ્થિતિ સર્જાતી હોત તો તેઓ ટેલીવિઝનના પડદા ઉપર નેઇલ-કટરની જાહેરખબરમાં રોજેરોજ પ્રગટ થતાં હોત. મહાનાયક અમિતાભ ડાબા હાથે નેઇલ-કટર પકડીને પોતાના જમણા હાથના નખ કાપતા હોય એ દૃશ્યની મહાનોંધ લેવી જ પડે. જો દેશમાં આવા દહાડા આવે તો 'રાષ્ટ્રીય નખસફાઈ ઝુંબેશ' અંતર્ગત એ.બી.(અમિતાભ બચ્ચન) છેવટે બી.એ.(બ્રાન્ડ એમ્બેસેડર) થઈ જાય. અહીં રૂપેરી સૃષ્ટિની વાત નીકળી છે તો, બુદ્ધિદુર્લભા અભિનેત્રી આલિયા ભટ્ટનો વિશેષ આભાર માનવો જોઈએ. કારણ કે તેણી જાહેરખબરમાં એવું ક્યારેય બોલતી નથી કે, “પ્રખ્યાત ‘ફેંકમે’ કંપનીની નેઇલ-પોલિશની એક ડઝન બોટલ્સની ખરીદી સાથે સફેદ નેઇલ-કટરની રંગીન તસવીર વ્હોટ્સએપ ઉપર તદ્દન મફત ડાઉનલોડ કરો.”

હાલમાં કેનેડાના ક્યુબેકની 'યુનિવર્સિટી ઓફ મોન્ટ્રીઅલ'માં એવું સંશોધન થયું છે કે, “પોતાના નખને દાંતથી કરડનારા માણસો મહત્વાકાંક્ષી તેમજ સંપૂર્ણતાના આગ્રહી હોય છે.” આ જ પ્રમાણે અને ધોરણે, કચ્છના નખત્રાણાની 'રાષ્ટ્રીય નખસ્વાસ્થ્ય સંશોધન અને તાલીમ સંસ્થાન' દ્વારા પહેલી એપ્રિલે એવું સંશોધન જાહેર થવાનું છે કે, “સ્નાન કર્યા પછી તરત જ નખ કાપવાથી નેઇલ-કટર ઉપર ૧૨.૩૪ ટકા ઓછું દબાણ આપવું પડે છે.” અનુભવી સંસારીઓ સારી પેઠે જાણે છે કે, નેઇલ-કટરથી નખ કાપવામાં કાચું કપાઈ જાય તો દાળ-શાક આરોગવા માટે થોડા દિવસો પૂરતો ચમચીનો ઉપયોગ પરમ હિતકારી નીવડે છે. રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ગ્રામશિબિરમાં પહેલા જ દિવસે પ્રાથમિક શાળાનાં બાળકોનો પરિચય અને વિશ્વાસ કેળવવો જરૂરી છે. આ માટે બાળકોના નખને નેઇલ-કટરથી કાપવાનું શરૂ કરો એટલે આખા ગામમાં ઘરે-ઘરે શિબિરની વાત પહોંચી જાય એવો સ્વાનુભવ છે. આવું કરવું પડે, મારા ભાઈ. કારણ કે, ગ્રામજનો આખો દિવસ ખેતરમાં દહાડી ઉપર હોય છે, ફેસબૂક ઉપર નથી હોતા! આથી જ, યુવાધનધનાધને નેઇલ-કટરથી એક મિનિટમાં કુશળતાથી કેટલા નંગ નખ કાપ્યા તેની આંતર વિશ્વવિદ્યાલય યુવા મહોત્સવ અન્વયે નખકાપ સ્પર્ધા થવી જોઈએ.

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com
.................................................................................................................................
સૌજન્ય : 

'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૪-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮

No comments:

Post a Comment