Wednesday, April 15, 2015

મહાવત એટલે મહાવટ!

હળવે હૈયે
ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................
 
નગરજનોને પ્રાણીઘર અને સરકસ કરતાં, જાહેર રસ્તા ઉપર મફતમાં હાથીદર્શનનો લાભ વધારે મળે છે. આપણે ત્યાં હાથી પૂર્વ ભારતનો, મંદિર-માલિક પશ્ચિમ ભારતનો, સાથીબાવો ઉત્તર ભારતનો, અને હાથીચાલક દક્ષિણ ભારતનો હોય એવું બનવાજોગ છે. આમ, એક હાથીમાં આખા હિંદુસ્તાનનું પ્રતિબિંબ ઝીલાય છે. આ રીતે પણ 'વિવિધતા દ્વારા એકતા'નો રાષ્ટ્રીય સંદેશો પ્રગટ થાય છે. હાથીના હાંકનાર માટે વપરાતો 'મહાવત' શબ્દ સંસ્કૃતના 'મહામાત્ર' શબ્દ ઉપરથી ચઢી આવ્યો છે. એક સમયે વિદ્યાપીઠોમાં 'રજિસ્ટ્રાર' માટે 'મહામાત્ર' શબ્દ વપરાતો હતો. આપણી ભાષામાં ‘હોદ્દો’ એટલે 'પદવી' અને 'અંબાડી' એમ બે અર્થ છે. મહાવતની 'ઊંચી' પદવીએ પહોંચેલો માણસ અંબાડી ઉપર બિરાજમાન થાય ત્યારે એનો ભારે વટ પડે છે. 'ત'નો 'ટ' બોલતાં પારસીઓ કે બિનપારસીઓ 'મહાવત'ને 'મહાવટ' કહે છે એ સાર્થક લાગે છે. છતાં, મહાવત બાહ્ય દેખાડાથી દૂર રહે છે. આથી, કોઈ ગજપાલ મોંઘા ભાવના હાથી ઉપર પોતાની દીકરીને બેસાડીને એને નિશાળે મૂકવા-લેવા જતો નથી.

મહાવત ધારે તો એક હાથમાં અંકુશ અને ટેલિફોન બીડી, બીજા હાથમાં પરચૂરણ સિક્કા અને મોબાઇલ ફોન રાખી શકે છે. આપણાં શહેરોમાં જોવા મળતા મહાવત મોટા ભાગે ટૂંકાં ધોતિયા-ઝભ્ભામાં હોય. તેના ઝભ્ભાની બન્ને બાજુનાં ખિસ્સાંમાં શહેર આખાના ઉઘરાવેલા પરચૂરણ સિક્કા અને ચલણી નોટો સમાઈ જાય. તેણે માથે ફાળિયું વીંટ્યું હોય અને ખભે રૂમાલ નાખ્યો હોય. શિયાળામાં હાથીના શિખર ઉપર બેસવાથી પ્રમાણમાં વધારે ઠંડી લાગે. આથી, ટાઢા પવનથી બચવા મહાવત કાળી કોટી ધારણ કરે. ગમે એટલું આધુનિકીકરણ કે વસ્ત્રપરિવર્તન થાય, પણ જીન્સ-ટીશર્ટ અને ગોગલ્સ-કેપ પહેરેલા આપણા મહાવતને જોઈ જાવ તો વ્હોટ્સએપ ઉપર એની વિરલ તસવીરને વાઇરલ કરજો. હાથી ઉપર બેસીને રોજ દૂરદૂર સુધી જોવાનું અને નજીકથી જથ્થાબંધ પરચૂરણ ગણવાનું હોવા છતાં કોઈ મહાવતને દૂરનાં કે નજીકનાં ચશ્માં હોતાં નથી. મહાવત પગરખાં પહેરીને હાથી ઉપર ચઢ-ઊતર કરતો નથી. આથી, મહાવત એનાં ચંપલ ક્યાં મૂકે છે એ સવાલ અને ચંપલ બન્ને અસ્થાને છે!

ગજની સૂંઢ મહાવત સુધી પરચૂરણ તો શું, ભરપૂર પાણીપૂરી પણ છલકાવ્યા વગર અને ગપકાવ્યા વગર પહોંચાડી શકે એમ છે. સવાલ હાથી અને મહાવત વચ્ચે તાલીમ જ નહીં તાલમેલનો પણ છે. સામાન્ય રીતે મહાવત હાથી ઉપર ચઢવા માટે લાંબી સૂંઢનો જ ઉપયોગ કરે છે. તે ટૂંકા રસ્તા અર્થાત શોર્ટ-કટમાં માનતો નથી. આથી, મહાવત હાથીની ટૂંકી પૂંછ ઉપરથી ચઢવાનું ભાગ્યે જ પસંદ કરે છે. ઉનાળામાં હાથીને બન્ને કાન સતત હલાવવાનો આદેશ આપીને મહાવત મફતની હવા ખાતો નથી. કોઈ એવું કહી શકે કે, મહાવતને હાથીની ઊંચાઈનો લાભ મળે છે. એટલે જ મહાવત એવી ફરિયાદ ક્યારેય કરતો નથી કે, મોબાઇલ ફોનમાં ટાવર પકડાતો નથી. મહાવતે હાથીમાં કેટલીક સુટેવો અને શિસ્તનું સિંચન કર્યું છે એ આપણે સ્વીકારવું પડે. ઉદાહરણ તરીકે જોઈએ તો, હાથી કેળાંની આખેઆખી લૂમ છાલ સાથે ઓહિયા કરી જવાનું પસંદ કરે છે. કારણ કે, વાંદરામાંથી બની બેઠેલા માણસ કે માણસ બનવાનું મુલત્વી રાખનાર વાંદરાની માફક કેળાંની છાલ ઉતારીને એ છાલ પછી રસ્તા ઉપર ફેંકવાનું હાથીના સ્વભાવમાં નથી. એ વાત જુદી છે કે, શહેર સુધરાઈએ હાથીની પીઠ ઉપર કચરાપેટી મૂકવાની વ્યવસ્થા ન કરી હોવાથી મહાવતે કેળાં ખાધાં પછી છાલને ભોંયભેગી કરવી પડે છે.

ભારતીય હાથી બે હજારથી માંડીને પાંચ હજાર કિલોગ્રામ સુધીનું વજન ધરાવે છે. આટલા વિશાળ વજન ઉપર વિરાજમાન ભારતીય મહાવતનું વજન પચાસ કિલોગ્રામની આસપાસ હોય છે. જો મહાવત મહાકાય હોય તો તે જેવો હાથી ઉપર ચઢે કે તરત જ બન્નેને સંયુક્ત રીતે હાંફ ચઢે એ શક્ય છે. સાડા છ ફૂટથી માંડીને સાડા અગિયાર ફૂટની ઊંચાઈ ધરાવતા હાથી ઉપર કાબૂ રાખવા માટે પાંચથી સાડા પાંચ ફૂટનો મહાવત પૂરતો થઈ પડે છે. મનુષ્યના મગજનું વજન 'દોઢ' કિલોગ્રામની આસપાસ હોય છે. મહાવત પણ છેવટે તો માણસ જ છે. આથી, સરેરાશ દોઢ કિલોગ્રામનું મગજ ધરાવતો મહાવત આશરે પાંચ કિલોગ્રામનું મગજ ધરાવતા હાથી ઉપર કબજો રાખી શકે છે. હાથી દુનિયાનાં સૌથી વધુ બુદ્ધિશાળી પ્રાણીઓ પૈકીનું એક પ્રાણી છે. આવા બુદ્ધિશાળી પ્રાણી ઉપર નિયંત્રણ રાખનાર મહાવતને આપણે સૌથી બુદ્ધિશાળી વ્યવસાયિક ગણવો જોઈએ! જોકે, હાથીના શરીર ઉપર નિયમિત ચઢતાં મહાવતો નિશાળનાં પગથિયાં ભાગ્યે જ ચઢ્યા હશે. છતાં, ઘણા મહાવતો હાથીનાં તન ઉપર મનોહર ચિત્રો દોરે છે. લલિત કલા અકાદમીએ આ 'જીવંત' ચિત્રોની હરીફાઈ અને પ્રદર્શનનું આયોજન કરવું જોઈએ. કોઈ નવો શબ્દ ન મળે ત્યાં સુધી, વાચકો મહાવતની પત્નીને મહાવતી કહી શકે છે. આપણી સંસ્કૃતિએ ઘણી મહાસતી આપી, પણ ભાગ્યે જ કોઈ મહાવતી આપી. નિભા નાંબૂદીરી કેરળની એક માત્ર તાલીમસિદ્ધ મહિલા મહાવત છે. મૂળે તો પ્રાણીશાસ્ત્રમાં પારંગત થયેલી નિભા ઈ.સ. ૧૯૯૭થી ૧૯૯૯ના ગાળામાં મહાવતી બની હતી. નિભા વિશે વિદેશી સર્જકો ચલચિત્ર તૈયાર કરે અને આપણે ગૂગલિયાં કરીએ ત્યારે વાતની ખબર પડે છે.

ખાસ સમયે હાથી મદમાં આવે ત્યારે મહાવતની મદદમાં કોણ આવે? તોફાને ચઢનાર હાથી મહાવતને હોદ્દા ઉપરથી છેક નીચે ઉતારી મૂકે અને છેક ઉપર પણ પહોંચાડી શકે! જોકે ચાલુ હાથીએ, હાથીપીઠ ઉપરથી અકસ્માતે લપસી જવાથી મહાવતને દાખલ કરવો પડ્યો હોય એવું તેજવાહિની એકસોઆઠની સેવાની જાણમાં નથી. સૂંઢ ઉપરથી ગમે તેટલી વખત ચઢ-ઉતર કરે તોપણ મહાવતના ગોઠણના સાંધા ઘસાતા નથી. કોઈ ઘૂંટણજ્ઞાનીએ મહાવતના ઢીંચણની જોડી બદલી આપી હોય એવા સમાચાર હજી સુધી વાંચવામાં આવ્યા નથી. ખાધે-પીધે સુખી ઘર કે મંદિરના મહાવતને પણ હાથી ઉપર આવ-જા કરવા માટે લિફ્ટ મુકાવવાનો દુષ્ટ વિચાર આવ્યો નથી. જગતમાં જંગલો ઘટતાં જાય છે. જનસંખ્યા વધતી જાય છે. હાથી જેવાં પ્રાણીઓ ઉપર જોખમ વધતું જાય છે. મહાવતગીરી પણ વિસરાતા જતાં કૌશલ્યમાં વિલીન થઈ રહી છે. વાસ્તવિકતા તો એ છે કે, મહાવતનો વ્યવસાય ઓછા વેતન અને વધુ જોખમનો છે. જીવનવીમો ઉતારતા ભારતીય એજન્ટને મહાવતની કામગીરી કરવાની આવે તો તેઓ ‘હાથી મેરે જીવનસાથી’ નામની વીમાયોજનાનો સુંદર રીતે પ્રચાર કરી શકે એમ છે. 'નયા દૌર' ફિલ્મમાં દિલીપકુમાર ઘોડાગાડીવાનની જગ્યાએ મહાવત હોત તો તેમણે 'સાથી હાથ બઢાના'ની જગ્યાએ 'હાથી સાથ બઢાના' જેવું ગીત ગાવાનું પસંદ કર્યું હોત!
.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય : 

'હળવે હૈયે',
મહાવત એટલે મહાવટ!
'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૪-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮

http://epaper.divyabhaskar.co.in/magazine/kalash/58/15042015/0/1/

1 comment: