આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક
……………………………………………………………………………………
|
Courtesy : google image |
ઉનાળાના લાંબા દિવસોમાં નિશાળમાં લાંબી રજાઓ પડતી હતી. શહેરનાં ઘરોમાં હજુ ઠંડાં પાણીનાં કબાટ એટલે કે ફ્રીજ બહુ આવ્યાં નહોતાં. પાણીને ટાઢું કરતાં-કરતાં માટલીબહેન પણ હાંફી જતાં હતાં. આથી, વાળુ કર્યા પછી ઘરમાં બરફનું શીતળ જળ પીવા માટેનો ભવ્ય કાર્યક્રમ યોજાતો હતો. શહેરના લગભગ દરેક વિસ્તારમાં છૂટક બરફનું વેચાણ કરતી દુકાનો હતી. ઘરનાં છોકરાં કાપડની થેલી, છૂટા પૈસા, અને સાઇકલ લઈને 'કૈલાસ આઇસ ડેપો' જેવાં પાટિયાં ટીંગાડેલી દુકાને પહોંચી જતાં. બરફ લેવા જવાના ઉત્સાહના કારણે, ઘરેથી નીકળતી વેળાએ સાઇકલની ઝડપ વધુ રહેતી. બરફ પીગળી ન જાય એ માટે, ઘરે પાછા ફરતી વખતે સાઇકલની ઝડપ ખાસ્સી વધી જતી!
કુટુંબના સભ્યોની સંખ્યાના આધારે, પચીસ પૈસાથી માંડીને એક રૂપિયા સુધીનો બરફ ખરીદવામાં આવતો. પરસેવાથી રેબઝેબ થયેલો મજૂર મોટી કાતર જેવા સાધનથી બરફની પાટને લાગમાં લઈને માલવાહક વાહનમાંથી દુકાનના થડા પાસે ઉતારતો. દુકાનદાર શણિયાથી બરફની પાટોને ઢાંકી રાખતો. જેથી કરીને બરફને ઓછી ગરમી લાગે! ઘરાક આવે એટલે દુકાનધણી કંતાનનાં આવરણને ખોલે. હાથાવાળી કોચમણીને બરફની પાટ ઉપર સીધી લીટીમાં જોરથી ચલાવે. પરિણામે બરફની કરચો ઊડે. પૈસા ચૂકવીને બરફનું ગચિયું થેલીમાં મૂકી દેવામાં આવતું. થેલી ન હોય તો રૂમાલમાં વીંટીને એને સાઇકલના કેરિયરમાં ચુસ્ત રીતે ગોઠવી દેવાનું.
ઘરે પહોંચતાંની સાથે, બરફથી ભીંજાયેલી થેલી કે રૂમાલ નાનકડાં ભાઈ-બહેનના ગાલે ઘસવાનું ટીખળ સૂઝતું. સાદા પાણીથી બરફના ગચિયાને નવડાવવાનું અને પછી તેને પાણી ભરેલી તપેલીમાં ડુબાડવાનું. પપ્પા કે ભાઈ પ્યાલા વડે, બરફ ઉપર પાણીની ધાર કરતા. એક ચોક્કસ ઠેકાણે જળધાર થવાના કારણે બરફમાં પડતું કાણું જોવાની મજા પડતી. કુટુંબના નાનકડા સભ્યને સૌથી પહેલાં બરફનું ઠંડું પાણી પીવાનો વિશેષાધિકાર પ્રાપ્ત થતો. ટાઢા થતા એ ટેણકાને અન્ય બાળકો જોઈ રહેતાં. બાળુડાને ઠંડાં પાણીના ઘૂંટડા ગળે ઉતારતાં વાર થાય તો 'જલદી કર ને હવે! પછી અમારો વારો ક્યારે આવશે?' જેવો ઊંચો સૂર સંભળાતો. પરિવારજનો વારાફરતી બે બે પ્યાલા બરફ-પાણી મજાથી માણતાં હતાં.
અદ્યતન રેફ્રિજરેટરમાં કળ ફેરવીએ એટલે ટ્રેમાં બરફની ચોસલીઓ તડતડ પડે છે. ફ્રીજમાં ઠંડાં પાણીની બાટલીઓ હાજર જથ્થામાં હોય છે. પરંતુ મારતી સાઇકલે બરફનો ટુકડો ઘરે લાવીને, તેમાંથી ઠંડું પાણી બનાવીને, તેને સાથે બેસીને પીવાનો 'જલ'સો, સ્મૃતિ-સમુદ્રમાંથી વરાળ બનીને ક્યારેય ઊડી શકે એમ નથી!
…………………………………………………………………………………………
સૌજન્ય :
અમે બરફનાં સદાય તરસ્યાં પંખી!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૪, 'દિવ્ય ભાસ્કર', ૧૯-૦૬-૨૦૧૬, રવિવાર