Sunday, September 11, 2016

આશ્રમજીવન, આભડછેટ, અને ‘નાઈન ઈલેવન’!

આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક
…………………………………………………………………………………………………

કોચરબમાં ૨૫-૦૫-૧૯૧૫ના રોજ 'સત્યાગ્રહાશ્રમ'ની સ્થાપનાને હજુ થોડા જ મહિના થયા હતા, તેટલામાં મોહનદાસ ગાંધીને અમૃતલાલ ઠક્કરનો આ કાગળ મળ્યો : ‘એક ગરીબ અને પ્રામાણિક અંત્યજ કુટુંબ છે. તેની ઇચ્છા તમારા આશ્રમમાં આવીને રહેવાની છે. તેને લેશો?’ આશ્રમના નિયમ પાળવા તૈયાર થાય તો અંત્યજ કુટુંબને લેવાની પોતાની તૈયારી ગાંધીજીએ ઠક્કરબાપાને જણાવી દીધી. દૂદાભાઈ દાફડા નામના દલિત ગૃહસ્થ મુંબઈમાં શિક્ષકનું કામ કરતા હતા. તેઓ આશ્રમના નિયમોનું પાલન કરવા તૈયાર હતા. દૂદાભાઈએ આશ્રમમાં દાખલ થવા માટે ૦૬-૦૯-૧૯૧૫ના રોજ અરજી મોકલી હતી અને ૧૧-૦૯-૧૯૧૫ના રોજ તેઓ હાજર પણ થઈ ગયા. મો.ક. ગાંધીએ રોજનીશીમાં અગિયારમી સપ્ટેમ્બર, ૧૯૧૫ના રોજ માતૃભાષામાં લખ્યું હતું : ‘દૂદાભાઈ મુંબઈથી આવ્યા. મહા કંકાસ પેદા થયો. સંતોકે ન ખાધું તેથી મેં પણ ન ખાધું. વ્રજલાલે બીડી પીધી તેથી ઉપવાસ શરૂ કર્યો.’ આમ, અગિયારમી સપ્ટેમ્બર એટલે કે ‘નાઈન ઈલેવન’થી અમદાવાદના સામાજિક અને ધાર્મિક જીવનમાં ઊહાપોહ મચી ગયો. એક તબક્કે, મોહનદાસે આશ્રમમાં અંત્યજના આગમનનો સખત વિરોધ કરનાર ધર્મપત્ની કસ્તૂરબાઈ સાથેનો છેડો કાયમ માટે ફાડી નાખવાનો નિશ્ચય કરી લીધો હતો! પંદરમી સપ્ટેમ્બર, ૧૯૧૫ના રોજ દૂદાભાઈ એમનાં પત્ની દાનીબહેનને લેવા ગયા. છવ્વીસમી સપ્ટેમ્બર, ૧૯૧૫ના રોજ કોચરબના આશ્રમમાં દૂદાભાઈની સાથે તેમનાં પત્ની દાનીબહેન અને રીખતી ધાવણી દીકરી લક્ષ્મીનો પ્રવેશ થયો.

અંત્યજ કુટુંબના પ્રવેશથી આશ્રમમાં ખળભળાટ થયો. આશ્રમને પૈસાની મદદ બંધ પડી. ગાંધીજીએ સાથીઓની સાથે વિચારી લીધું હતું કે, ‘જો આપણો બહિષ્કાર થાય ને આપણી પાસે કશી મદદ ન રહે તોયે આપણે હવે અમદાવાદ નહીં છોડીએ. અંત્યજવાડામાં જઈને તેમની સાથે રહીશું, ને જે કંઈ મળી રહેશે તેની ઉપર અથવા મજૂરી કરીને નિર્વાહ કરીશું.’ ('સત્યના પ્રયોગો', ૧૯૯૩, પૃષ્ઠ : ૩૮૧) પરંતુ, એક સવારે મોટર લઈને આવેલા શેઠ અંબાલાલ સારાભાઈ દ્વારા તેર હજાર રૂપિયાની રોકડ રકમ મળી. આ મદદથી ગાંધીજીનું અંત્યજવાડામાં જવાનું અટક્યું. તેમને લગભગ એક વર્ષનું આશ્રમખર્ચ મળી ગયું. આમ, ગાંધીજી છેક ૧૯૧૫માં કોચરબના સત્યાગ્રહાશ્રમમાં એક અસ્પૃશ્ય પરિવારનો પ્રવેશ અને સમાવેશ કરાવી શક્યા હતા. ઈ.સ. ૨૦૧૬માં ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામમાં મરેલી ગાયનું ચામડું ઉતારવા બદલ જીવતા દલિતોનાં ચામડાં ફાડી નાખવામાં આવે એ આભડછેટનું વરવું સ્વરૂપ છે. આજે શહેરના કહેવાતા ઉચ્ચ વર્ગીય-વર્ણીય વિસ્તારોમાં, દલિત કુટુંબો મકાનની ગૌરવભેર ખરીદી અને સ્વમાનપૂર્ણ વસવાટ કરી ન શકે એ પણ અસ્પૃશ્યતાનું આગવું સ્વરૂપ છે!

…………………………………………………………………………………………………

સૌજન્ય :

આશ્રમજીવન, આભડછેટ, અને ‘નાઈન ઈલેવન’!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૩, 'દિવ્ય ભાસ્કર', ૧૧-૦૯-૨૦૧૬, રવિવાર

No comments:

Post a Comment