આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક
…………………………………………………………………………………………………
નવરાત્રિના પર્વ નિમિત્તે શહેરના વિવિધ મહોલ્લામાં પર્વતની નાનકડી પ્રતિકૃતિ રચાઈ જતી. નોરતાં શરૂ થાય એના થોડા દિવસ અગાઉ, ચહેરા ઉપર હરખનો વરખ ચઢાવીને છોકરાં સાઇકલ લઈને નજીકનાં તળાવ, નદી, કોતર, ટેકરા, મેદાન ઉપર પહોંચી જતાં. તેઓ કોદાળી, ખૂરપી, કે છેવટે સાણસીથી જમીનને ખોદીને ચીકણી-પીળી માટી બહાર કાઢતાં. માટીની કાચી કાયાને થેલામાં ઠાંસીને મહોલ્લામાં આણવામાં આવતી. એક ટુકડી પથ્થરના ટુકડા અને ઈંટોના કકડાને ગોઠવીને ટેકરો કરતી. બીજી ટોળકી માટીમાં પાણી ભેળવીને લોંદા બનાવતી. ઈંટ-પથ્થરના ટેકરા ઉપર ભીની માટીના લોંદાને છાંદવામાં આવતા. જેના લીધે ધીરે-ધીરે પર્વતનું બાળસ્વરૂપ અસ્તિત્વમાં આવતું. માટીનું કાળજીપૂર્વક લીંપણ કરીને પર્વતમાં તળેટીથી શિખર સુધી પગથિયાં બનાવવામાં આવતાં. ટેકરાની ટોચે ઈંટની નાનકડી પડદી કરીને, એના ઉપર પતરાંનું ઢળતું છજું ગોઠવીને ગોખલો બનાવવામાં આવતો. ક્યારેક આકાર-પ્રમાણ ન જળવાય તો ટેકરા કરતાં ગોખલાનું કદ વધી જતું માલૂમ પડતું! મહોલ્લાની વચ્ચે એકાએક ઊપસી આવેલા આ 'પહાડ' ઉપર તણખલાં, પાંદડાં, ફૂલ ખોસવાથી વન રચાઈ જતું. જંગલમાં પ્રાણીઓ હોય જ એવી શ્રદ્ધાથી, રમકડાંનાં વાઘ-સિંહ, હરણ-વાનર ગોઠવી દેવાનાં! મહોલ્લામાં એકાદ 'ભેજું' તો એવું હોય કે જે ત્યજી દેવાયેલાં ગ્લુકોઝનાં બાટલા-બૂચ-નળી-સોય લઈ આવે. તેને એવી રીતે ગોઠવે કે પાણીનો ફુવારો ચાલુ થાય અને એમાંથી નાનકડું ઝરણું પણ આકાર લે. વળી, બીજો કોઈ 'નમૂનો' અગરબત્તીના પેકેટમાંના ચળકતા કાગળને વીજગોળા ઉપર લપેટી દે એટલે ગબ્બરના આકાશ ઉપરથી રંગબેરંગી પ્રકાશ રેલાતો થઈ જાય.
ગબ્બરની ટોચે બનાવેલા ગોખમાં માતાજીનું સ્થાનક અને સ્થાપન અનિવાર્ય ગણાય. આ માટે ભીની ચીકણી માટીમાંથી પાયેદાર લંબગોળ પિંડ બનાવો એટલે ધડ અને પૂર્ણગોળ પિંડ બનાવો એટલે મસ્તક તૈયાર થાય. ચીકણી માટીથી ધડ ઉપર મસ્તક ગોઠવીને ચહેરાના ભાગે કોડી અથવા બટન ચોંટાડો એટલે આંખો દેખાવા માંડે! માટીનાં નાક-કાન બનાવીને તેમાં ચૂની-બુટ્ટી પહેરાવી દેવાની. લાલ કપડાની ચૂંદડી બનાવીને ઓઢાડવાની અને ગળામાં ચમકતો હાર પહેરાવવાનો. આવા સાજ-શણગારના સરવાળે જે દિવ્ય સ્વરૂપ તૈયાર થાય તેને મહોલ્લા માતા, મોલ્લા માતા, કે મલ્લા માતા કહેવાય. પ્રકૃતિમાં માતા બાળકોને જન્મ આપે, જ્યારે મહોલ્લામાં બાળકો થકી માતાનું અવતરણ થાય! શક્તિના પ્રતીક સમાન મહોલ્લા માતાની આરતી-પ્રસાદી નિયમિતપણે થાય. આજના માહોલમાં ફ્લેટ-અપાર્ટમેન્ટ-ટાવર-કોમ્પ્લેક્ષમાં બાળકોને રમતગમત માટે પૂરતી મોકળાશ નથી હોતી. પરિવારજનો-પાડોશીઓ પાસે સમય અને સમજનો અભાવ હોય છે. આવા સંજોગોમાં શ્રદ્ધાજનકતા અને સર્જનાત્મકતાના સેતુ સમાન મહોલ્લા માતા કેવી રીતે પ્રગટ થાય?!
…………………………………………………………………………………………………
સૌજન્ય :
સૌજન્ય :
'મહોલ્લા માતાનો જય હો!'
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૪, 'દિવ્ય ભાસ્કર', ૦૯-૧૦-૨૦૧૬, રવિવાર
ખૂબ સરસ માહિતી...
ReplyDelete