રામચંદ્ર ગુહા (જન્મ : ૨૯-૦૪-૧૯૫૮, દહેરાદૂન) વિખ્યાત ઇતિહાસકાર અને જીવનકથાકાર છે. તેમણે યેલ યુનિવર્સિટી(યુ.એસ.) અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી(યુ.એસ.)માં અધ્યાપનકાર્ય કર્યું છે. તેઓ યુનિવર્સિટી ઓફ ઓસ્લો(નોર્વે)માં 'અર્ને નેસ્સ ચેર' શોભાવે છે. તેઓ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા(યુ.એસ.)માં ઇન્ડો-અમેરિકન કોમ્યુનિટી વિઝિટિંગ પ્રોફેસર રહ્યા છે. ૨૦૧૧-૧૨ના શૈક્ષણિક વર્ષમાં તેમણે 'લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ' મુકામે 'ધી ફિલિપ રોમન પ્રોફેસર ઓફ હિસ્ટરી એન્ડ ઇન્ટરનેશનલ અફેર્સ' તરીકે સેવા આપી હતી.
રામચંદ્ર ગુહાનાં નોંધપાત્ર પુસ્તકોમાં 'The Unquiet Woods', 'A Corner of a Foreign Field', 'India after Gandhi', અને 'Gandhi Before India'નો સમાવેશ થાય છે. તેમના વિખ્યાત પુસ્તક 'Gandhi Before India'ને દેશ-દુનિયાનાં વિધવિધ સમાચારપત્રો અને સામયિકો દ્વારા 'વર્ષના શ્રેષ્ઠ પુસ્તક' અને 'દાયકાના શ્રેષ્ઠ પુસ્તક' તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. તેઓ વિવિધ સમાચારપત્રોમાં કતારલેખન કરે છે. તેમની કતાર છ ભાષાઓમાં પ્રકાશિત થાય છે, જે અંદાજે વીસ મિલિયન વાચકો સુધી પહોંચે છે. ગુહાનાં પુસ્તકો અને નિબંધો વીસથી વધુ ભાષાઓમાં અનૂદિત થયાં છે. 'ધી ન્યૂ યોર્ક ટાઇમ્સ' સમાચારપત્રે તેમને ‘perhaps the best among India’s non fiction writers’ અને 'ટાઈમ' સામયિકે તેમને ‘Indian democracy’s pre-eminent chronicler’ કહ્યા છે.
રામચંદ્ર ગુહાને દેશ-દુનિયામાંથી વિવિધ પારિતોષિક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં 'લેપોલ્ડ-હિડી પારિતોષિક', 'ધી ડેઇલી ટેલીગ્રાફ/ ક્રિકેટ સોસાયટી પુરસ્કાર', 'ધી માલ્કમ એડિડેશિઆહ પારિતોષિક', 'ધી રામનાથ ગોએન્કા પુરસ્કાર', 'ધી સાહિત્ય અકાદેમી પુરસ્કાર', અને 'ધી આર. કે. નારાયણ પુરસ્કાર'નો સમાવેશ થાય છે. તેમને ઈ.સ. ૨૦૦૯માં 'પદ્મભૂષણ'થી નવાજવામાં આવ્યા હતા. ઈ.સ. ૨૦૦૮ અને ઈ.સ. ૨૦૧૩માં 'પ્રોસ્પેક્ટ' સામયિકે ગુહાને 'વિશ્વના પ્રભાવક બૌદ્ધિકો'ની યાદીમાં નામાંકિત કર્યા હતા. તેમને ઈ.સ. ૨૦૧૪માં યેલ યુનિવર્સિટીએ 'માનદ્ વિદ્યાવાચસ્પતિ'ની પદવી આપી હતી. તેઓ ઈ.સ. ૨૦૧૫માં 'ફુકુઓકા પારિતોષિક'થી સન્માનિત થયા હતા.
No comments:
Post a Comment