ગૂજરાત વિદ્યાપીઠનો ૬૩મો પદવીદાન-સમારંભ ૧૮ ઓક્ટોબર, ૨૦૧૬ ને મંગળવારના રોજ સવારના ૯:૩૦ વાગ્યે ગૂજરાત વિદ્યાપીઠના પ્રાણજીવન વિદ્યાર્થીભવનના પટાંગણમાં યોજાશે. આ પ્રસંગે વિખ્યાત ઇતિહાસકાર અને જીવનચરિત્ર-લેખક શ્રી રામચંદ્ર ગુહા દીક્ષાન્ત પ્રવચન આપશે.
ઇતિહાસ, રાજકારણ, લોકશાહી, ક્રિકેટ, પર્યાવરણ જેવા વિષયો ઉપર ગ્રંથલેખન કરનાર રામચંદ્ર ગુહા ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ અને ‘ગાંધી બીફોર ઇન્ડિયા’ જેવાં પુસ્તકોથી પ્રસિદ્ધ થયા છે. ‘પદ્મભૂષણ’ સહિત વિવિધ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પુરસ્કારો-પારિતોષિકોથી સન્માનિત રામચંદ્ર ગુહા ‘પ્રોસ્પેક્ટ’ સામયિક દ્વારા ‘વિશ્વના સૌથી વધુ પ્રભાવક બૌદ્ધિકો’ની સૂચિમાં નામાંકિત થયા હતા. યેલ, સ્ટૅનફોર્ડ, કેલિફોર્નિયા, ઑસ્લોનાં વિશ્વવિદ્યાલયોમાં અને ‘લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ’માં અધ્યાપનકાર્ય કરનાર રામચંદ્ર ગુહાને યેલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાવાચસ્પતિની માનદ્ પદવી પ્રાપ્ત થઈ છે.
ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ ડૉ. ઇલાબહેન ભટ્ટ પદવીદાન-સમારંભનું અધ્યક્ષપદ સંભાળશે. કુલનાયક ડૉ. અનામિક શાહ સ્વાગત-પ્રવચન અને કુલસચિવ ડૉ. રાજેન્દ્ર ખીમાણી આભારવિધિ કરશે. પદવીદાન-સમારંભમાં ૩૧૭ ભાઈઓ અને ૨૬૩ બહેનોને પદવી એનાયત થશે.
No comments:
Post a Comment